ભીડમાં આ એકલી ક્ષણ ગાય છે,ગુંગળામણ મનની વધતી જાય છે
સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી
પ્યારી ઋતુ, સંબોધનમાં તો પ્યારી લખવું પડે એટલે! બાકી તો ઋતુડી જ લખવાનું મન થાય છે. આ સર્દ સુસવતી ઠંડી રાત્રિએ મન એટલું ઊદ્વીગ્ન છે કે તું સામે આવે તો તડાતડ બે-ચાર તમાચા ચોડી દઈને તારા ગોરા-રતુમડા ગાલને લાલચોળ કરી નાંખુ, ને પછી તારા ખોળામાં માથું મૂકી આંખોની આખીય આદ્રૅતા ઉલેચીને તારો ખોળો ભીંજવી દઉં.
તું જાણે છે, મને પત્ર લખતાં નથી આવડતું અને બોલતાં ય. મને મારી આંખોની મૌન ભાષાને સાંભળી શકે એવા કાન આ કોલાહલભરી દુનિયામાં મારે ક્યાં શોધવા? એટલો તો આ કાગળના કાનમાં મારા અક્ષરોની લિપિ ઘુંટી રહ્યો છું હું. તું સાંભળશે ખરી એ?
રાતના સાડા-અગિયાર થતામાં તો મૌસમની કાતિલ ઠંડીએ સડકો સૂમસામ કરી મૂકી છે. રીલિફ રોડ પરની એક મિલ-રીટેઈલ શોપના ઓટલા પર બેસીને રોડ-લાઈટના અજવાળે તને આ પત્ર લખી રહ્યો છું. બત્તીના થાંભલા નીચે ઠંડીમાં ઊંહકારા ભરતું એક પૂંછડી કપાયેલું કૂતરું મારી સામે જોઈ રહ્યું છે - કંઈક મળવાની આશાએ. અને હું 'કોઈક'ને એટલે કે તને મળવાની આશાએ આ પત્ર લખી રહ્યો છું.
છ મહિનામાં તો જાણે છસ્સો જિંદગીઓ જીવાઈ ગઈ હોય એટલો ભાર વધી ગયો છે મન પર. એ ઉતારવા લગભગ રોજ સાંજે આપણા પેલા પ્રિય આઈસ્ક્રીમ પાર્લરમાં જાઉં છું, અને આપણાં બંનેની 'કેશર-પિસ્તા'ની ડિશો મંગાવી હું એકલો જ ખાઈ જાઉં છું. પેલો આપણને ઓળખતો મૂછવાળો રાજસ્થાની વેઈટર તો પૂછે પણ છે,
''સાહેબ બેન કેમ દેખાતાં નથી હમણાંથી તમારી સાથે?'' હું શું ઉત્તર આપું એને? એટલે પછી એને છણકાવી કાઢું છું, ''તારે 'ટીપ'થી કામ છે ને? મૂકને પંચાત!'' ના ના પણ તું જ કહે ઋતુ, જે સવાલનો જવાબ મને ય બરાબર ખબર નથી એ હું એને ક્યાંથી આપવાનો હતો?
મને સંભવિત ગ્રાહક માનીને, બત્તીના થાંભલા પાસે આવેલા બસ-સ્ટોપને અઢેલીને ઊભેલી એક રૂપજીવિની થાકીને ચાલી ગઈ છે. મારી આંખોમાં ઉમટેલા તારા તરફના રાગની લિપિને કદાચ એણે એની ભાષામાં ઉકેલી હશે. સડકની સામે પાર 'સ્વામી'ના પાનના ગલ્લા પર 'સ્ટીરીયો' બંધ કરીને રાજિયો ઝોકાં ખાતો કદાચ મારી જ રાહ જોઈ રહ્યો છે - મને દિવસનું વીસમું અને છેલ્લું પાન ખવડાવીને, સિગરેટનું પેકેટ આપીને ગલ્લો બંધ કરવા માટે. ઋતુ યાદ છે, તેં એકવાર મારા પર પ્રેમદસ્તી (જબરદસ્તી સ્તો) કરીને તમાકુના પાન દિવસમાં પાંચથી વધુ નહીં ને, સિગરેટ તો સાવ બંધ જ.'' કરાવી દીધેલાં. તે દિવસોમાં રાજિયો મારાથી નારાજ રહેતો હતો.
પણ છેલ્લા છ મહિનાથી તો એ ખુબ ખુશ છે મારા પર. એટલે તો અત્યાર સુધી એ મારી રાહ જોઈને બેઠો છે. અને મને એ ગમે છે. કોઈ આપણી રાહ જોતું હોય એ અનુભૂતિ જ કેવી મઝાની રોમાંચકારી છે?પાનના ગલ્લાની સામે પાસે એક લઘર-વઘર ચીમળાયેલો ભિખારી આવી સુસવાતી નિર્જર રાત્રિએ ય ઠંડી રેલિંગને અઢેલીને હાથ લંબાવીને ઊભો છે. એને કોણ કહે કે, ભાઈ હવે આ સડકો એટલી સુમસામ થઈ ચુકી છે કે તારો લંબાયેલો હાથ ખાલી જ રહેવાનો છે.
હમણાં જ એક સ્કૂટર-સ્વાર જુવાન યુગલ સૂની સડક પરથી સડસડાટ પસાર થઈ ગયું અને એની બૅક-સીટ પર બેઠેલી રૂપકોશાની ઠંડી હવામાં ફરફરતી જુલ્ફો તારો આભાસ આપી ગઈ. જો કે તું ય હવે મારા માટે એક આભાસ જ છે ને ઋતુડી!
કોણ જાણે કેમ આજે ઠંડી કંઈક વિશેષ લાગે છે. કદાચ શરીરના વધેલા ટેમ્પરેચરના લીધે એમ લાગતું હોય. પણ હવે પત્ર પુરો કરીને મારે ઉઠવું જોઈએ. શ્વાસની બદલાઈ રહેલી રિધમ અસ્થમાના આવી રહેલા એટેકનો અણસાર આપી રહી છે, ને રાજિયો કંટાળીને ગલ્લો બંધ કરવાની તૈયારી કરી રહ્યો છે. પેલું પુંછડી કપાયેલું કૂતરું ય ઠંડીથી કણસતું કણસતું બત્તીના થાંભલા નીચે ઊંઘી ગયું છે ને પેલો ભિખારી ય ખાલી હાથે પાછો ચાલી ગયો છે.
બસ હવે ઊઠીશ જ.
- હમેશાં તારો રાગ
રાગ! તમારો આ પત્ર ઋતુ બદલાઈ ગયા પછી આજે રદ્દીમાંથી મારે હાથ લાગ્યો છે.
હું એને ક્યાં પોસ્ટ કરું? ન તો મને તમારા સરનામાની ખબર છે, ન તો ઋતુના. હા એમ થાય છે કે એ હું રાજિયાના પાનના ગલ્લે આપી દઉં તમને પહોંચાડવા માટે...
(શીર્ષક પંક્તિ : ડૉ. દિલીપ મોદી - સૂરત)