કલમ, કારી અને કળાનો 'ક' .

- રસવલ્લરી-સુધા ભટ્ટ
કલમ = પેન અને કારી = ઝીણવટભરી હસ્તકલા
કલમકારી કળાએ પોતાના પ્રવાસમાં સમયને પારખીને સમાજને શીખવ્યું કે કઈ રીતે આપણી કળાઓને આપણી લાગણી સાથે જોડવી ! સંતોષ લાવતી આ કળા આપણું ભલું ઇચ્છે છે. તે સાજા રહેવાની કળાની દ્યોતક છે. પ્રસ્તુત કળા માનવતા અને ઇતિહાસ સાથે સંલગ્ન રહેવાનો અદ્ભુત અનુભવ કરાવે છે. હસ્તકળા અને ચિત્રકળા બન્ને હોવાને કારણે તે નઝાકતતાનો પર્યાય બને છે. તે સ્વયમ્ કલામિમાંસા કરી જાણે છે. એ જીવંત બની જાય છે ત્યારે ભાવકોને અન્ય કળાઓ અને સાહિત્ય સાથે સાંકળી લે છે. સાંપ્રત સમયમાં જેને આન્ધ્રપ્રદેશ અને તેલંગાણા તરીકેની ઓળખ મળેલી છે તે શ્રી સ્થળની મૂળ રહેવાસિની છે આ કલમકારી કળા. કેટકેટલાં સ્વરૂપો છે તેનાં ! આરંભે તો એ પૉટરી સાથે જોડાયેલી હતી. પછી પવિત્ર ગ્રંથોમાં તેણે દેખા દીધી (મહાભારત, રામાયણ, ભાગવતમ્). આ ચિત્રો ઘણાં મંદિરોમાં પિછવાઈરૂપે મ્હોરી ઊટયાં. દેવી દેવતાઓની વાર્તાનાં પ્રત્યારોપણ જેવાં નિરૂપણ એમાં હતાં. એની આવડતોનો કોઈ પાર નથી.નકશી જેવી ખાસ પ્રકારની ગીચ-ઝીણવટભરી ભાતનાં અંકન કાપડ પર હસ્તલેખન અને ચિત્રકળાની જેમ ઓપી ઉઠે છે. એની વિવિધ શૈલીઓમાં બે મુખ્ય પ્રવાહો દેખાય છે.એક છે 'શ્રીકલાહસ્તી' - જે ફ્રીહેન્ડ ડ્રોઇંગ પ્રકાર છે અને બીજી છે 'મછલીપટ્ટનમ્' - જે બ્લૉક પ્રિન્ટ કહેવાતી પેઇન્ટિંગ ટેકનિક છે. આ અતિ વિશ્વસનીય કલમકારી કળા અસલ, યથાર્થ, લૌકિક, ધરતીનું ઋણ ચૂકવતી શાંત અને રસાત્મક અનુભવના સ્ત્રોત સમાન છે. એ જ તો એની ઓળખ છે. સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે કલમકારી કળા. તેની પ્રક્રિયા પણ નૈસર્ગિક છે - જે અનેક સોપાનો ચડીને શિખરે બિરાજે છે !
