Magazines

સહજ સોમલ (અમલ) ઘોળિયાં હો જી રે...

By GS TEAM
2 Jun 20265 mins read
સહજ સોમલ (અમલ) ઘોળિયાં હો જી રે...

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- સાહિત્યકળા અને કળાસાહિત્યનાં સંભારણાં

બહુમુખી પ્રતિભા ધરાવનારા સોમાભાઈ જીવનયાત્રાના નવ દાયકા પસાર કર્યા પછીના પડાવે પણ હરએક પ્રવૃત્તિમાં અડીખમ ઊભા રહીને પ્રવૃત્તિશીલ છે. એક સાથે બે નાવ પર સવાર થઇને તેમણે યોગ્ય ઉંમરે ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની ડીગ્રી મેળવી અને સી.એન.ફાઈન આર્ટસમાં કળાનો ડિપ્લોમા મેળવ્યો. અમદાવાદ અને ખંભાતની કૉલેજોમાં અધ્યાપન પછી આચાર્યનો હોદ્દો બખૂબી નિભાવી નામની આગળ 'પ્રિન્સિપાલ'નું તિલક લોકચાહનાને પગલે ધારણ કર્યું. એક બાજુ સાહિત્ય અને બીજી બાજુ કળા; ભરતમુનિની વ્યાખ્યા મુજબ જીવનમાં ઉતાર્યા. બન્નેમાં ઊંચી ગુણવત્તાના પ્રણરૂપે ફળ મેળવ્યાં. આ ખેડુપુત્રે ધરતી પર નહિ; કાગળ અને કેનવાસમાં ખેડાણ કરી જ્ઞાન અને લાવણ્યનાં બીજારોપણ કર્યાં, તેમની આ ધરતી ઉપર પ્રભુકૃપાના વરસાદે વિચારોનાં વાવેતર કર્યા. ગદ્ય, પદ્ય, પ્રવચન નાનાં પુષ્પોનો પમરાટ ચોમેર પ્રસર્યો. પ્રવૃત્તિ અને પ્રકૃતિને અનુરૂપ વાતાવરણના ખાતર છાંટયા. મહીં સેવાની સુગંધ ભેળવી અને ખટમીઠા સંબંધોનાં સુવાસિત પરિપકવ મીઠાં મધુર ફળ મેળવ્યાં. કળા-સાહિત્યનાં વહેણો પરસ્પરમાં ઝળક્યાં, વિનમ્રતા નિખાલસતા અને વાણીમાં સ્પષ્ટતાને કારણે ખૂબ સમજીને વિચારીને પોતાનું તખલ્લુસ રાખ્યું 'સામેલ'. વાંધો નહિ, એનો અર્થભલે 'ઝેર' થાય - પણ એને એમણે પચાવી જાણ્યું. વળી, ઝેરનું મારણ ઝેર - એટલે શિવજીને યાદ કરી હિંમતથી એને સ્વીકાર્યું અને તે બહુ જ પ્રશસ્તિ પામ્યું. ભાષાવિજ્ઞાન, બાળસાહિત્ય, પ્રૌઢ સાહિત્ય, વિવેચન, પ્રવાસવર્ણન, બુધ્ધિ કસોટીઓ અને સામાન્યજ્ઞાનનાં સૌથી વધુ પુસ્તકોના આ અદના લેખક 'ધરતી' માસિકનું તંત્રી પદ સુપેરે નિભાવી હજુ અણનમ રહ્યા છે. જાહેર માધ્યમોમાં ભાષા શુધ્ધિના પ્રકલ્પો કર્યા.

