ખોટાબોલા હરણાં .
સ્માઈલરામ - સાંઈરામ દવે
ખોટું બોલવાનો એક ફાયદો છે કે તમારી યાદશક્તિ વધે છે. તમારે દરેક વાત અને દરેકને કહેલી વાત ફરજીયાત યાદ રાખવી પડે છે
ગુજરાત વિદ્યુત બોર્ડના સર્વે પ્રમાણે દર બે માણસમાંથી એક માણસ વીજ ચોરી કરે છે. PGVCL વાળાએ આવો સર્વે કર્યો છે. બાકી દરેક ક્ષેત્રના જો સર્વે થાય તો બધામાં આવીજ હાલત છે. દર બે દુકાનદારે એક જણો ભેળસેળ કરે છે, દર બે નેતાએ એક નેતા સેવાના નામે મેવા ઘરભેગા કરે છે, દર બે પોલીસવાળાએ એક પોલીસવાળો લોકોને ખોટી રીતે પજવે છે, દર બે ડોક્ટરે એક ડોક્ટર વધારાની દવાઓ આપે છે. દરેક ક્ષેત્રમાં આમતો આ ખોટાપણુ વાઈરલ થઈ ગયુ છે. દર બે લેખકે એક લેખક પણ ગોટે ચડાવે એવું જ લખે છે તો મને થયું મારે શું કામ સત્યને વળગી રહેવું જોઈએ એટલે સાવ ખોટા વિષય ઉપર સાવ સાચો લેખ તમે વાંચી રહ્યા છો.
સુરતના હળવાફૂલ કવિ છગનલાલ પીપળીયાએ ખોટા લોકોની સાચી કવિતા મોકલી છે લ્યો મમળાવો-
'ચણો ફોલ્યોને ગોટા નીકળ્યા, એકમાંથી બે ખોટા નીકળ્યા,
હિમાલય સામે ચાપ દબાવી શિવ પાર્વતીના ફોટા નીકળ્યા'
કેટલાક વ્યક્તિઓ ચણા જેવા હોય છે અને કેટલાક કોબી જેવા. તમે એને ગમે એટલા ખોલો તો'ય અંદરથી કાંઈ નીકળે જ નહીં. લગ્નના શુભપ્રસંગે પણ જૂની કબજીયાત જેવું મોં કરીને અમુક લોકો પહેલા સોફા ઉપર બેઠેલા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આવા લોકો શા માટે ઘરની બહાર નીકળતા હશે ? વળી તમે તેને ભૂલથી પૂછી બેસો કે કાકા કેમ છો ? તો એ કાકા ચંદન ઘો ની જેમ તમને ચોંટે અને 'અમારા જમાનામાં લગન બહુ સાદાઈથી થતાં આટલા ખોટા ખર્ચા નહોતા' એવી આખી પીડાપૂર્વક કહાની સંભળાવે હવે આપણને સાલ્લું એમ થાય કે અમે તો તમને વહેલા જન્મવાનું નહોતું કહ્યું ?
તમારે કશો ખર્ચ નથી કરવાનો, તમારી ફિક્સ ડિપોઝીટ કે ગ્રેચ્યુટી વાપરીને તો આ વરરાજો નથી પરણતો ને ? તો પછી કોકના પ્રસંગમાં સ્મિતવદને બેસતા શીખો એ પણ ચાંદલો જ છે હો ! પરંતુ હાલના યુગમાં ખોટું બોલવું એ જાણે અધિકાર થઈ ગયો છે. મેં એકવાર અતુલને ગોંડલના લેન્ડલાઇન ફોન ઉપર રીંગ કરી તો અતુલે ઉપાડીને કહ્યું 'બસ સ્ટેન્ડ છું સાંઇ હમણાં કરૂ !' 'આ લે લે ....!' મે કહ્યું અતુલ લેન્ડલાઇન ફોન ઉપર હો તો બસ સ્ટેન્ડ પર કેવી રીતે હોઈ શકે ? અતુલે ઉત્તર વાળ્યો સોરી સોરી યાર આ મોબાઇલની ટેવ છે એટલે બોલાઈ ગયું.
