Magazines

ગોંડલ ગામે ચિત્ર સંસ્કાર દર્શન .

By GS TEAM
24 Jun 20255 mins read
ગોંડલ ગામે ચિત્ર સંસ્કાર દર્શન                                   .

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- ચિત્રોના રંગ-આકાર-પાત્ર વિશ્વમાં મહાલતા કલાકાર

ધાર્મિક, ઔષધીય અને સેવાકીય પ્રવૃત્તિથી ધમધમતી શ્રી ભુવનેશ્વરી પીઠ-ગોંડલનું ગાણું ગાવામાં ગુજરાતનું ગૌરવ ઉજાગર થાય છે એને માટે પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એમાં કોઈ શક ? અને એમાંય જો આ શ્રી સ્થળમાં કલારાણીનાં પાવન પગલાં રણઝણે તો સોનામાં સુગંધ ભળે. સંસ્થાના વર્તમાન અધ્યક્ષ શ્રી ડૉ. રવિદર્શન વ્યાસે પ્રસ્તુત સ્થળે જાણે કે ચિત્રકળાની શિબિરો ભરાતી હોય એવા ભાવે અહીં કળાકારોને આવકાર્યાં છે, બિરદાવ્યાં છે અને એમની સાથે રહીને કળારાણીનાં માન-પાન-સ્થાનમાં ધરખમ વધારા-સુધારા કર્યાં છે. વાતાવરણ જ્યારે ચિત્રોનું હોય ત્યારે આપણા કળાસ્તંભ સમ રાજા રવિ વર્મા યાદ આવ્યા વગર ન રહે અને રવિભાઈના તો એ આદર્શ છે. ચિત્રકામમાં રસ, સૂઝ અને વળોટ હોવાના કારણે રાજા રવિ વર્માની મૂર્તિને મનમાં રાખી, તેમાંથી પ્રેરણા લઈ, સૌનો સાથ-સહકાર લઈ, મૂળ વિષય ઉપરાંત અન્ય વિષયો ઉપર પણ તેમણે ધરખમ કામ કર્યું છે. કેનવાસ ઉપર તૈલ રંગોને રસળતાં કરી એમણે ભલભલી આકૃતિઓમાં રસ રેડયો છે, ભાવ કંડાર્યો છે, કૃતિ પાછળની હકીકત અને વાર્તા-કથાને ધ્યાને લઈને એમણે જાણે કે એમાં જીવ નિરૂપણ કર્યું છે. સામાન્યત: આપણી વારસાગત કળામાં હતું એમ આ કલાકારે ચિત્રો મોટા કદનાં બનાવ્યાં છે. રંગ, આકાર-પ્રકાર, પ્રસંગ, ઘટના આદિમાં તો પ્રાણ પૂર્યાં જ છે, પણ સાથે સાથે ચિત્રોને વિરાટકાય-ભરાવદાર-કલાકૃતી ફ્રેઈમ વડે પણ સજાવ્યાં છે. જેથી તે વધુ જાજરમાન અને વૈભવી બન્યાં છે. ચિત્રોનાં પાત્રોના ચહેરા ઉપર જે તે પાત્ર અનુસાર ભાવનિરૂપણ અને પહેરવેશ-આભૂષણ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. 

