Get The App

સમયની સ્નિગ્ધ ભીનાશ .

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
સમયની સ્નિગ્ધ ભીનાશ                 . 1 - image


સમયની શીશીમાંથી છ વર્ષ સરી ગયાં હતાં, એણે આ શહેર છોડયું પછી. શહેરનાં બધાં માણસો છ વર્ષ મોટાં થઈ ગયાં હતાં. ખુલ્લું બ્લ્યુ આકાશ ધુમાડિયું થઈ ગયું હતું અને સેંકડો નવા બચ્ચાં પેદા થઈ ગયાં હતાં શહેરમાં. સ્ટેશનની બહાર આવેલી ફૂટપાથના કોર્નર પર ઊભા રહી એણે વહેલી સવારનું તાજું બગાસું ખાધું, હાથમાંની સૂટકેસ સમાલી અને ચાલવા માંડયું.

છ વર્ષ પહેલાં એક કારકુનની હેસિયતથી એણે આ શહેર છોડયું હતું અને આજે એક મોટી ઈન્ટરનેશનલ કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવની હેસિયતથી એણે પુન: આ શહેરમાં પગ મૂક્યો હતો. એની કંપનીનું એક મોટું ટેન્ડર પાસ કરવાનું કામ એણે સામે ચાલીને શિરે લીધું હતું, અને એને વિશ્વાસ હતો કે મિ. દેશપાંડે એ ચોક્કસ કરાવી દેશે. મિસ્ટર દેશપાંડે ગમે તેવા કડક ઓફિસર હોવા છતાં મિસીસ દેશપાંડેની મધુર મુસ્કરાહટનો અનાદર એ નહીં કરી શકે અને આત્મવિશ્વાસના સ્મિતથી ભરેલા ચહેરે એણે હોટલ 'કેપિટલ'નાં પગથિયાં ચઢવા માંડયા.

''મિસીસ માલિની દેશપાંડે! આજે અઢી વર્ષના તમારા પરિચય પછી પણ આપણે જે 'ફીલીંગ'ના વર્તૂળમાં ઘુમી રહ્યાં છીએ એનું સાચું કારણ હું પામી નથી શક્યો. આજે જ્યારે આપણી આ ઑફિસની કારકુનીમાંથી છૂટીને હું હંમેશ માટે આ શહેર છોડી રહ્યો છું, ત્યારે પણ મને એ જ વિચાર આવે છે કે કોઈપણ જાતની સમાનતાના તંતુ વિનાના આપણા આ સંબંધને શું કહી શકાય? તમે મારાથી પાંચ વર્ષ મોટાં, ઠરેલ, જાજ્વલ્યમાન વ્યક્તિત્ત્વના માલિક એક તેજસ્વી પુરુષના પત્ની. જ્યારે હું એક સામાન્ય કરીઅર, સામાન્ય પર્સનાલિટી ધરાવતો કારકુન. મને લાગે છે જેને હું સંબંધ માની પૃથ્થકરણ કરવાનો પ્રયાસ કરું છું એનું કોઈ અસ્તિત્ત્વ જ નથી આપણે વચ્ચે. અને છતાં કંઈક 'ફીલિંગ' છે. એનો ઈન્કાર કરવાની ઈચ્છા નથી થતી જે સાંજે એણે આ શહેર છોડયું તે સાંજની છેલ્લી 'કોફી' સીપ કરતાં એ લાગણીવશ બનીને ઢીલો થઈ ગયો હતો.

''શા માટે આ 'ફિલીંગ'ને નામ આપવાની કે એનું પૃથ્થકરણ કરવાની કોશિષ કરો છો પટેલ? આજે છુટાં પડયા પછી આ ઘાટઘૂટ વિનાની જિંદગીના કોઈક મોડ પર ક્યારેક ક્યાંક મળવાનું થાય તો ત્યારે આટલી જ ઊષ્માભરી રીતે આપણે મળી શકીશું, એવો આજનો દિવસ શું સંબંધના અસ્તિત્ત્વનો પુરાવો નથી?'' કહેતાં મિસીસ દેશપાંડેની હમેશાં મુસ્કરાતી ગૌર મુખરેખાઓ સહેજ ગમગીન-ભીની થઈ ગઈ હતી.

''છે જ. અને એટલે જ આ અઢી વર્ષનો હરિયાળો આ ટૂકડો મારી જિંદગીની વેરાન ધરતીમાં હંમેશાં માટે ચેતન પૂર્યા કરશે. તમને અને મહેતા સાહેબને હું ક્યારેય નહીં ભુલી શકું.

...મહેતા સાહેબ... કડક, ચોક્કસ, કાર્યદક્ષ અને ગંભીર મહેતા સાહેબ એની જોડે ફોર્મલ રહી શકતા નહીં.

