જિંદગીના રહસ્યો વિશે કોઈ કંઈ કહેતું નથી... .

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- માણસો ઓછા થઈ જાય અને કોઈને પડી ના હોય એ નગરમાં ઝાડ કપાઈ ગયું તો કપાઈ ગયું. કોને કેટલી પડી હોય ?
ગુલમહોર
લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પૂછું છું બારને-બારીને-ભીંતને-
લાલ નળિયાં-છજાં-ને વળી ગોખને-
રાત દિ' ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
કૈં જ ખૂટયું નથી, કૈં ગયું પણ નથી,
જરઝવેરાત સહુ એમનું એમ છે !
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કેટલાં વર્ષથી સાવ કોરાં પડયાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પાછલી રાતની ખટઘડીએ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ -
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ
કહેતું નથી.
- મનોજ ખંડેરિયા
ગુજરાતી ગઝલનું એક કિંમતી નામ એટલે મનોજ ખંડેરિયા. નખશીખ ગઝલકાર કવિ. મને યાદ છે મારા જીવનનો પહેલો મુશાયરો. ૧૯૭૦-૭૫ની સાલમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે મનોજ ખંડેરિયાના સંચાલનમાં જીવનની પહેલી ગઝલ રજૂ કરેલી અને ત્યારથી એ મખમલી અવાજના સર્જકની કવિતાઓએ એક કામણ કરેલું હતું. આપણે આધુનિક જીવનમાં તેની દોડધામમાં એટલા ડૂબી ગયા છીએ કે આપણી આસપાસનું ઘણું બધું ગૂમ થઈ જાય છે અને છતાં આપણું એ તરફ ધ્યાન પણ જતું નથી. આપણે રોજ કેટકેટલું ગુમાવી રહ્યા છીએ એની આપણને ખબર જ નથી. ખરેખર તો કોઈને કોઈ વાતની પડી જ નથી. ઘણાં વર્ષો પહેલાં એક ટૂંકી વાર્તા વાંચ્યાનું યાદ છે તેમાં વતનથી દૂર રહેતો શહેરમાં જીવન જીવતો મોટો ભાઈ કેટલો બધો બદલાઈ ગયો છે તેની વાત તેમાં હતી. એક મહિના પહેલાં જ અવસાન પામેલા નાના ભાઈને પણ એ પત્રમાં યાદ કરી લે છે અને એને યાદ આપવાનું લખે છે. ક્યારેક સર્જક કવિઓ વાત વધારીને કરતા હોય એવું લાગે. પણ ખરી વાત તો એ છે કે આપણી સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ છે.
ઉનાળામાં ગુલમહોર અને ગરમાળો બંને કુંભ રાશી. લાલઘૂમ તાપમાં એટલા સુંદર ખીલેલા હોય છે કે ઉનાળાને પણ પોતાનું આગવું સોંન્દર્ય છે તેનો અનુભવ થાય. શહેરોમાં રોજ બિલ્ડીંગો બનતા રહે છે રોજ રસ્તાઓ પહોળા થતા રહ્યાં છે. કામધંધાના સ્થળે પહોંચવાની ઉતાવળમાં આપણને એ પણ ખ્યાલ નથી રહેતો કે આપણા રોજના રસ્તે શું-શું રોજ બદલાતું રહે છે. આટલી સળગતી ગરમીમાં પોતાના તોરમાં મસ્તીથી ખીલેલો એક સુંદર ગુલમહોર હતો એ ક્યાં ગયો એ કોઈ કહેતું નથી. એના લાલ ફૂલ આંખો ખેંચતા હતા વટેમારગુઓ એના છાંયડે થાક ખાતા હતા પણ એ ગુલમહોર અચાનક કપાઈ જાય છે રાતોરાત ભરાઈને ગુમ થઈ જાય છે. જે નગરમાં માણસો ઓછા થઈ જાય અને કોઈને પડી ના હોય એ નગરમાં ઝાડ કપાઈ ગયું તો કપાઈ ગયું. કોને કેટલી પડી હોય ? અને પડી હોય તો પણ ક્યાં એટલો ટાઈમ છે કે તેના વિશે પૂછપરછ કરવા કે ફરિયાદ કરવા જાય.
માત્ર ગુલમહોર ગુમ નથી થયો. લાગણીશીલ વ્યક્તિને ગામ અને શહેર કેવા મૂળમાંથી બદલાઈ ગયા છે એની પીડા બેચેન બનાવી મૂકે છે. વિહવળ થઈને કવિ એકેએક ઘરના બારણાને, બારીઓને, ભીંતને, નળિયાઓને તેના છજાને, ઘરના એકેએક ગોખલાને દોડી-દોડીને પૂછે છે કે જે ટોડલે બેસીને ટહૂકાઓ કરતો તો એ મોર ક્યાં ગયો ?