ઐતિહાસિક, પૌરાણિક વિષયવસ્તુ, ચિત્ર શૈલી

પોતાના આદર્શ ચિત્ર કલાકાર રાજા રવિ વર્માની ચિત્ર શૈલી વિશે રવિભાઈ કહે છે કે પ્રિન્ટીંગ પ્રેસ ન હતા ત્યારે રાજા રવિજી જર્મની જઈ એચિંગ પદ્ધતિ માર્બલની પ્લેટ પર શીખી આવેલા. વિખ્યાત કલાકાર અને ફિલ્મકાર દાદા સાહેબ ફાળકે પણ જર્મનીથી ફિલ્મ અને પ્રિન્ટીંગ પદ્ધતિ શીખીને આવ્યા અને 'લિથોગ્રાફ' તથા 'ઓલિયોગ્રાફ' શબ્દનો પ્રયોગ અને ઉપયોગ ભારતમાં પ્રચલિત થયો. મૂળ ચિત્રોનાં એ પ્રતિચિત્રો ઉપર એ સમયે મહિલાઓ મોતી, નંગ, કુંદન, કાચ, આભલા, સિતારા વ. લગાડી એને અલંકૃત કરતી શણગારની એ પ્રથાને 'એમ્બેલિશ પ્રિન્ટ' કહેવાય. બાકી, રાજા રવિ વર્માએ મંદિર સ્થિત મૂર્તિઓને કેનવાસ પર સ્થાન અપાવ્યું અને પછી તે કેલેન્ડર આર્ટમાં ઉતરી. આમ, કળા પ્રસાર-પ્રચાર ખુલ્લા દિલે કરનાર-કળાને ઘરે ઘરે પહોંચતી કરનાર એ અદ્ભૂત કલાકારને વંદન હો ! આ કળાનાં નવલાં સ્વરૂપ ડૉ. રવિદર્શન વ્યાસે ગોંડલની સંસ્થામાં મ્યુઝિયમમાં પ્રદર્શિત કર્યાં છે. એ સંગ્રહ સ્થાનમાં અનેક તસવીરો અને હસ્તપ્રતો છે. મોટી લાઈબ્રેરીમાં સાત હજાર ગ્રંથો હતા જે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં એમના દાદાએ સમાવડાવ્યા. અલબત્ત, આ પરિવારે સાચવેલી અંગત હસ્તપ્રતો, પુસ્તકો સહિત અહીં સચવાયેલી છે. વડીલોને મળેલાં માન-અકરામ પ્રમાણ 

પત્રોનો સંગ્રહ અને હા, રાજા રવિ વર્માનાં સચવાયેલાં લિથોગ્રાફ અને પેલાં સજાવટપૂર્ણ ચિત્રો તો ખરાં જ. અન્ય એક વિભાગ જરા હટકે છે જ્યાં કલાકારાનાં દાદી અને પરદાદીના હાથભરત અને મોતી-કામના નમૂના સહ કાઠિવાયાડી ઓરડો છે. માનનુઓનાં વસ્ત્રો, બ્રોકેડ, સાડી-બ્લાઉસ સાચી જરીનાં નમૂનેદાર વસ્ત્રો અહીં પ્રદર્શિત છે. આ સંગ્રહ જોવા દેશ-વિદેશથી અતિથિઓ ઉત્સુકતાપૂર્વક પધારે છે. આપણા ડૉ. રવિદર્શન વ્યાસ સર્જિત અંદાજિત પચાસ ચિત્રો પણ અત્રે ઉપલબ્ધ છે. અન્ય ખ્યાતનામ ચિત્રકારોનાં સર્જન સંગ્રહ અને રૂપચિત્રો (પોટ્રેઈટ્સ) તો ખરાં જ.

ઘેરા-ઘાટા-ચમકતા વસ્ત્રાભૂષણ સહ પાત્રાલેખન

''કેનવાસ પર જીવનયાત્રાનું નિરૂપણ'' પુસ્તકમાં પણ ઉતારનાર ડૉ. રવિભાઈ નાનપણથી જ કળાપક્ષે હતા. 'કૃષ્ણલીલા' ચિત્રમાં દેશના વિવિધ પ્રાંતની વેષભૂષા ધારણ કરતી ગોપીઓ સાથે શ્રીકૃષ્ણ લીલા કરે છે. ગોપીઓનાં મુખારવિંદ પર શાંતિ અને બહુરંગી પ્રયોગ સરાહનીય છે. 'મીરાંબાઈ' વિરકત તો દેખાય જ છે પણ કાનુડાની નિશ્રામાં ઘેલી બનેલી તે શૃંગાર સજ્જ પણ છે. 'મહાલક્ષ્મી' ચિત્ર ખાસ છે. પોતાની વ્હાલી દાદીના સુંદરતમ ઘરચોળામાં રવિજીએ મા મહાલક્ષ્મીને સજાવ્યાં છે. સૌરાષ્ટ્રના લાલ, લીલા, વાદળી રંગો અને જરિયન જામા અહીં ચિત્રમાં નિરૂપી, અનુરૂપ આભૂષણથી સજાવી 'મહા' એવી 'લક્ષ્મી'નાં બહુમાન કર્યાં છે. આ ચિત્ર પૌત્રના લાડથી ભર્યું ભર્યું મલ્કે છે. વિરહિણી નાયિકાનું વર્ણન 'મેઘદૂતમ્'માં કાલિદાસે કર્યું છે તેને બહુરંગી સન્માન આપી ચિત્રકારે સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાના સ્વાંગમાં રજૂ કર્યું છે. હોઠ વચ્ચે દબાવેલ ઓઢણીનો છેડલો તેને શરમાળ પ્રકૃતિની સાબતિ કરે છે. પશ્ચાદ્ભૂમાં મોર, ઇમારત, વાદળાં, નાયિકાનો મુખભાવ તેને સમૃદ્ધ બનાવે છે. અહીંની જગવિખ્યાત ભુવનેશ્વરી માને ઘણી ખમ્મા કહી રવિજીએ તેમને સિદ્ધિ-પ્રસિદ્ધિ અપાવી છે. મણીદ્વીપની આ દેવી ઝગમગતી રજત શૈયા પર બિરાજમાન છે. દેવી મહાલક્ષ્મી, મહાસરસ્વતી તેમના શૃંગાર અને વીણાવાદનમાં ધ્યાનસ્થ છે. ફળ, ફૂલની છાબ અને વસ્ત્રાભૂષણ દેવીઓનાં ઝાઝાં સન્માન કરે છે. તદુપરાંત મંદિરો, સ્થાપત્યોનાં ચિત્રણ, ગ્રામ્ય પરિવેશયુક્ત પાત્રો અને પ્રકૃતિ ચિત્રણ નયનરમ્ય બન્યાં છે. ખરે જ, પ્રસ્તુત ચિત્રો ભાવકોને ઇતિહાસ, સમાજ અને ધર્મ સાથે સુપેરે જોડે છે.

