મંચ આંધ્રપ્રદેશ : સુરમ્ય ચિત્રનૃત્ય .

- રસવલ્લરી-સુધા ભટ્ટ
હિંદુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રસ્તુત કળાના માન-મોભા
ચોથી સદીમાં 'સિથ્સ સેવન બ્રધર્સ ઓફ લેઝિયા'ની કબરમાં પ્રસ્તુત કળા જોવા મળેલી. જેમાં દ્રાક્ષના ઝુમખાં અને પાંદડાંની ભાત કિનારીએ-કિનારીએ કંડારવામાં આવી હતી. પરદેશના આવા સંદર્ભે અને દેશમાં પણ સ્થાપત્યોમાં શોભતી કલમકારી કળાનાં ઉદાહરણો છે. વિશાળ તાકાઓ સાથે લઈને ફરતા કલાકારોની દ્રષ્ટિ મંદિરોની પેનલ પર પહોંચતી. જ્યાં પ્રસ્તુત પૌરાણિક કળાનો દબદબો રહેતો. પુરાણોનાં આંકનમાં ગણેશ, કૃષ્ણ, દુર્ગા, કમળફૂલ, મોર, હાથી, અન્ય દેવી-દેવતા ઉપરાંત બુદ્ધિસ્ત 'શાંગકા' ચિત્રોનો રેકોર્ડ પણ મળતો. આ બધું જ કલમકારી અંતર્ગત આવતું. મોટે ભાગે ફ્રી હેન્ડમાં બુટ્ટાઓ ઘેરા રંગમાં શોભતા. ફૂલની થીમ પણ લોકપ્રિય હતી ! આ અદ્વિતીય ધાર્મિક કળા મંદિરોમાં ખીલી-ફૂલી-ફાલી. મંદિરમાં સ્ક્રોલ્સ, ઝૂલતાં ભીંતચિત્રો, રથ, કુદરતી દ્રશ્યોમાં દિવ્ય દેવગણો જાણે કે પ્રેરણાસ્રોત્ર બન્યા ! ઇન્ડિગો (ગળી) બ્લ્યૂ કલર મુરાદાબાદી પૉટરી અને જયપુર જાર જેવા જ લાગે અદ્દલ ! મછલીપટ્ટનમ્ બ્લૉક પ્રિન્ટનાં રસપ્રદ બીબાં કલમકારી કળાનું એક નોખું-અનોખું છોગું છે. બીબાં લાકડાનાં અને ધાતુનાં બને અને જૈવિક રંગો સાથે એ પણ રમે. આમાં બે કળા એકમેકને ગળે વળગેલી દેખાય. એક કળા તે બીબાંમાં ભાત પાડવી - કોતરણી નક્શી વડે ઊંડી-ખાંચેદાર ડિઝાઈન તૈયાર કરવી. કદ, આકાર, જાડાઈ ઉપર બીબાંની ડિઝાઈનનો આધાર રહે. એને કોતરવી એ જ કળા. બીજું એ બીબાંને તૈયાર રંગદ્રાવણમાં ડૂબાડવાં, તેને યોગ્ય પોત અને રંગ પ્રમાણેનાં કાપડ પર મૂકી-મૂકીને (પૂરી તાકાતથી) ચોકસાઈથી ગોઠવવા. વાહ ! બ્લૉક પ્રિન્ટ 'એવરગ્રીન' કળા છે. જેમાં કદી મંદી આવી નથી. હાલ એની ઉંમર હજારો વર્ષોની ગણાય.
દરેક કલાત્મક લસરકામાં એક કહાની હોવાની !
