બેસણાનું ઉઠમણું .
સ્માઈલરામ - સાંઈરામ દવે
કલેકટર કે નેતાનું કૂતરું મરે તોય આખું ગામ ખરખરે આવે પણ કલેકટર કે નેતા પોતે મરે તો કોઈ ન આવે!' સ્વાર્થી દુનિયા.
એક સુંદર શેર છે કે 'મોત ક્યા ચીજ હૈ, મેં તુમ્હે બતાઉ, એક મુસાફિર થા ઔર ઉસે રાસ્તે મેં નીંદ આ ગઈ !' શાસ્ત્રોમાં મૃત્યુને મંગલ કહ્યું છે. પરંતુ મરવું કોઈને ગમતું નથી. હમણા વર્લ્ડ મીડિયામાં આવે કે ત્રણ દિવસ પછી જગતનો પ્રલય થવાનો છે અને સમગ્ર સૃષ્ટિ ડૂબી જવાની છે, તો કોઈને પ્રોબ્લમ નથી. પણ જો એકાદ વ્યક્તિને કહેવામાં આવે કે તમે બે દિ માં મરી જશો તો તેની નીંદર હરામ થઇ જાશે. ટૂંકમાં સૌ મરી જાતા હોય તો કશો વાંધો નથી. એકલાને મરવામાં પ્રોબ્લેમ છે.
એક સમયે ગામડાંમાં કોઈ એક મૃત્યુ થાય અને ગામ આખું જમ્યા વગર શોકમાં ગરકાવ રહેતુ અને ટાઈમ ઇઝ ચેન્જ હવે શહેરમાં સ્મશાન યાત્રામાંથી લોકો સીધા રિસેપ્શન જઈ રહ્યા છે. થોડો રડમસ ચહેરો રાખીને, શર્ટનું ઈન વીંખીને, તદ્દન દર્દ વગરની આંખો સાથે પ્રાર્થનાસભામાં માત્ર હાજરી પુરાવા જતા હોય છે. ઘણીવાર તો ઘરધણીને પોતાના સ્વજન ગુમાવ્યા કરતાં શહેરના બે મોટા લોકો પોતાને ઘરે પ્રાર્થનાસભામાં ન પધાર્યા તેનું દુ:ખ વધારે હોય છે.
શોક્સભાઓ ધીમે ધીમે શક્તિ પ્રદર્શનો થાતાં જાય છે. વ્હાઇટ અને હાઈટ શમિયાણો, સ્ટાર્ચ કરેલા વ્હાઇટ કપડાં અને ક્યાંકથી માંગેલી ગાંધી ટોપી પરાણે પહેરીને કુટુંબમાં કદી સાથે જમવા પણ રાજી ન હોય તેવા ભાઈઓ એકસાથે ગાદલા ઉપર ગોઠવાઈ જાય છે. 'શું હતું બાપુજીને ?' આ પ્રશ્ન રીપીટેડલી બધા આવનારા પૂછે છે. ત્યારે શરૂઆતમાં દસ વાક્યોમાં બાપુજીની જીવનકથા વર્ણવનાર બે કલાક પછી આ જ સવાલના જવાબમાં માત્ર 'ઉંમર' એટલો જ ઉત્તર વાળે છે. દોઢ કલાક પછી તો માત્ર મૌન જ સેવે છે.
અતુલને સાથે લઈને કેટલાક ખતરનાક બેસણાઓના સાહસ ખેડી ચુક્યો છું. અતુલ મને પૂછતો હતો કે સાંઈ, બેસણામાં બધા ગાદલા ઉપર બેસે છે તો ઉઠમણાં કેમ ઉભા નથી રહેતા ? બોલો તમારી પાસે છે કોઈ ઉત્તર ?
એકવાર અતુલને સાથે લઈને રાજકોટમાં બહુ મોટી રાજકીય વ્યક્તિના ઘરે હું પ્રાર્થનાસભામાં પહોંચ્યો. વ્યસ્તતાને લીધે ઘરધણીના બા કે બાપુજી કોણ ડૂકી ગયું એ મને યાદ ન રહ્યું. મેં ડિપ્લોમેટિક રીતે હાથ જોડી મૌન ધારણ કર્યું. ફૂલોના ઓવરડોઝના લીધે ફોટા ઉપરથી પણ ખ્યાલ ન આવ્યો કે મમ્મી ગયા કે પપ્પા ? ત્યાં અતુલે બાજુમાંથી બાફ્યું કે ' બા થોડા વરસો બેઠા હોત તો સારું !' ત્યાં ઘરધણી કહે 'બા તો આ બેઠા !' જવાબ સાંભળી મેં બાજી સંભાળી કે 'ઓહો, બાપુજી વહેલા વયા ગયા !' ઘરધણી કહે બાપુજી પણ આ પાછળ બેઠા સાંઈરામ ભાઈ. મને કાપો તો લોહી નો નીકળે એવી હાલત થઇ 'તો કોણે રજા લીધી વડીલ ?' મારાથી રહેવાયું નહિ.
