લેખક વાચકની શોધમાં !
ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
કેટલાકને લખવું એ જીવન છે તો કેટલાકને વાંચવું-વાંચ્યા કરવું એ જીવન છે. વાંચવું એ કાલનિર્ગમનની ક્રિયા નથી, વિસ્તરવાની, વિમર્શવાની ક્રિયા છે
પુસ્તક, લેખક અને વાચક વિશે સતત લખાતું આવ્યું છે. હજી પણ લખાતું રહેશે, મનુષ્ય છે, સંસ્કૃતિ છે, સભ્યતા છે ત્યાં સુધી. માણસજાતિ આ પુસ્તકોથી જ પરિષ્કૃત થતી આવી છે. ક્યારેક પ્રતિબદ્ધ લેખને સંભવ છે કે સમસ્યાઓ પણ ઉભી કરી હોય. કેટલાકને લખવું એ જીવન છે તો કેટલાકને વાંચવું-વાંચ્યા કરવું એ જીવન છે. વાંચવું એ કાલનિર્ગમનની ક્રિયા નથી, વિસ્તરવાની, વિમર્શવાની ક્રિયા છે. પુસ્તકોની બહારની દુનિયા અને માણસની અંદરની દુનિયાને પણ કંઇક અંશે સમજવા માટે આ પુસ્તકો જ ભૂમિકાપૂરી પાડી રહે છે. એવા વાચનને અભાવે, કહેવાતો સુશિક્ષિત, ભલે તે પોતાના વિષયનો જાણતલ હોય, પણ મનુષ્યના હૃદયને પામવા તો તેનો પનો ટૂંકો જ પડતો રહ્યો છે.
આપણે ભણીએ છીએ, પણ જેના થકી ગણીએ એ વાચન તો બાકી જ રહી જાય છે. તેથી જ કદાચ આપણી આસપાસ નકારાત્મકતાનું વિશ્વ પૂર ઝડપે વિકસતું જાય છે. જે પુસ્તક જ્ઞાાન આપે, ડહાપણ આપે, સંવેદનશીલ બનાવે, પોતાને અને અન્યને સમજવાનાં દ્વાર ખોલી આપે તે પુસ્તકથી હવે આપણા આજના દિવસોમાં સૌ દૂર ને દૂર જતા જણાઈએ છીએ. પુસ્તક વાચનને બદલે આપણી સામે એવા ઢગલાબંધ લોભામણા વિકલ્પો આવ્યા છે કે ખુદ જેઓને પુસ્તકોનું સેવન વ્યવસાયની રીતે પણ કરવું પડે એવા શિક્ષકો-અધ્યાપકોય એનાથી આઘા ને આઘા રહેતા જણાય છે.
વર્ગખંડો પૂરતું વાંચીને, જરૂરી ઉપાધિ માટેનું કે પરીક્ષા માટેનું વાંચીને તેવાઓ પણ પુસ્તકને અભરાઈ ઉપર ચઢાવી દે છે. ગ્રંથ-પુસ્તક માત્ર વાંચીને અટકી જવું અને નિત્ય એનું સેવન કરતા રહેવું એ બે બાબત પણ ભિન્ન છે. આપણે નાલંદા કે તક્ષશિલા જેવાં આપણાં પ્રાચીન વિશ્વવિદ્યાલયનું અવારનવાર સ્મરણ જરૂર કરીએ છીએ પણ ક્યારેય એ વિચારતા નથી કે ત્યારે ગ્રંથવાચન પિપાસા કેટલી ઉત્કટ હતી. માત્ર કેન્દ્ર નહીં કેન્દ્ર અને છેક પરિઘ અને પરિઘ બહારનું પણ ત્યાં જાણવું પડતું હતું - સમજવું પડતું હતું અને અંકે કરવું પડતું હતું.
આજે રેલ્વે સ્ટોલ પર કે બીજેત્રીજેથી પુસ્તક મેળવી વાંચનારો વર્ગ જરૂર છે. પણ ટોલ્સ્ટોએ એકવાર કહ્યું હતું તેમ તે શું વાંચવું એ જાણતોનથી. પરિણામે વાચનારની સામે 'શું વાંચવું ?' એ મુદ્દો પણ અગત્યનો બની રહે છે. સમયને વ્યતીત કરવા ઘણી બધી યુક્તિઓ અજમાવતા હોઈએ છીએ તેવી જ આ પણ પછી એક યુક્તિ બની જાય. પરિણામે વાચકે 'શું વાંચવું' એ બાબતે પણ સતર્ક રહવાનું હોય છે. બાકી મોબાઈલ, તેની ઉપર પોસ્ટ કે તેની વિવિધ એપ કે અંદર આવતી રમતો ને સમાન્તરે બજારુ, સસ્તી લોકપ્રિયતાવાળું સાહિત્ય વાંચવું - એ બંને બાબતો સરખી બની રહે છે. આ દિશામાં આપણી શૈક્ષણિક - સાહિત્યિક સંસ્થાઓએ આજે વધુમાં વધુ સતર્ક થવા જેવું છે. તેઓનું એ પરત્વે ઉત્તરદાયિત્વ પણ છે. 'વાંચો એ શું વાંચવું ?' તેવા ઉપક્રમો હવે અનિવાર્ય બન્યા છે. આપણી કહેવત 'કાળો અક્ષર કુહાડી બરાબર'ની સામે નવી કહેવત મૂકવી પડશે કે 'કાળો અક્ષર કામણગારો'.
