ગાયન-વાદન થકી ઉજળી માણકળા .

- રસવલ્લરી-સુધા ભટ્ટ
પછી શામળિયાજી બોલીયા તને સાંભરે રે...
હા જી, બાળપણાંનો નેહ મને કેમ વીસરે રે...
- સુદામા ચરિત્ર
સમાજમાં જાગૃતિ ફેલાવવા સાટુ નરસિંહ મહેતાએ દીર્ઘકાવ્યોમાં કડવું (કડી) શબ્દ વાપર્યો. છંદ, અલંકાર, રાગ અને રસનિષ્પત્તિથી ભર્યાં ભર્યાં આખ્યાનો રચ્યાં. ત્યારબાદ મધ્યકાળે પ્રેમાનંદની ટેક અને વિષયવૈવિધ્ય પણ લોકસાહિત્યના કથા-વાર્તા-ભજન-કીર્તન જેવાં મૌલિક સર્જનો આપ્યાં. એમાં પ્રાચીન પૌરાણિક સાહિત્યને નવસર્જનના વાઘા પહેરાવ્યા. આગેકૂચ કરતા આ કલા તથા સાહિત્યના પ્રકારે ધૂમ મચાવી. સમયનો સાથ મળ્યો અને માણકળા વિકસી. વારસો માત્ર સંતાનો જ નહિ - શિષ્યો પણ આગળ વધારે અને સીમિત વાદ્યો સાથે આખ્યાન કળાએ કાઠું કાઢ્યું. તબલા, ઢોલ, સારંગી, મંજીરા, હાર્મોનિયમ, વાયોલિન ઈત્યાદિ વાદ્યોએ રંગ રાખ્યો અને પ્રાચીન - મધ્યકાલીન પહેરવેશે કોઈ ઓર જ મોભો દાખવ્યો. જે આજની રળિયામણી ઘડી સુધી બરકરાર રહ્યો છે. પ્રેમાનંદના શિષ્યના શિષ્યની આ પરંપરાના મોભી શ્રી ચુનીલાલ પંડયાના સુપુત્ર ધાર્મિકલાલજીએ માણકળાની લાજને યથાવત રાખી એને મૂળ સ્વરૂપે સાચવી જાણી. જ્ઞાનની યુનિવર્સિટી સમાજ આ વરિષ્ઠ કલાકારે દીપચંદી તાલની નજીકનો તાલ રૂપક, પોતાના પ્રિય તાલ - કહેરવા અને દાદરાની ગરિમા યથાવત રાખી તેને વર્ષો સુધી પ્રયોજ્યા. આ તાલ ગીત પ્રકારમાં ગૂંથી અને નવરસમાં જાણે કે ડૂબાડયા. ગીતને પોતાનો પ્રકૃતિરસ હોય અને તેના વિષયાંગ પ્રમાણે જ માણ પર થાપ પડે. લોકસંગીતના આ તાલ અને ઢાળ આંખ્યાનોના અને માણના પ્રાણ સમાન ! પ્રારંભિક માત્ર ત્રણ જ સ્વરો હતા જેમાંથી ૧૮૬૦માં સંગીતગુરુ ભાતખંડેએ વૈજ્ઞાનિક ઢબે બધી જ શ્રુતિઓને વહેંચી. 'ગીત ગોવિંદ'માં કવિવર જયદેવે પણ સંગીતનું સ્થાન અક્ષુણ્ણ રાખ્યું જે આજે પણ પ્રસ્તુત છે. સંસ્કૃતિ તો બદલાય - પરંતુ આ જ્ઞાન અજર અમર રહે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.
