સઘળું શું એક ડિઝાઈન .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આપણે આપણી સાથે જ મેળ પાડવામાં ઊણા રહી જઈએ છીએ અને ક્યારેક રંગનો ડબ્બો જ ખૂલ્યા વિનાનો રહી જાય છે!
અ રે, હા, ભાઈ હા. હું 'ડિઝાઈન'ની જ વાત કરું છું. પણ મારી કથા તમે જે ધારી ચૂક્યા છો, એથી થોડીક ભિન્ન છે. ડિઝાઈન ખરી, આકાર-નકશોય ખરો અને એવું નહીં પણ. મનસૂબો પણ ખરો અને સાવ એવું ય નહીં. આ ડિઝાઈન એટલે ઈરાદા વિનાનો ઈરાદો. ક્યારેક એવું ય બને કે ભલા, ડિઝાઈન વિનાનીય ડિઝાઇન હોય અને કહેવાય તો ડિઝાઈન ! અનાકાર આકાર, આકૃતિ રહિત આકૃતિ. રેખા હોય, રંગ હોય, લસરકા પણ હોય, આછાં-ઘાટાં ટપકાં હોય, ક્યારેક અંદર નકશો બંધાય, બહાર નકશા જેવું જ ન હોય છતાં આંખોમાં આખી ડિઝાઈન રચાઈ ગઈ હોય. તેની રેખાઓ હૃદય સુધીય પહોંચી જતી હોય. શી છે આ ડિઝાઈન, શાની છે ડિઝાઈન, શાના માટે, કોણ રચે છે... પ્રશ્નો આવા થાય, કરી શકાય પણ ડિઝાઈન ડિઝાઈન છે. ડિઝાઈન તમે પણ કરો, હુંય કરું, ધંધાદારીઓય કરે, મારો-તમારો ઈશ્વરેય કરી રહ્યો છે.
સાચું તો જનાબ, એ છે કે આપણે જ ઈશ્વરે રચેલી એકાધિક રંગ-રેખાખચિત ડિઝાઈન છીએ ! તમે ક્યારેક તમારા અંગાંગો વિશે વિચારજો. હોઠ, નાક, કપાળ, આંગળીઓ, ચરણ, આંખો એ બધાં વિશે. તમે પણ ઈશ્વરની યાદૃચ્છિક એક ડિઝાઈન જ છો. પણ એ મૂળની ડિઝાઈનમાં આપણે પાછા સુધારા-વધારા કરવા માંડીએ છીએ. ઉમેરણ-બાદબાકી કરીએ છીએ. મૂળની ડિઝાઈનથી દૂર લઈ જતી ડિઝાઈન. છતાં એય ડિઝાઈન તો છે જ. ભાત ભાત કે લોગ, ભાત ભાત કી ડિઝાઈન. એમ તો આ બાપડું આખું જીવનેય એક ડિઝાઈન નથી લાગતું ? ભાત રચાય, વિખેરાય, રચાય- એમ ચાલ્યા જ કરે. તમે ત્યાંય લીટા ભણો છો, રંગો ભભરાવો છો કે રંગોય પણ પૂરો છો. ત્યાંય મનગમતી ડિઝાઈન કરવા આઠ-દસ દાયકા ખેંચી કાઢો છો. પણ પ્રિય, ડિઝાઈન હાથ લાગે છે ? લાગે અને નય લાગે. ક્યારેક ઘણું મોડું થઈ જાય, ક્યારેક ડિઝાઈન અધૂરી રહી જાય. રંગો-પીંછી, મનકલ્પિત આકાર બધું અટકી જાય. આવો છે આ ડિઝાઈનનો ખેલ ! આપણે આપણી સાથે જ મેળ પાડવામાં ઊણા રહી જઈએ છીએ અને ક્યારેક રંગનો ડબ્બો જ ખૂલ્યા વિનાનો રહી જાય છે ! રંગપુરવણી તો દૂરની વાત જ તેથી બની જાય. બાકી ડિઝાઈનનો જાદુ તો જુદો જ હોં ! અરે, ભૈયા ! હોંકારો તો ભણો...
