માણભટ્ટની માનનીય ગુરુશિષ્ય પરંપરા .

- રસવલ્લરી-સુધા ભટ્ટ
આખ્યાન એટલે
आ + खै = કહેવું તે.
ગીત, સંગીત, ચિત્ર, કથા, વાર્તા, નાટય, નૃત્યનાં સઘળાં લક્ષણો ધરાવતી વાતો લોકકલ્યાણાર્થે લોકપ્રિય થઈ. લોકહૈયે તે કળાઓ રાજ કરતી થઈ એમાંની એક - આજ સુધી ગમતીલી કળા તરીકે રાજ કરે છે તે 'આખ્યાન કળા.' લોક લાડીલા આદિ કવિ નરસિંહ મહેતાએ જીવનભર સંઘર્ષ કરીને લોક બહિષ્કાર વેઠીને સાહિત્ય - સંગીતની સેવા કરી. કહે છે કે પધ્ધતિસરનું આખ્યાન પ્રથમવાર એમની પાસેથી જ સાંપડયું. હા, એ પહેલાંના યુગમાં ઓછા-વધતાં લક્ષણો સહિતનું કંઠસ્થ થતું જતું સાહિત્ય છૂટા છવાયા સ્વરૂપોને વધાવી લેતું, પણ જ્યારે નરસિંહ મહેતાએ નવ પદમાં વિસ્તરેલું 'સુદામા ચરિત્ર' લખ્યું ત્યારે તેમાં - તેમની કવનશક્તિનો પરિપાક સુપેરે ઉતર્યો. આરંભ, મધ્ય અને અંતમાં નાટયાત્મક વળાંકોએ આ કાવ્યસ્વરૂપનું 'આખ્યાન' એવું નામાભિધાન સાર્થક કર્યું. તો, આવા છે આપણા પૂર્વ સૂરિઓ ! મહેતાજી પછી મધ્યયુગમાં પણ આખ્યાનો તો થતાં જ રહ્યાં પરંતુ એક ભેખધારી પ્રેમાનંદ ભટ્ટે આ સાહિત્યસ્વરૂપની લાજ રાખી. 'મારુ ગુર્જર' અથવા 'જૂની પશ્ચિમી રાજસ્થાની' તરીકે ઓળખાતી આજની આપણી 'ગુજરાતી' ભાષાનું નામ પાડનાર પણ તેઓ જ. એમની વર્ણનકળા, શબ્દચિત્રો અને રસનિષ્પત્તિની કળાને એમના સાહિત્ય વારસ સુંદર મેવાડાએ સંગીતકાર કરી. અન્ય શિષ્ય લલ્લુ વ્યાસે આ કળાને રમતી રાખી. તેઓ માટીની માણ વાપરતા પણ એમના પ્રશંસકોએ એમને ત્રાંબાની ગાગર કરાવી આપી - જે એમના શિષ્ય શ્રી ચુનીલાલ પંડયાને મળી. મોડાસાના આ વતનીએ 'આખ્યાન' નામની આ વિશિષ્ટ કળાને હૈયે ઝીલી અને ગુજરાત આખુંય ખૂંદી વળ્યા. 'પરદેશ' ગણાતા મુંબઈ ખાતે પણ એમણે ગાયન-વાદન અને કથનની આ કળાને હળવી રસકવિ પ્રેમાનંદના આખ્યાનો ઉપરાંત પંડયાજી સ્વરચિત આખ્યાનો પણ રજુ કરતા. 'સંગીત સત્યનારાયણ કથા', 'પુરુષોત્તમ મહાત્મ્ય' 'હરિશ્ચન્દ્ર' મુખ્ય ગણાય. પ્રેમાનંદની જેમ પંડયા પરિવાર પણ વડોદરામાં વસ્યો.
આ માણભટ્ટ પરંપરા શું છે ?
