દાદા અને દીકરીનો સંબંધ...
શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન
બાળક સાથે બાળક બનીને રમવાના અનેક લાભ છે. જીંદગીના વર્ષો વધી જાય છે. સંસારના દુ:ખ ભૂલાઈ જાય છે. એકલતાના કોઈ પ્રશ્નો સતાવતા નથી
આંગણે દાદા રમે ને બારણે દાદા રમે,
દીકરી સાથે ગજબના સગપણે
દાદા રમે.
હોય છો મોતી ભરેલું કૈંક
યાદોથી ભર્યું,
દીકરી બેસે ખભે ને તોરણે દાદા રમે.
હોય જગદંબા જ જાણે અવતરી હો તારવા,
ઓટલે બાળક બનીને ઘડપણે
દાદા રમે.
આમ તો ચાલી નથી શકતા છતાંયે દોડતા,
ગામ કહેતું... આ... અહીં ને ત્યાં પણે... દાદા રમે.
ને પછી સંતાય ને પકડાય ને ખડખડ હસે,
આંગળી પકડી ઘણા સંભારણે દાદા રમે.
આખરી છેલ્લો સહારો પૂર્વજોનો - વંશનો,
ધૂળ ખંખેરી સમયની હરક્ષણે દાદા રમે.
- રાજેશ વ્યાસ મિસ્કીન.
દા દા એટલે પિતાના પિતા. દાદા એટલે જાણે ખાટલે થાક ખાતો સમય. દાદા કોઈ પણ વૃદ્ધ પુરુષને સંબોધવામાં આવતો શબ્દ. લોકગીતોમાં તો દાદાનું સ્થાન માનભર્યું ગવાયું છે. લગ્નગીતોમાં પણ દાદાનું મહત્વ છે. આ ક્ષણે યાદ આવે છે જાણીતું લોકગીત દાદા હો દીકરી... દાદાનો અને દીકરીનો સંબંધ એક વિશિષ્ટ સંબંધ છે. કોઈ પણ વાત દાદાને કહેવાય. દાદા લાડ લડાવે. લોક પરંપરામાં તો દાદાના આશિર્વાદ લઈને કાર્ય કરો એટલે સફળ જ થવાય એમ મનાય છે.
આજે હવે કુટુમ્બો વિભક્ત થતા ગયા. ઘરના મોભી એવા દાદા શબ્દ આજે તો એવો મૂલ્યવાન નથી રહ્યો. આજે જ્યાં માતા-પિતા પણ બદલાતી લાઈફસ્ટાઈલને કારણે દૂર-દૂર રહેતા હોય છે ત્યારે દાદા નામનું પાત્ર અને તેની વાતો થોડીક કાલ્પનિક લાગે. પણ હજુય ઘણાં કુટુમ્બો એવા છે જ્યાં દાદા નજરે ચઢે છે. જ્યાં દીકરીની દાદાગિરિ દાદા ઉપર ચાલે છે. દાદા વિશેની આ ગઝલ લખાઈ એના મૂળમાં મને ગમતો એક મુન્નવર રાણાનો એક શેર છે.
મૈં અપની લડખડાહટ સે પરેશા હૂં મગર પોતી,
મેરી ઉંગલી પકડકર દૂર તક ચલને કો કહેતી હૈ.
હવે ઉમ્મર થઈ છે. મનથી તો યુવાન લાગીએ પણ ઢીંચણ સાથ નથી આપતા. હવે દાદાજી ડગમગતા ચાલે છે. દીકરી સડસડાટ દોડી જાય છે અને દાદાજી ડગમગતા ડગમગતા આજુબાજુના લોકોને જોતા, મૂંઝાતા, શરમાતા ચાલી રહ્યા છે. પરંતુ દીકરાની દીકરી મારી આંગણી પકડીને દૂર સુધી ચલો ફરવા જઈએ એમ કહે છે. આ દૂર સુધી એટલે જાણે તેની સાથે વર્ષો સુધી જીવી લેવાની વાત.
દાદા એ ઘરના એક એવા મોભી હોય છે જેણે સાદી ભાષામાં કહું તો અનેક દિવાળીઓ જોઈ છે. જીવનના દરેક અનુભવમાંથી એ પસાર થઈ ગયા છે. પાંચમાં પૂછાતું નામ છે. એ દાદાજી બધું ય ભૂલીને દીકરીની સાથે આંગણામાં ધૂળમાં બેસીને રમે છે. બારણે બેસીને મોર-પોપટ-ચકલીને જુવે છે એને રમે છે. મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય. દીકરાની દીકરી સાથે ગજબનું સગપણ. કોઈ એવો જન્મોનો ઋણાનુબંધ દાદાનો અને દીકરીનો છે કે સમજણ છોડીને ઉંમર ભૂલીને રમવા બેસી જાય છે. એક નાનકડી દીકરી જેણે હજુ આ જગતને જોયું નથી અને એક વૃદ્ધ દાદા જેણે બધું જ જોઈ લીધું છે. એ બંને જણને આંગણામાં કે ઓસરીમાં રમતા જોવા એ જીંદગીનો લ્હાવો છે.
