Get The App

મારી આંખે કંકુના સૂરજ... .

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
મારી આંખે કંકુના સૂરજ...                            . 1 - image

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આંખની સામે પોતાનો સૂરજ આથમતો જોવો એનો આભાસ થવો એ નાનીસૂની વાત નથી

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મારી વ્હેલ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,

ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ

રે હણહણતી મેં સાંભળી સુવાસ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મને રોકે પંછાયો એક ચોકમાં,

અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો

મને વાગે સજીવી હળવાશ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

- રાવજી પટેલ

ક વિ રાવજી પટેલ એ ગુજરાતી ભાષાનું ગૌરવવંતુ નામ છે ૨૦૧૮ની સાલમાં ઓગસ્ટ મહીનામાં એમની પુણ્યતિથીને ૫૦ વર્ષ થશે આજે પચાસ વર્ષે પણ આ ગુજરાતી કવિ ગુજરાતી સાહિત્યમાં કવિ કલાપી જેટલા જ લોકપ્રિયતાના શીખરે છે. બંનેનું આયુષ્ય ઓછું પણ બંનેએ ગુજરાતી ભાષામાં મુઠ્ઠી ઊંચેરું કામ કર્યું છે. રાવજી પટેલ ગુજરાતી ભાષામાં જે કાવ્યો રચ્યા છે તેમાં ધરતીની ભાષા છે. કૃષિ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ગુજરાતી ભાષાના ઉત્તમ દસ ગીતોની જો યાદી બનાવી તો તેમાં તરત મૂકવું પડે એવું આ ગીત છે. ગુજરાતી ભાષાના આ વિલક્ષણ સર્જક ખૂબ નાની ઉંમરે અવસાન પામ્યા. પણ વર્ષો સુધી ગુજરાતીઓ યાદ કરે તેવું સર્જન કરતા ગયા છે.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ ગીતનું એક શિર્ષક આભાસી મૃત્યુનું પણ છે. લગ્નગીતના લયમાં લખાયેલું આ મૃત્યુ વિશેનું ગીત છે. લગ્નના વયમાં મૃત્યુની વાત એ પોતે જ એક મોટો વિરોધાભાસ છે. જો કે આ ક્ષણે સૈફ પાલનપુરીનું 'પ્રેમના તબક્કાઓ' વાળું કાવ્ય સહજ યાદ આવે. માણસ જીવનમાં ઓફિશિયલી ત્રણ વાર પ્રેમ કરે છે. પહેલીવા ઢીંગલી સાથે, બીજી વાર પ્રિયતમા સાથે અને ત્રીજો છેલ્લીવાર પ્રેમ મૃત્યુ સાથે મૃત્યુ સાથેના પ્રેમમાં વિરહને કોઈ અવકાશ જ હોતો નથી.

આંખની સામે પોતાનો સૂરજ આથમતો જોવો એનો આભાસ થવો એ નાનીસૂની વાત નથી. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...આ ગીતથી આપણે પરિચિત છીએ. પણ અહીં કંકુનો સૂરજ ઊગવાની નહીં આથમવાની વાત છે. હવે ચાલી નીકળવાનો સમય થઈ ગયો છે. ખૂટતા જતા શ્વાસોને થોડાક છેલ્લે-છેલ્લે સંકોરી લેવાના છે. શ્વાસ અજવાળું પહેરીને ઊભા છે. આ અંધારા જીવનમાંથી અજવાળા તરફની ગતિની વાત છે. ફરી ન્હાનાલાલનું કાવ્ય યાદી આવી જાય.

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,

મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા.

મૃત્યુ, અંધારું, અસત્ય એ એકબીજાના પર્યાય છે. પરમસત્ય, પરમતેજ, અમૃત તત્ત્વ એ એકબીજાના પર્યાય છે. મૃત્યુના અનુભવ વિશે કોઈએ કશું ખાસ લખ્યું નથી કારણ કે મોટાભાગે મૃત્યુની ક્ષણોમાં માણસ કોમામાં સરી જાય છે કાં તો શબ્દો છૂટી ગયા હોય છે. આંખની સામે પોતાના રાજ ડૂબતા દેખાય છે અને કોઈક મ્હેંક હણહણતા અશ્વની જેમ જાણે ઊભી હોય છે.

