Magazines

મા નથી તો શું થયું? 'મા'ની દુઆ સાથે જ છે... .

By GS TEAM
9 Jun 20265 mins read
મા નથી તો શું થયું? 'મા'ની દુઆ સાથે જ છે...                             .

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- સંઘર્ષ આપણા અહંકારને છેલ્લે તો તોડી જ નાંખે છે પણ આપણું સમર્પણ આપણને બચાવી લે છે.??

નસીબ જ્યારે બગડવા ઉપર જો આવે છે,

સરળ ડગરને એ કંટકભરી બનાવે છે.

પ્રયાસ મારા સફળ ના થયા જગત એથી,

સવાલ મારીયે નિષ્ઠા ઉપર ઉઠાવે છે.

નિહાળી માળીનું અભિમાન ફૂલ છે ચિંતિત,

બગીચો ડાળના ટહુકા વગર સજાવે છે.

તબાહી મારી ભલે ચૂપ રહીને મેં જીરવી,

અરીસો હરઘડી ચહેરો મને બતાવે છે.

કદાચ એટલે હુંકાર સાપ દે ભયમાં,

દબાય એને આ દુનિયા વધુ દબાવે છે.

સવાલ જ્યારે કરે સાવ પેટ ખાલી તો,

મદારીલોક પછી માંકડું નચાવે છે.

જીવનનું દાન દઈ કંઈક વેળાએ કુદરત,

સળગતા અગ્નિ ઉપર લોકોને ચલાવે છે.

એ સત્ય છે કે ભરમ અડધી રાત જ્યાં વીતે,

ન જાણે કોણ મારાં દ્વાર ખટખટાવે છે.

વિચાર એ કરી મસ્તક ઝુકાવ્યું છે 'નાશાદ',

ઝૂકે ન શીશ તો ઇશ્વર કમર ઝુકાવે છે.

- ગુલામ અબ્બાસ 'નાશાદ'

ગુજરાતી ગઝલને પેઢી દર પેઢી એવા નિષ્ઠાવાન ગઝલકારો મળ્યા છે જેને લીધે ગઝલની આબોહવા બંધાયેલી રહે, ગઝલનું વાતાવરણ પછીની પેઢીને માટે પોષક બની રહે. વડોદરાના ગુલામ અબ્બાસ 'નાશાદ' આવું જ એક નામ છે. તેમના તાજેતરના ગઝલ સંગ્રહમાં ખલિલ ધનતેજ્વી જણાવે છે કે ૧૯૬૦ ના દાયકામાં વડોદરામાં ગઝલ ક્ષેત્રે શૂન્યાવકાશ જેવી અત્યંત નિરાશાજનક સ્થિતિ હતી. એકલા અઝીઝ કાદરી ઉજાગરા કરે. આવી દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ગઝલને સમર્પિત થનાર ગઝલની ઉપાસના કરનાર નાશાદ પ્રવૃત્ત થાય છે. આટલી આરંભમાં વાત એટલા માટે જરૂરી લાગી છે કે ગુલામ અબ્બાસ નાશાદના ગઝલ સંગ્રહો તો આઠ પ્રગટ થયા છે. તેમના કુલ પુસ્તકોની યાદી ૩૫ કરતા વધારે થાય પરંતુ ગઝલના ઘણાં તેજસ્વી તારાઓ કોઈ કારણોસર એટલા દૂર રહી ગયા છે કે તેમનું અજવાળું લોકો સુધી એટલું પહોંચ્યું નથી. GSTV  ઉપર ગઝલના ગગનમાં કાર્યક્રમ વિશ્વના પ્રત્યેક ગુજરાતીને ગુજરાતી ગઝલના તેજસ્વી તારાઓથી પરિચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. સૂર્ય અને ચંદ્ર તો ખૂબ નજીક છે પણ ઘણાં સિતારાઓ સૂર્ય અને ચંદ્ર કરતાંય મોટા છે. વધુ તેજસ્વી છે પણ નરી આંખે ના દેખાય એટલા દૂર છે.

જીંદગીમાં બધું જ સરળ-સીધું હોય અને અચાનક બધું જ અટપટું અને અઘરું થઈ જાય. કોઈ કારણ વગર દુ:ખનો સામનો કરવો પડે. જ્યાં ફૂલો જ ફૂલો હતા એ રસ્તો એકલો કાંટાળો બની જાય ત્યારે એટલું સ્પષ્ટ કહી શકાય કે દેખીતું કારણ કોઈ જડતું નથી. ભાગ્યમાં જે હોય તે થાય છે. જીંદગીમાં જ્યારે તમારા પ્રયાસો સફળ ના થાય ત્યારે આ જગતનો એવો નિયમ છે કે તમારી નિષ્ઠા માટે એનો સવાલો ઊભા થાય. તમે નિષ્ઠાથી પ્રયાસ કરો કે ના કરો એ મહત્વનું નથી. આ જગત દંભ અને દેખાડાનું છે. નાશાદે એક ગઝલમાં લખ્યું છે.

