Get The App

એક વાટકો દહીંની કિંમત શી છે !

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
એક વાટકો દહીંની કિંમત શી છે ! 1 - image


દીકરાએ તે જ પળે પિતાનાં ચરણને સ્પર્શ કરી, ઘરની, ઉદ્યોગના યુનિટની ચાવીઓ, પિતાને પરત કરી.  પોતાનું ઘર છોડીને તે પત્ની સાથે ભાડાના મકાનમાં તે જ ઘડીએ રહેવા ચાલી ગયો 

જિંદગી સદા એક પ્રહેલિકા કે કોયડો જ રહી છે. એનો ચહેરો એ ઢંકાયેલો જ રાખે છે. ક્યારે, ક્યાં તે કેવો વળાંક લેશે તેની કોઇને ખબર હોતી નથી. જિંદગી આપણી ઇચ્છાને ભાગ્યે જ તાબે થતી હોય છે. અણીના સમયે જ તે આપણને હાથતાળી આપીને છટકી જતી હોય છે. અથવા આપણી બધી ધારણાઓ કે પાસાં પોબારા થઇ રહ્યાં છે તેવું લાગે તે પળે જ તે એનો મુખવટો બદલી નાખતી હોય છે. જિંદગી જિવવાની છે જિંદગીની શરતે, આપણી શરતે નહીં.

જુઓ, અહીં કિસ્સો તો સાવ સામાન્ય લાગે. ઝાઝાં ચિંતન-મનનને પણ તેમાં અવકાશ નથી. છતાં એવી ઘટના એક ટર્નિંગ પોઇન્ટ બની જાય. આપણા ખ્યાલોમાં સમૂળ પરિવર્તન પણ લાવી રહે. આવી એક નાની કથાનો નાયક માંડ પિસ્તાળીસેક વર્ષનો છે. વેપાર-ઉદ્યોગ પણ બરાબર ચાલે છે. પતિ-પત્ની વચ્ચે મેળ પણ સરસ છે. દેવદીધેલ એક સુંદર પુત્ર રત્ન પણ છે. લાગે કે બધું સરસ ચાલે છે, જીવન બરાબર ગોઠવાઈ ગયું છે. પણ ત્યાં જ તેની પત્નીનું એકાએક અવસાન થાય છે. કથાના નાયક પર મિત્રોનું, સગાસંબંધીઓનું બીજું લગ્ન કરવા માટે ખાસ્સું દબાણ પણ થતું રહે છે. પણ નાયક કંઇક જુદું જ વિચારે છે.

હવે બીજા લગ્નની જરૂર જ ક્યાં છે, કાલે સવારે જોતજોતામાં આ દીકરો મોટો થઇ જશે. વેપાર-ઉદ્યોગ સંભાળી લેશે. ઘરમાં સુશીલ પુત્રવધૂ આવશે. મારે પછી કશું કરવાનું જ નહીં રહે. ખાવો-પીવો અને આનંદ કરો એવું જ થઇ રહેશે. નાયક આવું-તેવું રમણીય જીવન કલ્પતાં કલ્પતાં પુત્રનો સરસ રીતે ઉછેર કરે છે, તેની માવજત કરે છે અને તેને સારા સંસ્કાર પણ આપે છે. સંસારનો રથ બરાબર ચાલતો હતો. પુત્રનાં લગ્ન થાય છે, ઉદ્યોગની ધુરા પણ પુત્ર સંભાળી લે છે. કહો કે પુત્ર-પુત્રવધૂ અને પિતાનો કલ્લોલતો પરિવાર આનંદમાં દિવસો પસાર કરે છે. પણ જાનકીનાથને ખબર નહોતી કે સવારે શું થવાનું છે.

વયે પહોંચેલા પિતાના નાસ્તાનો સમય પુત્ર-પુત્રવધૂ કરતાં જરા વહેલો રહેતો. ઉંમર પ્રમાણે પિતાનો નાસ્તો પણ કંઇક જુદો રહેતો. એવા જ એક દિવસે નાસ્તો કરતાં કરતાં પિતાએ પુત્રવધૂને સહજ રીતે કહ્યું : 'બેટા, થોડું દહીં હોય તો મને આપને, નાસ્તો લેવો તેનાથી ઠીક પડશે.' પુત્રવધૂએ વળતો ઉત્તર આપતાં કહ્યું : 'દહીં તો આજે ઘરમાં રહ્યું જ નથી.' પિતાએ વાતને વાળી લીધી. કહ્યું 'કંઇ વાંધો નહીં બેટા ! દહીં વિના ચાલી જશે.'

એકાદ કલાક પછી પુત્રવધૂ અને એનો પતિ નાસ્તાના ટેબલ પર ગોઠવાયાં. ટેબલ પર આવેલા નાસ્તા સાથે દહીંનો વાટકો પણ હતો. દીકરાએ જોયું કે પિતાને પોતાની પત્નીએ 'દહીં તો છે જ નહીં' એવું કહ્યું હતું. અને દહીં તો ઘરમાં હતું જ. કદાચ પત્નીએ મારા માટે એ દહીં રાખી પિતાને 'દહીં નથી' એવું જૂઠું કહ્યું હશે. સંસ્કારી દીકરો નાસ્તાના ટેબલ પર ઝાઝું બેસી શક્તો નથી, કે નાસ્તામાં એનું મન પણ લાગતું નથી. દહીંનો વાટકો ત્યાં અકબંધ મૂકીને બાકીનું થોડું એક ખાઈ લે છે. તેના મનમાં ઉદ્વેગ વ્યાપી જાય છે.

