Magazines

અજ્ઞાનીઓ એ જ જ્ઞાનીઓ? .

By GS TEAM
16 Jun 20265 mins read
અજ્ઞાનીઓ એ જ જ્ઞાનીઓ?                                          .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કઠોપનિષદમાં અને બ્રહ્મસૂત્રમાં આવા બુધ્ધિ ચમકારા કે તર્કતત્ત્વ એ જ્ઞાન નથી એવું સ્પષ્ટ રૂપે કહેવાયું છે. 

આ પણા પ્રવર્તમાન સમયને ઇચ્છીએ તો પણ કોઈ રીતે ચોક્કસ શબ્દોમાં બાંધી શકીએ તેમ નથી, સાથે કોઈ રૂપે રેખિત કરી શકીએ તેવી સ્થિતિ પણ નથી. ઘણું બધું ઝડપથી બદલાતું જાય છે, એવા બદલાવને ક્રમ કે કશો હેતુ છે એવું પણ ધારી લેવા જેવું નથી. માણસનું સાતત્ય તૂટયું છે, સાથે સત્ય પણ તૂટયું છે. યથાર્થની સામે યથેચ્છ કેન્દ્રમાં આવ્યું છે. એવું યથેચ્છ માત્ર યથેચ્છ નથી, તંત્રને, સીમાઓને પણ બાજુ પર રાખી એનું પ્રવર્તન રહ્યું છે. જીવનનાં લગભગ બધાં ક્ષેત્રો કંઇક ન સમજાય તે રીતે ઉપર તળે થઇ રહ્યાં છે. એવું પણ નથી કે એની કોઇને જાણ નથી. સર્વ જાણતા હોય છતાં તેના વિશે પ્રતિશબ્દ કે પ્રતિસાદ ન હોય ત્યારે એ સ્થિતિને શું કહેવું ? માણસે શું અજુગતું થતું હોય તેની સામે સહિષ્ણુતા કેળવી છે ? શું જે થઇ રહ્યું છે તેમાં તેની મૂક સંમતિ છે ? કે પછી આ બધું આમ જ ચાલે, આપણે શું - એવી વૃત્તિથી માણસે જીવવાનું શીખી લીધું છે ? એ બધું એને લગભગ તો કોઠે પડી ગયું છે... અજ્ઞાન જ્ઞાન બની ગયું છે, ને અજ્ઞાનીઓ જ્ઞાનીઓ!

