લોગ ઈતને કસુર કરકે ભી, કિસ તરહ બેકસુર રહતે હૈં ?
સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી
કોઈની સ્મૃતિમાં ઊભી થયેલી ઓ જનરલ હોસ્પિટલ કેટકેટલી ખરાબીઓથી ખદબદી રહી છે, ને એના રોગત્રસ્ત ગરીબ દર્દીઓ કેટકેટલાં 'જર્નરલ્સ'ની જોહુકમીઓ અને લાપરવાહીઓમાં આ હોસ્પિટલમાં જલી રહ્યાં છે, એનો આ શહેરના નાગરીકો કે સત્તાધીશોને પૂરો ખ્યાલ નથી, તો તમારા જેવા દૂરના ગામડેથી આવીને દર્દના માર્યા આ હોસ્પિટલમાં દાખલ થયેલા અબુધ વયસ્ક ગ્રામજનને તો એ ખ્યાલ ક્યાંથી હોય જ ભલાભાઈ ?
અને તમારી સાથે આ હોસ્પિટલમાં ઘટી ગયેલી ઘટનાય આમ તો એટલી ક્ષુલ્લક છે કે એ કોઈ છાપાના ખુણાના સમાચાર પણ નહોતી બની શકી, તો આજે તો એ ઘટનાને ઘટયાને ઘણાં દિવસો થઈ ગયાં છે. અલબત્ત જ્યારે એ ઘટના બની ત્યારે તમારી ભોળી સરળ ગામઠી આંખોમાં જે ભય અને નિ:સહાયતાની સંવેદના મેં નીતરતી જોયેલી છે ભલાભાઈ, એ આજેય મારી આંખોમાં એવી ને એવી જ અંજાયેલી છે.
ભલાભાઈ ! એક સામાન્ય અસ્થમાના દર્દે પકડી લીધેલા અસામાન્ય સ્વરૂપને લીધે તમારે ઠેઠ ગામડેથી આ હોસ્પિટલ સુધી આવીને ભરતી થવું પડેલું. પણ ભરતી (!) થયા પછી સમયની સાથે ફરી એ દર્દ સામાન્ય થઈ જતાં, એ જનરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાંથી વિદાય લેવાના છેલ્લાં દિવસે તમને જે અનુભવ થયો એ અસામાન્ય હતો.
આગલા દિવસે સાંજે જ તમારા વોર્ડની મેટ્રને એબા ફૌજી મિજાજથી તમને હુકમ આપી દીધેલો ભલાભાઈ, કે તમારે બીજા દિવસે હોસ્પિટલના ચાર્જીઝ ચૂકવી ડિસ્ચાર્જ થવાનું છે - અલબત્ત સદ્ભાગ્યે જીવતાં જ. તમારી સાથે તમારી સેવા માટે રહેલા તમારા નાનાભાઈએ તો જવા માટેનું પોટકું બાંધી લઈ જવાની સંપૂર્ણ તૈયારીઓય કરી લીધેલી. પણ દુર્ભાગ્યે પહેલી જ વાર આ તોતિંગ હોસ્પિટલમાં આવેલાં તમને કે તમારા નાનાભાઈને ડિસ્ચાર્જ લેતાં પહેલાં, પૈસા ક્યાં જઈને ભરવાના, ને શું વિધિઓ કરવાની એનો ખ્યાલ નહોતો, ને હોસ્પિટલના તૂંડમિજાજી તૈમુરી સ્ટાફમાંથી કોઈને ય એ પૂછવાની હિંમત નહોતી ચાલતી. તમે બિલ હાથમાં લઈને બેઠા હતાં ત્યાં ડિસ્ચાર્જ થવાના દિવસે સવારે જ ધોળા કપડાં પહેરેલો એક યુવાન તમારા બેડ પાસે આવ્યો ને તમને કોમળ સ્વરે પૂછ્યું ભલાભાઈ,
''આજે તમારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનું છે ને વડીલ ? લાવો તમારા કેસ પેપર્સ ને એક પાંચસો રૂપિયા આપો. આમ તો તમારે વધુ પૈસા ભરવાના થાય છે, પણ દર્દીની આર્થિક સ્થિતિ બરાબર નથી એમ કહી હું પાંચસો રૂપિયામાં પતાવી આપીશ.''
ભલાભાઈ ! તમને અને તમારા નાના ભાઈ શંકરને તો આ હોસ્પિટલના છાશિયાં ઘુરકિયાં કરતા આવડા મોટા સ્ટાફ વચ્ચે આટલા માયાળુ સ્વરે વાત કરતો એ યુવાન દેવદૂત જ લાગ્યો.
''મોટી મેરબાની તમારી બભલા !' કહી શંકરે પાછા જવાના એસ.ટી. ભાડા જેટલા પૈસા રાખી મૂકી ભોળાભાવે એ યુવાનને પાંચસો રૂપિયાને કેસ-પેપર્સ આપી દીધાં.
પૈસા ને પેપર્સ લઈ ગયાને કલાક થવા છતાં એ યુવાન પાછો ન ફર્યો ત્યારે તમને અને શંકરને દાળમાં કંઈક કાળું હોવાની શંકા આવી. અને તમને બેડ પર હાંફળા-ફાંફળા બની બેઠેલાં જોઈ મિલ્ટ્રી-મિજાજ મેટ્રને તમને પૂછ્યું,
''કેમ કાકા, ખાટલો ખાલી કરવાનો ઈરાદો નથી શું ? પૈસા
ભર્યા ?''
