Get The App

સુંદર આરોગ્ય માટે રસાયણ ઔષધોનું સેવન કરો

Updated: Nov 19th, 2019

GS TEAM

Google News
Google News

ઔષધો રસાયન, જઠરાગ્નિ પ્રદિપ્ત રાખનાર, ત્રિર્દોષ અને સપ્તધાતુને સમતોલ રાખનાર હોવાથી નિત્ય સેવન કરવામાં કોઈ આડઅસર થતી નથી દુઃખમે હરીકો સબ ભજે, સુખમે ભજે નહિ કોઈ, સુખમે હરીકો જો ભજે તો દુઃખ કાહેકો હોય.

સા માન્ય રીતે દુઃખના દિવસોમાં ભગવાનની ભક્તિ સૌકોઈને યાદ આવે છે. આવું જ કંઈક આરોગ્યની બાબતમાં અવારનવાર જોવા મળે છે. બિમાર પડયા પછી દોડધામ વધી જાય છે અને આરોગ્યના નિયમોની કાળજી પણ લેવામાં આવે છે. ખરેખર તો સારું આરોગ્ય હોય, તંદુરસ્તી સારી હોય ત્યારે આરોગ્યના નિયમોનું પાલન કરવામાં આવે તો સારું આરોગ્ય ચાલુ રહે છે એટલું જ નહીં ઘડપણ પણ ઘણું જ મોડું આવે.

આજે સરેરાશ આયુષ્ય વધ્યું છે એ હકીકત છે છતાં ભારતના સુવર્ણકાળમાં જે આયુષ્ય હતું એનાથી ઘણાં પાછળ છીએ આજે ૪૫ વર્ષ પછી મોટાભાગની વ્યકિતઓ એકાદ બે દવાઓ લઈ રોગના ડર નીચે જીવતી હોય છે. એસિડીટી, લીવરના રોગો, પાચનને લગતાં રોગો, હાઈ બ્લડપ્રેશર, ડાયાબીટીસ શરદી, એલર્જી, આર્થાઇટિસ, માનસિક રોગો વગેરેમાંથી એકાદ રોગના ભોગ, મોટાભાગની વ્યકિત બનેલી હોય છે આના કારણે ઘડપણ વહેલું આવે છે.

બાળપણમાં વધારે પડતાં લાડકોડથી ઉછેરવામાં મા- બાપે કરેલી ભૂલથી, યુવાવસ્થામાં આરોગ્યનું ધ્યાન રાખ્યા વિના વધારે પડતી મોજમસ્તીથી જીવન વીતાવવાથી વૃધ્ધાવસ્થાનાં લક્ષણો વહેલાં એક પછી એક શરૂ થાય છે. આ ઘડપણ વહેલું શરૂ થાય નહીં એ માટે એક વનસ્પતિ યોગ અહીં રજુ કરીએ છીએ. ૪૦ વર્ષની ઉંમરે પહોંચેલી વ્યકિત નિયમિત લેવાનું શરૂ કરે તો વૃધ્ધાવસ્થાનાં લક્ષણો અટકી જશે.

ગળો, ગોખરૂ, આમળાં, હરડે, ચાલીસા, જેઠીમધ, શંખપુષ્પી, પુનર્નવા, શતાવરી, અશ્વગંધા, વરધારો, મેથી, સીમળા મૂળની છાલ સરખે ભાગે લેવા. આમાંથી આમળાં છાયે સૂકવી વાપરવા, હરડે ચાલીસાનું ઘેર ચૂર્ણ બનાવવું. આમળા ખમણી સૂકવી રાખવા. આમાંથી જરૂર મુજબ ચૂર્ણ બનાવી ઉપયોગ કરવો. દરેક સરખે ભાગે લઈ બારીકચૂર્ણ બનાવવું.

અથવા દરેકનું બારીકચૂર્ણ મેળવવું. આમાંથી દરરોજ એક કે બે વખત ૩થી ૬ ગ્રામ દૂધ સાથે નિયમિત લેવું. પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય એવા આહારવિહારનું સેવન કરવું. આ ઔષધો રસાયન, જઠરાગ્નિ પ્રદિપ્ત રાખનાર, ત્રિર્દોષ અને સપ્તધાતુને સમતોલ રાખનાર હોવાથી નિત્ય સેવન કરવામાં કોઈ આડઅસર થતી નથી. લાંબો સમય કે કાયમ શરૂ રાખવાથી ઘડપણના લક્ષણો ઘણાં જ મોડાં શરૂ થાય છે. શરીર સુંડોળ અને ચામડી અરુક્ષ રહે છે. કરચલીઓ બિલકુલ પાછલી ઉમરે પડે છે. ટટ્ટાર ચાલી શકાય છે. દષ્ટ્રિ, કાન, મગજ સુંદર કામ કરે છે.

ડાયાબીટીસ, હાઈબ્લડપ્રેસર, પ્રોસ્ટેટવૃધ્ધિ, લીવરના રોગો, હાઈકોલોસ્ટેરોલ અને પાંડુ (એનિમિયા) નાદર્દીઓ પોતે લેતાં હોય એ ઔષધો સાથે આ યોગ શરૂ કરી શકે છે. પોતાનો રોગ કાબૂમાં લેવામાં મદદરૂપ થશે અને ઘડપણ દૂર ધકેલાશે. આ ઔષધ યોગ સાથે યોગાસનો નિયમિત કરવાથી, ખોરાક લેતાં હોઈએ એ પ્રમાણે શ્રમ કે હળવી કસરત કરવાથી આ યોગનું પરિણામ ઝડપી બને છે.      

 - શાંતિભાઈ અગ્રાવત