હમણાં 'સેતુ' રીડર્સ ક્લબ, આણંદ ખાતે વક્તવ્ય આપતાં એક આશાસ્પદ સકારાત્મક બિના નજર સામે એ આવી કે આજની યુવા પેઢીને વાંચવું તો છે, અરે, સારું વાંચવું છે, આનંદ-ઉત્સાહથી વાંચવું છે પણ તર્જની સંકેત કરનાર નથી. આ રીડર્સ ક્લબે પુરવાર કર્યું છે કે - યુવાનો તૈયાર છે - પુસ્તક સાથે તેઓને પ્રેમ છે. તેઓને સૂચવો, ભૂમિકા પૂરી પાડો, સારાં પુસ્તકો વચ્ચે મૂકી આપો. અધધ કહીએ તેવી આજના યુવાનોની ત્યાં સંખ્યા જોઇને, તેમના ચહેરા પર વાચનની ભૂખ જોઇને વ્યાખ્યાનને અંતે રૂબરૂ મળીને તેમણે કરેલી પુસ્તક સંબંધી વાતોથી હું અંદરથી ખુશ થયો હતો.
થયું કે આવા યુવાનોને એ રસ્તેથી, કશેક ફંટાઈ જાય તે પહેલાં સાચવી લેવા જોઇએ. યુનિવર્સિટીના કુલપતિઓ, ઉપકુલપતિઓએ પણ સરકાર-શાસન કરતાં આ વિદ્યાર્થીઓની વધુ ચિંતા કરવી જોઇએ એવી ક્ષણ હવે આવી પહોંચી છે. શિક્ષણ શાસ્ત્રી શેલ્બીનું અહીં સકારણ સ્મરણ થઇ રહે છે. તેણે વિશ્વવિદ્યાલયને વ્યાખ્યાયિત કરતાં સૂચક વિધાન કરેલું : વિશ્વવિદ્યાલય એટલે ગ્રંથાલયની આસપાસ વીંટળાયેલાં મહાલયોનો એક સમૂહ. એણે અહીં મહાલયોની મધ્યમાં ગ્રંથાગારને મૂક્યો છે. ગ્રંથો-પુસ્તકોને મૂક્યાં છે. શિરમોર ગ્રંથ-ગ્રંથાલય છે.
વાચક-લેખક વિશે પણ એક વાત કરવી છે. લેખક વાચક વિના અધૂરો છે. નાટયકાર પિરાંદેલોએ તેના એક નાટકનું શીર્ષક કંઇક આવું આપ્યું છે : છ પાત્રો એના લેખકની શોધમાં હું આજના સંદર્ભમાં કહ્યું કે 'લેખક એના વાચકોની શોધમાં'. આપણા સમયમાં લેખક લખીને અટકી જાય એ પૂરતું નથી. લેખકે પણ વાચકને વાચનના એક આરાધક રૂપે જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે. બક્ષી વાચકને 'સ્વામી' કહેતા હતા તે કદાચ આ સંદર્ભે જ છે.
આણંદમાં એ દિવસે મેં જેઓને કદી જોયા નથી, પણ મને પત્રો લખે છે, અઢળક વાંચે છે તેવા એક વાચક વયોવૃધ્ધ મધુકર બૂચનું ઘર શોધીને તેઓને ઘેર સામેથી પુસ્તક આપવા પહોંચ્યો. મારું સદભાગ્ય છે કે ત્યારે તે મારો જ 'ગુજરાત સમાચાર'માં આવેલો લેખ વાંચતા હતા ! કલ્પો, એક લેખક તરીકે, હું તેમના જેવા વાચક પાસે જઇ સામેથી મારું 'સમયબોધ' એમને ભેટ આપવા પહોંચ્યો - ત્યારે તેમની વાચક તરીકેની કૃતકૃત્યતા કેવી હશે ? એમાં હું એક વાચકના ગૌરવને પુરસ્કારી રહ્યો હતો, મને નહીં. મને મારો વાચક મળ્યાનો સંતોષ એ મારી મૂડી હતી.
તે દિવસે સરસ્વતીવંદના તો થઈ, સાથે આવી વાચકવંદના પણ થઇ ચાલો, અમેરિકાની જેમ આપણે પણ ગ્રંથાલયોમાં દિવસના વધુ કલાકો ગાળવાનું શરૂ કરીએ.