આવું કશુંક થાય છે ત્યારે જીવાય છે...
શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન
શંકાથી પર થવાય ને !
ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને !
ત્યારે જીવાય છે.
સાવ જ અજાણ્યા લોકના
દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને !
ત્યારે જીવાય છે.
હોવું નશામાં એકલું કાફી
નથી હોતું !
પીડા બધી ભૂલાય ને !
ત્યારે જીવાય છે.
ગમતું કોઇક આવીને
પૂછી લે 'કેમ છો ?'
ડૂમો પછી ભરાય ને !
ત્યારે જીવાય છે.
છૂટાં છવાયાશેર લખો,
સાચવો ભલે !
આખી ગઝલ લખાય ને !
ત્યારે જીવાય છે.
તારા થઇ જવાથી મને એ
ખબર પડી !
તારા થઇ જવાય ને !
ત્યારે જીવાય છે.
- હિમલ પંડયા
આયુષ્ય આપણા ભાગ્યનું આપણા સૌની પાસે છે પરંતુ એમા ધબકતું જીવન આપણે કેટલું જીવીએ છીએ. દિવસો પસાર થતા હોય છે, વર્ષો પસાર થતા હોય છે પણ જીવાતું નથી હોતું. ક્યારેક લાગે છે કે જીવવાનું છૂટી ગયું છે. જીવવાનું ભૂલી જવાય છે અને ક્યારેક શોધીએ છીએ તો પણ જીવન મળતું નથી. ઘણીવાર વાત-વાતમાં બોલીએ છીએ કે ભઈ મરવાનો ટાઈમ નથી.
ખરેખર તો આપણી પાસે જીવવાનો ટાઈમ નથી. તમે કેટલા વર્ષો જીવો છો એના કરતા તમે કેવું જીવો છો એ મહત્ત્વનું છે. સમયની ઉતાવળમાં એવા પડી ગયા છીએ કે આ લેખમાં કંઇ નવું છે તો અટકીએ એવું મન કહે. ક્યારેક માણસ વર્ષો સુધી જીવે છે અને એની પાસે જીવન જ નથી હોતું. ગની દહીંવાલાનો એક સુંદર શેર યાદ આવે છે.
શ્રાપ થઇ ગઇ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝુ ના જીવાયુ બહુ સારું થયું.
આપણી શંકા આપણને ભીતરથી મારી નાખે છે. શુષ્ક બનાવી નાંખે છે. શંકા સંબંધો પ્રત્યેની હોય કે ઇશ્વર પ્રત્યેની હોય. કોઈ વ્યક્તિ પ્રત્યેની હોય કે કોઈ વસ્તુ પ્રત્યેની હોય. શંકા માણસને અંદરથી બંધ કરી દે છે. શંકાશીલ માણસ ગૂંગળાઈને મરી જતો હોય છે. ભગવાન ઉપરની શ્રધ્ધા તો બહુ દૂરની વાત છે. આપણને આપણી જાત ઉપર પણ કેટલી શ્રધ્ધા હશે ? જીવન ફરી-ફરી નથી મળવાનું.
મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. પ્રત્યેક ક્ષણે દેહ અને આયુષ્ય ઘસાતા જાય છે. કેટલા બધા નેગેટીવ ભાવમાં, કેવી-કેવી નકામી વસ્તુઓમાં આપણે કીમતી સમય વેડફી નાંખીએ છીએ. વિજ્ઞાાન કોઈ પણ વસ્તુ ઉપર શંકા કરવાનું શીખવાડે છે. ધર્મ શ્રધ્ધા મૂકવાનું શીખવાડે છે. શંકા તોડે છે. શ્રધ્ધા જોડે છે. આવી-આવી વાતો જ્યારે સમજાવા લાગે છે ત્યારે જીવવાનીએ શરૂઆત થાય છે. ખરેખર શંકાથી મુક્ત થઇએ ત્યારે જીવી શકીએ છીએ. ભીતરમાં શ્રધ્ધા પ્રગટે છે અને જીવનમાં તેજ પ્રગટે છે.
માણસ સ્વકેન્દ્રી હોય એ સમજ્યા પણ સ્વાર્થી હોય એ જોખમ. સંવેદના શૂન્ય એવા થતા જઇએ છીએ કે હવે કોઇના દુ:ખ આપણને હચમચાવતા નથી. દુનિયાના કોઈ દેશમાં થયેલી હોનારત ટી.વી. ઉપર જમતા-જમતા જોઈ શકીએ છીએ. કોઈ અજાણ્યાનું દુ:ખ દર્દ જોઇને જો તમારું હૃદય દ્રવી ઉઠવું હોય, તમારી આંખ ભીની થઈ જતી હોય તો જાણજો કે તમે જીવી રહ્યા છો.
