ભીતરની મુસાફરી કરાવતી મુસાફરની ગઝલ

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- આપણને એ ખબર જ નથી કે સુખ ક્યાંય બહાર કોઈ વસ્તુઓમાં નથી
મુસાફર
ક્યાં જાવું છે દૂર, મુસાફર,
ભીતર રસ ભરપૂર, મુસાફર !
અવળી-સવળી ઇચ્છાઓનું,
ઓળંગી જા પૂર, મુસાફર !
દીવો લઈને શોધ નહીં તું,
નામ જ એનું નૂર, મુસાફર !
મસ્તીમાં જ સનાતન એની,
છે કણ કણ ચકચૂર, મુસાફર !
સપનામાં આવ્યોતો સાહિબ,
મળશે ક્યાંક જરૂર મુસાફર !
- કિરીટ ગોસ્વામી
ભા રત એક એવો દેશ છે જ્યાં ડગલે અને પગલે નાનામાં નાના ગામડાના ચોરા ઉપર, ટ્રેનમાં, બસોમાં કરિયાણાવાળાની દુકાનેથી લઈને યુનિવર્સિટીઓમાં તત્વજ્ઞાનની, ફિલોસોફીની વાત થયા જ કરતી હોય. બાળપણમાં અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં બેસીને જતો. આખી ટ્રેન રીઝર્વેશન વગરની. લોકલ ટ્રેન. વેકેશનના દિવસોમાં ખૂબ ગીરદી હોય પણ ધીરે-ધીરે સૌને બેસવાની અને સામાન મૂકવાની જગ્યા થઈ જાય. 'ભાઈ કોઈ જીંદગીભર આ ટ્રેનમાં ઓછું બેસી રહેવાનું છે. આપણે સૌ મુસાફર છીએ. સૌ પોતપોતાના સ્ટેશને ઉતરી જશે. ગાડીને બાંધીને ઘેર ઓછી લઈ જવાની છે...' અને ધીરે-ધીરે જગ્યાઓ થઈ જાય.
ભારતીય સંસ્કૃતિ, ભારતીય જીવનદર્શનની, ભારતમાં પ્રગટેલા ધર્મોની એક વિશેષતા એ છે કે હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મ આત્મા અમર છે તેમાં માને છે. પુનર્જન્મમાં માને છે. આપણે અનેક જન્મોથી મુસાફર છીએ અને આ મુસાફરી કરતા-કરતા ચોર્યાસી લાખ જન્મો પૂરા કરવાના છે. ચોર્યાસી લાખ વખત જન્મવાનું છે, મૃત્યુ પામવાનું છે. માતા-પિતા પણ ચોર્યાશી લાખ. ઘર પણ ચોર્યાશી લાખ. ત્યાં એક આલીશાન બંગલો કે પાંચ આલીશાન બંગલાની શી વિસાત ! આપણે સૌ મુસાફર છીએ એ જે દિવસે ખ્યાલ આવી જાય એ દિવસે જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય છે. જે દિવસે ખબર પડે છે કે આપણે આપણા ઘરની એક ઇંટ પણ સાથે લઈ જઈ શકવાના નથી તે દિવસે આપણા સુખ-દુ:ખ પણ બદલાઈ જાય છે. જાણે નવેસરથી જીંદગી જીવવાની શરૂઆત થાય છે.
જીવનના છેલ્લા વળાંકે હું ઊભો છું અને આ લેખ લખી રહ્યો છું ત્યારે વીતેલા તમામ વર્ષો જાણે પાણીમાં જતા હોય એમ લાગે છે. બાળપણમાં જે લખોટી માટે અને બાકસના ખોખાની છાપ માટે અને ગોલ્ટસ્પોટના બિલ્લાઓ માટે ભૂખ-તરસ ભૂલીને રમ્યો છું. ઝઘડયો છું. બાળપણમાં એ સોના-ચાંદી જેટલા કિંમતી હતા. જે દિવસે હું મુસાફર છું એ વાત મને સમજાઈ ગઈ એ દિવસથી હવે સોનું-ચાંદી પણ લખોટી અને ગોલ્ડ સ્પોટના બિલ્લા જ લાગે છે. નવલકથાકાર અને કવિ મિત્ર રશ્મિ શાહ ગુજરાત સમાચારનો પ્રત્યેક લેખ વાંચીને કાયમ કહે છે કે તમે બધાને આધ્યાત્મિક બનાવી દેશો. પણ વાત સાચી છે. પ્રેમની તરસ હોય કે પૈસાની, હોદ્દાની તરસ હોય કે પ્રસિદ્ધિની. મૂળ તરસ તો પોતે પોતાને ઓળખીએ એની છે. અંદરથી શાંતિ મળે, અંદરથી સંતોષ થાય એની છે.
પૂર્વજન્મમાં માનતા હોઈએ તો જ આ મુસાફર શબ્દ સમજાય તેવો છે. કિરીટ ગોસ્વામીએ 'મુસાફર' રદીફ સાથે ૧૯ થી એ વધારે ગઝલોનો ગુચ્છ આપેલો છે. આ જગતમાં કોઈને ય કોઈના આંસુઓની પડી નથી. કોઈના દુ:ખ વિશે વિચારવાનો ટાઈમ નથી. ગમે ત્યાં જઈને રોવાનો કોઈ અર્થ નથી. પોતાની જાતને જ, પોતાના ભીતરના મુસાફિરને જ ઉદ્દેશીને લખાયેલો શેર જોઈએ.