અને તો બીતાં બીતાં તમારી આખીય દાસ્તાન ત્યાં ઊભેલી નર્સરાણીઓને અને વોર્ડઝ મહારાજાઓને મેટ્રનની હાજરીમાં જ કહી સંભળાવી ભલાભાઈ !
બસ ખલ્લાસ ! બુરી રીતે છેતરાઈ ગયેલા તમારા જેવા એક અબુધ ગ્રામજનની નિ:સહાયતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે મેટ્રને તમને તતડાવતાં કહ્યું,
''બહારના કોઈ અજાણ્યા માણસ સાથે અમને પૂછ્યા સિવાય તમે વાત જ કેમ કરી ?''
''બૂન અમને શી ખબર કે ધોળા લૂગડાં પે'રેલો એ શેતાન ઇસ્પિતાલનો નહીં હોય ? તમે કંઈ બતાયું નો'તું, ને પુસવાની અમારી હિંમત નો'તી હાલતી. એટલે અમે મુંઝાતા'તા ત્યાં એ ભાઈ આયો ને અમે વશવા રાખીને એને પૈસા આલી દીધાં. હવે તો અમારી પાહે ફદિયુંય નથી. તમે ગરીબ ગાય જેવા ચહેરે અને નરમ સ્વરે મેટ્રનને કહ્યું ભલાભાઈ.
''એ હું કાંઈ ન જાણું કાકા ! મારે તો સુપ્રિન્ટેન્ડેટ સાહેબને આનો રિપોર્ટ કરવો પડશે. દરમ્યાન તમે બીજા પૈસાની વ્યવસ્થા કરો.'' મેટ્રને રૂક્ષ સ્વરે કહ્યું.
''પણ મેડમ ! મને એક સવાલ થાય છે.'' ત્યાં હમણાં જ આવીને ઊભેલા એક ચશ્માંધારી યુવાને કહ્યું જે વોર્ડના ખુણાના બેડના કોઈ બીજા દર્દીની સેવામાં હતો, ''....કે આટલા
મોટા જનરલ વોર્ડમાંથી આ કાકાને આજે જ ડિસ્ચાર્જ મળવાનો છે, એવી પેલા બહારના અજાણ્યા ઠગને કેવી રીતે ખબર પડી હશે ? અને અહીંની ક્રૂર જલ્લાદી જડબેસલાક સિક્યુરીટીને વટાવીને સવારમાં એ અજાણ્યો આદમી અંદર શી રીતે આવી શક્યો હશે ? કોઈ દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હોય તો પણ આ જડભરત સિક્યુરીટીવાળા પાસ વિના કોઈને અંદર નથી આવવા દેતાં, તો પછી આ કોઈ અજાણ્યો (!) ઠગ કોઈની સહાય વિના બે-ધડક સીધો વોર્ડની અંદર શી રીતે પ્રવેશ્યો હશે ?''
એ યુવાનના બુલેટનુમા સવાલોથી ઝૂંઝલાઈ ગયેલી મેટ્રને એને રૂક્ષતાથી, ''તમે તમારું કામ સંભાળો મિસ્ટર !'' કહી ત્યાંથી દૂર ધકેલી દીધો, પણ એથી તમારો પ્રશ્ન ઊકલ્યો નહોતો ભલાભાઈ, એટલે મેટ્રન આઘી જતાં તમે ધીરે રહીને એ યુવાન જે બેડ પાસે બેઠો હતો ત્યાં ગયા.
''સાયેબ ! હવે શું કરવું ? બીજા પૈસા તો અમારી પાહે સેનઈ ને આ મુઆ ઇસ્પિતાલવાળા અમને સોડશે (છોડશે) નઈ હવે. એ મુઆ ઠગને અમારી ગરીબ માણહનીય દયા નો આયી'' ભય નીતરતા નિ:સહાય સ્વરે તમે એ યુવાનને કહ્યું ભલાભાઈ.
'ના આવે કાકા ! રોજના અનેક માણસોના મોત હોસ્પિટલમાં આંખ સામે જોવા છતાં જે માણસો (!) ને કુદરતનો ડર ન લાગતો હોય એને તમારી દયા શી રીતે આવે ? દયા તો આ હોસ્પિટલવાળાઓએ અંદર પ્રવેશવાનો પાસ જ ક્યારેય નથી આપ્યો.'
''પણ તો હવે અમારે શું કરવું સાયેબ ?''
''કંઈ નહીં કાકા ! તમે અને તમારા ભાઈ થોડીવાર એમને એમ બેસો. તમારી જગ્યાએ, ને આ નર્સો - વોર્ડ બોયઝ સહેજ આઘાપાછા થાય એટલે જેમ તમારા પૈસા અને કેસ-પેપર્સ વયા ગ્યા, એમ પોટકું લઈને તમે બંનેય વારાફરતી ધીરે રહીને બહાર સરકી જાવ, બીજું શું ? સિક્યુરીટીવાળા બહાર જવા માટે કંઈ પાસ નથી માંગતા. નહીં તો આ લોકો ચોરને તો નહીં પકડે પણ લૂંટાનારને તો સજા કરશે જ.''
ભલાભાઈ ! આમ તમારો પ્રશ્ન તો એ યુવાનની 'પ્રેક્ટીકલ' સલાહે ઊકેલી આપ્યો, પણ તમારા પ્રશ્નો જેવા અનેક પ્રશ્નો આ જનરલ હોસ્પિટલની કફનરંગની સફેદ દીવાલોમાં રાત-દિવસ ઉકલ્યા વિના દફન થયા કરે છે. એ ઉકેલવાની ફૂરસદ આ હોસ્પિટલના 'જનરલ્સ'ને ક્યારે મળશે ? કોને ખબર ??