હૃદય ખોલવાનું ઠેકાણું એકાદ રાખો....
શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન
સલામત સ્થળ તો આપણો પડછાયો છે. આપણી સાથે ને સાથે ચાલે છે. કોઈ પડછાયા જેવી ઓથ હોય જીવનમાં એ ખૂબ જરૂરી છે
એકાદું ઠેકાણું રાખો
સાચેસાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો,
સુખ-દુ:ખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો.
મુક્ત બનીને થાતી ફોગટ દોડાદોડી થકવી દેશે,
સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો.
પોતાના પડછાયાથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત,
એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો.
ભરનિંદરમાં ભૂલ ભલે થઈ, એનું ઓસડ હાથવગું છે,
જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો.
પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું,
સાવ અકારણ પણ જાવાનું એકાદું ઠેકાણું રાખો.
પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે,
અંદરઅંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો.
મેઘધનુષી રંગોના વાઘાથી દેહ ભલે શણગાર્યો,
ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો.
- નીતિન વડગામા.
પ્ર ત્યેક માણસ શંકાથી ભરેલો છે. જલ્દીથી કોઈની ઉપર વિશ્વાસ નથી મૂકતો. કોણ ક્યારે કેવી રીતે છેતરી જાય એ કહેવાય એમ નથી. કોઈની પાસે તમારા જીવનની વાત કરો અને બીજી જ પળથી એ માણસ જાણે પોતાને શ્રેષ્ઠ ગણવા મંડે છે તમને તુચ્છ ગણવા મંડે છે. આજના સમયમાં પ્રત્યેક માણસ એટલો બધો નેગેટીવ થઈ ગયો છે કે એના જેટલો ખરાબ કોઈ ન હોઈ શકે. પોતે ખરાબ છે એ કહેવાની હિંમત આજનો માણસ ખોઈ બેઠો છે અને એટલે જ વારેવારે એ કહે છે કે જમાનો ખરાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત
નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.
- મરીઝ
કોઈ ડૉક્ટરના દવાખાનાની બ્હાર લખેલું વાક્ય વાંચવાનું મને યાદ છે. જો તમે કોઈની પાસે હૃદય ખોલ્યું હશે તો ડૉક્ટરો પાસે હૃદય ખોલવાનો વારો નહીં આવે. બધા જ હૃદયરોગવાળાઓએ હૃદય ખોલ્યું નથી હોતું એવું નથી હોતું. પણ લાગણીશીલ માણસ વધારે દુ:ખી થાય છે. એકબાજુ હૃદય ખોલવું હોય છે પણ વિશ્વાસ આવતો નથી. અને એક બાજુ બધાની સાથે મળવું હોય છે અને હૃદયથી ઊઘડવું નથી હોતું. બધા ઓળખે એવી ઇચ્છા હોય છે પરંતુ કોઈ ઓળખી ન જાય એની ચિંતા પણ હોય છે. કદાચ આપણે ક્યાંય હૃદય ખોલ્યું નથી કે ખોલી શકતા નથી તેથી જ બી.પી., એસિડિટી, હાર્ટએટેક, જેવી અનેક બીમારીઓ ઘેરી વળતી હોય છે.
કવિ નીતિન વડગામાની આ ગઝલ એકાંતમાં ફરી-ફરી વાંચવા જેવી છે. વાતે વાતે આપણે સોગન ખઈએ છીએ પરંતુ પ્રિયમાં પ્રિય વ્યક્તિના સાચેસાચા સોગન ખાવા હોય તો હિંમત ચાલે ખરી ? જ્યાં સાચેસાચું કહી શકાય, જ્યાં હૃદય ખોલી શકાય જીવનમાં એવી એકાદ વ્યક્તિ તો હોવી જોઈએ. જે ઘેર જઈને આપણા દુ:ખની જ નહીં, સુખની વાત પણ કહી શકાય અને મોકળા મને રડી શકાય એવું એકાદ ઘર તો હોવું જોઈએ. જીવનમાં એકાદ ઠેકાણું એવું રાખવું જોઈએ. મોટાભાગના માણસોને અનેક ઠેકાણે સંબંધો છે પરંતુ આવું એક ઠેકાણું ખોઈ બેઠા છે.
હું મારી મરજીનો માલિક છું, મને ફાવે ત્યાં જઉં, મને કોઈ રોકી શકે એમ નથી. એમ માનીને આપણે સ્વછંદી બનીને દોડયા કરીએ છીએ. આપણા અહંકારને આ ગમે પણ છે. પરંતુ સામે ચાલીને બંધાવું ગમે, જેનું બંધન આપણને આ દુનિયામાં જીવાડે એવું એકાદ ઠેકાણું તો જીવનમાં હોવું જોઈએ.