કલમકારી કળાના નામમાં જ સજીવારોપણ અલંકાર છે
લલિતકળાની શ્રેણીમાં આવતી હોય એમ કલમકારી કળા જાણે કે પ્રસ્તુતિ (પરફોર્મ) કરે છે. તેની સામગ્રીઓ જીવંતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેની ભાત (ડિઝાઈન) પણ શાંત, ધીર છતાં બોલકી ભાસે છે. આ કળામાં અદ્વિતીય નમણાશ હોય છે. તેના વળાંકો વૃક્ષ પર ચડી જતી વલ્લરી જેવા હોય છે. એના ખાસ બુટ્ટીઓ (મોટિફ) જગવિખ્યાત છે. 'ટ્રી ઑફ લાઈફ' નામનાં અતિ સુંદર, લાવણ્યમય, હૃદયસ્પર્શી ચિત્રો નજાકતની ઊંચાઈ અને ઊંડાણ - બન્નેને સ્પર્શે છે ત્યારે એનાં પાત્રો સમાન બુટ્ટા - વૃક્ષનું થડ, ડાળી, કળી, પર્ણ, પુષ્પ, થડે વળગીને ચડતી ચુલબુલી ખિસકોલી, કૂણી કૂણી કળીઓને ખાવા આવતાં નાજુક નમણાં પક્ષીઓ. નીચે ઊભાં ઉપર દ્રષ્ટિ કરતાં નિર્દોષ હરણાં, ધારી ઉપર ઉત્તમ નૃત્ય કરતા મોર-ઢેલ, દૂ...ર પણે આભલે રૂના ઢગલા જેવાં વાદળ સમક્ષ પોતાનાં નર્તન અને કેકાથી ચિત્રના કેનવાસની સાથે સાથે આખાય વાતાવરણને ભરી દે ! આ થડનાં મૂળિયાં ભોંયમાં ઊંડેરાં રોપાઈને ઉન્નત દ્રષ્ટિ કરી આભને આંબી દઇ સ્વર્ગનેય સાંકળી લે અને ભૂમિ તથા પાતાળમાં પણ પહોંચી જાય ! આમ, સૃષ્ટિના કણકણમાંથી પોષણ પ્રાપ્ત કરી જીવતા રહેવાનું પ્રતીક એટલે 'ટ્રી ઑફ લાઇફ' ! અનેક પશુ-પક્ષી જેની ઉપર નભતાં હોય, કંઇ કેટલાય જીવો એની
શાખાઓમાં શ્વસતા હોય, એ વૃક્ષનો છાંયડો મા'ણતા હોય એનાં દ્રશ્યાંકનો કેટલાં સુમધુર ભાસે છે ! વળી, વાઘ-સિંહ જેવા વનરાજો પણ વારંવાર આવાં ચિત્રોમાં નાયક બનીને આવે ત્યારે તેઓ વનરાજી સહિત કેવાં શોભે ! સાચ્ચે જ; આ કળા ઘણી વિગતવાર છે, મક્કમ અને નાજુક પણ છે. તે વિસ્તૃત છે અને મોહક છે.
કલમકારી કળામાં યુરોપિયન, પર્શિયન અને ગ્રીક પરંપરાનું મિશ્ર સ્વરૂપ
પ્રસ્તુત કળાની માંડણીમાં ચોકસાઇનો ગુણ આવશ્યક અને ફરજિયાત પણ છે. ત્રેવીસ જેટલાં સક્ષમ મુદ્રાઓમાંથી અર્ક કાઢી લઇને સમજીએ તો આ કળા સ્વયમ્ એક પ્રક્રિયા છે. સુતરાઉ કાપડને કેનવાસ જેવા કડક પોતમાં તબદીલ કરવા તેને ચામડાની જેમ 'કમાવવું' પડે છે. પ્રથમ તો કાપડનો સ્ટાર્ચ કાઢી તેને બ્લીચ કરી જળમાં ઝબોળી તડકે તપવવું પડે. 