ગાંધીજી વિશેની એક સુંદર ગઝલ...
શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન
કાળથી ઉપર કોઈ નથી પણ અમુક વ્યક્તિઓ કોઈ ચોક્કસ મર્યાદામાં સિમીત ન રહેતા દરેક યુગમાં સમગ્ર મનુષ્ય જાતિમાં પોતાના કાર્યની સુગંધ છોડી જતા હોય છે
પોતડી, ચશ્માં અને એક લાકડી,
જેહજારો તોપને ભારે પડી.
સત્યને સ્હેવો પડયોતો રંગભેદ !
લાલપીળી થઇ ઉઠીતી એ ઘડી.
છાપ આખા વિશ્વ પર પાડી ગઈ !
દાંડી યાત્રાએ ગયેલી ચાખડી.
પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી ?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી.
અંધશ્રધ્ધાથી ગુલામી દૂર થઈ,
બાંધી'તી વિશ્વાસની નાડાછડી !
રેંટિયામાં કાળને કાંતી લીધો !
કાળને એની સમજ પણ ના પડી.
ઘરના બે ટુકડા થયા, સળગ્યા પછી,
બંધ આંખોમાં અહિંસા તરફડી.
મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ !
ચામડીના તીર્થમાં એ જઈ ચડી !
- ભાવેશ ભટ્ટ
ગાંધીજીની ૧૫૦ જયંતિ નિમિત્તે ગાંધી કાવ્યોમાંથી પસાર થઇ રહ્યો હતો અને સૌથી પહેલું યાદ આવ્યું ઝવેરચંદ મેઘાણીે જે કાવ્ય ગાંધીજી ઉપર લખ્યું હતું તે ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે છેલ્લો કટોરો કાવ્ય જે રચાયું હતું તેણે આખા ગુજરાતને ઢંઢોળ્યા હતા જે આજે પણ ઘણાં બધાને યાદ છે.
છેલ્લો કટોરો ઝેરનો આ: પીજજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !
જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને -
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
કાવ્ય તો ઘણું લાંબુ છે પણ આ પંક્તિઓ બાપુના સંદર્ભમાં અમર છે. હસમુખ પાઠકનું એક ટૂંકું કાવ્ય આ ક્ષણે યાદ આવી રહ્યું છે. ગાંધીજીની સમાધિ રાજઘાટ પર કવિ પણ જાય છે. ફૂલોના ઢગલા જુવે છે અને એક સુંદર નાનકડું કાવ્ય લખે છે.
આટલા ફૂલો નીચે
ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી.
આજે જે આરંભમાં ગઝલ છે તે ગાંધીજી વિશેની છે. સમગ્ર ગઝલમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી આવતું પણ એક પછી એક પંક્તિમાં ગાંધીજીનું ચિત્ર જે ઉપસતું જાય છે એ એટલું જ અસરકારક છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને તેમાં વણી લેવામાં આવ્યા છે, ક્યાંય ગાંધી નામ લખ્યા વગર.
ચશ્મા-પોતડી અને લાકડી એ કોઈ શસ્ત્ર નથી પણ એ પહેરનારાએ અહિંસાનું શાસ્ત્ર જીવંત કરી બતાવ્યું. હજારો તોપને ેક લાકડી ભારે પડી'તી. રંગભેદ આ પૃથ્વી પર વર્ષોથી છે. અમેરિકામાં આજેય છે. ગોરી ચામડી અને કાળી ચામડીના આ ભેદ જોઇને એ ક્ષણો રાતી-પીળી થઈ ગઈ હતી. કાળા-ધોળાનો રંગભેદ સત્યને પણ નડયો'તો. સત્યને કોઈ રંગભેદ નથી હોતો. ચપટી મીઠા માટે દાંડી યાત્રાએ નીકળેલી ચાખડી, અસહકારનું આંદોલન વિશ્વને એક નવો રસ્તો ચીંધ્યો હતો. ગાંધીજી એટલે મુઠ્ઠી હાડકાનો પાંચ ફૂટનો માણસ. પણ એમની સાદગી કેવી ભવ્ય ? એમની સાદગી કેવી વિસ્તરી ગઇ કે આખી દુનિયા સાંકડી બની ગઈ.