આવી સ્થિતિમાં આપણને આ બે સંજ્ઞાઓ વિશેષરૂપે મૂંઝવી રહી છે. એક સંજ્ઞા છે 'જ્ઞાન' અને બીજી સંજ્ઞા છે 'જ્ઞાની'. અહીં પણ જે તંદુરસ્ત જીવનશૈલીમાં આંતરબાહ્ય રીતે અનિવાર્ય છે એવી સંજ્ઞાની અવળસવળ થઇ ગઇ છે. મૂળ અર્થથી પણ ઘણે દૂર આ સંજ્ઞાઓ નીકળી ગઇ છે. પરિણામે 'જ્ઞાન' - 'જ્ઞાની' સંજ્ઞાઓ મનઘડંત અર્થોની આજે વાચક બની ગઈ છે. થોડુંક કશું વાંચ્યું, ક્યાંક કશુંક સાંભળ્યું, દૈનિક સમાચારપત્રો કે સામયિકમાં નજરે પડયું અને પાંચ દસ જણ વચ્ચે તેની વાતો કરી પછી જ્ઞાન-જ્ઞાન કે જ્ઞાની-જ્ઞાનીનું ઢોલ પીટાતું રહે છે ! જાણવું, માહિતી પ્રાપ્ત કરવી, આ કે તે વિષયના તજજ્ઞા હોવું તેથી જ્ઞાન લાધ્યું છે કે એવી વ્યક્તિ જ્ઞાની છે એમ કહેવું તે 'જ્ઞાન'ના રૂપને ન સમજ્યા બરાબર છે. બુધ્ધિમાન હોવું, બહુશ્રુત હોવું, કોઈ વિષય પર અનુકૂળ- પ્રતિકૂળ બોલવું કે શાસ્ત્રાર્થ કરી 'પંડિત' પુરવાર થવું તે નથી જ્ઞાન કે નથી એવી વ્યક્તિ જ્ઞાની પણ. જ્ઞાન એટલે 'જાણવું' એ તો ખરું પણ સાથે તેની પ્રતીતિ થવી, ભાન થવું, સમગ્ર દર્શી આકલન કરવું અથવા તેનાં તમામ સારાં નરસાં પાસાંની પણ પૂરી સમજ કેળવવી એ જ્ઞાન છે. આપણી સામે એવા વાચાળ, ઢોંગી પંડિતોના, કહેવાતાં જ્ઞાનીઓનાં દ્રષ્ટાંતો છે જ. જ્ઞાનને દીપક કહીએ છીએ એ સાચો જ્ઞાનદીપક તો બત્રીશે કોઠાએ ઝળહળ થઇ રહેવો જોઇએ. એના આંતરચક્ષુ અને ચર્મચક્ષુઓ ઉભર વસ્તુ, વસ્તુની આસપાસ અને વસ્તુની પાર પણ નિહાળી રહે છે. જ્ઞાન એ નિરંતરની પ્રક્રિયા છે, ઉત્તરોત્તર પામવા માણવાની એ સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે. તે નિ:સીમ હોય, વાદ-વાડાને ઓળંગીને તે સત્યના ચરણને વંદી રહેનાર હોય. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ત્રણેયની ત્યાં સક્રિય ભૂમિકા પડેલી છે. સૂંઠને ગાંગડે ગાંધી થઇ રહેનારા, જ્ઞાનની મોટી મોટી વાતો કરનારા, શિખામણો કે પ્રેરક વાણીના ફુવારા ઉરાડનારાઓ જ્ઞાની નથી, તેમ તેમની વાતો જ્ઞાનનો પર્યાય નથી. માત્ર તે યાદ્યાતદ્યા માહિતી કે અત્રતત્રના વાચનની ફેંકાફેંક કરનાર છે. દુર્ભાગ્યે આજે એવા માણસોની જમાત વધતી જાય છે. જ્ઞાન ઉપાસનાની આરાધનાની પ્રક્રિયા છે. ભગવાન કૃષ્ણે ગીતામાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ અહીં બીજી કોઈ નથી, એમ જે કહેલું તે આવી સાધના સભર જ્ઞાનની વાત છે. ત્યાં માણસ જ્ઞાન અર્જિત કરીને અટકી જતો નથી. તેની સમગ્ર ચેતનાને એ જ્ઞાન ભીંજવી રહે છે સાથે પરિષ્કૃત કરી રહે છે. તેની ખુદની મર્યાદાઓને, પૂર્વગ્રહોને, ટૂંપણાને તે સમજતો થાય, જ્ઞાનના પ્રકાશમાં તે તેમાંથી મુક્તિ મેળવે એવી પરિપૂર્ણતાવાળો માણસ જ્ઞાન પામ્યો છે કે એ જ્ઞાની છે એવું આપણે કહી શકીએ. જ્ઞાન કેવળ વાચનાધૃત ન હોય, તેમાં અનુભવ હોય, ભીતરનો સંઘર્ષ હોય, બાહ્ય જગત સાથેનો મુકાબલો હોય અને તેના પૂરા વલોણા પછી તે નિતાર જોવા મળે એ જ્ઞાન કે જેનામાં એવું જોવા મળે એ જ્ઞાની. બાકી આજે તો આંજી નાખવા અન્ય ભાષાનાં બે ચાર અવતરણો ટાંકવા કે ગોખેલી થોડીક પંક્તિઓ બોલવી કે પછી સાભિનય લટકાં સાથે રજૂઆત કે પ્રસ્તુતિ કરવી એવું ચાલી રહ્યું છે એ કંઇ જ્ઞાન નથી, એને જ્ઞાનવેડા કહેવાય. આજે આવા જ્ઞાનવેડા વધ્યા છે, સરેરાશ માણસ એવા જ્ઞાનવેડાથી, શબ્દ કે અંકની માયાજાળથી અંજાતો આવ્યો છે. થોડુંક વાંચ્યું ન વાંચ્યું કે વાચનના અપચા રૂપે તે લખતો - બોલતો થાય છે ત્યારે એવી અભિવ્યક્તિ માટે આપણે ત્યાં 'લવ્યા' કરે છે એવું ક્રિયાપદ વપરાય છે એ ક્રિયાપદ પ્રત્યક્ષ થઇ રહે છે. કઠોપનિષદમાં અને બ્રહ્મસૂત્રમાં આવા બુધ્ધિ ચમકારા કે તર્કતત્ત્વ એ જ્ઞાન નથી એવું સ્પષ્ટ રૂપે કહેવાયું છે. નારદસૂત્રતો વ્યર્થ વાદવિવાદ અને કેવાતી જ્ઞાનચર્ચાઓને શક્તિનો વ્યય લેખે છે. આજે ચોરે-ચૌટે એવું જ્ઞાન-એવા જ્ઞાનીઓથી વ્યર્થજ્ઞાન જ્ઞાનીઓથી સમાજ ખદબદી રહ્યો છે.