નશો ક્યાં છે નશાનું તો અમસ્તુ નામ છે સાકી,
હવે પીધા પછી પણ દિલને ક્યાં આરામ છે સાકી .
- મરીઝ
દારૂ પીવાથી દુ:ખ નથી ભૂલાતા માત્ર થોડા સમય માટે જાત ભૂલી જવાય છે. મરીઝ જેવા શાયરને તેથી તો કહેવું પડયું છે કે પીધા પછી પણ દિલને આરામ નથી હોતો. તમે નશામાં હો એ પૂરતું નથી. ખરેખર પીડા ભૂલાય તો જીવી શકાય છે. ખરેખર શ્રધ્ધા, પ્રેમ કે કોઈ કામમાં મન પરોવાય છે ત્યારે જ સાચા અર્થમાં ભૂલી જવાય છે અને ફરી જીવન જીવવાની શરૂઆત થાય છે.
જીવનમાં સૌ અંદરથી એટલા એકલા છે કે કોની પાસે હૃદય ખોલવું એ પ્રશ્ન સતત મૂંઝવે છે. ઓળખીતા બધાય હોય છે પણ આપણને ઓળખનારું કોઈ નથી હોતું. કોઈ ગમતી વ્યક્તિ હોય એ અચાનક આવીને તમને કેમ છો ? એવું હૃદયથી પૂછે તો. ઘણા લાંબા સમયથી રોકી રાખેલા આંસુ ડૂમો બની જાય છે. કોઈ પોતાનું છે એટલો ખ્યાલ પણ જીવન જીવવા માટે ઘણો મોટો છે. આવી ક્ષણોમાં જે જીવીએ છીએ એને સાચું જીવન કહે છે.
કવિતાના છૂટા છવાયા એકાદ-બે શેર લખવા એ બહુ મોટી વાત ન હોય પણ એક ભાવપૂર્ણ સાતત્યમાંથી પસાર થઇને આખી ગઝલ સંઘેડા ઉતાર પૂરી થાય, એક - એક શેર અદ્ભૂત રચાય ત્યારે અંદરથી સાવ હળવા થઇ જવાય છે. જે કહેવું'તું એ કહેવાઇ ગયું હોય છે. પરમશક્તિની એ સર્જન પ્રક્રિયા સાથે આપણે પણ જોડાઈ ગયા હોઈએ છીએ. કોઈ એવી પંક્તિ લખાય ને ત્યારે સાચે સાચું જીવન જીવાય છે.
આપણને દરેક વસ્તુ આપણી હોય એમા રસ પડે છે - મારો ભગવાન, મારો ગુરૂ, મારા બાળકો, મારી પત્ની, મારા પિતા દરેક જગ્યાએ મારો શબ્દ ઉમેરાય છે અને આપણો અહંકાર વધતો જાય છે. પણ જે પળે હે ભગવાન હું તારો છું, હે ગુરૂ હું તમારો છું, હું બાળકોનો છું આ ભાવ જન્મે છે અને જીવનમાં મોટી ક્રાંતિ સર્જાય છે. અહંકાર વિદાય થઇ જાય છે અને પ્રેમ પ્રગટતો હોય છે.
તારા થઇ જવા પછી મને ખબર પડી કે તારા થઇ જઇએ ને પછી જીવાય છે. કોઈ સંબંધને તમે તમારો પોતાનો બનાવા કરતા તમે એના બનવાનો પ્રયત્ન કરશો ને, તમે એના બની જશો ને તોભીતરની ઘણી ગાંઠો ખૂલી જશે અને ત્યારે જે જીવન જીવાતું હશે તેનો રંગ અને આનંદ જુદા હશે.
કોઈ વસ્તુ પડી રહે, ઉપયોગ ના થાય ત્યારે તેને કાટ લાગે છે. રેલ્વેના પાટા લોખંડના છે. લોખંડ કાળું છે. પણ એનો ઉપયોગ વધી જાય છે ત્યારે લોખંડના એ પાટા ચાંદી જેવા ચમકતા હોય છે. જીંદગીને પણ કાટ લાગે છે. ભાગ્યના ભરોસે બેસી રહેવા કરતા એ કાટને ચળકાટમાં ફેરવવાનો પુરુષાર્થ આદરીએ તો ? હેમલ પંડયાની આ જ ભાવને વ્યક્ત કરતી ગઝલ જોઇએ.
કહો ને ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો ?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો.
હંમેશા એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની,
બ્હાર તો ઘોંઘાટ હોવાનો.
લગાડો ના કદી એની કશીયે
વાતનું માઠું, હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.
કરું છું બંધ મુઠ્ઠી ને સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો.
ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જીવાયું છે,
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો.