Get The App

ભૂખથી ટેવાઈ જાવ ! .

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
ભૂખથી ટેવાઈ જાવ !       . 1 - image


શું કહીશું આ છળ-કપટભર્યા, ગરીબીભર્યા, આત્માને હણી ચૂકેલા માણસને, અથવા તેની આવી દશા કરનાર ધર્મ, રાજકારણ કે બ્યૂરોક્રેટ્સને? 

ધારી લો કે હું એક મશહૂર નાટક જોવા બેઠો છું. અથવા તમે એવું પણ કલ્પી શકો કે હું એવું નાટક વાંચી રહ્યો છું. નાટક બે અંકી છે. નાટક શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોની સામે એક કાવ્ય રજૂ કરવામાં આવે છે. આ  કાવ્ય પણ કેવું? કોઈ મોટરના સ્પેરપાર્ટસ અલગ અલગ વિખરાઈને પડયા હોય એવું. જેમકે પોતાના નામનું શ્રવણ, બીજ, એને ખોદી કાઢનારો, મૂળિયાંને ઊધાંચત્તાં કરનારો, સંપ્રદાય, વિધિ, સૂર્ય, સમય, વર્ષા, સમય, ભાવિ, નદી, પ્રાત:કાળ, રાત્રિ, ઘુવડ, તેનો પંજો, શ્વાસની ભેજલ ક્ષણ, પૂજાનો પેલો દેવ, શું આપણે બોલવાનું નથી? મૃત્યુ પામેલો માણસ, તેનો અંગૂઠો! ઓહ! કેવું આ અગડંબગડં કાવ્ય છે? કશું મોં-માથું જ નહીં! પણ આ જ તો મજા છે. સમજી લો ને કે આપણે પણ મોં-માથા વિનાનું ખોદાયા કરતું, ફંગોળાયા કરતું એક અજીવ અસ્તિત્વ છીએ. બસ, આ કાવ્ય સમજ્યા તો પછી નાટકના બે અંકમાં મજો જ મજો.

મિત્ર, હું જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તેમાં આફ્રિકાના પ્રદેશનું, નગર જીવનનું ચિત્રણ છે. ત્યાંના તળના માણસનું થાગડથીંગડવાળું જીવન છે. તે સર્વ પણ છૂટા પડી ગયેલા સ્પેર પાર્ટસ જેવા જ છે. અહીં નાટકનું મુખ્ય કેન્દ્ર તો મિત્ર, 'રસ્તો' છે. રસ્તો એટલે 'ધ રોડ'. અને આ 'રસ્તો' પણ સીધોસરળ નથી. એ ય મહા અવળચંડો છે. ઘણાં રહસ્યો ભરીને તેણે પોતાનું પેટ ફૂલાવ્યા કર્યું છે. એટલે એ પણ રસ્તો રહીને પણ માનવયાતનાઓનું પ્રતીક બની રહ્યો છે. પણ એ વાત જવા દો. આ નાટયકારનું નૃત્ય બિન્દુના કદનું છે પણ તે ગર્જાવી રહે છે મસમોટા સિન્ધુ. નાઈજીરિયાના નગરનો આ માર્ગ વાત તો કેટલાક ડ્રાઈવરોની લઈને આવે છે. અહીં તેમના ડ્રાઈવર સાથીદારો છે.

તેઓના તુક્કા છે, ગામગપાટા છે. મનમાં આવે તે બધું ભરડી મારનારાઓ છે. કપડાં મેલાં ઘેલાં, દાંત પણ ગંદા, શ્વાસની પણ દુર્ગંધ. કોઈક કોઈક ચબરાક છે પણ તે ય છેવટે ડ્રાઈવર - ઓગણીશમી કોમ જ. બંને અંકોમાં 'રસ્તા' ઉપરના સ્પેર પાર્ટસની દુકાનની સાથે, તેમના વ્યવસાયની જ વાતો, સટરપટર વાતો ગૂંથાતી આવે. હા, ત્યાં અકસ્માત થાય, માણસ મરે, કેમ કેવી રીતે મર્યો તેનું પીંજણ થયા કરે. કોઈકને ડ્રાઈવર થવું છે તો કોઈક ડ્રાઈવરની નોકરી છૂટી ગઈ છે. તો કોઈકને વળી ડ્રાઈવિંગનું લાઈસન્સ કોઈ પણ ભોગે જોઈએ છે.

ભલે તેને માટે લાંચ આપવી પડે તો લાંચ. આ ડ્રાઈવરો પણ સમજી ગયા છે લાંચ આપ્યા વિના જયવારો થાય ખરો કે! બનાવટી લાઈસન્સની નરી બોલબોલા. ભલભલા એ કામમાં જોડાયેલા જોવા મળે. પોલીસ, પ્રોફેસર, દલાલો, મિત્રો સહુ એકબીજાને લાઈસન્સ માટે સહાય કરે, સૌ સૌ પોતાનું તરભાણું ભરી લે! રસ્તાને પોતાની જિંદગી છે ને! રસ્તો બાપડો શું કરે? રસ્તા ઉપરની પ્રજા ય બાપડી તો શું કરે! મળો, ભળો, ચૂપ રહો કે મરો, પણ પાપી પેટ ભરો - બસ, એનાં આ હવાતિયાં છે. જરૂર પડે ધાર્મિક વિધિઓને, ચર્ચને, ચર્ચની સાથે ઈસુ કે તેવા કોઈ દેવને યાદ કરો 'લાઈફ' આ છે.