બનાવટ, દંભ, દેખાવો જરૂરી થઈ ગયાં 'નાશાદ',

નિખાલસ થઈને આશા રાખજો આ ફળની દુનિયામાં.

ક્યારેક તો એમ લાગે છે કે દંભીઓ જ સફળ થાય છે.

સાચા માણસની કોઈ કદર કરતું નથી.

ખરેખર તો બહુ ઝાંખો રહ્યો છે સત્યનો દીવો,

ન લીધી નોંધ એથી કોઈએ ઝળહળતી દુનિયામાં

નાશાદની ગઝલ શૈલી મરીઝની પરંપરાની છે. નાશાદ પણ દાઉદી વહોરા પંથના છે. ગુજરાતી ગઝલ સાહિત્યમાં મરીઝ, સૈફ પાલનપુરી, શેખાદમ આબુવાલા, કુતુબ આઝાદ, કાબિલ ડેડાવણી, એસ.એસ. રાહી વગેરેનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

નાશાદની ગઝલ ઉદાસીના એવા ઘેરા રંગને ઘૂંટે છે જેમાં ગઝલનો રંગ અને મિજાજ ભળીને હૃદયને સીધી અને સોંસરી ચોટ કરે છે.

કોઈ બાળકને રમતો જોઈને રોકાઉં છું રસ્તે,

અને ભૂતકાળમાં પાછો ફરી બે પળ રમી લઉં છું.

જીંદગીની તબાહી ભલે આપણે ચૂપચાપ ઝીરવી લેતા હોઈએ, મને ભલે બધું ચૂપચાપ સહન કરી લેતું હોય છે પણ મનની અસર શરીર ઉપર થતી જ હોય છે. મનથી જે દુ:ખ ચૂપચાપ સહન કરી લીધા એની અસર ચહેરા ઉપર થઈ છે. મનથી જે દુ:ખ ચૂપચાપ સહી કરી લીધા હોય એની અસર ચહેરા ઉપર થઈ છે. અને એની સાબિતી અરીસો આપે છે. દરેક વખતે જીવનદાન મળે અને જીવતદાન મળે એ વાત સાચી પણ વધુ એક વખત માણસે જાણે અગ્નિ પરિક્ષા જ આપવાની હોય છે. જીવન આખું કોઈની પ્રતિક્ષામાં પસાર થયું, જીવનભર કોઈના આવવાના ભણકારા વાગ્યા, હવે આ જીવનના આ છેલ્લા વળાંકે મન પોતે જ પોતાને પૂછે છે કે બ્રહ્મ હશે કે સત્ય હશે ? અડધી રાત્રે રોજ કોઈ બારણા ખખડાવે છે એવું કેમ લાગે છે ?

જીવનમાં સંઘર્ષ જરૂરી નથી. ભલભલા વૃક્ષોને તોફાન, વાવાઝોડું ઊંચકીને ફંગોળી નાંખે છે. પરંતુ તણખલું વાવાઝોડામાં ઝૂકી જાય છે 

અને બચી જાય છે. જીવનમાં સંઘર્ષ કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. સંઘર્ષ આપણને થકવી નાંખે છે. સમર્પણ આપણને શક્તિ આપે છે. સંઘર્ષ આપણા અહંકારને છેલ્લે તો તોડી જ નાંખે છે પણ આપણું સમર્પણ આપણને બચાવી લે છે. નાશાદ કહે છે જે જાતે ઝૂકતા નથી એને ઇશ્વર ઝૂકાવે છે. બસ એટલા માટે જ મેં સમજીને એ પરમ શક્તિ પાસે મારું માથું ઝૂકાવી દીધું છે.

નાશાદે માતા ઉપર ૨૪૬ જેટલા મુક્તકો લખ્યા છે. મા એટલે મા. એક કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડાના વા.... મા નું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી હોતું. લોકો કહે છે ને કે પૂર્વજો નડે છે. હું સ્પષ્ટ માનું છું કે પૂર્વજો કદી કોઈને નડે જ નહીં. નાશાદનું આ અદ્ભુત મુક્તક હૃદયમાં લખી રાખવા જેવં  છે. રોજ વાંચવા જેવું છે. બાળપણથી એક આસ્થાએ ઘર કરેલું હતું કે કોઈ પણ દુ:ખમાં મારી મા બચાવે છે. માતાને મૃત્યુ પામે તો વર્ષો થયા પરંતુ સાવ નિર્ભર થઈને આ જગતમાં એટલા માટે જીવી શક્યો કે ભલે મા નથી પરંતુ પ્રત્યેક ડગલે, પ્રત્યેક પળે મારી માની દુઆ મારી સાથે છે. જાણે હું હજુ ય બાળક છું અને આ જે શીતળ હવે છે એ એના પાલવની જ છે.

મુક્તક

એના પાલવની હજી શીતલ હવા સાથે જ છે,

બાળપણથી ઘર કરેલી આસ્થા સાથે જ છે,

એ વિચારીને જ દુનિયામાં જીવ્યો બેખૌફ થઈ,

'મા' નથી તો શું થયું ? 'મા'ની દુઆ સાથે જ છે.