''પટેલ, તમને હું જોઉં છું, અને મને અમેરિકા ગયેલો મારો દીકરો મૂકેશ યાદ આવી જાય છે. તમારા જેવો જ શાંત, ગંભીર, ઝડપી અને હોંશિયાર અને એની હાલની જગ્યાએ એપ્લાય કરવાનું સૂચન મહેતા સાહેબે જ કર્યું હતું.

''પટેલ! આજે તમે જવાના છો ત્યારે પણ મને મૂકેશ જ યાદ આવી જાય છે. ઓછું બોલે પણ દ્રષ્ટિમાં લાગણીઓનો પૂર કાયમ ઉમટયાં કરે. મારું દિલ કહે છે કે તમે એક આઉટ સ્ટેન્ડીંગ કરીઅર બનાવી શકશો.''

આ હતા મહેતા સાહેબના લાગણીભીના શબ્દો. અને આજે છ વર્ષ પછી એ મળવાનો હતો મહેતા સાહેબને, એક આઉટસ્ટેન્ડીંગ કરીઅર લઈને, મિસીસ દેશપાંડેને, પેલાં અઢી વર્ષની ભીનાશ લઈને...

''સલામ શાબ!'' ઑફિસના પગથિયાં ચઢતાં જ દરવાજે સ્ટૂલ પર બેઠેલા ગુરખાએ ઓળખીને સલામ મારી, ''બહોત દિનોંકે બાદ આયે સા'બ. આપ તો પહેચાને ભી નહીં જાતે.''

''હાં કર્નલસિંગ! પૂરે છહ સાલ લગે'' કહેતાં એ સલામનો સ્મિતથી જવાબ આપી સડસડાટ પગથિયાં ચઢી ગયો.

બધું એમને એમ જ હતું. લાકડાંના પાટિયાઓ પર લોખંડની ચીપો જડેલી, જુની ખખડી ગયેલી સીડી, કાટથી કાળા પડી ગયેલા સળિયાઓ જડેલો બ્લેક-ગ્રીન લાકડાનો કઠેરો, અને ભેજિલ અંધારીયુ રદ્દી કાગળોની ફાઈલોની પીળી વાસવાળું વાતાવરણ.

''મિસીસ દેશપાંડે ને! હા, એ ત્યાં લોકલ બિલ સેક્શનમાં બેસે છે.'' એક છોકરડા જેવા પટાવાળાએ આંગળી ચિંધી બતાવ્યું. ''નવી ભરતી લાગે છે, મારા ગયા પછીની'' બબડતો એ આંગળીની દિશામાં ચાલ્યો.

''નમસ્તે મિસીસ દેશપાંડે! બહુ કામમાં છો?'' એણે છ વર્ષ પહેલાંની સ્વાભાવિકતા સ્વરમાં લાવવા પ્રયાસ કર્યો. આવી નહીં. એણે ઝડપથી આજુબાજુ નજર ફેરવી લીધી. લગભગ બધા જ ચહેરા નવા હતા. એક ખુણામાં ઓલ્ડ કલીગ મિ. દવે વાંકા વળી ધ્યાનથી સરવાળા કરતા હતા. રેવન્યુ એકાઉન્ટન્ટની ચેર પર બેઠેલા માણસે ચશ્માંમાંથી એક નજર કરી દ્રષ્ટિ હટાવી લીધી.

''અરે મિ. પટેલ! આવો! આવો! બહુ વખતે ભુલા પડયા શું?'' પાસેની ખુરશી પર બેસવાનો સંકેત કરતાં મિસીસ દેશપાંડેએ ફોર્મલ સ્મિત કર્યું. થોડીક મૂંગી ભારેખમ ક્ષણો, પંખાનો ફરફરાટ, અજનબી નજરો અને નિર્જીવ કાગળિયા. ''શું ચાલે છે મિ. પટેલ! મઝામાં ને? 

શું કરે છે મિસીસ પટેલ?'' મિસીસ દેશપાંડેએ કાગળિયાં સહેજ દૂર કરતાં પૂછ્યું. એણે ધાર્યું હતું હમણાં છ વર્ષ પહેલાંનો પેલો ઉષ્માભર્યો લહેકો સાંભળવા મળશે, ''શું કરે છે પટેલ, તમારાં પટલાણી?'' પણ ત્યાં તો છ વર્ષની ઠંડી ઔપચારીકતા થીજીને બેઠી હતી.

''બસ મઝા'' એણે ઉત્તર આપ્યો. વળી પાછું મૌન. ''આ ઓવરડયુ બિલ્સના રીમાઇન્ડર્સ કરવાનું કામ ચાલે છે ને હમણાં એટલે વર્કલોડ વધુ રહે છે. ચા પીશોને પટેલ?''

''મિસીસ દેશપાંડે! તમે આ મિસરીમલ એન્ડ કાું.વાળાને રીમાઈન્ડર લખ્યો છે?'' દૂરથી રેવન્યુ એકાઉન્ટન્ટનો સુક્કો ઝાંખરીયો અવાજ આવ્યો.