'મોર્ડન્ટ' નામનો ગુંદર જાતે જ બનાવે કલાકાર. ભેંસ કે બકરીના દૂધમાં લોખંડનો ભૂકો (ફાઈલિંગ), કાચાં સૂકવેલાં ફળ, ફટકડી, રાળ, ગોળ-પાણીનો આથો, વાટેલાં ફૂલ, કોલસો વગેરે ભેળવી દ્રાવણ બનાવી તેને કાપડ પર લગાડી તેને સૂકવે. દરમ્યાન કુદરતી રંગો-ગળી બ્લ્યૂ અને પીળો રંગ પણ લગાડે. પ્રત્યેક રંગ વારા-ફરતી ચોક્કસ જગ્યાએ લગાવી ફરી સૂકવે. દરેક કલર સાથે આ પ્રક્રિયા થાય અને કાપડ પાણીમાં બોળાય. સંપૂર્ણ કોરા થયેલા કેનવાસ પર મધ્યસ્થ આકૃતિને કોલસાની લાકડી વડે ટ્રેસિંગ કરે. કલાકાર અણિયાળી કલમ વાપરે અથવા વાંસની કલમ વાપરે. તેને કાળા 'કાસિમિ' નામના પ્રવાહીમાં બોળે અને પછી કલમ પર ઊન વીંટાળે. તે ઊન રંગને પોતાનામાં શોષી લે સાચવે. ચિત્ર આગળ વધે અને પેલી પીંછી ઉપરનું ઊન ધીમે ધીમે ડિઝાઈન પ્રમાણે નિચોવાય. કાળી રેખાઓ સૂકાય પછી કલાકાર પાકા થયેલા કાપડ પર લાલ રંગ લગાડી રંગશુકન આદરે. કુદરતી વનસ્પતિજન્ય રંગો લગાડતા જાય, સૂકાયા પછી ધોતા જાય. અંતે લાલ, બ્લ્યૂ, લીલો, પીળો, કથ્થઇ રંગ રસળે અને મિક્સ કરીને નવો રંગ પણ મેળવે. કલમકારીની આગળની સફર...?!
લસરકો
લાલ, પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય
ગળી-પીળાને ભેળી લીલો રંગ મેળવાય
કલમ કારી કળા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું આભૂષણ છે
એ તો સુવિદિત છે કે ભારતના દરેક રાજ્યમાં અનેક કળાઓનાં થાણાં હોય છે; પરંતુ જ્યારે એવી જગ્યાએ આપણે ડોકિયું કરીએ અને એક રાજ્યમાં અનેક કળાઓ વિલસતી હોય એવા સમાચાર મળે ત્યારે આનંદ વિભોર થઇ જવાય કે નહિ ? વળી, વર્ણનાત્મક વાર્તાઓ અને ચોક્કસ વિચાર બીજવાળી કથાઓનાં જ્યાં મંડાણ થતાં હોય ત્યાં સમાંતરે ચિત્રકળા, મહોરાં, ઢીંગલાઢીંગલી અને કઢપૂતળીઓ આપણને આકર્ષિત કરે ત્યારે એ કળાઓને વારંવાર મા'ણવાની તક આપણે છોડીએ ખરા ? સાથે હોય કંઠય અને વાદ્ય સંગીતની સંગત, નૃત્ય, નાટય ! અરે ! આને તો કહેવાય દ્રશ્ય - શ્રાવ્ય કળા. મનોરંજનનાં સુલભ સાધનો અને પ્રકારો - જે આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાના છડીદાર ગણાય છે એનામાં કેટલું બધું વૈવિધ્ય છે ! હવે આપણે આવી લોકકળાઓના પ્રખર જાણકાર થઇ ગયા છીએ એ નાતે ચાલો ફરી એકવાર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વસતી અને શ્વસતી કેટલીક વધુ શૈલીઓને પિછાણીએ. ચેરિયલ કથા ચિત્રોનાં કાગળના વીંટા (સ્ક્રોલ)ને જાળવીને એક કોર મૂકી દઇને આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રકળા અને બ્લૉકની (બીબા) મદદથી થતા છપાઈકામની કળાના વિશ્વમાં લટાર મારી આવીએ તો ? આ પારંપરિક ભારતીય ચિત્રકળા, બીબાંઢાળ કળાની સાથે માનભેર જોડાય છે ભરતકામ કળા. હા, આ બીબાં ઢાળમાંય નવતર પ્રયોગો થાય છે એનો આનંદ છે. સત્તરમી સદીથી મંદિરોમાંથી ઘર તરફ રૂમઝૂમ કરતી જતી કળાની આ યાત્રા છે.