આદરણીય ચુનીલાલ પંડયાના અંકમાં (ખોળામાં) સમાંતરે બે જીવો ઉછર્યા. એક - ત્રાંબાની મોટા પેટવાળી સાંકડા મુખવાળી ગાગર અને બીજો જીવ તે એમના સુપુત્ર ધાર્મિકલાલ પંડયા. હા, સન્નિષ્ઠ કલાકારો માટે તેમનાં વાદ્યો જીવંત વ્યકિત સમાન જ હોય. બન્નેનો ઉત્તમ ઉછેર અને ઉત્કૃષ્ટ પ્રગતિ એ જ એમના જીવનનું મુખ્ય ધ્યેય ! પણ પ્રેમાનંદી ગાગરની આજ સુધીની મજલ, તેનાં લક્ષણો, તેનો અભૂતપૂર્વ સાથ-સંગાથ અને તેની રસપ્રચુર યાત્રા, પડાવ ઇત્યાદિનો સ્વાનુભવ આ યુગમાં આપણી પાસે કોણ વર્ણવે ? શ્રી. ધાર્મિકલાલ સ્તો ! નાનપણથી સંગીતને વરેલા, ગૃહે પિતાજીને મહાવરો કરતાં, સભામાં આખ્યાન પ્રસ્તુતિ કરતાં તેમણે દીઠા હતા. તેમની એકનિષ્ઠતા સુપુત્રે ગ્રહણ કરી, એ વહેણમાં ડૂબકી મારવાનું સ્વપ્ન જોતા એ કૂમળી વયના દીકરાને ક્યાં ખબર હતી કે એણે અતિ યુવા-કિશોરવયે જ આ વારસાને દીપાવવાનું અને આગળ વધારવાનું સ્વપ્ન સાર્થક થતું જોવાનું આવશે ? હા, એમ જ થયું. મેટ્રિક પૂર્ણ કર્યા પછી ઘરમાં પિતાજી માત્ર તસવીરમાં જ રહ્યા, મા શારદાની આંખના અશ્રુમાં પિતાના વાત્સલ્યભર્યા ચહેરાને તેઓ પ્રતિબિંબરૂપે જોતા રહ્યા અને બસ, પિતાજીની સંગીત- સાધનાના તેઓ સીધા વારસ બની રહ્યા. પિતાજીની સાથે સાથે પ્રેમાનંદને પણ ગુરુ ધારીને તેઓ તો બસ એ નેક રાહે ચાલી નીકળ્યા. 'સર્વોત્તમ આખ્યાન કવિ' તરીકે પંકાયેલા પ્રેમાનંદ કૃષ્ણરાય ભટ્ટ (૧૬૪૯ થી ૧૭૧૪ - વડોદરા) પાસેથી પણ એમના સાહિત્યની આંગળી પકડીને જાણે કે નીસર્યા.. કાવ્યતત્ત્વસંગ તાલવાદ્ય તરીકે માન પામેલા 'માણ' ને મા'ણવા. મધ્યકાલીન શ્રેષ્ઠ ગુજરાતી કવિ અને 'માણભટ્ટ' કહેવાતા આખ્યાનકારના પગલે પગલે.... પ્રેમાનંદ પછી ત્રણ સદીએ ૧૯૩૨માં જન્મેલા ધાર્મિકલાલ ચુનીલાલ પંડયાએ માણભટ્ટ કળાને જીવતી રાખી અને સ્વયમ્ જ એક માનાંક છે... જેમાં દશે આંગળીઓ વેઢ પહેરી માણ પર નર્તન કરે !
પદ્મશ્રી ધાર્મિકલાલ પંડયાના મતે માણ
આખ્યાન કળામાં માણનું - ગાગરનું મહત્વ દેહમાં હૃદય જેવું છે. હૈયું ધબકે એમ માણ ધબકે. નવ દાયકા પસાર કર્યા પછી પણ ચહેરા પર તાજગીભર્યું સ્મિત આણી ધાર્મિકલાલ પંડયાજી આખ્યાન કળાના પોતાના પ્રત્યેક તાણાવાણાને રસિકો સમક્ષ મૂકીને ઝીણવટભર્યું કાંતે. હા, દક્ષિણ ભારતીય કર્ણાટકી સંગીતમાં જેમ 'ઘટમ્' છે તેમ આ માણ પણ તાલવાદ્ય નામને સાર્થક કરી આખ્યાનને સબળ બનાવે. એનો ઉન્નત અને ઉન્મત્ત નાદ ગગન ભરી દે. કળાકારમાં તેથી જ તો જોમ આવે. આખ્યાનના વિષયાંગ પ્રમાણે ચૌદ માત્રાના ચાલ (તાલ)ને પગલે માણ પર થાપ પડે.