નવો બાવો જેમ ભભૂત વધારે ચોપડે નવી વહુ મેકઅપ વધું કરે, નવો ડ્રાઇવર લીવર બહુ મારે, નવા નેતા વચનો બહુ આપે, નવો પી.આઇ. ધોકા વધુ પછાડે એજ રીતે જ્યારથી નવી નવાઈના મોબાઇલ ફોન જીવનમાં એન્ટર શું થયા સાવ સાચુંકલા માણસો ખોટી બદામના થઈ ગયા. ક્યાં છો ? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માણસ દીઠ અલગ અલગ જ આપે છે 'તારા દિલમાં જ છું જાનુ !' આવો જવાબ દરેક પ્રિયતમ તેની પ્રેયસીને અથવા જેઠીયાઓ બબીતાને આપતા હોય છે.
'ક્યાં હોય ? જલસા તમારે છે અમેતો મજૂરી કરીએ છીએ' આવો જવાબ કંટાળેલા પતિદેવો તેની પત્નીને આપે છે. બસ પાંચ મિનિટમાં પહોંચ્યો આવા જવાબ આપનાર દરેક વ્યક્તિની પાંચ મિનિટ આશરે પિસ્તાલીસ મિનિટની હોય છે. ઘણા લોકો હોય ગાંધીગ્રામમાં પણ કહે ગાંધીનગર ! ટૂંકમાં અમુકને ગાંધીને વચ્ચે રાખીને જ ખોટું બોલવું હોય છે. કેટલાક લોકો બહુ ચાલાકીપૂર્વક ક્યાં છો ? નો જવાબ ગાંધીનગર છું બોલો ને ? એમ કહીને આપે છે. વળી એ ભાઈ પડોશીની વંડી આડા જ ઊભા હોય છે અને તેનું ટાલકુ પણ આપણને દેખાતું હોય છે.
બીજી એક વિશેષતા ગાંધીનગરનું નામ પડતાં સામેવાળા ત્રણ સેકેન્ડમાં ફોન કટ જ કરી નાંખે છે બધા એમ જ સમજે છે કે કોઈ માણસ ગાંધીનગર જાય એટલે એ સીધો મુખ્યમંત્રીની સામો જ બેઠો હશે. અરે વ્હાલા ગાંધીનગરમાં કેટલાય લટાર મારવા પણ જાય છે. અક્ષરધામની ખીચડી, ભાભીના ભજીયા અને પથીકાશ્રમની કોફી પીવા પણ આવે છે.
ટ્રાફિકમાં છું એ મોબાઇલ ઉપર બોલાતું બીજા નંબરનું ફેવરીટ જૂઠાણું છે. એક વાર એક વડીલને મેં ફોન પર કહ્યું કે ટ્રાફિકમાં છું તો અકોણા વડીલે સામો ચીટીયો ભર્યો કે લે ડાયરામાં મંદી આવી ગઈ ? ડાયરા છોડીને ટ્રાફિકમાં ક્યારે નોકરીએ લાગ્યા ? મેં ફોન જ મૂકી દીધો. 'રોડ ઉપર છું' એમ કહ્યું તો અકોણો કહે બસ આવી ગયા ? હવે આને શું કહેવું ?
ફેમિલીમાં કોઈ બીમાર છે અને સાસરિયામાં કોઈ અવસાન પામ્યુ છે આ બે જૂઠાણાં ફોગની જેમ બહોત ચલતા હૈ. વળી ગમે તે પ્રસંગમાંથી તમને નિર્દોષ રીતે છોડાવવા સક્ષમ છે. ખોટું બોલવાનો એક ફાયદો છે કે તમારી યાદશક્તિ વધે છે તમારે દરેક વાત અને દરેકને કહેલી વાત ફરજીયાત યાદ રાખવી પડે છે. સાચું બોલવાનો ફાયદો એ જ કે તમારે શું બોલ્યા એ કદી યાદ કરવું પડતું નથી.