દીકરીની કોઈ પણ જીદ ભલે કોઈની પણ પાસે ના પૂરી થાય પણ દાદા પાસે એ જીદ પૂરી થવાની છે એ દીકરીને પણ સો ટકા ખબર હોય છે. એક દ્રશ્ય કલ્પીએ. દાદી જીવતા હશે ત્યારે એમણે યુવાનીમાં દાદા પાસે જુદા-જુદા રંગના મોતી મંગાવ્યા હશે. અને જુદા-જુદા રંગની કાચની ભૂંગળીઓ મંગાવી હશે અને દિવસો સુધી મહેનત કરીને એક મોતીનું તોરણ ભર્યું હશે. દાદાએ હોંશે-હોંશે એ મોતી ભરેલા તોરણને બારણા ઉપર લટકાવવા માટે બે ખૂણા ઉપર ખીલીઓ મારી હશે. આજે દીકરીએ એ મોતીના તોરણ સાથે રમવાની જીદ પકડી છે. ઘરણાં બધાંયે ના પાડી પણ... દાદાએ તો દીકરીને ઊંચકીને પોતાના ખભે બેસાડી દીધી. અને દાદા પોતાના હાથ લંબાવીને એ તોરણની સાથે રમે છે. બંને બોખા... ખડખડાટ હાસ્યથી ઘરની ઓંસરીને નહીં આખા ઘરને મ્હેંકતું કરી દે છે.
દીકરી ઊઠીને સવારે દાદા પાસે મંદિરમાં દીવો કરાવે, અગરબત્તી કરાવે, પોતે ઘંટડી વગાડે અને દાદા માતાજીને પગે લાગ્યા પછી દીકરીને પણ જગદમ્બા કહીને પગે લાગે. જાણે એ પરમશક્તિ જ આખા કુટુંબને તારવા માટે જન્મી હોય એવી એની દિવ્યતા. દાદા બાળક બનીને ઓટલા ઉપર બેઠા-બેઠા આ ઘડપણમાં રમી રહ્યા છે. આખી ગઝલમાં દીકરી જ નહીં, દાદાજી રમે છે તેની મઝા છે.
દાદાજી આમ તો ચાલી નથી શકતા. પણ આ દીકરી આવી છે ને એ એટલી મીઠડી છે કે તમે ગમે ત્યારે જુઓ ત્યારે એ બંનેઉ જણ રમતા જ હોય. બાળપણમાં સૌરાષ્ટ્રમાં સાંભળેલું એક લોકગીત યાદ
આવે છે.
ધુમ્મલી રે ધુમ્મલી
આંગણે રમે આંખને ગમે
બારણે રમે બાપને ગમે
શેરીએ રમે સૌને ગમે
ગામમાં રમે ગામને ગમે
ધુમ્મલી રે ધુમ્મલી.
દાદાજી તેમની ધુમ્મલી સાથે જે ચાલી નથી શકતા એને ગામના લોકોએ દોડતા જોયા છે. ભલભલા બે ઘડી ઊભા રહીને દાંત કાઢે, જોઈને ખુશ થઈ જાય. દાદા તેમની દીકરી સાથે અહીં, ત્યાં, પણે ક્યાં-ક્યાં રમે છે.
બાળક સાથે બાળક બનીને રમવાના અનેક લાભ છે. જીંદગીના વર્ષો વધી જાય છે. સંસારના દુ:ખ ભૂલાઈ જાય છે. એકલતાના કોઈ પ્રશ્નો સતાવતા નથી. અને બાળસહજ નિર્દોષતાને લીધે ધ્યાન કર્યું હોય કે પૂજા કરી હોય એટલું હળવુંફૂલ થઈ જાય છે. ને પછી રમતા-રમતા દાદાજી સંતાઈ જાય ને પછી પકડાઈ જાય અને દીકરીને દાદાજીને પકડી પાડયા એનો આનંદ હોય. એમાં બંને જણા ખડખડાટ હસતા હોય. કેવું મનોરમ્ય દ્રશ્ય છે ! દાદાજી દીકરીની આંગળી પકડે છે અને દીકરી દાદાજીની આંગણી પકડે છે ત્યારે એક સાથે કેટકેટલા સંભારણા તાજા થઈ જાય છે.
અરે દીકરી તારા બાપને પણ આમ જ મોટો કર્યો છે. આ વર્ષો જૂના ઘરમાં કેટકેટલા વડીલોએ વિદાય લીધી. કેટકેટલા બાળકોને ઉછેર્યા. બધી જ યાદો દીકરી સાથે રમતા-રમતા તાજી થઈ જાય છે.
દાદાજી દીકરી સાથે રમતા-રમતા જાણે જીંદગીનો થાક ઉતારે છે. હવે ક્યાંય કોઈ આવજો કહેનારું કે રાહ જોનારું નથી. દીકરી આખા કુળનો-પૂર્વજોનો-વંશનો આખરી સહારો છે. જીંદગીના વીતી ગયેલા તમામ સમયને તેના થાકને અને ભારને દીકરીનો અવાજ, દીકરીનું સ્મિત ભૂલાવી દે છે. અને દાદા પણ જીંદગીના જીવેલા તમામ વર્ષોને એક ઝાટકે ધૂળની જેમ ખંખેરીને પ્રત્યેક ક્ષણે દીકરી સાથે રમી લે છે.
બાળકને જોતાં જે રીઝે
રીઝે બાળક જોતાં જેને
સ્નેહલ સૂરત વત્સલ મૂરત
હૃદય હૃદયના વંદન તેને.
- ઉમાશંકર જોશી