મારે ટોડલે બેઠો મોર
મોર ક્યાં બોલે ?
સદીઓથી મોર ક્યાં બેઠો છે અને ક્યાં બોલે છે એ હૃદય સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે.
પ્રત્યેક પળે આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. બાળપણ ક્યાં ચાલ્યું ગયું, યુવાની કેટલી ઝડપથી વીતી કંઈ જ ખબર નથી પડતી. હજુ આપણે આપણા બાળપણને યાદ કરતા હોઈએ છીએ અને અચાનક જાણે ઘરડા થઈ ગયા હોઈએ તેમ અનુભવીએ છીએ. માનતા રહીએ છીએ કે આપણે સલામત છીએ. જીવનમાંથી કંઈ જ ખૂટયું નથી. જીવનમાંથી કંઈ જ ગયું નથી. બેન્ક બેલેન્સ હોય કે માલમિલકત હોય, ઘરેણાં હોય કે મોટરો બધું એમનું એમ છે અને તેમ છતાં સમયરૂપી અદ્રશ્ય મોર આપણા જીવનનો એ આનંદ, એ શાંતિ, એ પ્રેમ, એ આયુષ્ય ચોરીને ક્યાં ચાલ્યો ગયો કોઈ કહેતું નથી. કોઈ જાણતું નથી. કોઈને આ વાતની કશી ખબર જ નથી.
કવિ એક પછી એક ઝીણી-ઝીણી વાતો અને ઘટનાઓ તરફ આપણું ધ્યાન દોરી રહ્યાં છે સાવ સૂની બપોરે ફળિયાને પોતાના ટહૂકાઓથી ભરી દેનારો, આંખોમાં કોઈ યાદથી આંસુ ભરીને અચાનક ગૂમ થઈ ગયેલો એ શકરખોર એક જાતનું સુંદર પક્ષી એ ક્યાં ચાલ્યું ગયું ? એ કોઈ કહેતું નથી.
હવે પહેલા જેવો વરસાદે નથી પડતો. આપણા બધાના ઘરોમાંથી ધોધમાર વરસાદ પડયા પછી એક સમયે નેવા ટપકતા હતા. હવે તો નેવા શબ્દ પણ અઘરો થઈ ગયો છે, આ નેવાથી પાણી ટપકતું હતું. હવે આપણા જીવનનો ખાલીપો, આપણા ઘરનો ખાલીપો ત્યાંથી ટપકતો રહે છે. હવે કેટલાય વર્ષોથી ઘરના એ નેવા સાવ કોરા થઈ ગયા છે.
એ વરસાદ ક્યાં ચાલ્યો ગયો એ કોઈ કહેતું નથી.
બાળપણમાં આપણે કેટલા સુંદર હતા. જિંદગી કેટલી સુંદર અને સુખથી ભરેલી હતી. જિંદગીના એ ચેહરા ઉપર જેમ જેમ સમજણા થતા ગયા તેમ તેમ માત્ર અને માત્ર ઉઝરડાઓ જ પડતા ગયા. હજારો ઉઝરડાઓ પડયા છે. હવે રૂપાળો ચહેરો અને રૂપાળું હૃદય માત્ર ઉઝરડાઓથી ભરાઈ ગયું છે. કયા સંબંધોએ, કયા માણસોએ, કયા પ્રસંગોએ, કઈ લાગણીઓએ કેવા ઉઝરડાઓ ભર્યાં એ ખબર જ ના પડી. ચોર પગલે, છાનાં પગલે જાણે દરેક જણ આવીને ઉઝરડાઓ જ પાડી ગયું અને કોઈને આ વાતની જાણે કશી ખબર જ નથી.
જૂનાગઢ અને ગિરનારની એ વિશેષતા છે કે હજારો વર્ષથી એ પ્રત્યેકના હૃદયને ખેંચતો આવ્યો છે. જૂનાગઢ, નરસિંહ મહેતા, દામોદર કુંડ, કેદારો રાગ વહેલી સવારે ઝૂલણા છંદમાં પ્રભાતિયાં ગાતાં-ગાતાં નીકળતા નરસિંહ મહેતાના પદધ્વનિ કેટકેટલું યાદ આવે. બધું જ એનું એ જ છે છતાં કશું જ નથી. એ સવારો ક્યાં ચાલી ગઈ કોઈ કહેતું નથી. ગુજરાતી ભાષાની યાદગાર ગઝલોમાંથી આ એક છે.








