સવરી વાણી .
ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
મધ્યકાળ આખો કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પ્રજાચેતનાના ધારકો આ સંતો હતા, સંસ્કૃતિનો વિસ્તાર, નવાં અર્થઘટનો પણ તેમના થકી શક્ય બન્યાં હતાં
હું વાંચવા તો પ્રેરાતો રહું છું. આપણા આજના સમયની કવિતાને પણ મન દોડી જાય છે સંતકવિતા પાસે. કોણ મને એ તરફ ખેંચી જતું હશે ? નિર્મોહી, સત્યપરક સંત કે પછી તેની ઝરણા જેવી વાણી ? મારા માટે એક નહીં, બંનેનું ખેંચાણ રહ્યું છે. અંદરથી હું કવિને કે કવિતાને ખોળતા હોઉં છું ત્યારે સહજ રૂપે મારી ગતિ સંતકવિતા તરફની જ રહે છે. કદાચ કવય: સત્યશ્રુત: એવું જે કહેવાયું હશે તેમાં ભક્ત-સંત કવિઓનો હિસ્સો જ વધુ કારણભૂત લેખાયો હશે...
હા, સંતને અન્ત નથી કારણ કે તે અનંતને ઉપાસે છે. એકાધિક ક્ષેત્રે તેની યાત્રા ચાલતી હોય છે. બધું સમર્પણ ભાવે, મનુષ્ય જાત માટે અને ઈશ્વર સંદર્ભે. તેનાં દર્શન - મનન - ચિંતન સૂત્રના ય સૂત્રને શોધે છે, ચીંધે છે પણ તે બધું નિર્ભાર અને નિર્દંભભાવે. જાગી ગયેલા આત્માની પ્રસાદી રૂપે એ બધું આવિષ્કાર પામતું હશે. 'સહજ મિલા સો દૂધ' ત્યાં બરાબર ચરિતાર્થ થાય છે. તેમના પંથ અલગ હશે, પણ તેમનો કંથ અને ધ્યેય તો એક જ છે. પ્રભુનું આરાધન અને નીતિનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, લોકપરાયણ જીવન. આ બધા સંતો તો છે જ, સાથે મશાલચી પણ છે. અંધકાર વચ્ચે પ્રકાશ પાથરે છે, અસત્યને પડકારે છે.
મેરુ ડગે પણ મન ન ચળે એવા આ સંતો. સમયે સમયે દેશભરમાં આવા સંતોએ સ્વેચ્છાએ પ્રજાને સંકોરી છે, સંસ્કૃતિને રક્ષી છે, ઉજ્જવળ કરી છે. મધ્યકાળ આખો કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પ્રજાચેતનાના ધારકો આ સંતો હતા, સંસ્કૃતિનો વિસ્તાર, નવાં અર્થઘટનો પણ તેમના થકી શક્ય બન્યાં હતાં. તેમાં ધર્મનું, જાતિનું, પક્ષાપક્ષીનું બધું ઑગળી જતું જોવાય. સૌ પોતપોતાની રીતે, પોતાના તાલે, પોતાના શબ્દે દેશ અને એની પ્રજાને ગૂંથી રહ્યાં હતાં. પુરુષ સંતોની સાથે સ્ત્રી સંતોની પણ ભારે બોલબોલા રહી હતી. આ સૌ ધાર્મિક રીતે, અધ્યાત્મની દ્રષ્ટિએ શરણિયા હતાં તો સત્યનું રખોપું કરવામાં મરણિયાં હતાં ને જીવનની દ્રષ્ટિએ કરણિયાં હતાં. ભાષા જુદી, પણ આત્મા સર્વનો એક, પ્રવરસેનના શબ્દોમાં કહું તો બધા પુષ્પિત જીવો હતા.
એમની કવિતાએ, ભજનવાણીએ, કલમથી લખવા કરતાં હૃદયથી વધુ લખ્યું છે. તેમણે બે આંખોથી તે નિહાળ્યું છે, પણ અંદરનાં ચિતિચક્ષુથી સર્વનો તાળો મેળવ્યો છે. એટલે જ એ વાણી હૃદયકંદરામાંથી વહેતા ઝરણા જેવી લાગે છે. તેમાં સંઘર્ષ છે, અનુભવો છે, નિરીક્ષણ-વીક્ષણ છે, વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે ને એ સર્વના સારરૂપ જાતિ-પાતિ-વિતંડાવાદથી ઉપર ઊઠતો 'માનવ' છે. તેમાં પરિભ્રમણનો પરિપાક અને અનુભવ વડે પ્રતીત થયેલી સહિષ્ણુતા છે, વિદ્રોહ છે પણ સમજણભર્યો, પ્રેમ જ સર્વમાં સૌથી આગળ તરી રહે છે.
