Magazines

નવ કરશો કોઈ શોક... .

By GS TEAM
26 May 20265 mins read
નવ કરશો કોઈ શોક...                                     .

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આપણે જે કર્મો કરીને જઈએ છીએ, આપણે જે સર્જન કરીને જઈએ છીએ તેના દ્વારા જ આ જગત આપણને યાદ કરતું હોય છે

અવસાન સંદેશ

નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી રસિકડાં.

પ્રેમી અંશને રૂદન આવશે, શઠ હરખાશે મનથી રસિકડાં.

મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી રસિકડાં.

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી રસિકડાં.

હતો દુખિયો થયો સુખિયો સમજ્યો છૂટયો રણથી રસિકડાં.

મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થયો જગતમયી રસિકડાં.

હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી રસિકડાં.

વીરસત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી રસિકડાં.

જુદાઈ-દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી રસિકડાં.

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રૂદનથી રસિકડાં.

જગતનીમ છે જનમ-મરણનો દૃઢ રહેજો હિંમતથી રસિકડાં.

મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી રસિકડાં.

- નર્મદ

ક વિ નર્મદ વિશે ગાંધીજીના શબ્દો જોઈએ. 'નર્મદાશંકર ને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી જ કેમ ગણાય ? મને તેનો પરિચય બાળપણથી જ થયો હતો. 'સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે' ગાતાં થાક જ ન લાગે. ત્યારે આરંભાયેલો રાગ દક્ષિણ આફ્રિકામાં પાકો થયો. ગીતાનો પૂજારી તો હું થઈ ચૂક્યો હતો, પણ નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતા માતાની ભક્તિ દ્રઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું. મને દુ:ખ એ જ રહી ગયું કે મારી અનેક પ્રવૃત્તિએ મને નર્મદાશંકર જેવા લેખક અને કવિનો પણ હું ઇચ્છું તેટલો પરિચય ન કરવા દીધો.'

ગુજરાતી ભાષાના આદ્ય સર્જકો એટલે નર્મદ અને દલપત તેમના સમયગાળાને સુધારક યુગ તરીકે ઓળખાવામાં આવે છે. સુધારક યુગ એટલા માટે કે નર્મદ અને દલપતની પહેલા ગુજરાતી ભાષામાં ભક્ત કવિ દયારામ સુધી કવિતાઓ ધાર્મિક ભાવનાથી વિશેષ લખાયેલી હતી. આત્મલક્ષી કવિતા, પ્રકૃતિની કવિતા, સમાજને લગતી કવિતાઓનો આરંભ નર્મદ-દલપતના સમયથી થયો. આ સમયે બાળલગ્ન થતા હતા. અંધશ્રદ્ધા અને વ્હેમથી સમાજ પીડાતો હતો. શિક્ષણ હતું નહીં. અને આવા સમયે ભારત દેશમાં અંગ્રેજોને કારણે શિક્ષણપ્રથા બદલાય છે. સમાજની કુરૂઢિઓ સામે બંડ પોકારવો અનિવાર્ય બની જાય છે. આ સમયે જે ૩૦-૩૫ સર્જકો તેમના સાહિત્ય દ્વારા ગુજરાતને ઢંઢોળે છે, જગાડે છે, બેઠું કરે છે, આગળ ધપાવે છે તેમાં નર્મદ, દલપત, નવલરામ પંડયા, કવિ બહેરામ મલબારી વગેરે મહત્વના છે.

સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,

યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ કાવ્ય ગાંધીજી હોંશેહોંશે ગાતા હતા. આજના સાહિત્યકારો નર્મદની એક પંક્તિ ઉપર કુરબાન છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. એ પંક્તિ જોઈએ :

ઝટ ડહોળી નાખો રે મનજળ થંભ થયેલું.

મનનું જળ હવે ખૂબ ઝડપથી ડહોળી નાંખો એ જરૂરી છે કારણ કે આ મનજળ થંભી ગયું છે. અહીં થંભી જવું એટલે સ્થિર થઈ જવું એમ અર્થ નથી. અહીં થંભી જવું એટલે મનનું પાણી બંધાઈ અને ગંધાઈ ગયું છે એ અર્થ છે. નર્મદનું કાવ્ય 'અવસાન સંદેશ' ગુજરાતી ભાષાના અવસાન સંદેશ નિમિત્તે લખાયેલા કાવ્યોમાંનું એક મહત્વનું કાવ્ય છે.