સાચા બોલા હરણાની સુંદર વાત આપણે સૌ ભણી ગયા કે પારધી એક હરણને પકડે અને હરણ વિનંતી કરે કે મારા બાળકો ભૂખ્યા છે તેને જમાડીને હું આવીશ. પારધી તેની ઉપર દયા ખાઈને જવા દે ને સાચા બોલા હરણા પાછા આવી પણ જાય પરંતુ આ વાર્તા અત્યારે બને તો ? એ શિકારીની સાતમી પેઢી શિકાર કરવા જાય છે. ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આસામના જંગલમાં હરણનાં શિકાર માટે બેઠેલા એ બંદૂકધારીએ હરણા પર ગોળી છોડે એ પહેલાં હરણાને રિક્વેસ્ટ કરી પ્લીઝ પારધીજી લીસન ફોર વન સેકન્ડ ! (હરણું ભમ્જીઈ ઈંગ્લીશ મીડીયમ ભણેલું હતું ઓકે !) તમારા પેરેન્ટ્સે અમારા પેરેન્ટ્સને ચાન્સ આપી વિશ્વાસનો દાખલો બેસાડયો હતો.
તમે પણ ભરોસો રાખો મારા બાળકો ભૂખ્યા છે હું તેને જમાડી પરત આવું છું પછી તમે મને ગોળી મારી દેજો પ્લીઝ ! હરણાની વિનંતી સાંભળી શિકારીને પોતાના વડવાઓની વાત યાદ આવી પણ આતો કળયુગનો શિકારી તેને કહું બેન તારે બચ્ચાઓને જમાડવા જ છે એના માટે રૂબરૂ જવાની જરૂર નથી હું ઝોમેટો કે સ્વીગી માંથી બચ્ચા માટે ઓર્ડર કરી દઉં છું. હરણું મુંજાયું કે હવે શું કરવું ? પણ આ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હાઈફાઈ હરણું એમ કાંઇ પાછું પડે ?
હરણું કહે ઓકે બચ્ચા માટે પિત્ઝાનો ઓર્ડર કરી દો પણ મને બે મિનિટ માટે તમારો આઈફોન આપો હું છેલ્લી વાર બચ્ચા સાથે વિડીયો કોલ કરી લઉં ? શિકારીએ હરણા પર દયા ખાઈને પોતાનો આઈફોન આપ્યો એ ભેગા હરણે જરા દૂર જઈને શિકારીના લાસ્ટ ડાયલમાંથી તેની પત્નીને વિડીયો કોલ કર્યોને કહ્યું કે બેન તમારા પતિદેવ દીપિકા પદૂકોણે જેવી એક બાઈને જંગલમાં લઈને રખડે છે તમને શિકારના બહાને ઉલ્લુ બનાવે છે આતો ફોન હાથમાં આવ્યો એટલે બેન તરીકે રિંગ કરી છે.
શિકારીની વાઈફ ધૂંઆપૂઆ થઈ ગઈ મારા હસબન્ડને ફોન આપો અરજન્ટ હરણાંએ શિકારીને ચાલુ વિડીયોકોલે ફોન આપ્યો શિકારી પોતાની પત્નીનું મોં જોઈને શિકાર ભૂલી ગયો બાવીસ મિનિટ સુધી પતિ-પત્નીની માથાકૂટ ચાલી અને ફોન પૂરો થાય ત્યાં હરણું છનનન થઈ ગયું. શંકાના વિડીયોકોલે જીવનના કેટલાય હરણા આમ જ દાંપત્યજીવનમાંથી છટકી જ જાય છે ને ! શું ક્યો છો ? સાંઇરામ ના સ્માઇલરામ.......
ઝટકો
અગર જિએ ભી તો કપડા નહી બદન કે લીયે
મરે તો લાશ પડી રેહ ગઈ કફન કે લિયે
-ઉર્દુ શાયર ચકબસ્ત.