સલામત સ્થળ તો આપણો પડછાયો છે. કારણ કે એ આપણને છોડીને ક્યારેય જતો નથી. આપણી સાથે ને સાથે ચાલે છે. કોઈ પડછાયા જેવી ઓથ હોય જીવનમાં એ ખૂબ જરૂરી છે. અજ્ઞાાનતાંવશ એટલે કે ઊંઘમાં, અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એનો ઉકેલ હાથવગો છે. કોઈ એવી એક વ્યક્તિ, એવું એક સરનામું જીવનમાં હોવું જોઈએ. જ્યાં તમે જઈને શરમાઈને પણ બધી વાત કહી શકો. કોઈને ઘેર જાવ અને તરત એ તમારા આવવાનું કારણ પૂછે છે ક્યાં તો પછી મનોમન વિચારવા મંડે છે કે કેમ આવ્યા હશે ? પણ જીવનમાં એકાદ ઠેકાણું હોવું જોઈએ જ્યાં સાવ કારણ વગર જઈ શકાય.
સ્નાન કરીએ કે વરસાદમાં પલળીએ, મેળાવડાઓમાં જઈએ કે સભાઓમાં બેસીએ, આપણા બ્હારના સ્મિત, આપણું બ્હારનું પલળવું બધું કોરુંધાકોર હોય છે. આપણે પલળેલા છીએ એવું દેખાડતા હોઈએ છીએ ત્યારે પણ અંદરથી જાણતા હોઈએ છીએ કે સાવ કોરા છીએ. બ્હારથી ભલે સાવ કોરા રહીએ પણ જ્યારે જ્યારે મળીએ ત્યારે હૃદયથી ભીંજાઈ જવાય એવું ઠેકાણું રાખવું જોઈએ.
ક્યારેક એમ લાગે છે કે બધુંય છોડીને ક્યાંક ચાલ્યો જઉં. ક્યારેક લગ્નમાં જવાનું હોય છે અને રંગબેરંગી કપડાઓ પહેરવાના હોય છે. ક્યારેક શોકસભામાં કે બેસણામાં જતા સફેદ વસ્ત્રો પહેરી લેવાના હોય છે. મૂડ અને પ્રસંગો પ્રમાણે આખો દિવસ મેઘધનુષી રંગોથી આપણા શરીરને શણગાર્યા કરીએ છીએ. સંસારના બધા જ રંગો જુદા જુદા મનોભાવો સાથે સંકળાયેલા છે. અને એ મનોભાવો આપણને એ ભાવમાં ડૂબાડી દે છે. પણ ક્યારેક વિચારવા જેવું છે કે આ બધા રંગો ક્યાં સુધી ટકવાના ? ક્યારેક આપણી અંદર રહેલો દ્રષ્ટા આ બધું જોતો હોય છે અને જાણતો હોય છે. આ સંસાર તો ગમે ત્યારે આપણને જુદી-જુદી રીતે માયામાં જ ડૂબાડતો રહેવાનો છે. એટેચ કે ડીટેચ કરીને ડીટેચમેન્ટની પણ માયા કરાવે છે. પણ જે દ્રષ્ટાભાવે આપણને જીવતા શીખવાડે એ ભગવો રંગ છે. જેના સાનિધ્યમાં મન ભગવા રંગે રંગાય એવું એકાદ ઠેકાણું રાખવું જોઈએ. આ ગઝલ વાંચતા-વાંચતા અનેક વખત લાગ્યું કે આપણે બધા ઠેકાણું ખોઈ બેઠેલા માણસો છીએ. અંદરથી બધા જ સરખાં છીએ અને બધું જ સરખું છે એ ભાવની ગઝલ જોઈએ.
બધાં સરખાં જ લાગે છે
પુરાણાં ગામ ને પાદર બધાં સરખાં જ લાગે છે,
નગરનાં આભઊંચા ઘર બધાં સરખાં જ લાગે છે.
ભલે હો નામ નોખા કે ભલે હો રૂપ રઢિયાળાં,
જુદાં છે બ્હાર, પણ અંદર બધાં સરખાં જ લાગે છે.
ફરક થોડો ઘણો છે માગવાની રીતમાં કેવળ,
અહીં પંગુ અને પગભર બધાં સરખાં જ લાગે છે.
ખરો આધાર ઊભા મોલનો છે માવજત ઉપર,
નહીંતર ખેડ ને ખાતર બધાં સરખાં જ લાગે છે.
બદલશે આંગણું ને એમ એના રંગ બદલાશે,
ઉપરથી તો અહં અવસર બધા સરખા જ લાગે છે.
કરામત તેજભીનાં ટાંકણાંની હોય છે સઘળી,
પ્રથમ તો શિલ્પના પથ્થર બધા સરખા જ લાગે છે.