જુઓ, પેલો અદ્રષ્ટ ડિઝાઈનોનાં પાર વિનાનાં આશ્ચર્યો લઈને નીકળ્યો છે. કોઈક ઉદ્યાનમાં પહોંચી જજો. બધું લીલુંછમ્મ, લીલંલીલા છતાં પ્રત્યેકની છાયાઓ અલગ અલગ. કોઈક સીધી હૃદય સાથે તો કોઈક આંખ સાથે દોસ્તી કરી રહે. શબ્દથી વ્યક્ત જ ન કરી શકો તેવી એક આકૃતિ ખડી થઈ રહેશે. ત્યાં પંખીઓને જોશો. ત્યાંય શરીર- પાંખ- ચાંચ- નાક- નકશા- ચરણ અને રંગપૂરણી કશે જ મળતી જ ન આવે. દરેક પ્રજાતિ-જાતિનાં રંગનખરાં જુદાં. કોઈક મનમોહક તો કોઈક તનમોહક. કોઈક તમારી સાથે ચાલતું આવે તો કોઈક તમારી આંગળી જ ન છોડે. ડિઝાઈન જ ડિઝાઈન. અરે, કોઈપણ, વૃક્ષ, સમુદ્ર, આકાશ, વાદળ, પહાડ, નદી, કાંઠા-જ્યાં નજર પહોંચે ત્યાં પણ જોજો. ડિઝાઈન રૂપે તો તે આપણને વળગી પડે છે. એ રૂપે તો છેક ઊંડે આપણામાં એની જમાવટ કરી જાય છે. અને ડિઝાઈન કંઈ માત્ર ઉપલક આકાર-રંગમાં જ છે એવું કંઈ ઓછું છે ? પંખી-પક્ષીના અવાજોને પણ ધ્યાનથી સાંભળજો. દરેક અવાજની પણ ડિઝાઈન છે. કોઈક સમગ્ર અસ્તિત્વને ભીંજવી રહે તેવી તો કોઈક માટે શબ્દો જ ખૂટી જાય. બધું સેવદવાનું. એનીય દોસ્ત ! એક ડિઝાઈન હોય છે. મધુરની સાથે કર્કશ પણ હોય, રૂપ-વિરૂપ ના બે છેડા પણ હોય. અરે, એય તે ડિઝાઈન તો ખરી જ ! મને તો ક્યારેક પંખીઓ-માણસો- પ્રકૃતિનાં વાનાં વ.ની હલચલમાં ય કશીક ડિઝાઈન હશે જ એમ કહેવાનું મન થઈ રહે છે. કર્ટ વોનગેટ તો ક્યારેય ક્યારેક આત્માની ડિઝાઈનની પણ વાત કરે છે. અરે, આત્મા સુધી તો પહોંચાતું જ નથી ! આત્મા-આત્મા કહ્યા કરીએ છીએ - પણ આત્માની ડિઝાઈન વિશે તો નર્યા અજ્ઞાત જ છીએ. કલ્પો, કેવો હશે સુગંધિત દ્રવ્યો ભર્યો ? અનેક રેખાઓ કેવી ઝગમગતી હશે ? સ્પંદે સ્પંદમાં ત્યાં કેવું સંગીત રચી રહ્યો હશે ? કેવો એનો મૃદુ-મુલાયમ આકાર હશે ? બસ, પ્રશ્ન કરો. પણ તેનાથી ય એ આગળ ને આગળ જ હશે. ભાવતત્ત્વભરી સૃષ્ટિઓ તેમાં ચડિયાતા ક્રમે સર્જાતી આવતી હશે. પણ આત્માને તો ફરકવા દેતા જ નથી આપણી પાસે ! આત્માવિહોણા આત્મા સાથે જીવનારને પછી કોઈ ડિઝાઈન જોવા મળે ખરી ?
ડિઝાઈન તો ભલાદમી, આપણી વાણીમાં, આપણા વિચારમાં પણ શું નથી રચાતી આવતી ? પણ એ રેખાઓ વિશે આપણે સતર્ક જ ક્યાં હોઈએ છીએ ? એ ડિઝાઈનનું પણ સંમોહન હોય છે, પ્રભાવ હોય છે. તેવા વિચારો કે વાણીની આસપાસ અનેક રેખાઓ ખેંચાતી આવતી હોય છે. ક્યારેક તે કલ્પદ્રૂમ બની ઝૂમી રહે છે, તો ક્યારેક ત્યાં ખળખળ વહેતી નદીનો મંજુલ અવાજ સાંભળવા મળે છે. ભીડની જો કોઈ ડિઝાઈન છે, તો એકાન્તને પણ એની ડિઝાઈન છે. આવી ડિઝાઈન જ બધે ફરક પાડી રહેતી હોય છે. એક અંકુરાતા છોડમાં, ઊડી જતાં રંગ-બેરંગી પતંગિયામાં પમરાટમાં, પવનમાં, વહેતા જળમાં પણ આપણને સદા-સર્વદા બાંધી રહે તેવી કોઈ ડિઝાઈન શું નથી અનુભવાતી ?
વાત છેવટે ડિઝાઈનની છે. મુઠ્ઠીમાંથી વેરાઈ રહેતાં મોતીની કે પછી આપણી સ્મિત રેખાની. આપણે સૌ ખરેખર તો મોટા ડિઝાઈનર છીએ. પિકાસોએ જન્મ લેતા દરેક બાળકને કદાચ એટલે જ પેઈન્ટર કહ્યો હશે ? પણ આપણે ડિઝાઈનથી દૂર ને દૂર રહી ડિઝાઈનને આપણા વ્યવહાર-વ્યવસાય સાથે જોડી દીધી છે. ડિઝાઈનમાં રંગપૂરણી કરવાના વરદાનનું જ વિસ્મરણ થયું છે ! વાત તો પિકાસોએ પેલી શેઠાણીને કહેલું તેમ, રંગ-કેનવાસ તો મામૂલી કિંમતનાં હોય છે, પણ જે રંગો અંદર પૂરાયા હોય છે, જે નકશી ઊભી થઈ છે, તે અણમોલ છે. ડિઝાઈન પણ એવાં રેખા-રંગ-વાંછે છે, એ પણ આત્માની સભર સર્જનાત્મકતાને ખોળે છે.