મનની મોજ અને નિજાનંદ એ જ ઉપલબ્ધિ

ચિત્રકલા સાધનાના ગાળા દરમ્યાન 'સોમલ'ને મળ્યા અતિ ગરવા, વિદ્વાન, નિષ્ઠાવાન, લાસ્ય-લાવણ્ય અને નરવી સેવાઓના સ્વામી, વાત્સલ્યમય મીઠા મધ ગુરુવર્ય આચાર્યશ્રી રસિકલાલ પરીખ. ચિત્રથિયરીને ગળે ઉતરાવનાર ગુરુ શ્રી નટવર ભાવસાર અને ટપારીને વાત કરનારા, માર્ગદર્શક, ઓશીકે જ રહેનારા વાતોના મર્મી નટુભાઈ પરીખ. આ કલાકાર સોબતીને સંગ તેઓ જળરંગ છટા, રંગછાયા ટેકનિકમાં જાણકાર થયા અને પછી તો એ અનુભવના સથવારે સોમાભાઈએ અનેક ચિત્રોમાં જીવ રેડયો જળરંગમાં તેમણે નિસર્ગચિત્રો (લેન્ડસ્કેપ), સંયોજનોને દેહ આપ્યો. પેન્સિલ થકી રેખાચિત્રો અને પછી તો જાણીતી વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રો (રૂપચિત્રો-પોટ્રેઇટસ) બનાવ્યાં. પ્રસ્તુત કલાકાર રંગપૂરણી, ગોઠવણી, વિષય અને પોત અંગે અતિ જાગૃત રહ્યા. તેમનાં કાર્યમાં સિધ્ધહસ્ત કલાકારની છબી ઉપસી આવે. અમદાવાદ શહેરની જાણીતી જગ્યાઓએ જઇ સ્કેચ બનાવ્યાં. રેલવે સ્ટેશન, કાંકરિયા, સરખેજ રોજા જેવાં સ્થળોને એમણે કેનવાસ પર ઉતાર્યા. તૈલ રંગ યુક્ત રૂપચિત્રો અને સ્વતંત્ર ચિત્રોમાં ભરપૂર આત્મવિશ્વાસ છલકાય. કવિ ઉમાશંકર જોશીનો લાઇવ સ્કેચ ખૂબ જ સટીક અને સૂચક બન્યો. એમની કળા ઊંચાગજાના કલાકારો સમકક્ષ બનતી. 'મિલન' ચિત્ર તથા અનેક લેન્ડસ્કેપ ખૂબ ચાહના પામ્યા. એમાંથી ધરતીની શોડમ અનુભવાય. સાહિત્યકાર ભોળાભાઈ પટેલે સોમાભાઈ સર્જિત 'સન્નારી' ચિત્ર પરથી 'સોમલસર્જિતાને' 'કૃતિસંયોગ' કહીને એક સૉનેટ રચ્યું. પ્રબળ રેખાઓ જેમની ઓળખ છે એવા આ કલાકર્મીએ ગુરુ પાસે 'શીખવાના સોગંદ' આસ્થાપૂર્વક ખાધેલા તેથી સતત વિદ્યા વ્યાસંગી અને કુદરતમાંથી કળાને ખોળી કાઢનાર સોમાભાઈ 'શ્રેષ્ઠ વિદ્યામોતી' તરીકે પરખાયા. કલાકાર તરીકે પોંખાયા. અનેક એવોર્ડઝ એમનું સરનામું પૂછતા આવ્યા.

રંગચાહનાનાં સાકાર ચિત્રો

કલાકાર જે નિરખે એને દર્શાવવામાં પૂરેપૂરી કલ્પના શક્તિને કામે લગાડી દે. આંકડામાં નહિ ગુણની દ્રષ્ટિએ તેની કદર કિંમત હોય અને નોંધ હોય. સોમાભાઈએ અનેક માધ્યમોમાં રસનિરૂપણ કર્યા. કાગળ ઉપર જળરંગ એમની પહેલી પસંદ છે એમાં 'મિલન' ચિત્રમાં એમના 

