mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સંગ-નિઃસંગનું સંગીત .

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

Updated: Jan 7th, 2020

સંગ-નિઃસંગનું સંગીત                                      . 1 - image


ધર્મસ્થાપન માટે સત્યસ્થાપન માટે, કુરુક્ષેત્રના યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આવી નિભ્રાન્ત મનઃસ્થિતિ, અંદરનું મનોબળ જરૂરી છે

માગશરના પ્રસન્નકર દિવસોમાં, સુદ અગિયારશનો આજનો દિવસ છે. અને સુદ અગિયારશ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અવતરણનો, જયંતીનો દિવસ. પ્રકૃતિની પ્રસન્નતામાં જ્ઞાાનની પ્રસન્નતા વધે છે. તેમાંય રોમહર્ષણ કૃષ્ણની આ તો વાણી છે. શબ્દે શબ્દે સંગીત, શબ્દે શબ્દે ઊર્જા, શબ્દે શબ્દે જીવન. પાંચ હજાર વર્ષ વીતી ગયાં. સમાજો બદલાયા, વ્યક્તિઓ બદલાયા, ઘટનાઓ, પરિસ્થિતિઓ બદલાતાં રહ્યાં. સંસ્કૃતિનાં બહુવિધ રૂપોની આવન-જાવન રહી અને છતાં ગીતા હજી સુગીતા રહીને આપણને પ્રેરી રહી છે. ગીતાનો શબ્દ સમયના દરેક ખંડને સ્પર્શતો રહ્યો છે. ગીતાનો શબ્દ સીમારહિત છે. તેથી તો તેને કાળજયી કહેવાનું મન થાય છે.

ગીતા જીવન કે જીવ માત્ર માટેનું રસાયણ છે, ગીતા બધાંને માટે, સર્વથી ઉપર ઊઠતો ઊર્જાગ્રંથ છે. ચેતનાકોશ અને આખો જીવનકોશ છે. ત્યાં કશું બંધિયાર નથી. ત્યાં કશી આજ્ઞાા નથી, ત્યાં કશા આગ્રહો નથી. ત્યાં કશાં વિધિવિધાનો નથી. ત્યાં કશું અગમનિગમનું નથી. ત્યાં કશા માટેની કોઇને કશી ખાત્રી અપાતી નથી. કોઇક તેની વહારે દોડી આવશે તેવો સધિયારો પણ નથી.

ત્યાં કશું હોય તો કેવળ આપણે-મનુષ્ય છીએ અને સામે સહૃદય કૃષ્ણ છે. એક અર્જુન એટલે કે સમગ્ર માનવનો પ્રતિનિધિ છે, મૂંઝાયેલો વિષાદગ્રસ્ત માણસ છે, શિષ્ય છે, જિજ્ઞાાસુ છે, પ્રશ્નાવલિ સાથે કશુંક પામવા, સમજવા ઉત્સુક એવો એ અર્જુન છે. તો સામે સર્વજ્ઞા છે, સહૃદય મિત્ર, શિક્ષક કે ઇશ્વર ગણોતો ઇશ્વર છે. છતાં વ્યાસપીઠ પર બેસીને તે કૃષ્ણ કશું કહેતાં નથી.

રથારૂઢ અર્જુનો. એ સારથી છે. રથ ચલાવી જાણે છે, સાર-અસાર સમજીને તે દિશા બદલે છે કે દિશા બતાવે છે. કહો કે શિક્ષક છે. માત્ર સાધારણ શિક્ષક નહીં, શિષ્યના અતલાન્તમાં ઊતરીને તેનાં બધાં બાવા-જાળાં સાફ કરી આપે તેવો શિક્ષક. એ શિક્ષકને તમે માનસશાસ્ત્રી, કદાચ જગતનો પહેલો માનસશાસ્ત્રી પણ કહી શકો. તે વિદ્યાર્થીની મૂંઝવણો જાણી લે, જે કંઇ અજ્ઞાાત માનસમાં છુપાયેલું હોય તે પણ જાણી લે અને પછી તેનું જુદી જુદી યુક્તિઓથી ભાવવિરેચન પણ કરી રહે. 'તું આમ કર કે તેમ કર' એવું નહીં, એ શિક્ષક પરિસ્થિતિ વચ્ચે મૂકી આપે, તેના માર્ગ અને અંતિમ પરિણામ દર્શાવે.

કુરુક્ષેત્રની લડાઈ લડવાની છે અને લડાઈ જીતવાની છે તેવી અખૂટ ધીરજ અને શ્રધ્ધાથી તે શિષ્યને સંકોરે, તેના મોહ દૂર કરે, અથવા મોહથી નિર્ણંત કરે અને સર્વ દુઃખોનું મૂળ શું હોઈ શકે તે પણ દર્શાવો. સાથે મનુષ્ય અર્થાત્ પેલા શિષ્યને તેનાં સાચાં કુળ-મૂળ, તેનો સ્વધર્મ, તેનો ખુદને પામવાનો રસ્તો કયો હોઈ શકે તેનો સંકેત આપી રહે. શિષ્ય અર્થાત્ મનુષ્ય સાધારણ નથી. પેલા અશ્વત્થ જેવું તેનું રૂપ છે. મૂળ અધ્ધર-ઊંચે છે અર્થાત્ સ્વર્ગ સાથે, સમ્યકતત્ત્વ સાથે જોડાયેલું છે તો બીજો છેડો ધરતી સાથે જોડાયેલો છે. મનુષ્ય ચેતના નિઃસીમ છે તેવું તે દર્શાવી રહે છે.

