ધનને એક અને ભાષાને લાખ વારસદાર જોઇએ

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- શરીરને તો રોટલી અને દાળથી ચાલી શકે છે મનને જ પંજાબી અને પીઝાની જરૂર પડે છે.
મંદિરો માટે તો આરસ જોઇએ,
ભક્તિ માટે મન નિખાલસ જોઇએ.
કઇ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઇએ.
દેહ તો કંતાનથી ઢાંકી શકો,
આયનો બોલ્યો કે અતલસ જોઇએ.
જીન ના પ્રગટે તો તણખો તો થશે,
દીવડો તું દિલ દઇ ઘસ ! જોઇએ.
કંઇ નથી જેની કને, માગે સુવર્ણ,
લોહને તો માત્ર પારસ જોઇએ.
ધનને માટે એક વંશ જ કાફી છે,
ભાષા માટે લાખ વારસ જોઇએ.
એકરસ થઇને ગઝલ લખતો રહ્યો,
એ ખબર નહોતી કે નવરસ જોઇએ.
- રઇશ મણિયાર
રૂ પાળો આરસ સુંદર મંદિર બનાવવા માટે, સુંદર દહેરાસન બનાવવા માટે ભલે અનીવાર્ય હોય પરંતુ સાચી ભક્તિ માટે તો નિખાલસ મન એ અનીવાર્ય છે. કરૂણતા એ છે કે સમાજમાં ખૂબ રૂપાળા ચહેરા કે ખૂબ દાન આપનારા જ સાચી ભક્તિ કરતા હોય છે એવું માનવામાં આવે છે આ સાચું હશે પણ સૌથી સાચું તો શુધ્ધ મન, નિખાલસ મન, સરળ મન, નિર્દોષ મન એ જરૂરી છે. કાલે કદાચ સૂરજ ન ઊગે તો ? આખા જગતને કોણ રોશન કરી શકે ? આ જગતના ખૂણે ખૂણે કોણ અજવાળું પાથરે એવો પ્રશ્ન જરૂર થાય. આ ક્ષણે એક જોડકણું યાદ આવે છે.
જ્યાં ન પહોંચે રવિ,
ત્યાં પહોંચે કવિ,
અને જ્યાં ન પહોંચે કવિ
ત્યાં પહોંચે અનુભવી.
બાળપણમાં આ જોડકણું ગમતું. ખૂબ વિચારતો કે સૂર્ય ક્યાં નહીં પહોંચી શક્તો હોય ? ભગવાને આ કેવો ચમત્કાર કર્યો છે ? ગણતરીની મિનિટોમાં સેકન્ડના એક લાખ છ્યાંશી હજાર માઇલની ઝડપે સૂર્યના કિરણો પૃથ્વીના જે તે ભાગને ઝળહળતા કરી દે છે. ગાઢ જંગલમાં પણ બે પાંદડાની વચ્ચેથી કિરણ જમીન સુધી પહોંચી જતું હોય છે. મનમાં થાય છે સૂર્ય કાલે ન ઊગે તો આ જગતનું શું થાય ? મન જવાબ આપે છે કે આપણે આપણા ઘરનું આગણું તો આપણા કોડિયાથી અજવાળી શકીએ ને ? આ જગત આખાનું ભીતરનું અંધારૂ આપણે દૂર ના કરી શકીએ પરંતુ આપણે આપણા મનના અંધારાને તો ઊલેચી શકીએ તેમ છીએ. આખી દુનિયાને રોશન કરવા કરતા આપણે આપણી ઝૂંપડીને રોશન કરી લઇએ ને તો વાત ઘણી મોટી છે. અકિંચન-ગરીબ-રાંક ઝૂંપડી તો નાનકડા ફાનસથી પણ ઝળહળી ઊઠે છે. આપણે ઘર દીવડા બનતા શીખીએ એ જરૂરી છે. સૂરજ બનવાનું દરેકના ભાગ્યમાં નથી પણ ઘર દીવડા બનવું એ આપણા હાથની વાત છે.