લસરકો :

કલા સ્વયમ્ અણમોલ અલંકાર છે.

તે લાગણી, મનોભાવ, વારસા, સંસ્કાર

અને સંસ્કૃતિની અનુપમ શૃંખલા છે.

ગાંધીજીને મહાત્માની પદવી 

અપાઈ સંસ્કૃત કાવ્ય સ્વરૂપે

આપણી વિવિધ કલાઓનાં મૂળિયાં ક્યાંક એક-એક સાથે અંકોડે જોડાયેલા જોવા મળે છે. આપણાં ધર્મ, સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિના છેડા પણ પરસ્પર સંલગ્ન હોય છે. કેટલી બધી વિદ્યાઓ એવી છે કે જે કલાપ્રકારો સાથે નજીકનું સગપણ ધરાવે છે. અરે ! માન્યામાં ન આવે એવા વિષયો પણ કલા સાથે સંબંધ અને સંપર્ક ધરાવે છે. ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવતી ભૌમિતિક આકૃતિઓ આપણને કલાજગત તરફ દોરવી જાય છે. હા, કલા તો અકારણ પણ ભાવકોને આકર્ષે છે. કોઈ વ્યવસાય કળાના અનેકાનેક માધ્યમો સાથે જોડાયેલા હોય કે કળાના કેટલાય આયામો એવા જોવા મળે જેની સાથે પગલું પગલામાં મેળવી જુદા જુદા ક્ષેત્રોની ક્ષિતિજો ખુલી જતી હોય. ગુજરાત-ખાસ કરીને કાઠિયાવાડે દેશ-દુનિયાને જે કાંઈ આપ્યું છે એની કોઈ જોડ નથી. ભાવનગર નરેશ પૂ. કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર પટેલની મુહિમમાં પ્રથમ નામ નોંધાવી પોતાનું રજવાડું દેશને અર્પણ કર્યું, પોરબંદરની ભૂમિમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને ''મહાત્મા''નું બિરૂદ ગોંડલની પાવન ભૂમિમાં ૧૯૧૫માં પ્રાપ્ત થયું. ગોંડલ મહારાજા શ્રી ભગવતસિંહજી ગાંધીજીને ડર્બન (આફ્રિકા) ખાતે છૂપું દાન મોકલતા. એ ટાણે ગોંડલ રસશાળા (ઔષધાલય) તરફથી રાજવૈદ્ય જીવરામ શાસ્ત્રીએ બાપુને નવાજ્યા. ત્યાંથી બાપુને નિયમિત દવાઓ પહોંચતી. સમય જતાં શ્રી ઘનશ્યામદાસ વ્યાસે ગોંડલની ભુવનેશ્વરી સંસ્થાનું સુકાન સંભાળ્યું અને ગિરગાય તથા કાઠિવાયાવાડી ઘોડાની નસલ પર ધ્યાન દીધું. મા ભુવનેશ્વરી મંદિર અને આયુર્વેદ ઔષધાલયને વૈશ્વિક ઓળખ મળી. એમના પુત્ર હોમિયોપેથ ડૉક્ટર રવિદર્શનજીએ દાદાજી જીવરામ હરિદાસ વૈદ્યના આશિષ સહ પ્રસ્તુત સંસ્થાની ધુરા સંભાળી.