ત્યાં કબીર છે - 'એક જ રીતે બધું સર્જન પામ્યું છે. પછી વર્ણ-જાતિ ક્યાંથી ?' એવો તેનો મૂળ પ્રશ્ન આજે ય તરોતાજ છે. ગોરખનાથે અને રામાનુજાચાર્યે પણ એમની રીતે એ જ વાતનો મહિમા કર્યો. હરિને ભજનાર સૌ કોઇ હરિના છે તેવું રામાનંદે પણ ગાયું. કાશીના રૈદાસે પણ શઠ-મૂઠ માણસો જ જાતિભેદ ઊભો કરે છે એમ કહ્યું. પોતાના ગુરુની જેમ ગુરુ નાનકદેવજીથી માંડી ગોવિંદસિંહજી સુધીના સર્વે સંતોએ જાતિભેદને મિથ્યા લેખ્યા હતા.
રાજસ્થાનના પીપાજી પણ એ મતને જ તીવ્ર રીતે દોહરાવે છે. મહારાષ્ટ્રના જ્ઞાાનદેવ, એકનાથ, નામદેવ, તુકારામ, ગોરા કુંભાર, ચોખા મેળા જેવા સંખ્યાતીત સંતોએ પણ સામાજિક ભેદભાવો, જાતિ-પાતિ સામે ઉગ્ર પ્રહારો કરવા પડે તો કરીને પણ મનુષ્યનું મનુષ્ય લેખે ગૌરવ કર્યું છે. સમાજને એક કરવા, સુગઠિત કરવા આ સૌ સંતોનો અણથક પ્રયત્ન રહ્યો છે. નરસિંહ મહેતા - અખો - દાદુ દયાળથી માંડીને અનેકે ગુજરાતમાં પણ એ દિશામાં જ કામ કર્યું છે. દલિત સંત પરંપરાએ પણ સમરસતાનું એ ગાન ઉત્તમ રીતે તેમની વાણીમાં પ્રસ્તુત કર્યું છે.
ગામે ગામે, નગરે નગરે, પ્રાન્તે, દેશે - આવા સુમાર વિનાના સંતોની વાણી રણકતી રહી છે. સૌનું ધ્યેય અંધકારથી ઉજાશ તરફ પ્રજાને લઇ જવાનું હતું. આપણા આજના સમયમાં જાતિ-પાતિ ફરી એનું માથું ઊંચકી રહી છે ત્યારે શાણા માણસોએ સંતોની વાણીનું સેવન કરવું પડશે. કટ્ટર બનેલા માણસોને એમના આવા સમર્થ પૂર્વજોનું કોઇકે સ્મરણ કરાવવું પડશે. યાદ કરો તમિળના અને આખાય ભારતના કહી શકાય તેવા તિરુવલ્લવરને. 'કુરુલ' જેવા તેમના સીમાસ્તંભ રૂપ ગ્રંથને, ડહાપણના દરિયા જેવા તેમના શબ્દરાશિને. યાદ કરો તુકારામને, તેમના એકે એક અભંગને, તેમની ક્રાન્તિકારી વાણીને, દાસી જીવણના 'અજવાળું અજવાળું' શબ્દોને, લોયણની 'નિજિયા ધરમ'ની વાતને, ગોરખનાથના 'જીવતા નર પૂજીએ ભાઇ !' શબ્દોને, અને પાનબાઇ સાથે - એટલે આપણા સૌની સાથે વાતો માંડીને વીજળીના ચમકારે સોયમાં દોરો પરોવી લેવાનું કહેતી ગંગા સતીને.
કોને યાદ કરીએ ને કોને ભૂલીએ ? રામદાસ સ્વામી, પ્રાણનાથ, નામદેવ, ચૈતન્ય, પેસા સૂફીવાદીઓ મુઇનુદ્દીન ચીસ્તી કે આલમશાહ ? એક ઘેઘૂર વૃક્ષ છે આ સંતોનું. દરેક પર્ણ એક નવો સંત, નવી વાણી, એવો ઘાટ થઇ રહે છે. અહીં ભોજો - અખો - ભાણ - મોરાર - પ્રીતમ જેવા પણ અગણિત છે. આ યાદીને તો અંત નથી.
આજની વિષમતાભરી સ્થિતિમાં ફરી એકવાર એવા સંતોનું સ્મરણ કરવું અનિવાર્ય બન્યું છે, તેમની વાણીના મર્મને સમજવાનું જરૂરી બન્યું છે. આ કવિઓનું પ્રજા સાથે, પરિસ્થિતિઓ સાથે જે ભીતરી જોડાણ રહ્યું હતું તે જોડાણ પણ સમજવું પડશે. આપણે આપણા ખોવાતાં જતાં શ્રધ્ધા-લય જેવાં સત્ત્વોને આ સંતવાણીમાંથી શોધવાં પડશે. 'મૂળ' સુધી લઇ જતા સંતો એમના સમયના પહેરીગીરો હતા. આજનો કવિ - કવિતા એ બધાંને વાંચું છું ખરો પણ તે વેળાએ ય વધુ તો પેલી મેકરણ કથિત 'સવરી વાણી'નું જ સ્મરણ થતું રહે છે. કહો કયું કારણ હશે ?