જ્ઞાન સમગ્ર અસ્તિત્વને નિર્ભેળ કરી રહે. માત્ર મસ્તિષ્કનું એ વાચક નથી. વાત તો સોક્રેટિસે કહેલી કે સ્મરણમાં લાવવા જેવી છે. જીીનક ંર્હુનીગયી ની છે. જ્ઞાન સાથે જ જોડાયેલી ને જ્ઞાનના રૂપને પરિપૂર્ણ કરી આપતી એ સાધના છે. જ્ઞાન પવિત્ર એટલે કહેવાયું કે તે સાચા અર્થમાં જીવનનું સાચા જીવનનું નિર્માણ કરે છે, સાચા અર્થ તરફ દોરે છે. એવી વ્યક્તિઓનું ટોળું ન હોય, જૂથ-મંડળથી દૂર ને અલગ. સોક્રેટિસની સાથે એવી જ્ઞાની વ્યક્તિ તરીકે ગાંધીજીનું પણ સ્મરણ કરી શકાય. ગાંધીજીમાં જ્ઞાન એ જ શક્તિ છે એવું વિશ્વ જોયું છે. એ જ્ઞાન મસ્તિષ્ક - હૃદય - આત્મા સાથે પણ જોડાયેલું હતું. સાચું જ્ઞાન વ્યક્તિતા સાથે ઓતપ્રોત થયેલું હોય છે. જ્ઞાન કે જ્ઞાની જો પ્રેમ કરુણા સત્યથી દૂર હોય, સમજ ડહાપણથી દૂર હોય, એકાંગી હોય તો તેનું કહેવાતું જ્ઞાન કેવળ વંચના બની રહે. જ્ઞાની ને જ્ઞાનનો કેફ ન હોય, હુંપણું ન હોય, કે 'હું બીજાથી કંઇક વધુ જાણું છું' એવો ઘમંડ પણ ન હોય. જ્ઞાનને આપણી સંસ્કૃતિએ તેથી જ વિમુક્તિ લેખ્યું છે. જ્ઞાની 'મેં આ કર્યું કે જે કોઇએ નથી કર્યું' એવી ભાષા ન ઉચ્ચારે. બલ્કે, જ્ઞાન વ્યક્તિમાં જીવતું હોય - તેની ભાષામાં, તેના સંસ્કારમાં, તેના વર્તનમાં અન્યો સાથેના વ્યવહારમાં .. તેના પ્રેમમાં...

કહો, પ્રવર્તમાન સમયમાં સાચાં જ્ઞાન-જ્ઞાની ક્યાં ? કેટલાં ?