પિતાને મારી પત્ની દહીં માટે જૂઠું બોલી ! આ પિતાએ આખું જીવન મારા માટે નિચોવી દીધું છે, મારા ઉછેર અને કેળવણી માટે તેમણે બીજું લગ્ન પણ નથી કર્યું અને ઉદ્યોગનો આખો કારોબાર, મિલકત બધું તેમણે મને સોંપી દીધું છે અને એવા પિતાને એક વાટકો દહીં ન મળે ! દીકરો વિચારે ચઢી જાય છે કશું પણ બોલ્યા-ચાલ્યા વિના તે નાસ્તાના ટેબલ પરથી ઉઠીને પોતાની ઓફિસે જતો રહે છે. ઓફિસના કામમાં પણ તેનું દિલ લાગતું નથી. બેચેન થઇ રહે છે. તેને, તેના ચિત્તને એક જ વાત કોરી ખાય છે - એક વાટકો દહીં પણ પિતાને ન મળ્યું ! - દીકરો પત્નીને કે કશાને દોષ દેતો નથી. માત્ર શારી નાખે તેવો અજંપો તે અનુભવી રહે છે.

રોજના કરતાં તે આજે ઓફિસેથી ઘેર વહેલો આવી જાય છે. આવીને સીધો પિતાના ખંડમાં જાય છે. પિતાની સામે જોતાં તેની આંખ ભીની થઇ જાય છે. ફરીથી તેના કાનમાં 'આજે દહીં રહ્યું જ નથી' એ શબ્દો પડઘાય છે. તે પિતાના ચરણમાં બેસી તેમના બે હાથ પકડી લે છે. માત્ર તેણે રડવાનું જ બાકી રાખ્યું હતું. પિતાને પુત્ર આમ કેમ કરી રહ્યો છે તેની સમજ પડતી નથી. દહીંવાળો બનાવ પણ પિતાના મનમાં હતો નહીં તેથી તે પુત્રની વ્યાકુળતાથી વધુ વ્યથિત થાય છે.

ત્યાં જ હળવેકથી પિતાને પુત્ર કહે છે : 'પિતા ! તમે બીજું લગ્ન આજે જ કરી લો. મેં મારી સુંદર એવી બીજી માને ખોળી લીધી છે. હું આજે જ તમારી સાથે તમારા લગ્ન માટે મંદિરમાં આવું છું. 'લગ્નનો વિચાર તારા મનમાં ક્યાંથી આવ્યો ? મારી પિસ્તાળીસ વર્ષની ઉંમરે જ એના ઉપર મેં પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. હવે તો તું મારો કારોબાર સંભાળતો થઇ ગયો છે, ઘરમાં સંસ્કારી પુત્રવધૂ છે. મારે કશી કમી નથી. પછી લગ્ન શાના માટે ? ઘેલો થયો છે તું !'

- પણ પુત્ર પોતાની વાતમાં અડગ રહ્યો. પિતાનું લગ્ન કરાવીને જ તે રહ્યો. તેના ચહેરા પર પશ્ચાતાપની લકીરો સાથે સંતોષની રેખાઓ પણ અંકાયેલી હતી. પિતા આ હેતુ વિનાના લગ્નથી ખુશ નહોતા. પુત્રએ પિતાના ચહેરા સામે જોઇને કહ્યું : 'પિતા ! હવે મારી મા ઘરમાં આવશે. તમોને તે નાસ્તા વેળાએ હોંશથી દહીંનો વાટકો આપશે. તમે ઇચ્છા પ્રમાણે તે આરોગી શકશો તેનો મને અઢળક આનંદ થશે.'

- ને પિતા નાસ્તાના સમયની આખી સ્થિતને પામી ગયા. દીકરાના પ્રેમથી તે ભીંજાતા રહ્યા. દીકરાએ તે જ પળે પિતાનાં ચરણને સ્પર્શ કરી, ઘરની, ઉદ્યોગના યુનિટની ચાવીઓ, પિતાને પરત કરી. પોતાનું ઘર છોડીને તે પત્ની સાથે ભાડાના મકાનમાં તે જ ઘડીએ રહેવા ચાલી ગયો. સાથે આવતીકાલથી પોતે કંપનીના માલિક તરીકે નહીં, પણ પિતાની કંપનીના એક કર્મચારી તરીકે ઓફિસમાં કામ કરવા આવશે તેવું જણાવી દીધું. પિતા બધું જોતા રહ્યા, પુત્રવધુને આ બધું શું થયું - કે થઇ ગયું તેની ઝાઝી ખબર પડી નહીં. પિતા ભીતરથી આવા સંસ્કારી, પિતૃભક્ત પુત્ર પર પ્રેમનો અભિષેક કરી રહ્યા.

પુત્રવધૂને છેવટે સમજાયું: એક વાટકો દહીંની કિંમત શી છે !

Tags :