'લાઈફ'ના ખેલ જાણી લો, મૃત્યુ તો સામે રાખોડી રંગના પંજા સાથે એનો ડોળો ફાડીને ઊભું જ છે. જીવનને તો ઠીક મારા ભઈ, વાત જીવનની પડખેના મૃત્યુને ઓળખવાની છે. આવા ડ્રાઈવરો અને એના સહાયકોમાં સેમ્સન છે, સલૂબી છે, કોટોનૂ છે, પેલો સતત બણગાં મારતો, લાઈસન્સ અપાવનારો, ચર્ચમાં જઈ ભાષણો આપનારો નાટકમાં વિવિધ અર્થમાં 'શબ્દ'નું સ્મરણ કરતો પ્રોફેસર પણ તેઓની સાથે જોડાયેલો છે. લાઈસન્સનું ચક્ર ભ્રષ્ટાચારનું પ્રતીક બનીને બંને અંકમાં ચક્રાતું રહ્યું છે. કોટોનૂ ગંભીર અકસ્માત કરી ડ્રાઈવિંગનું છોડી પ્રોફેસર સાથે જોડાયો છે. પ્રોફેસરને સેમ્સનનો પરિચય પાછળથી થાય છે. સલૂબી માટે કોટોનૂ લાઈસન્સ મેળવવા મથી રહ્યો. સૌ તે માટે ભેગા મળી પ્રોફેસરને કાકલૂદી કરે છે. પ્રોફેસર ક્યારેક ડ્રાઈવરોને મૂર્ખ કહે છે તો ડ્રાઈવરો પ્રોફેસરને ક્યારેક પાગલ કહે છે.

પ્રોફેસરનો કારોબાર મોટો છે પણ તેના શાણપણની સાથે તે ધાર્મિક કટ્ટરતાવાળો પણ લાગે. મૃતાત્માઓ વિશે તેનો અભિપ્રાય જુદો છે. દુકાનની પાસેના એક ચર્ચમાં તે અવારનવાર ભાષણો આપે છે, મ્યુઝિક સાંભળે છે સેમ્સન પણ પ્રોફેસરના કાર્યોમાં અનૈતિક રીતે સાથ આપે છે. બીજા ભાગમાં પોલીસ, તેની ઈન્કવાયરી, પ્રોફેસર અને અન્ય પાત્રો સાથે મૂળ રહસ્યને જાણવાની તેની મથામણ-વગેરેનાં દ્રશ્યો શહેર અને દેશમાં અસંખ્ય બેરોજગાર ડ્રાઈવરો, તેમના મદદનીશો કેવું દયાપાત્ર જીવન જીવે છે, કેટલું નીચે ઊતરીને જીવવા તે સૌ મજબૂર બને છે તેનાં ચિત્રો છે.

ગરીબી ગૌરવ તો હણી લે છે પણ જીવતા મનુષ્યને ય મૃત્યુના ઓથાર નીચે શ્વાસ ભરતો હોય તેવો દયનીય બનાવી રહે છે. શું કહીશું આ છળ-કપટભર્યા, ગરીબીભર્યા, આત્માને હણી ચૂકેલા માણસને, અથવા તેની આવી દશા કરનાર ધર્મ, રાજકારણ કે બ્યૂરોક્રેટ્સને? પેલું આગળનું કાવ્ય યાદ કરો. સમયનું પ્રવહણ, નદી, ઘુવડનો પંજો, ભેજલ ક્ષણો, ચૂપકી, મૃત્યનો પરિવેશ.

પ્રોફેસર 'ધ રોડ' દ્વારા પ્રતીક્ષા અને જૂઠ્ઠાણાને ચીંધે છે. કોઈ કોઈને અહીં શ્રદ્ધેય લેખતું નથી. એકબીજાં પાત્રો અસંબધ્ધ ભાષામાં પરસ્પર આક્ષેપો મૂકે છે. ચક્રાવાતમાં ડ્રાઈવરો સાથે પ્રોફેસર પણ સંડોવાયેલો છે. તે માને છે કે જીવન જ આવું છે. જૂઠ્ઠું, લબાડી. તમે 'રોડ' જેવા બની જાવ. થાય તે થવા દો. રહસ્યો ભંડારી રાખો. ભૂખથી ટેવાઈ જાવ, ઉંદરને સપાટ કરી રહો. તમે મૃત્યુના જ્ઞાાનને પ્રાપ્ત કરો, તે વડે તમારા હાથને મજબૂત કરો. 'રોડ'ની જેમ શ્વાસ ભરતા રહો અથવા 'રોડ' બની જાવ. મિત્રો, બે અંક પૂરા થતાં હું સાવ શૂન્યમનસ્ક બની ગયો. વિચારવા લાગ્યો. જીવન, ગરીબી, પેટ ભૂખ - શું છે આ? વિઘટન - નાશ એ જ વિકલ્પ છે?નાઈજિરિયન નાટયકાર વૉલ સોયિન્કાનું 'ધ રોડ' નાટક વાંચી - પ્રત્યક્ષ કરી - કરુણને, મૃત્યુને, વધુ નજીકથી અનુભવ્યાં.

Tags :