આપણે માનીએ છીએ કે આપણા મૃત્યુ પછી આપણી પાછળ શું શું થશે ક્યાં તો કેવું-કેવું કરવામાં આવશે ? અહીં પણ એ જ વાત કરવામાં આવી છે. કોઈના પણ મૃત્યુ પછી એ વ્યક્તિના વિરહને કારણે દુ:ખ અપાર થાય છે. પણ તેની પાછળ શોક ન કરવો, તેના ગુણની ચર્ચા કરવી, ઇશ્વરનું સ્મરણ કરવું એ જ સર્વોત્તમ રસ્તો છે. હું મારી સાથે જોડાયેલા રસિક મિત્રો મારી પાછળ કોઈ શોક ન કરતા. નર્મદ જ્યારે આવું કહે છે ત્યારે તેની પાછળ એક મોટો વર્ગ ચાહકોનો મુકતો જાય છે તેને આ વાત કરે છે. નર્મદે નિબંધો લખ્યા છે. પિંગળશાસ્ત્ર લખ્યું છે. કવિતાઓ લખી છે. લેખ લખ્યા છે. બે બે મેગેઝિનો ચલાવ્યા છે. નાટકો લખ્યા છે. નર્મકોષ લખ્યો છે. ગુજરાતી ભાષાના જે પાયાના કામ કહેવાય એ પાયાના કામ સતત થાક્યા વગર તેણે કર્યા છે અને છતાં નર્મદ જુઓ કે જણાવે છે કે મેં યથાશક્તિ જે સેવા થઈ શકે તે કરી છે. આપણું મૃત્યુ થાય ત્યારે શું બનતું હોય છે ? આપણા સ્નેહીજનો રૂદન કરતા હોય છે અને દુશ્મનો મનથી હરખાતા હોય છે. ક્યાંક પીડા હોય છે અને ક્યાંક આવી સ્મશાનયાત્રામાં પરાણે જવું પડતું હોય છે એની ચીડ અને કંટાળો હોય છે.

પણ કવિ અંગત રીતે તો પોતાના મૃત્યુને સારું ગણે છે. આ ભવરણમાં કોઈ સુખી નથી. જીવ્યો ત્યાં સુધી તો દુ:ખી જ રહ્યો છું. હવે હું મૃત્યુ પામીને સુખી થઉં છું. હું તો મૃત્યુ પામ્યો અને તમે આ મારા મૃત્યુમાંથી બોધ લેજો કે તમે પણ એક દિવસ મૃત્યુ પામવાના છો. નામ છે તેનો નાશ થવાનો જ છે. પરંતુ આપણે જે કર્મો કરીને જઈએ છીએ, આપણે જે સર્જન કરીને જઈએ છીએ તેના દ્વારા જ આ જગત આપણને યાદ કરતું હોય છે.

નર્મદની બે-ત્રણ વિશેષતાઓ હતી. એ જોસ્સાના માણસ હતા. સત્યવાદી હતા. સત્યવાદી પણ કેવા તેમની આત્મકથા 'મારી હકિકત' વાંચવા જેવી છે. પોતાની સાથે સંકળાયેલા વ્યક્તિને અપયશ ન મળે તે રીતે પોતાના જીવનના બધા જ પાના તેમણે ખોલી આપ્યા છે. ગાંધીજીની આત્મકથા પહેલા ગુજરાતી ભાષામાં લખાયેલી નિર્ભિક આત્મકથા એટલે 'મારી હકીકત'. તે સ્વભાવે રસિક હતા. અને જે સંકલ્પ કરતા હતા એ સંકલ્પ છેક સુધી પાળતા હતા. નર્મદ કહે છે કે મારા આટલા ગુણોને કારણે તો મારા દુશ્મનો પણ મને હૃદયથી યાદ કરશે. પ્રિય વ્યક્તિ સાથેની જુદાઈ જીંદગીમાં ક્યારેય ભૂલાતી નથી હોતી. એ દુ:ખ માત્ર મૃત્યુથી જ શમતું હોય છે. નિયમ એ છે કે જે પ્રેમી છે તેને મૃત્યુ મોડું જ આવે છે. અને જેટલું રડીએ એટલું દુ:ખ વધારે થતું હોય છે. એટલા માટે જ હે રસિકડાઓ મારા મૃત્યુ પાછળ કોઈ શોક ન કરતા. જન્મ-મરણ તો જગતનો નિયમ છે. મૃત્યુ સમયે શોકમાંથી બહાર આવવા ઇશ્વરનું સ્મરણ શ્રેષ્ઠ છે.