જીવ સહજ રીતે જતો નથી. કેટકેટલા આ પૃથ્વી ઉપરના, કુદરતના સંસારના સગપણો અને માયા રોકતા હોય છે. એક પડછાયો જતા પ્રાણને રોકતો હોય છે. એના અવાજથી એના પગના ઝાંઝરથી એ પ્રિય પાત્ર ન જવા માટે આંખોથી કેવી વિનંતી કરતું હશે ! શરીરથી છૂટીને પ્રાણ હળવો થવા માંગતો હોય છે. લેણદેણ ઋણાનુબંધના સરવાળા સરભર થવા માગતા હોય છે પરંતુ એ સજીવી હળવાશ ઝાંઝરી વાગે તેવી હોય છે જીવન પૂરું થયું છે અને મૃત્યુ હજી આવી રહ્યું છે. સૂર્યને સંબંધ સૌભાગ્ય સાથે છે. અને એ આથમતા સૌભાગ્યને સગી આંખે પોતાએ જ પોતાના જીવનમાં અનુભવવું એ મહામૃત્યુની ઘટના છે. જીવતે જીવત મૃત્યુ પામીને દ્વારા ભાવ રૂપાંતરીત થઈ જવાની ઘટના છે.

ગુજરાતી ભાષાના આ સર્વશ્રેષ્ઠ ગીત તરક કવિ રાવજી પટેલ સ્મારકના દ્રષ્ટા અને સર્જક કે.બી. શાહે એક સુંદર વાક્ય કહ્યું છે કે, ''આજે રાવજી પટેલને મૃત્યુ પામે ભલે ૫૦ વર્ષ થયા પરંતુ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ કાવ્ય ગુજરાતી ભાષા હશે ત્યાં સુધી ટકવાનું છે.'' ડાકોરથી દસેક કિલોમીટર દૂર વલ્લવપૂરા ગામે રાવજી પટેલનો જન્મ. રાવજી રાવજીનું રટણ કરનારા ઘણાં હશે પરંતુ ટીબીનું દર્દ અને આર્થિક તંગીમાં ઝઝૂમનાર રાવજી પટેલ તરફ જીવતે જીવત લોકોનું એટલું ધ્યાન નથી ગયું. જે સર્જન કર્યું છે જે પુસ્તકો પ્રગટ થયા હશે એનો પુરસ્કાર પણ એ વખતે નથી મળ્યો. વૃક્ષ વેચીને દીકરીને પરણાવવી પડે એ પરિસ્થિતિ રાવજી પટેલની અશ્રુધર નવલકથા વાંચવા જેવી છે. અક્ષરે અક્ષર વાંચવા જેવો છે. તેમાં લખેલી એક કાવ્યપંક્તિની વાત કરું તો....

ગયા ભવના ખીલા

કળે છે છાતીમાં...

ટીબીનો રોગ, છાતીમાં પીડા પણ એથીએ વધારે ઊંડે સમજણ આવી હશે ત્યારથી કેટલી પીડા હશે ! ડાકોરના રસ્તે રાવજી પટેલનું સ્મારક છે. ખેડૂતની ભાષામાં ધરતીનો શબ્દ કંઈ રીતે કવિતા બને છે તે રાવજીના કાવ્યોમાં જોવા મળે છે. સારસીવાળું કાવ્ય સમજાયા વગર હૃદયના અને ધરતીના ધબકારા ઝીલતો માણસ સહજ સમજી શકે તેવું છે.

એક બપોરે ખેડૂત જમવા માટે જે રોટલો અને છાશ લઈને બેસે છે અને એ જ ક્ષણે સારસી ઊડી જાય છે. ખેતરના શેઢેથી ઊડી જાય છે. કહેવાય છે કે સારસ અને સારસી અલગ નથી રહી શકતા આજે સારસી ઊડી ગઈ છે. અચાનક હવે ઢોચકીમાં છાશ પાછી રેડી દેવી છે. હવે જમવાનું મન નથી. ભરબપોરે ઊડી ગઈ છે. જીવનના મધ્યાહને ઊડી ગઈ છે.

 હવે ચલમની તમાકુમાં ય કસ નથી લાગતો. ચલમમાં ભરવા માટે જે અગ્નિ પ્રગટાવ્યો હતો એય ઠારી નાંખવો છે. બસ હવે બને તો આ મહુડાના ઝાડ નીચે પડયા રહેવું છે. સૂઈ રહેવું છે. ભલે ખેતરમાં ગળા સમાણું ઘાસ ઊગી જાય હવે ખેતી નથી કરવી. જે સારસીની માયા હતી એ સારસી તો ખેતરના શેઢેથી ઊડી ગઈ.

એક બપોરે

મારા ખેતરને શેઢેથી

લ્યા ઊડી ગઈ સારસી !

મા,

ઢોચકીમાં છાશ પાછી રેડી દે.

રોટલાને બાંધી દે.

આ ચલમની તમાકુમાં કસ નથી,

ઠારી દે આ તાપણીમાં

ભારવેલો અગની

મને મહુડીની છાંય તળે

પડી રહેવા દે.

ભલે આખું આભ રેલી જાય,

ગળા સમું ઘાસ ઊગી જાય,

અલે એઈ

બળદને હળે હવે જોતરીશ નંઈ....

મારા ખેતરને શેઢેથી -