બીબાં રંગમાં બોળી-ઢાળીને થીમ પ્રમાણે અને કાપડના ઉપયોગ પ્રમાણે ઉત્પાદનો તૈયાર કરવાં એ પણ કાંઈ ઓછી મહેનતનું કામ નથી. સરળ અને સામાન્ય દેખાતી એ કળા સ્વયમ્ એક જવાબદાર કળા છે. રંગ સંયોજનનો મોટો રોલ એમાં છે. તો મછલીપટ્ટનમની જવાબદારીમાં આવતી આ કળા કૃષ્ણા જિલ્લામાં વિકસી. નાનકડા ગામ 'પેદના'માં એ જન્મી. જેને ઇસ્લામિક સંસ્કૃતિનો સ્પર્શ મળ્યો, મુઘલ સામ્રાજ્યનો સાથ મળ્યો અને પ્રસ્તુત કળાને પર્શિયન કળાનો મોંઘેરો સહકાર મળ્યો. પેદના ગામમાં પારંપરિક પર્શિયન મોટિફ (બુટ્ટા)નાં બ્લોક્સ બનવા લાગ્યા. ફૂલ, કળી, પર્ણ, લતા, રથનાં પૈડા, કમળનાં ભાતીગળ પ્રકારો, મોર-પોપટ જેવા પક્ષીઓ ખૂબ પ્રશંસા અને પસંદગીને પાત્ર બન્યા. આ બધું 'ટ્રી ઓફ લાઈફ'માં પણ ડોકાયું. વસ્ત્રો, ફર્નિચર, ચાદર, પડદા, ફાઈલ્સ અને બૅગ કવર્સ, તકિયા અને ભીંતના શણગારમાં પેદનાની કળા વખણાઈ. ૧૬૮૭માં ઔરંગઝેબ મછલીપટ્ટનમ આવ્યા અને નવી શૈલીમાં વ્યક્તિગત આ કળાની શાન વધારી. હવે તો આ કળામાં સાંગીતિક વાદ્યો, પશુઓ, બુદ્ધ, જૈનોનાં કલ્પસૂત્રો સાંકળી લેવાયાં. નવયુગમાં સિલ્ક, મલમલ અને સિન્થેટિક કાપડમાં પણ કલમકારી થાય છે. રંગોમાં રસાયણ પેઠાં. તો પણ સૂકા ફૂલોમાંથી પીળા રંગની ડાઈ બને છે તેને તેલુગુમાં 'અલ્ડેકાઈ' અને તમિલમાં 'કડુકાઈ' કહે છે. વીસમી સદીના છેલ્લા કલમકસબી છે આન્ધ્રના લક્ષ્મણૈયા - જેમનાં ચિત્રો લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં છે. અન્ય શૈલી છે. 'પાલમપોર શૈલી'. હિમાચલ પ્રદેશના ગામ પાલમપોર સાથે ગેરસમજ થાય એવું ગામ 'પાલમપોર' આન્ધ્રમાં પણ છે. જે બ્લૉક પ્રિન્ટ છીંટમાં ચાદર-કવરના સેટ બનાવે છે.
આ કળા અજંતા, ઇલોરાના ફ્રેસ્કોઝમાં પણ જોવા મળે છે
૧૭ મી સદીથી ચાલી આવતી યુરોપમાં ચાલતી એ મોંઘીદાટ કળા કોરોમંડલ કોસ્ટ પર આન્ધ્ર અને તમિલનાડુમાં થાય છે. પર્શિયન શબ્દ 'પલંગ પોશ' (પથારીની ચાદર) પરથી એ શબ્દ પાલમપોર બની ગયો. આ જ વિસ્તારમાં આન્ધ્રના ગુંટુર જિલ્લાનાં વિજયવાડાથી સવાસો કિ.મી. છેટે 'મંગલગિરિ' ગામ પણ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડીગ્રાફ માટે વખણાય છે. આન્ધ્ર પ્રદેશની સંકુલ કલાઓમાં સમયાતીત એવી 'લેપાક્ષી પ્રિન્ટ કળા' છે જે વિજય નગર સામ્રાજ્યથી ચાલી આવે છે. કળાની ઊંચાઈનો એ અહેસાસ સોળમી સદીથી મઘમઘે છે. ઐતિહાસિક 'લેપાક્ષી' નગરનું એ નઝરાણું છે. વીરભદ્ર સ્વામી મંદિરની સ્થાપત્યકળાઓથી પ્રેરાયેલી આ મોંઘા માહ્યલી રસાળ કળા છે. પ્રાચીન મંદિરોની ગ્રેનાઈટની દીવાલો અને સાંપ્રત કાપડના સંયુક્ત સાહસ સમી આ પ્રિન્ટ કળા સદીઓની પરંપરાથી પોષાયેલી છે. એની ઉપર સ્થાપત્યના મ્યુરલ્સની છાયા છે. આ એક એવી ચૈત્રિક કળા મંદિરોની દીવાલ પરની ફ્રેસ્કો કળાને પ્રતિબિંબિત કરે છે. મૂળે તો આ લેપાક્ષીમાં પણ કુદરતી સામગ્રી વપરાતી - જે બ્લૉક પ્રિન્ટ અને કલમકારી - બન્નેમાં પ્રાપ્ય હતી અને છે. મંદિરની નક્શી-કોતરણી જેવી અતિકલાત્મક ભાતમાં પણ બ્લ્યુ રંગની બોલબાલા છે. ચિત્ર તેનું સ્પષ્ટ, મૂળ સ્વરૂપનું અને વૈભવી છે. એમાં ટેરાકોટા લાલ, પીળો, ભૂરો, શ્યામ, લીલો રંગ શોભે અને ગીચ કિનારી મળે. ચાદર, સાડી, શો પીસ આદિમાં સ્થાપત્ય મલકે. પર્ણ, વેલ, હંસ, દેવી દેવાતાઓ રાજ કરે. ધર્માવરમ સાડીમાંપણ એ કળા દર્શન દે આવી કળા-તેની ઊંચાઈ હૃદયના ઊંડાણમાં શ્વસે.