શરીરને જો ઢાંકવું હોય તો ગમે તે કપડાથી ઢાંકી શકાશે. ચીંથરું હોય કે કંતાનનો ટૂકડો હોય. પરંતુ જેવું અરીસામાં ડોકિયું કરીએ છીએ તરત જ મન બોલી ઊઠે છે. રેશમી કપડા પહેર્યા હોય, સુંદર કપડા પહેર્યા હોય એ જરૂરી છે. શરીર તો બહુ ડાહ્યુડમરુ છે. પ્રશ્નો બધા મન ઊભા કરે છે. પ્રશ્નો તો બધા મનને નડે છે. માંગણીઓ બધી મનની હોય છે. શરીરની માંગણીઓ તો બહુ સીધી સાદી હોય છે. શરીરને તો રોટલી અને દાળથી ચાલી શકે છે મનને જ પંજાબી અને પીઝાની જરૂર પડે છે.
જાદુઇ ચિરાગ અને જીનની વાત જાણીતી છે. પણ એ વાત આજે પણ સાચી પડે એની આપણને કલ્પના જ નથી. ગળે જ નથી ઊતરતું. આ જમાનામાં અને આપણા ભાગ્યમાં તે એવું કંઇ બનતું હશે ? એવું જ મનમાં થાય છે. પ્રારબ્ધ સાથ આપે કે ન આપે પુરુષાર્થ તો કરી જોઇએ. પુરુષાર્થકદી નિષ્ફળ જવાનો જ નથી. દીવામાંથી જીન પ્રગટે કે ના પ્રગટે પણ તણખો તો પ્રગટશે જ અને એ તણખાથી તો આપણે આપણું કોડિયું પ્રગટાવી શકીએ તેમ છીએ. જેની પાસે કશું જ નથી એ સંપૂર્ણ રીતે કોઈ મદદ કરે એ આશામાં જ બેઠેલા હોય છે. પરંતુ જેની પાસે કશુંક પણ છે એ તો માત્ર એકાદ તકની રાહ જોતા હોય છે. પછી ભલે એ લોઢું હોય તો પણ કશુંક બનવાની ભીતર તાલાવેલી હોય છે અને એને પ્રતિક્ષા પારસના સ્પર્શની હોય છે.
રઇશ મણિયાર આપણી ભાષાના સ-રસ ગઝલકાર છે. સફળ ગઝલકાર છે. સફળ સંચાલક છે. ગુજરાતી ભાષામાં ગુલઝાર જેવા ગઝલકારોને તેમણે અનુવાદિત પણ કર્યા છે. ગુજરાતી ભાષા માટે જે થોડીક કલમો પ્રવૃત્ત છે તેમાંનું એક નામ છે. ધનને માટે, પૈસાને માટે વંશનો એકાદ માણસ હોય એ પૂરતો છે અને એકાદ માણસ પાસે એ ધન પૂરું પણ થઇ જાય. પરંતુ જે ભાષાને આપણે સદીઓ સુધી જીવતી રાખવી છે, પોષવી છે, વિકસાવવી છે એ ભાષાને માટે તો તેના લાખો વારસદારોની જરૂર છે. વારસદારોમાં હિર હોય ને તો જ વારસો સચવાય છે. ગઝલના અંતિમ શેરમાં તેમણે સુંદર રીતે ગઝલમાં આવતા વિરોધાભાસને પ્રગટાવીને ચોટદાર વાત કરી છે.
એક સાધે સબ સધૈ
સબ સાધે સબ જાય
ગઝલમાં હું એક રસ થઇને ઊતરી ગયો હતો. એકરસ થઇને ગઝલ લખીએ તો જ સફળ થવાય એમ હું માનતો હતો. મને ખબર નહોતી કે નાટયશાસ્ત્રમાં જણાવ્યા છે તે મુજબના નવેરસ જોઇએ. ગઝલની આજ પરિસ્થિતિ માટે પણ જાણે આડકતરી વાત થઇ છે.