એને લાગ્યું, એણે હવે જવું જોઈએ ''ચાલો ત્યારે મિસીસ દેશપાંડે હું રજા લઉં.''

''બસ ત્યારે! આવજો. રોકાવાના હોય અને અવાય તેમ હોય તો આવજો ને ઘેર!'' કહેતાં મિસીસ દેશપાંડેનો અવાજ ફરી પાછો પેલા ફોર્મલ સ્મિતથી ભરાઈ ગયો.'' જોઈશ કહીને એ રૂમની બહાર નીકળી ગયો.

એ રૂમની સામે જ લોબીના જમણા ખુણે મહેતા સાહેબની ચેમ્બર આવેલી. એણે ચેમ્બરના ફ્લેશ ડોરમાંથી અંદર ઝાંખવાની કોશિશ કરી ત્યાં દરવાજે બેઠેલા પ્યૂને એને ટોક્યો, ''આપને સાહેબનું કંઈ કામ છે? તો લો આ સ્લીપમાં લખો.'' ''સ્લીપની કંઈ જરૂર નથી. તમે મહેતા સાહેબને કહો કે મિ. જી.એચ. પટેલ મળવા માંગે છે.'' પ્યૂન અંદર ગયો અને પાછો આવ્યો, ''સાહેબ સ્લીપ માંગે છે. મળવાનું કારણ સ્લીપમાં જણાવજો એમ પણ સાહેબે કહ્યું છે.'' પ્યૂન કંઈક વિચિત્ર નજરે એના સામું તાકીને બોલ્યો. એણે ચુપચાપ સ્લીપ ભરી પ્યુનને આપી અને મહેતા સાહેબની ચેમ્બરના વીંઝાતા ફ્લશડોર્સને પાછળ મૂકી એ ધડધડાટ દાદરા ઊતરી ગયો.

એક અજીબ ઉદાસીથી એનું મન ખિન્ન થઈ ગયું હતું. ગ્રાઉન્ડ ફ્લોરના પગથિયાં ઉતરી ઑફિસના કંપાઉન્ડમાંથી ઝડપથી બહાર નીકળી જવા એણે પગ ઉપાડયા, ત્યાં એક કૂતરાના ભસવાના અવાજે એને ચમકાવી દીધો. મેંદીની વાડ પાછળથી એક મોટા કદનો લાલ કૂતરો ભસતો ભસતો ઠેઠ એની પાસે આવી ગયો. એ કુદીને બે ડગલાં પાછળ હટી ગયો.

''અરે શાબ! ડરો નહીં! યે તો અપના લલ્લૂ હૈ લલ્લૂ!'' કહેતાં મુખ્ય દરવાજે બેઠેલો ગુરખો સ્ટૂલ પરથી ઊભો થઈ ત્યાં દોડી આવ્યો. હવે એ ઓળખી ગયો કૂતરાને. એના ભસવામાં રહેલી પરિચયની બોલી એનાથી પરખાઈ ગઈ. એ જ્યારે છ વર્ષ પહેલાં અહીં નોકરી કરતો હતો ત્યારે દરરોજ લંચ અવર્સમાં થોડો નાસ્તો બચાવી લલ્લૂને ખવડાવતો. ત્યારે તો લલ્લૂ નાનાં ગલુડિયાના રૂપમાં હતો, અને ઘણીવાર મિસીસ દેશપાંડે ખિજાતાં, ''આ કૂતરાનું તમને શું ઘેલું લાગ્યું છે પટેલ?'' અને એ મજાકમાં કહેતો, ''માણસજાતે છોડી દીધેલી વફાદારીની આદત આ જાનવરની જાતે જાળવી રાખી છે એટલે મને આ કૂતરાની જાત પ્રત્યે આદર છે.''

એને બધું યાદ આવી ગયું, અને એણે વહાલથી લલ્લૂના માથે હાથ ફેરવ્યો. મીઠો ગુર્રાટ કરતો લલ્લૂ પૂંછડી હલાવતો બે પગે ઊભો થઈ ગયો હતો. એની ચિપડાવાળી સ્નિગ્ધ આંખોમાંથી મિલનનું અમી ઝરતું હતું. લંચ-અવર્સનો ટાઈમ થવા આવ્યો હતો. 'લો કર્નલસિંગ, લલ્લૂ કે લિયે કેન્ટીનમેં સે બિસ્કીટ લે આઓ તો!' ગુરખાને પચાસ રૂપિયાની નોટ આપતાં એક ઊંડો નિ:શ્વાસ મૂકી એ લલ્લૂની આંખોની સ્નિગ્ધતામાં ઓગળી ગયેલા છ વર્ષને શોધી રહ્યો...

Tags :