'અમારી ડોગી જુલી મરી ગઈ' ઘરધણીએ રહસ્યાસ્ફોટ કર્યો. જવાબ સાંભળી મારા ને અતુલના મોં રીતસર ડોગી જેવા થઇ ગયા. ત્રણ મિનિટમાં જ અમે એ પ્રાર્થનાસભામાંથી રજા લીધી, બહાર નીકળતા અતુલ મને ક્યે 'સાંઈ, મેં જ તારા મોબાઈલમાં આ બેસણાનો મેસેજ વાંચેલો પણ ચશ્માના નંબરને લીધે ડોગીને બદલે દીકરી સમજ્યો' તો સોરી યાર માફ કરી દે.'ત્યારે બેય ખુબ હસ્યા અને મને પેલી જૂની કહેવત યાદ આવી કે 'કલેકટર કે નેતાનું કૂતરું મરે તો'ય આખું ગામ ખરખરે આવે પણ કલેકટર કે નેતા પોતે મરે તો કોઈ ન આવે !' સ્વાર્થી દુનિયા.
બેસણા ઉઠમણામાં મોબાઈલ સાઇલન્ટ રાખવો, અને પાન ફાકી ન ચાવવા એ પણ મૃતકને આપેલી
શ્રદ્ધાંજલિ જ કહેવાય હો ! કોઈના દુ:ખમાં ભાગ લેવા જઈએ તો હૃદયની શુદ્ધ લાગણી સાથે પાંચ મિનિટ મૌન બેસી સદ્દગત આત્મા માટે મૌન રાખી એ જ સાચી શ્રદ્ધાંજલિ. બાકી શોકસભામાં આવ્યા ન આવ્યાના ધોખા થોડા હોય. આફ્ટર ઓલ આપણું માણસ અંતિમ યાત્રાએ નીકળી જાય, તેની પાછળ કોઈ કદાચ ન આવે અથવા ભૂલી જાય તો મરેલા પાછળ જીવતો સંબંધ થોડો ગુમાવી દેવાય ?
અતુલને એક ભાઈએ જસદણથી ફોન કર્યો કે અતુલભાઈ મારા બાપુજી દેવ થઇ ગયા. અતુલે ફોન પર કહ્યું, ઓહો, રામરામ ભાઈ ક્યારેક હું અને સાંઈરામ જસદણ બાજુથી નીકળશું તો ખરખરો કરી જાશું. હવે અતુલથી બોલતાં બોલાઈ ગયું અને પેલા ભાઈએ પકડી લીધું. એક અઠવાડિયા પછી ફરી ફોન કર્યો કે અતુલભાઈ તમે ને સાંઈરામ ભાઈ આવ્યા નહિ ? અતુલે અફસોસ વ્યક્ત કર્યો. મને કહ્યું કે જસદણ બાજુ હમણાં ડાયરો છે ? મેં કહ્યું ના, રે ના હમણાં તો અમદાવાદ અને મુંબઈ જ હાલે છે.
અતુલ મૂંઝાયો. પેલા જસદણવાળા ભાઈએ મૂળ ગામમાં જાહેરાત કરી દીધેલી કે સાંઈરામ અને અતુલ ખરખરે આવવાના છે. તો અમુક હરખપદુડા ચાહકો રોજ એ વડીલને પૂછે કે આજે આવવાના છે ? એટલે પેલા વડીલ પણ અતુલની વાંહે વીસ દિવસથી લસણ ખાઈને પડયા કે અતુલભાઈ ક્યારે આવવાના છો ? અતુલનો બાટલો ફાટયો કે ભાઈ અમે નથી આવવાના. અમારા બાપા રજા લ્યે ત્યારે તું'ય ન આવતો બસ...! અતુલે ફોન મૂકી દીધો. પણ પછી જસદણથી પ્રોગ્રામ માટે ઈન્કવાયરી હોય તો'ય અતુલ વાત નથી કરતો. સાંઈરામ ના સ્માઇલરામ
ઝટકો
દીકરી એટલે માત્ર અણીને વખતે કામમાં લાગે એવી, ઘરના કોક ખૂણે સંતાડી રાખેલી સોનામહોરો.
- કવિ મુકુલ ચોક્સી (સુરત)