માણના ખોળાસોતા ભાગેથી આછો-ઝીણો પાતળો રવ સ્ફૂટ થાય. સ્હેજ ઊંચે હાથ જાય ત્યાં ભરાવદાર ભાગ સુધી-વચ્ચે સ્પષ્ટ પાતળો નાદસ્વર ઉપજે. સૌંદર્યરસ ઝરણ નીતરવા માંડે. ટપકે... ટપકે.. ધીમે ધીમે આખ્યાનના વિષયવસ્તુ પ્રમાણે અલગ અલગ રસ નિષ્પન્ન થાય. વધુ ઉપર.. કાંઠલે પહોંચતાં તો સોંદર્ય રસ ભરપૂર સ્વર-માણનો રણકાર અલગ અલગ અંદાજમાં રજુ કરે. વિવિધ પ્રસંગોની ઉગ્રતા, મધુરતાને અનુસરી કલાકાર વિવિધ તાલના પ્રયોગો કરે - જે કાવ્યના શબ્દો તથા એના અર્થને અનુરૂપ હોય. યુધ્ધના દ્રશ્યને દાદર તાલ સંગ પ્રયોજે. રસની ગતિ મુજબ લય પણ લસરે અને વીર રસ ઉત્પન્ન થાય. દેશી ઢાળોના પ્રયોગો અને નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી 'ખમાજ' જેવો શાસ્ત્રીય રાગ પ્રગટયો. અરે ! હજી તો આ આખ્યાન અધૂરું છે.. અનુસંધાન તરફ.. !
લસરકો
રસ, રાગ, અલંકાર, છંદની પ્રકૃતિ સાથે ભળી જતી ભાવકની પ્રકૃતિ.
કળાને મેળે જઈ મ્હાલે રસિકડાં
કથા, વાર્તા, કાવ્ય, શ્લોક, ગીત, સંગીત, કીર્તન, ભજન, ગઝલની પરંપરાના ચયન, મનન, ચિંતનના વિશ્વમાં રાચતા ભારતીય ગુણીજનોએ હંમેશા પુરાણકાળની દ્રઢતમ વારસાને પચાવવાની સતત કોશિશ કર્યા કરી છે. એમાં સમયાનુસાર પૌરાણિક કાળથી તે આજ સુધી ઘણું વૈવિધ્ય પ્રાપ્ત થયું છે. રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોથીય પહેલાં જનમનરજન માટે અને જ્ઞાનપ્રાપ્તિ તથા જ્ઞાનપ્રસાર માટેના અનેક પ્રકલ્પો થતા હતા એવું મનાય છે. ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને એના સંવર્ધનના ભાગરૂપ શાસ્ત્રોએ સમાજના ઘડતરમાં મહામૂલાં ખેડાણ કર્યાના દાખલા છે. સાહિત્ય, સંગીત અને કળાનાં સર્જન તથા તેનાં રખોપાં સારુ પણ હજારો વર્ષોથી આપણા મહર્ષિઓ મથતા રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે સરૂચિપૂર્ણ સાહિત્ય અને સશક્ત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે યજ્ઞાસમાન અનુષ્ઠાન સાતત્યપૂર્ણ રીતે યોજાતાં રહ્યાં છે. કહેવાય છે કે સંસ્કૃત ભાષામાં રચેયાલે સાહિત્યનો રસિકોને પરિચય થવા માંડયો એ પૂર્વેથી ભારત દેશના વિવિધ પ્રદેશોમાં લોકગીતો, લોકકથાઓ અને વાર્તાકથન છવાયેલાં હતાં. લોકબોલીમાં સરળ બોધ પહોંચાડવાનું ભગીરથ કાર્ય લોકવિદ્યાના કલાકારો, કસબીઓ અને સર્જકો કરતા હતા. હા, પધ્ધતિસરની લેખન રીતિ - નીતિનાં પગરણ થતાં પહેલા મૌખિક (મુખોપમુખ) જ્ઞાન પરંપરાગંગા વહેતી જ હતી. વધુમાં આ બધી જ કળાઓ અને શાસ્ત્રોને રાજ્યાશ્રય મળતો. ભક્તિકાવ્યો, સંતસાહિત્ય લઇને કવિ જયદેવ અને આદિકવિ નરસિંહ મહેતાએ તો ક્રાંતિ કરી. આમ, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક અને અતિઆધુનિક યુગમાં અગણિત સાહિત્યકૃતિઓ પોતાનાં આગવાં સ્વરૂપો લઇને આવી પહોંચી અને એમાંથી અનેક કળાઓ સ્વતંત્ર રીતે પાંગરી અને બસ, ખીલતી જ રહી...









