તમે કીડી જોઈ છે? .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આ જિંદગી અને આ જગતને જેમ સમજવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ એ વધુ અઘરા બનતાં જાય છે
હું એમ પૂછું કે તમે કીડી જોઈ છે ? તો કદાચ તમે મારા આ પ્રશ્નને હસી કાઢશો, મજાકરૂપે લેખશો. કદાચ તમે સહજતાથી એમ પણ કહો - 'કીડી તો નિહાળી જ હોય ને એમાં પ્રશ્ન કરવાનો જ ન હોય.' તમારી વાત તો સો ટકા સાચી છે. કીડી તો જોઈ જ હોય, તમે, મેં બધાએ. છતાં ફરી સહિયારો પ્રશ્ન કરું છું : આપણે કીડી સાચોસાચ જોઈ છે ખરી ? મારો ઉત્તર છે 'ના.' આપણે કીડી જોઈ હોય તો પણ એક 'દ્રશ્ય' રૂપે. 'દ્રશ્ય'ની પાર કીડીકર્મને જોયું નથી. અરે, કીડી વિશે તો કવિઓને કવિતા લખવાનું પણ સૂઝ્યું છે. મોટીવેશનલ લેક્ચર્સવાળા પણ કીડીનાં દ્રષ્ટાંતો ઘણીવાર આપે છે. કહેવતશૂરાઓ પણ કીડી-કટકની વાતો કરે છે. પણ એ બધું સ્વીકાર્યા પછી ય કીડીની ઓળખ બાકી રહી જાય છે. તમે એમ પણ કહેશો કે કાળી કીડી, રાતી કીડી, કીડીની હારવાળાઓ અથવા તેની પંક્તિઓની પંક્તિઓ. વારુ તમારી એ વાત પણ સ્વીકારી, ગમી પણ ! કમ-સે-કમ 'દ્રશ્ય' રૂપે તો અડફેટમાં આવી છે !
હું આજે અહીં આ કીડીપુરાણ કેમ લઈ બેઠો તેનું કુતૂહલ જરૂર થયું હશે. પણ કહું ? હું તો ગાર-માટીના ઘરમાં રહેલો છું. ઉનાળામાં કે ભેજભર્યા વાતાવરણમાં કીડીને એના વિવિધ વેશે જોવાનું થયું છે. ચોમાસામાં મંકોડાની આખી હારને હાર જોઈ છે. બધું બાળપણમાં એ મેજિક જેવું લાગતું. ઓછું જાણીએ, ઝાઝું વિચારવાનું ત્યારે ન હોય પણ પેલાં 'દ્રશ્યો' બરાબર બાળમનને જકડી લેતાં. જાતને પ્રશ્ન કરતા - ક્યાં જતા ંહશે આ બધાં ? ક્યાંથી એકાએક ટોળાબંધ હાજર થઈ ગયાં છે ? એમનાં હાકેડુ કે હાકેમ કોણ હશે ? એ હાકેડુ - હાકેમ કેવો શિસ્તબદ્ધ હશે કે એનું આખું લાવલશ્કર એની ઇચ્છા પ્રમાણે જ ચલાવી શકે છે ? ક્યારેક કીડીની કે મંકોડાની એવી હારમાળાને તોડવા માટે અમે અજાણતાં જ થોડાક હિંસક થઈને આંગળીથી એ હારમાળાને તિતર-બિતર કરી રહીએ. પણ ન એમનો કશો પ્રતિકાર કે ન કશી એમની ફરિયાદ. એ તો સૌ તરત પાછાં એક હારમાં થઈ જાય. નર્યાં સ્થિતપ્રજ્ઞા ! પાછા એ એમના ઉદ્યમમાં પરોવાઈ જાય. પણ છેક એવું ય નથી કે એ સઘળું સહી લે. રાતી કીડી ક્યારેક ચટકી રહે. મને-તમને ઉપર-તળે કરી મૂકે. આપણે આસપાસ બેઠેલાં આપ્તજનોને કીડી કરડી ગઈ તેના સમાચાર પણ દર્દ સાથે આપી રહીએ ! પણ બાપડી કીડી બીજું કરેય શું ? ગાંધીજીની અહિંસા એની પ્રકૃતિ છે પણ જ્યારે તેને કમજોર કે કમઅક્કલ અથવા નકામી લેખી જાણતાં-અજાણતાં રંજાડી રહીએ તો શું એને થોડા હિંસક થવાનો અધિકાર નથી ?