નિજ સુખ-દુઃખને ફીલ જરૂર કરો પણ તેને નિયંત્રિત કરો, લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જઈ અસ્વસ્થ ન બનો, દરેક પરિસ્થિતિમાં સમત્વ ધારણ કરી રહો, સ્થિતપ્રજ્ઞા બની રહો, સંગ અને નિઃસંગનો જાદુ પામી રહો એટલે વિશ્વ આખું ત્યાં એના અસલરૂપે ઉઘડવા માંડશે. જે થનાર છે તે તો થઇને રહેવાનું છે. કોઈપણ રૂપે તો પછી અર્જુન કાયર થવાને બદલે, કંપી રહેવાને બદલે, રથના પાછળના ભાગમાં સંતાઈ જવાને બદલે સામી છાતીએ આવીને કેમ ન લડે ? કૃષ્ણ શિષ્યને સાફસૂથરી સ્થિતિ કરી આપીને તેના ભીતરને જગવી રહે છે, જગાડી રહી છે.

ધર્મસ્થાપન માટે સત્યસ્થાપન માટે, કુરુક્ષેત્રના યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આવી નિભ્રાન્ત મનઃસ્થિતિ, અંદરનું મનોબળ જરૂરી છે તે હવે ઉત્તરોત્તર અર્જુનને અર્થાત્ શિષ્યને સમજાવા લાગે છે. તેના તણાવને દૂર કરવા તે પોતાના વિશ્વરૂપને ગુરુ સ્વયં પ્રકટ કરે છે. કર્તાહર્તા તો છેવટે પરમતત્ત્વ છે તેની અર્જુનને પ્રતીતિ કરાવી રહે છે. ધર્મનારસ્તે વળેલાને આત્માનું બળ મદદરૂપ બને જ તેવી તે પાકી ખાત્રી કરી રહે છે. જ્ઞાાન કે કર્મની ઉચ્ચાવચતાને બદલે કર્મ પેલા જ્ઞાાનથી વિવેકથી સિક્ત હોય તેવું અર્જુન હવે પામી રહે છે.

કહો કે અઢારમા અધ્યાય સુધીમાં તો શિષ્ય અર્જુન ગુરુ કૃષ્ણન્ત -'તારે જે કરવું હોય તે હવે કર' એવા વિધાનનો ઉત્તર 'તે તમે કહ્યું છે એ જ કરીશ' તેવું દ્રઢતાથી વાળે છે. જગતની ચોંટેલી બધી રજોટી અર્જુનના મનમાંથી ખંખેરાઈ જાય છે. તેના આત્મા-મન વિશુધ્ધ થઇ જાય છે. દરેક પ્રકારના ઓઘરાળા ધોવાઈ જાય છે. અંધારું ઓગળી જાય છે, પ્રકાશ વ્યાપી રહે છે. કહો કે પોતે આખો ને આખો પોતાનામાં ઑગળી જાય છે.

પેલું કર્તવ્ય, સ્વધર્મ, કર્મ-એ જ ઉપર તરી રહે છે. અનાસક્તિ સમતા તેની જીવનતુલાને સંતુલિત કરી આપે છે. હવે જે કંઇ છે તે મથી નાખતો, મૂંઝવતો વિષાદ નથી, પણ પ્રાણનો સાચી દિશાનો સાદ છે. આત્મસત્તા તેને વિરાટ-વિશાળ વિશ્વસત્તા સાથે જોડી આપે છે. હવે દરિયો ઉલેચવાની વાતને બદલે પોતાની નાવને જ અડોલ-સ્થિર કરવાનું તે શીખી લે છે. સમત્ત્વ જ યોગનો પર્યાય બની જાય છે. કળ-અકળનું બળ પામી રહે છે. 

શાશ્વત ધર્મગોપ્તા એવા કૃષ્ણનું શિક્ષકપણું ત્યાં સાર્થક થાય છે. 'તું જ તારો ગુરુ, તું જ તારો શિષ્ય, તારે જ જે કંઇ કરવાનું છે તે પંડે કરવાનું છે, બહારનું કશું ઉપયોગી બનનાર નથી' એ મંત્ર કૃષ્ણ તેને એકાધિક સમયે કહે છે. અર્જુનના પ્રશ્નો પછી પ્રશ્નો મહી પ્રાર્થના બની રહે છે. આત્મજ્યોતિ ઝળહળી રહે છે. કર્મ કરો, કુશળતાથી કરો, ફળને તેની સાથે જ જોડો.

જાત સાથે જોડાઈ રહો - ત્યાં જ સર્વની ઉપલબ્ધિ છે. બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ-જ્ઞાાન શું છે, પોતે કોણ છે વગેરે પ્રશ્નોના ઉત્તરો આવી મળે છે. લીલી છત્રીવાળો પછી આપણા દરેક શ્વાસની નોંધ લેતો થઇ જાય છે. 'હું તે તું અને તું તે હું'ની સ્થિતિ સર્જાય છે. મોહ ગયો, સ્મૃતિ મૂળની જાગ્રત થઇ ગઈ. ગીતા મનુષ્યનું ઊર્ધ્વરૂપ દર્શાવે છે, તેના મૂળ રૂપને સંકોરી આપે છે. વિશ્વમાં ગીતા જ એવો ગ્રંથ છે જ્યાં મનુષ્યના એકે એક રૂપને ઉદ્ભાસિત થતું જોઇએ છીએ.

Gujarat