ગુરુજી રસિકભાઈની છાયા અને અમીદ્રષ્ટિ દેખાય. આછા પીળા રંગનો વૈભવ નાયક-નાયિકાના મુખભાવ અને વસ્ત્રાલંકારને જીવંત કરી દે છે. યુવા જોડલું પરસ્પર પ્રેમાતિવ્યક્તિ કરતી વખતે મૌનભાષાનો આશરો લઇ બધું જ કહી દે છે. 'માની મમતા' માતાના વાત્સલ્ય વૃક્ષ હેઠળ શ્વસતા બન્ને બાળકોને સુરક્ષિત અને પ્રેમજળમાં ભીંજવે છે ત્યારે ત્રણેયના સંવાદો ચિત્રનું મૂલ્ય વધારી દે છે. લીલા-પીળા રંગનું પ્રાધાન્ય, ઘટાદાર વૃક્ષ, ઘોડિયું, નાનકડી દેરી, ટોપલી તો જાણે વાર્તાના પાત્રો ! માને વળગેલું બાળક અને વૃક્ષને બથ ભરી ઊભેલું બાળક જળરંગનું મૂલ્ય વધારી આપે છે. માને તો બસ, એક બાળગીત ગાવાની તમન્ના હોય એવું લાગે ! ત્રણેની આંખોમાં કાજળથી ભવિષ્ય અંજાયેલું છે. એક ચિત્ર 'ઉપવનમાં સખીવૃંદ' પાંચ સ્ત્રી પાત્રોને જુદી જુદી મુદ્રામાં રજુ કરે છે. ઉડીને આંખે વળગે એવો ઝાંયદાર ગુલાબી રંગ સરખે સરખી સખીઓને વિવિધ પ્રવૃત્તિઓનું ઇજન આપે છે. રંગો સીમિત અને વાર્તા અસીમ ! વૃક્ષો અને કુટિરના સાન્નિધ્યમાં થોડી ઘણી ઘરવખરી ચિત્રનો હેતુ સિધ્ધ કરે છે. સોમભાઈએ નાઇફવર્ક થકી કરેલા રૂપચિત્રો પણ નોંધનીય છે જેમાં પાત્રોનાં મુખારવિંદ પરની રેખાઓ ઝીણી વિગતો સભર છે. કુદરતી દ્રશ્યો, પનિહારીઓ અને ચિત્ર 'ધરતી' વિષય અને રંગરેખાને ખૂબ નિભાવે છે. પ્રસ્તુત કલાકારે લાઈવ સ્કેચ અને રેખાંકનોને પણ હળવાશથી વાચા આપીને સાચવ્યાં છે. લલિતકલા અને ઊંચાઈએ પહોંચે ત્યારે અચૂક રસિકોને આકર્ષે એ હકીકત છે !

લસરકો

ચિત્રભાષા-ભાષાચિત્ર રમે રંગતાળી

રચે હૃદયથી મઝાની-કેવી એ રંગોળી !

ખેતર ઉપરાંત મન-બુધ્ધિ-હૃદયમાં પણ ખેતી થાય

અતિ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્તરે મહાન એવો આપણો ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ તરીકે પ્રસિધ્ધ છે. એક સમે એનાં મોટા ભાગનાં નાનાં શહેરો અને ગામડાં ખેતીના લહેરાતા પાક અને ઉપજથી રળિયાત હતાં. શહેરીકરણના જુવાળને કારણે એ હરિયાળી ક્રાંતિમાં ઝાંખપ આવી છતાં નવી ટેકનોલોજી, સંશોધનો અને પ્રયોગોને કારણે ખેતી હજી જીવે છે એટલું જ નહિ; કદીક અનાજ બહારથી આયાત કરવું પડતું હતું તેને સ્થાને હવે આપણે અનાજ, ફળ-ફૂલ અને એનાં ઉત્પાદનનો સિખ્ખે દુનિયાના દેશોમાં નિકાસ કરતા થઇ ગયા છીએ. એ જ દ્રશ્ય શ્વેતક્રાંતિ ક્ષેત્રે પણ મા ભારતીનાં હૈયામાં હામ ભરે છે. આમ, ગામડાં ખાલી થતાં જાય છે, શહેરો ભણીનો જુવાળ હિલોળા લે છે છતાં ક્યાંક સંતુલનનો ખેડૂત/ધ્વનિ સંભળાય છે. 'ખેડૂતનો દીકરો ખેડૂત' એ પ્રણાલી પણ પાછાં પગલાં કરતી લાગે છે પરંતુ ખેતીવાડીને લગતી નવી દિશાઓની સાથે એના મહાવિદ્યાલયોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાય છે - શિક્ષણની એ શાખા ઉજળી થતી જાય છે. પરિણામે પૃથ્વીપરનાં દૂર સુદૂરનાં સ્થળો દૂર સંચારને કારણે સેટેલાઇટના પ્રસારણોને કારણે નવાં માનાંકોને સુર કરતાં થયાં છે. એકમેક સાથે જ્ઞાન (ંર્હુર્રુ) વહેંચતા થયાં છે, તો; ગુજરાતના પાટણ જિલ્લાના ગામ ચાણસ્માના વિરમદાસ પટેલ નામના ધરતીપુત્રના કુળદીપક સોમાભાઈ પટેલ પારંપરિક ખેતી કરવાને બદલે ખેતર ખેડવાને બદલે વિધવિધ ક્ષેત્રે (ખેતરે) સર્જનાત્મક કાર્યક્રમો પ્રયોજે, શ્રમ કરે, પરિણામ પ્રાપ્ત કરે અને સંતોષધન મેળવે તો એ ખેતીની જ નીપજ છે. ધરતીને અંક ધરતીનું છોરું તે ખેડૂત. એનું સંતાન જ્યાં ખેડે ત્યાં સોનવર્ણો પાક !