જુદી જીંદગી છે મિજાજે મિજાજે .

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- શબ્દ કોણ બોલે છે એ મહત્વનું છે એ જ રીતે કેવા ટોનમાં બોલે છે એ પણ મહત્વનું છે
જુદી જિંદગી છે
જુદી જીંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર;
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે
હટી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ 'ગાફિલ' હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
- મનુભાઈ ત્રિવેદી ગાફિલ
ગુ જરાતી સાહિત્યમાં થોડાંક કવિઓ એવા છે જે સાચા અર્થમાં અગમના પ્રવાસીઓ છે. અધ્યાત્મિક કવિઓ છે. બાકી તો સાહિત્યમાં પણ ઉછીની આધ્યાત્મિકતા અને કાલ્પનિક આધ્યાત્મિકતા અસંખ્ય કવિતાઓમાં જોવા મળે. મનુભાઈ ત્રિવેદીએ 'ગાફિલ'ના તખલ્લુસથી ગઝલો લખી છે અને 'સરોદ'ના તખલ્લુસથી ભજનો લખ્યા છે.
અમને ગુરૂ મળ્યા છે ગરવા -
એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરૂ મળ્યા છે ગરવા.
અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા -
અમને ગુરૂ મળ્યા છે ગરવા
ગઝલ હોય કે ભજન તેમનો એક-એક શબ્દ ભીતરના રંગે રંગાયેલો છે. મનના માંડવે ગુરૂની મનહર જ્યોતિ સતત અંધારૂ દૂર કરવા માટે પ્રગટી રહી છે. પણ બળી રહી છે એમ નથી કહ્યું, જળી રહી છે એમ કહ્યું છે. બળવામાં પણ થોડોક Negative ભાવ છે. જળવાની અંદર વધુ અર્થછાયાઓ મળે છે.
'જુદી જિંદગી છે' ગઝલ મનુભાઈની અંતિમ ગઝલ છે. એ ગઝલ રજૂ કરતા-કરતા જ એમના શ્વાસ છૂટી ગયા હતા. આ ગઝલમાં એકનો એક શબ્દ છેલ્લે બે-બે વખત આવે છે. અને ગઝલના પ્રત્યેક શેરને વધુને વધુ ઊંડો બનાવતો જાય છે. પ્રત્યેક પળે આપણો મૂડ જુદો હોય છે. પ્રત્યેક પળે આપણા મનનો મિજાજ જુદો-જુદો હોય છે. મિજાજ એટલે ગુસ્સો નહીં. મિજાજ એટલે મૂડ, રંગ, મન:સ્થિતિ. આપણા જેટલા મૂડ બદલાય છે એટલા જિંદગીના રંગ બદલાય છે. પ્રત્યેક મૂડની જિંદગી જુદી જ હોય છે. પાંચ ટાઇમના પાકા નમાઝી હોઈએ છતાં પ્રત્યેક નમાઝે બંદગી પણ જુદી હોય છે. પ્રત્યેક પ્રાર્થના જુદી હોય છે. એજ મન, એજ શ્રધ્ધા હોય છતાં દરેક વખતે આપણી બંદગી જુદી હોઈ શકે.
ગાફિલ સાહેબે પ્રત્યેક શેરમાં વિવિધતાની એકતા અને એકતામાં રહેલી વિવિધતાની વાત કરી છે ભલે દરિયો એક હોય એથી શું થઈ ગયું ? પ્રત્યેક જહાજમાં મુસાફરો જુદા-જુદા હોય છે. સંગીતમાં એક ગીતનો વારંવાર રિયાઝ કરવામાં આવે છે. ભલે એક જ હૃદયમાંથી સૂર વહેતા હોય પરંતુ રિયાઝે રિયાઝે દરેક વખતે સૂર જુદા જ પ્રગટતા હોય છે.
શબ્દ કોણ બોલે છે એ મહત્વનું છે એ જ રીતે કેવા ટોનમાં બોલે છે એ પણ મહત્વનું છે. એ તો ગાંડો છે... આ વાક્ય કોઈ આદરણીય વ્યકિત લાડથી કહે, કોઈ મિત્ર કહે, કોઈ શત્રુ કહે દરેક વખતે તેનો અર્થ જુદો બની જશે. શબ્દ એક જ હોય પણ એ કઈ રીતે બોલાય છે એ મુજબ તેના અર્થ થતા હોય છે. અને એ જ રીતે દરેક અવાજે-અવાજે શબ્દો ય જુદા હોય છે. જેમ શરીર જુદા છે એમ જીવન પણ જુદા છે. અને પ્રત્યેક જનાજે મૃત્યુ પણ જુદા-જુદા હોય છે.
ઘૂંઘટમાં રૂપ ઢંકાયેલું રહે કે ઘૂંઘટ હટી જાય અને રૂપ બ્હાર આવે. વાત તો મહોબ્બતની નઝાખતની જ છે. ઘૂંઘટ હટી જાય કે ઘૂંઘટ ઢળી જાય દરેક વખતે પ્રીત જુદી-જુદી મર્યાદામાં પ્રગટ થતી જ રહે છે. લાજ ઢળે કે લાજ જુદી-જુદી રીતે પળાય એકની એક પ્રીત અનેક રંગમાં પ્રગટતી હોય છે. ગાફિલ અંતિમ શેરમાં એટલે કે મકતાના શેરમાં પોતે પોતાને જ પુછે છે કે તમે હજુ કેમ ગાફિલ છો ? જુઓ દુનિયા તો તેના પ્રત્યેક તકાજે તકાજે બદલાઈ રહી છે. તકાજાનો અર્થ થાય છે ઉઘરાણી કરવી. અહીં દુનિયાની જુદી-જુદી રીતના સંદર્ભમાં, દુનિયાના વ્યવહારના સંદર્ભમાં તકાજે-તકાજે શબ્દ વાપરવામાં આવ્યો છે.
ગાફિલની એક જુદા જ રંગની ગઝલ માણીએ.
રંગ લાગ્યો છે
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું માનો ન માનો, રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડયા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે ?
થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું 'ગાફિલ' !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.