વ્યાખ્યાન કરતાં આખ્યાનની કથા-વાર્તા વધુ અસરકારક
ભાષા અને સંગીતના વ્યાકરણને પચાવી જનાર આપણી આ કળાના કર્મી શ્રી ધાર્મિકલાલની હથોટી અને વચન-કથન એવા કે નવરસધારી સાહિત્યકૃતિઓમાં રમમાણ રહીને રસદારમાં પોતાની વાણી અને માણવાદ્યરવનાં નિવાસસ્થાન કલ્પી લે ! હાસ્ય, શૃંગાર, વીર જેવા અદ્ભુત રસોની છોળો ઉડતી હોય ત્યાં અચાનક કથાનકમાં પલટો આવે - સમય થંભી જાય, વાત રસ પ્રવાહ થોભી જાય અને પછી તે શાંત રસના ઘરમાં આવીને બેસી જાય. આ રસપલટો એટલો સહજ હોય કે રસિકોના ગળે તે શીરાની જેમ ઉતરી જાય. એ વખતે કુશળ કલાકારની જેમ આખ્યાનકર્તા વાતને વળીને પાછી રસકુપ્પીમાં રોપી દે અને તરત જ કથાપટમાંથી ઉગતા અંકુરની જેમ એ સરસર સરવા લાગે. આ જ તો મઝા છે આખ્યાનકળાની - માણનાદસહ ! જતન સહિતની આ આચાર સંહિતા છે જેમાં અત્યુત્તમ પાત્રાલેખન અને સંવાદોનાં સ્થાન હોય. પૌરાણિક પાત્રો સમકાલીન બને. આ કલાવારસાની - પરંપરાની જાળવણી થવાથી એ ચિરંજીવ રહેવાના અણસાર છે. સંસ્કૃત શ્લોકો, સુભાષિતો, ચોપાઈઓ સમેત ત્રણ હજારથી વધુ કાર્યક્રમો કરનારા આ વરિષ્ઠ કલાકાર દેશ-પરદેશમાં પોંખાયા છે. આખ્યાનને જીવાડનારના આનુવંશિક પ્રયત્નો છે. ત્રીસથી ચાલીસ કંઠસ્થ પારંપરિક આખ્યાનો - સુદામા ચરિત્ર, નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું, અભિમન્યુ આખ્યાન, ઓખાહરણને તો એમણે જીવંત રાખ્યાં જ છે પણ તેમના સ્વરચિત આખ્યાનો. 'શ્રી હરિવંશરાપુરાણ', 'શ્રી શિવમહાપુરાણ', 'શ્રી સંગીત શ્રીમદ્ભાગલ્લુ', 'શ્રી ગોવિંદ ગુણસાગર'નું પણ અગત્યનું સ્થાન છે આ કળામાં. 'શ્રી માણ આખ્યાન કેન્દ્ર' મંડળ સ્થાપી એમણે એક પ્રશંસનીય કાર્ય કર્યું. તદુપરાંત તેમની સર્જન ક્ષમતા તેમનાં રચેલાં ભજનોમાં છલકાય છે... 'કનૈયા ઓ કનૈયા...' 'માતૃપ્રેમ વિસારી તું શાને ગયો...' 'પંચભૂતની કાયા આ તો માટી થવાની છે.' ઈત્યાદિ.
માણકળા પ્રદર્શનની નહિ - દર્શનની કળા છે
આદરણીય શ્રી ધાર્મિકલાલજીએ મહાભારતના ઢાળ સંગતાલ કહેરવામાં સોહામણી શરદઋતુનું વર્ણન પોતાના આખ્યાનમાં કર્યું છે. કાલીયનાગની પત્નીઓના વિલાપને રાગ હમીર - તાલ કહેરવા સાથે પ્રયોજી પ્રભુજીને રીઝવવાની અપીલ કરી છે. તો, શિવપુરાણના અંશોને જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ અને કર્મનું મહાત્મ્ય દર્શાવ્યું છે.
સત્યમ, શિવમ, સુંદરમનો યોગ સાધી તેમણે વર્ષો લગી હલકભેર શાસ્ત્રીય રાગો પર આધારિત લોકકથાઓ અને પ્રસિદ્ધ સર્જકોની કૃતિઓને ન્યાય આપી બહોળા જનસમુદાયને કળાતૃપ્તિનો ઓડકાર ખવડાવ્યો છે. આકાશવાણી અને દૂરદર્શનના માધ્યમથી આ કળાનો પ્રચાર-પ્રસાર સુપેરે થવાથી જનસમુદાય અને સાંપ્રત કળાવિશ્વ પણ રસતરબોળ થયાં - જેના પરિણામ સ્વરૂપે એમને દેશના સર્વોચ્ચ એવોર્ડ 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત ગુજરાત 'ગૌરવ' પુરસ્કાર અને દ્વારકા શંકરાચાર્ય પીઠ તરફથી 'કીર્તન કેસરી' એવોર્ડ એમને સાંપડયા છે જેમાં માણકલા અને કલાકાર - બન્ને ભાવકોના હૃદયમાં સ્થાન પામ્યાં છે. દ્રષ્ટાંત, સિદ્ધાંત અને વિષયપુષ્ટિને સાથે લઈને ચાલતી આ કળા હજી સદીઓ સુધી કળા કરે એવાં એંધાણ છે. શ્રી ધાર્મિકલાલજીના બે સુપુત્રો - બન્ને માણભટ્ટ - પ્રદ્યુમનભાઈ અને મયંકભાઈ સંગીત સાધના કરીને સંગીત જ્ઞાન અને યોગને વહેંચવાનું પુણ્યકર્મ કરી રહ્યા છે. 'શ્રી શારદા સંગીત કલાસ' અન્વયે શાસ્ત્રીય ગાયન-વાદન અને સુગમ સંગીતનાં સૂરો રેલાવી રહ્યા છે. દાદાના વારસાને ત્રીજી ઉગતી પેઢીનાં સંતાનો - ઋત્વિક, યશ અને નેહ સ્નેહપૂર્વક સાચવવાના સોગંદ લઈને આગેકૂચ કરી રહ્યા છે એ શુભસંકેત !!
