Get The App

બાળકોને થતા દમનો ઉપચાર

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
બાળકોને થતા દમનો ઉપચાર 1 - image


સુપાચ્ય પથ્ય ખોરાક લેતાં બાળકને દવાની જલ્દી અસર થાય છે અને લાંબો સમય કાળજી રાખવાથી કાયમ માટે સારુ થાય છે

મોટાને થાય છે એવો શ્વાસ રોગ બાળકોને પણ થાય છે. જેને બાળકોનો દમ કે શ્વાસ પણ કહે છે. આ રોગને શ્વાસ રોગ સાથે સરખાવી શકાય. આયુર્વેદમાં જુદા જુદા કારણોસર થતો પાંચ પ્રકારનો શ્વાસ બતાવેલ છે. એમાંનો એક તમક શ્વાસ છે. જેને બ્રોન્ક્રીયલ અસ્થમા સાથે સરખાવી શકાય. વાયુ અને કફ વધે એવા આહારવિહાર અને એલર્જીથી આ રોગ થાય છે. હાલમાં આ રોગનું પ્રમાણ બાળકોમાં વધ્યું છે કારણ કે, જીવનશૈલી બદલાઈ રહી છે. અનુકૂળતા હોય નહીં છતાં પરદેશના અનુકરણ પાછળ પાગલ થયા છીએ.

ચોકલેટ, આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, વાસી અને પચવામાં ભારે ખોરાકના સેવનથી મંદાગ્નિવાળાને શરદી, કફ અને શ્વાસ શરૂ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, કફપ્રદૂષ્ટ પ્રાણ સંરુધ્ધમાર્ગે સર્વતો વિમાર્ગગામીસન શ્વૈસતિ અનેનેતિ શ્વાસ. જે રોગમાં કફથી અતિદુષ્ટ બનેલ વાયુ પોતાના માર્ગો રોકાઈ જવાથી અવળે માર્ગે ચાલી શ્વાસ રોગ ઉત્પન્ન કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ વ્યાધિમાં વિકૃતિ કફ ઉપરાંત વિકૃત વાયુનું પણ એટલું જ મહત્વ છે. બાળકને આ રોગના ત્રાસમાંથી છોડાવવું હોય તો કફ અને વાયુ વધારે એવા આહારવિહારથી દૂર રાખવું. પાચન શક્તિ સુધારવી કારણ કે, ઓછા પચેલ ખોરાકમાંથી પણ કફ વાયુ થાય છે. સુપાચ્ય પથ્ય ખોરાક લેતાં બાળકને દવાની જલ્દી અસર થાય છે અને લાંબો સમય કાળજી રાખવાથી કાયમ માટે સારુ થાય છે.

હાલમાં દિનપ્રતિદિન બાળ દર્દીઓ વધી રહ્યા છે. શ્વાસની તીવ્ર અવસ્થામાં ઇન્હેલર પંપ લઈ શ્વાસમાં રાહત મેળવે છે, પરંતુ આથી રોગ જડમૂળથી જતો નથી, દબાય છે. શાંત થાય છે. આથી બાળક શરદી, કફ, ઉધરસથી પીડાતું રહે છે. શાંત થાય  છે ફક્ત શ્વાસ. સરવાળે બાળક નિરાશ થઈ જીવન વ્યવહાર ચલાવ્યે રાખે  છે. જેથી શારીરીક માનસિક વિકાસ પૂરતા પ્રમાણમાં થતો નથી. આ  વ્યાધિને જડમૂળમાંથી કાઢવા માટે ઘણાં નિર્દોષ ઔષધ આયુર્વેદમાં છે.  કોઇ બાળકને ચરમીયાથી આ રોગ થતો હોય છે. ગળપણ બંધ કરી કરમીયાના ઔષધો  આપવાથી સારુ થાય છે. ઇમરજન્સી વખતે ચિકિત્સકની સલાહ મુજબ કરવું.  શ્વાસનો હુમલો શાંત થયા પછી નીચેના ઔષધો લાંબો સમય આપવાથી પરેજી  પાળવાથી કાયમ માટે સારુ થાય છે.

કાયફળ, એરમંડમૂળ, કાકડાશીંગી, અજમો, કાળીજીરી, સૂઠ, મરી, પીપર. આ ઔષધો સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવવું. આમાંથી બાળકની ઉંમર પ્રમાણે ૨ થી ૪ રતિ ગોદંતી ૧ રતિ મેળવી મધ અને આદુના રસ સાથે સવારે સાંજે આપવું. દ્રાત્રિકદશાંગકવાથ (પ્રવાહી) ૧/૨ થી ૧ ચમચી પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવો. આ ઉપરાંત બઝારમાં મળતી ઔષધીઓ જેવી કે રસપીપરી, બાલાર્કરસ, કુમારકલ્યાણ રસ વગેરે ચિકિત્સકની સલાહ મુજબ લેવાથી બાળકનો દમ-શ્વાસ રોગ જડમૂળથી મટે છે.

કહેવાય છે કે, પંપ મારફત સ્ટીરોઇડ જેવી દવા લેવાથી શ્વાસનળીઓ પહોળી થવાથી આથી તુરત જ રાહત થાય છે. આ રીતે લેવાતી દવા લોહી સાથે ભળતી નથી એટલે લાંબો સમય લેવાથી આડઅસર થતી નથી. આવું સાંભળી વિચાર આવે છે કે, મહિલા ધુમ્રપાન કરતી હોય નહીં પણ પુરુષ ઘરમાં બીડી કે સીગારેટ પીતો હોય, એવા ધુમાડા શ્વાસમાં જવાથી મહિલાને પણ કેન્સર થવાની શક્યતા હોય છે. આવો વિદ્વાનોનો મત છે. આવું જ કંઇક ઇન્હેલરથી બનશે ખરું ? છૂટથી વપરાતા ઇન્હેલર-પંપના ગંભીર પરિણામો વિષે દસ વર્ષ પછી જાણવા મળશે, ત્યાં સુધીમાં બાળકોને કેટલું નુકશાન થયું હશે એની કલ્પના કરી જુઓ.

Tags :