લસરકો
છાપ, કલમ, બીબાં, રંગ, છટા ચાલે ગર્વિષ્ઠ ચાલે.
પટ્ટ ચિત્ર પણ કહેવાતી કલમકારી કળાને ગોલકોન્ડા સલ્તનતનો આશ્રય
ખરે જ ! કળાભૂમિ બહુ જ ફળદ્રુપ હોય છે. મૂળ અને અગત્યની કળા જ્યારે ફૂલે-ફાલે ત્યારે તેમાંથી ફંટાઈને એટલી બધી પેટાકળાઓ જન્મે કે રસિકો ગણતાં જ રહી જાય ! આન્ધ્ર પ્રદેશની ભૂમિમાંથી પ્રગટેલી કલમકારી કળાનું એવું જ ભાગ્ય હશે કે તેમાંથી તેની વારસદાર કળાઓ છટાદાર સ્વરૂપ લઈને આવી. જૈવિક રંગો, એ રંગોને પાકા કરવાના પદાર્થ, એની પ્રક્રિયામાં ઝીણું ઝીણું ધ્યાન રાખી એને ચોક્કસ સંપૂર્ણ સ્વરૂપ આપી તે કલાકારો એમાં માહિર બની જાય. ક્યારેક લાંબી વિધિ મહિનો સુધી ચાલે તોય ધીરજ ધરીને આ સમર્પિત કલાકારો સુંદર, નાજુક, તીવ્ર, સૂક્ષ્મ અને સહિયારાં પરિણામો લાવે. ઊંડાણયુક્ત ધ્યાનાકર્ષક, મહેનતસભર, સાચા શ્રમનો પ્રભાવ દર્શાવનાર આ કલાકર્મીઓને તો એક જ આનંદ અને સંતોષ છે કે એમાં એમની પરંપરા દ્રષ્ટિગોચર-સ્પર્શગોચર થાય છે અને તે દરેક ચિત્રમાં હોં ! ત્રણ હજાર વર્ષોના કળાસંરક્ષણનો પણ સૂર અને હાથ હતો. વાર્તા કથનનું એ પારંપરિક માધ્યમ દેખાય છે. એનાં મૂળિયાં અને મહત્વ વિજયનગર રાજવંશના અંકે (ખોળે) પણ લાડ પામ્યાં. દક્ષિણ ભારતના કોરોમંડળ અને ગોલકોંડામાં કલાકારો 'કલમકાર' કહેવાયા. ચોરસ, લંબચોરસ, આડા-ઊભા, ગોળ-લંબગોળ ફલક પર કળામાંડણી થતી તેમાં સાડીની બોર્ડર-પાલવ જેવી ભાત પડતી. ગીર નક્શી-કોતરણી, જુદા જુદા વૉશ પશ્ચાદ્ભૂમાં નૂતનતમ ડિઝાઈનને શોભાવતા. કુદરતનાં સૌ વ્હાલા જીવો, વન-ઉપવન, જળતત્વો કમનીય કલાત્મક વળાંકસહ જીવંત થતાં. ભીંત સુશોભનો થતાં.