લસરકો
ગુજરાતની આ પ્રાચીન એકમેવ કળાનાં આગવાં લક્ષણો
માણની માનપૂર્વકની પૂજા - મંગલાચરણ જરૂરી
આખ્યાનનું સ્વરૂપ શુદ્ધ, સ્વતંત્ર અને સાદું રહે.
અન્ય કાર્યક્રમોનો એ હિસ્સો કદી ન બને.
કલાકારો અને કસબીઓ એમાં ઓગળી જાય.
તાત આગ આ કમળતણી શય્યા જેવી લાગે પવને શીતળ, જરીએ નથી દાઝતો હું આગે
- પ્રહલાદ આખ્યાન
આકાશમાં સૂર્ય ઉગવા જેવું જ એક સત્ય આપણા ભારતના ભાગે અને ભાગ્યે આવેલું છે - તે છે કળા આરાધના. તેની ઉપાસના, સાહિત્યની સાધના... આ દરેકના તંતુઓ આપણા હૃદય સાથે બંધાયેલા - સંધાયેલા રહે. મહામૂલા માનવ જીવનમાં પ્રત્યેક જીવ સાથે અંતરતમ સંબંધથી સંકળાયેલાં આપણે પોતાની પાસે રહેલું જે કંઈ અંતરે ભર્યું હોય તેને વહેંચવામાં માનીએ અને તેની સામે સઘળું તુચ્છ લાગે હોં ! તો કેવી રીતે આપણી અભિવ્યક્તિની મંજૂષા ખોલવી - કઈ રીતે માનવ સંબંધને જીવતો અને જીવંત રાખવો... સાથે સાથે ઈષ્ટદેવની આરાધના તો ખરી જ અને કંઈ કેટલીય કળાઓ રૂમઝૂમ કરતી આવી પહોંચે એ નફામાં ! તદુપરાંત સંબંધિત કળા થકી લોક માનસને જીતવાનો જાદુ પણ જાણભેદુ હોય તે જાણે. આપણે જ્યારે આખ્યાન કળા પ્રદેશમાં પ્રવેશ્યા જ છીએ ત્યારે નરસિંહ મહેતાના અનામી પૂર્વસૂરિઓથી શરૂ કરી, પ્રેમાનંદની આંગળી પકડી, મધ્યકાલીન કવિ - લેખક - ગાયક - વાદક એવા અનેક આખ્યાનકારોને ઓળખવાના ઉપક્રમ પછી નવયુગના - આધુનિક વાયરાને વિંઝણાથી વહેતો કરી આખ્યાનકળાને - માણભટ્ટ કળાને વધુ પુષ્ટ કરનારા ''રમતા જોગી'' જેવા પદ્મશ્રી પૂ. ધાર્મિકલાલ પંડયાના પ્રયાસોને શેણે ભૂલી શકાય ? પંચાણુંમે વર્ષે વડોદરાવાસી આ મંજુલ સ્વરોના સ્વામી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રના સર્વોચ્ચ બહુમાનને ઝીલનાર એમના સાથી વિજેતાઓને કરતલ ધ્વનિથી હોંશે હોંશે બિરદાવે - અન્યનાં માન-પાનને માન આપે એનાથી વધુ મોટી સિધ્ધિ અને હૃદયની વિશાળતા બીજી કઈ હોઈ શકે ? સાચો કળાસાધક જ પૂર્વગ્રહો અને સ્પર્ધાભાવને એક ફૂંકમાં ઉડાડી દે !