વાત તો એટલા માટે કરું છું કે મારી આવીતેવી વાતમાં રશિયન સાહિત્યકાર દોસ્તો-એ-વસ્કી પણ કંઈક હોંકારો પૂરે છે. દોસ્તો-એ-વસ્કી જેવાએ તો જીવન-જગતનો આખો દરિયો ડહોળ્યો છે. માણસનાં બધાં રૂપ-રંગ-ઢંગ-ઢોંગ તેણે જોયાં છે. એક તબક્કે તો તે કહી પણ બેસે છે કે મનુષ્ય પશુ છે, એ પશુતા ક્યારેય દૂર થઈ શકે તેમ નથી. પણ પછી તે તરત ઉમેરતાં કહે છે કે મનુષ્યે ઘડેલી આ સમાજરચના જ અન્યાય ભરેલી છે. પછી તેના પાપાચાર, તેના અત્યાચારો, તેની ઝઘડાખોર વૃત્તિ વગેરેનું પણ પોતાનાં પાત્રો વડે નિરૂપણ કરે. પણ છેવટે પાછો પોતાની વિશિષ્ટ રીતિએ ઇશ્વરના આગોશમાં અટકે, પેલી માનવીય વ્યવસ્થામાં શ્રદ્ધા પ્રકટ કરે ! પાછો તરત 'ધ પઝેસ્ડ' જેવી કૃતિઓ એવું ય કહે - 'આ ઇશ્વર જ ન હોત તો બધું શક્ય બનત !' કહો ઇશ્વરના આગોશમાં રહી, ઇશ્વર વિનાના વિશ્વની પાછો તે કલ્પના કરે છે ! સાત્ર દોસ્તો-એ-વસ્કીના આ વિધાન પાસે અટકીને કહે છે કે 'બસ, દોસ્તો-એ-વસ્કીએ જ્યાં આ અધૂરું મૂક્યું છે ત્યાંથી હું આગળ વધવા માગું છું.' 'કીડી'ના નિમિત્તે થોડીક આડવાત કરવાનું એટલે ગમ્યું કે જીવન આવું જાદુ ભરેલું, રહસ્યો ભરેલું છે. સમાજવ્યવસ્થા ઊભી કરો, તેમાં પૂરાઈ રહો, ખદબદો અને ત્યાં જ એની કઢાઈમાં ભૂંજાઈ રહો. પછી બહાર નીકળવાનું બને જ નહીં. ઇશ્વરને નકાર્યા પછી પણ તેને વળગવું તો પડે છે જ પાછું ! આ જિંદગી અને આ જગતને જેમ સમજવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ એ વધુ અઘરા બનતાં જાય છે. વિરતિ, વિષાદ, વિસંવાદ અને સંઘર્ષ પછી તારણ તો દોસ્તો-એ-વસ્કી તેના 'બ્રધર્સ કેરેમેઝોવ'ના એક પાત્ર ઝોસિમા દ્વારા આ રીતે પ્રસ્તુત કરે છે : જીવન સ્વર્ગ છે, આપણે બધાં સ્વર્ગમાં જ શ્વાસ ભરી રહ્યા છીએ. માત્ર જો આપણે એ બધું સમજવા પ્રયત્ન કરીએ, તેને જોવાનું શીખીએ. તેમ બને તો આવતીકાલે આખા વિશ્વમાં સ્વર્ગ ખીલી ઉઠયું હશે - માત્ર આપણા વિચારોમાં જ નહીં, હકીકતમાં, વાસ્તવમાં પણ.... અથવા બીજે એક સ્થળે તે કહે છે તેમ, માત્ર સૌંદર્ય જ આ વિશ્વને ઉગારી શકશે. જુઓ, એક પ્રતિભાશાળી સર્જક આપણને કેવો ગોળ ગોળ ફેરવીને, આપણને બધી રીતે તપાસી-તરાસી, ફેંકી-ફંગોળી, ખુલ્લા પાડી, આપણી રજેરજ અંદર-બહારની વૃત્તિઓને તડકે મૂકી છેવટે જેવા છે તેવા જીવન સમેત સત્ય સામે ખડા કરી દે છે ! તેનું કહેવું તો એ જ છે કે હજી આપણે નથી ઓળખી શક્યા આપણને કે નથી ઓળખી શક્યા જગતને ! બસ, ચગડોળ ચાલે છે, ઘૂમે છે, ફરીએ છીએ, ફેરવીએ છીએ, હોડકાં પોતપોતાનાં પકડી લઈએ છીએ પછી ખુદે જ ઊભા કરેલા માપદંડોથી ખુદને અને જગતને માપવાનું દુ:સાહસ કરી રહીએ છીએ...!
પણ આ દોસ્તો-એ-વસ્કીએ પોતાના જીવનમાં જે ઘમસાણ, તોફાન કે વેદના અનુભવેલાં એ બધું પાછું પેલી 'કીડી' સાથે જોડાય છે. મારું 'કીડીપુરાણ' પણ ત્યાં જ અટકે છે. તે માનતો કે કીડી જીવનની રીતિ-પદ્ધતિ આપણા કરતાં વધુ સારી રીતે જાણે છે. તેના ઘર અને તેના કામ બંને પરત્વે તે જાગ્રત કે સતર્ક છે. મનુષ્યે ત્યાંથી પામવા જેવું છે તેવું તે પરોક્ષ રીતે સૂચવી રહે છે.
હા, બાળપણમાં જોયેલી એ કીડીની પંક્તિઓ, હારમાળાઓમાં એક ફોર્મ્યૂલા હતી. ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે - એ કીડીરહસ્ય હજી વણઉકલ્યું છે. હારમાળાઓ તૂટતી નથી, જંપ અને સંપ બંને સાથે જીવવાનું એની પાસે વણલખ્યું શાસ્ત્ર છે, શિક્ષાપત્રી છે. તે બહુશ: નિરૂપદ્રવી છે. હાય-વોય નથી, મહત્વાકાંક્ષાઓ નથી. દરમાંથી નીકળી અન્નકણ મેળવી પછી તે અલોપ થઈ જાય છે. ન રાવ, ન ફરિયાદ. સમયને જીરવી જાણવાનું ને જીવી જાણવાનું રહસ્ય પણ એની પાસે છે. જૂઠના આટાપાટા ખેલવા પડતા નથી. દંભલીલાઓ આચરવી પડતી નથી. અન્યને અડવા-નડવાનું પણ ત્યાં નથી. પંક્તિ તોડવાનું કે છોડવાનું બુદ્ધિજીવીઓનું ગણિત પણ ત્યાં નથી. બહુમતિથી ઠરાવો પસાર કરવાની દોડ પણ નથી. ઘર અને કર્મ બંને એનો ધર્મ છે. પ્રતિમાઓ વિનાનો, મંદિર-મસ્જિદ-દેવાલય વિનાનો ધર્મ. બોલો, કીડી પ્રશ્નો જગવી રહે છે ને ?