ગાંધીજીના મનમાં એટલો દ્રઢ વિશ્વાસ હતો કે અંધશ્રધ્ધાની ગુલામી એ દૂર કરી શક્યા હતા. કાળથી ઉપર કોઈ નથી પણ અમુક વ્યક્તિઓ કોઈ ચોક્કસ મર્યાદામાં સિમીત ન રહેતા દરેક યુગમાં સમગ્ર મનુષ્ય જાતિમાં પોતાના કાર્યની સુગંધ છોડી જતા હોય છે. ગાંધીજીએ રેંટિયામાં માત્ર કાળને એવી રીતે કાંતી લીધો કે કાળને પણ એની સમજ ન પડી. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા એ સૌથી મોટી દુઃખદ ઘટના છે. એક જ ઘરના બે ટૂકડા થયા. બંને ઘર સળગ્યા. ગાંધીજીની આંખોમાં અહિંસા કોઈ પક્ષીની જેમ સળવળી છે. ગાંધીજીના અંતિમ શબ્દો હતા હે રામ ! તેમના શરીરમાં ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી. ચામડીના તિર્થમાં જઇને જાણે એ ગોળીઓ મોક્ષ પામી. કેવી સુંદર ગઝલ આપણને ગાંધીજીના સંદર્ભમાં આ મળી છે ! ફરી-ફરી માણવા જેવી છે.
ભાવેશની ગઝલો સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે. ગઝળના સ્વરૂપને આત્મસાત કરી આજનો ગઝલકાર કેવા-કેવા વિષયોને પોતાની ગઝલોમાં સમાવે છે તે જોઇએ. બુધ્ધિએ લાગણીને છેતરી જ હોય છે. જીવનમાં એવા અનેક પ્રસંગો યાદ આવશે કે આપણી બુધ્ધિએ આપણી લાગણીને છેતરી હોય અને આપણે હોંશે હોંશે છેતરાયા ય હોઈએ. આ ભૂલ ન કરી હોય એવું આ સંસારમાં કોણ હશે ? બાપની આંખો એ કરૂણાસભર હોય છે. ફકીર એક પિતાની આંખ જોઇને એટલું જ બોલ્યો તારે ઘેર દીકરી હોવી જોઇએ. માંગનારની સામે પોતે ય ભીખ માંગવા જ નીકળ્યા છે એવા હાવભાવ કરનારા વાતો તો કુંડળ અને કવચની કરતા હોય છે. દાનેશ્વરી કર્ણની વાતો કરવા નીકળ્યા હોય છે. ભાવશની આ મતલબની ગઝલ જોઇએ.
બુધ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય,
આ એવી ભૂલ છે જે બધાએ કરી જ હોય.
જોઇ છે સ્મિત કરતી ને શરમાતી જોઇ છે,
કોણે કહ્યું પ્રતીક્ષા ઉદાસી ભરી જ હોય ?
કોઈ કબૂલ થાય, કોઈ ના ય થાય, પણ,
પહેલાં તો ત્યાં જઇને દુઆ થરથરી જ હોય.
એનાં સિવાય પારકા લાગે બધા મને !
જેનો નથી હું એની મને ખાતરી જ હોય.
આંખોમાં જોઈ મારી, ખબર કઇ રીતે પડી ?
બોલ્યો ફકીર, તારા ઘરે દીકરી જ હોય.
તો પણ પસીનો છૂટી જતો તારા સત્યને,
એવું નથી કે વાત અમારી ખરી જ હોય.
આંખો તરફનું વહેણ ભલે એ થવા ન દે,
છાતીમાં એની કૈંક નદીઓ ભરી જ હોય.
કુંડળ-કવચની એય કરે છે કથા બધે,
જેણે હથેળી સામે હથેળી ધરી જ હોય.