કોઈનાં આંસુ ન વાંચે કોઈ અહિંયા,
વ્યર્થ છે ચોપાસ રોવાનું, મુસાફર!
છે બધું ગાંઠે કર્યાનો વ્હેમ તારો,
આખરે સઘળું ય ખોવાનું, મુસાફર !
આપણે એવા વ્હેમમાં છીએ કે આ બધી માલ-મિલકત મારું છે જે મારું મારું કહ્યું છે, ઓળખાવ્યું છે એ જ બધું રડાવે છે ખરો. વાત એ છે કે જીંદગીભર જે બધું ભેગું કરીએ છીએ એ ભોગવવાનો વખત તો રહેતો જ નથી. બધું જ અહીંનું અહીં મૂકીને ચાલ્યા જવાનું છે. આપણે મુસાફર છીએ એ જ વાત ભૂલી ગયા છીએ.
સુખ અને ઇશ્વરને શોધવા માટે દૂર-દૂર જઈએ છીએ. ખરેખર આપણને એ ખબર જ નથી કે સુખ ક્યાંય બહાર કોઈ વસ્તુઓમાં નથી. ઇશ્વર કંઈ બહાર નથી. એ તો ભીતર ભરપૂર ભરેલો છે. આપણને ડુબાડી મારે છે. આપણી ઇચ્છાઓના પૂર. આપણી ઇચ્છાઓ ય આડીઅવળી છે. આપણો સિતારો ચમકે એવી ઇચ્છા છે પણ આપણને એ ખબર નથી કે સિતારો ચમકાવવા માટે રાત અંધારી જોઈએ. આપણે દીવો લઈને ભગવાનને શોધવા નીકળ્યા છીએ. ખરેખર તો એનું નામ સ્મરણ જ પોતે પ્રકાશ છે. એનું નામ જ આપણને અજવાળી દે છે. આ સમગ્ર પૃથ્વી ઇશ્વરમય છે. માણસમાં જ અહંકાર છે. નદી ખળખળ વહી રહી છે.
પક્ષીઓ ટહૂકા કરે છે. ફૂલો ખીલે છે. કોઈ પોતાની જાતને વિશિષ્ટ સાબિત કરવા માટે નથી મથતું.
થોડા વર્ષો પહેલા પ્રસિદ્ધ જૈન મુનિ આચાર્ય પ્રદ્યુમ્નસૂરીજી એ ગુજરાતી ગઝલમાં જે અધ્યાત્મનું ઊંડાણ છે તેની પ્રશંસા કરી હતી. ગઝલ એ માત્ર મનોરંજન કે વાહ વાહની વાત નથી. એ તો જીવનના પરમ રહસ્યોને ખોલતું શ્લોક બની શકે તેવું કાવ્ય સ્વરૂપ છે. કેટકેટલા ધાર્મિક બનીને આપણે તીર્થયાત્રાઓ કરીએ છીએ ! વૈરાગ્યની અને ધર્મની વાતો એ આપણો શોખ હોય એ હદે સમય આપીએ છીએ અને છતાંય ક્યાંય નથી પહોંચાયું. તીર્થોના દર્શન પછી, ગંગાસ્નાન પછી પણ ભીતરની આગ ઓછી થઈ નથી. કારણકે...
વાતોમાં વૈરાગ, મુસાફર,
ભીતર ભાગમભાગ મુસાફર !
તીરથ ફરિયા ગંગા ન્હાયા,
ઓછી થઈ ક્યાં આગ મુસાફર !
સત્ય જાણ્યા પછી એટલી ખબર પડી જાય છે કે અસત્ય શું-શું છે. કાં તો પછી જે ખોટા ખેંચાણો છે એને દૂર કરતા જઈએ તો સત્યની નજીક જવાય છે. બંધ આંખે પણ આપણી ભીતર આપણને અજવાળાનો અનુભવ થાય છે. અર્થાત્ આપણી અંદર પણ ક્યાંક અજવાળું છે. મનનું વહાણ આપણને ગેરસમજ અને અણસમજના કાંઠે અથડાવે છે. ચાલ, ભીતરની યાત્રા શરૂ કરીએ. કંઈક એ જ મતલબની બીજી ગઝલ જોઈએ.
ભીતરનો મુસાફર
સત્ય એટલું જાણ મુસાફર,
ખોટાં સૌ ખેંચાણ મુસાફર !
અજવાળું ક્યાં દૂર દિશામાં,
છે ભીતર કૈં ભાણ, મુસાફર !
થંભાવી દે સમજણ-કાંઠે,
કાયમ મનનું વહાણ, મુસાફર !
સહુની યારી, દુનિયાદારી...
મૂક બધી મોકાણ મુસાફર !
ભેદ-ભાવના રસ્તા ભૂલી,
પ્રેમની લીટી તાણ મુસાફર !









