AI - માનવ સભ્યતા પર ખતરો? .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- એઆઈથી પ્રભાવિત સમાજની કલ્પના કરો - કેવો હશે એ સમાજ ? માણસ નવરો ધૂપ થઇ જશે. પેલો એઆઈનો ઘૂઘરો આમતેમ રમાડયા કરશે. તે સિવાય તે બીજું થઇ શકે તેવું વિચારી પણ નહી શકે.
પ રિવર્તન તો દરેક સમયે આવીને જ રહે છે. પ્રશ્ન તેને સ્વીકારો કે નકારો પણ છેવટે તો તમારે તેના હિસ્સેદાર બનવું પડે છે અથવા તો તેના ભોગ બનવું પડે છે એ છે. તેથી જ કોઈ પણ પરિવર્તનના પૂર્વાપરની ચર્ચા થાય છે, લાભ-અલાભની વાત થતી રહે છે. થોમસ હાર્ડીની વેસેક્સ પ્રકારની તેના સમયની તેની કૃતિઓએ ગ્રામચેતના અને યંત્રાગમનની મોટી ચર્ચા જગવેલી. પછી તો ઔદ્યોગિક ક્રાન્તિની વાતો આવી, સામ્યવાદ - સમાજવાદની ય ધારાઓ આવી. વૈજ્ઞાનિક શોધોએ જીવન અને જીવનનો અર્થ જ બદલી નાખ્યો, આપણા સમયમાં આધુનિક અનુઆધુનિકતાની વિચારણાઓ પણ ડિજિટલ યુગ વચ્ચે હજી શમી નથી. ટૂંકમાં કહેવું હોય કે અંદર-બહારની સમજમાં મોટા ફેરફાર થતા જણાય છે. તજવા યોગ્યનો ક્યારેક સ્વીકાર કરવો પડે છે, અથવા દૂર રહેવા ઇચ્છતા હોઈએ, એને જ નજીક રાખવું પડે છે. જીવનધારાઓ અને વિચારધારાઓમાં પણ તેથી અકલ્પ્ય ફેરફારો જણાય. અન્નથી બ્રહ્મ સુધીનું જગત અસ્પષ્ટ થતું હોય તેવું ય લાગે. માણસે જ કરેલી શોધો કે તેણે આણેલાં પરિવર્તનો છતાં માણસ જ હાંસિયામાં ધકેલાતો જાય. પ્રશ્ન પણ થઇ રહે, આવનાર દિવસોમાં માનવની જરૂર રહેશે ? રહેશે તો કેટલી અને કેવા પ્રકારની ? આપણું અસ્તિત્વ ક્યાંય અરે, ટપકા રૂપે પણ હશે ખરું ? વિકાસ અને રકાસ - વિનાશ વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે. પરિવર્તન તો છેવટે સ્વીકાર્ય જ બને, પણ શું દરેક પરિવર્તન સ્વીકાર્ય હોય છે ખરું ? પ્રશ્ન આપણાં આજનાં સંશોધનો આપણને આપણી સગવડ વધારતાં વધારતાં શું ગળી તો નહીં જાય ને ? જે માનવચેતના વિશે ગર્વોક્તિઓ ઉચ્ચારીએ છીએ એ ચેતનાએ ચૈતન્ય છેવટે યંત્રબુદ્ધિ કે યંત્રપ્રજ્ઞાનો ગ્રાસ તો નહીં બની રહે ને ?
હું અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સંકેત કરી રહ્યો છું. આપણા સમયમાં આપણને આપણે જ પકડાવી દીધેલો મસમોટો આ ઘૂઘરો છે. આડોઅવળો કરો, ઘૂમાવો રમો, ગમો, દમો, ભમો, ફળો, ફટ્ થઇ જાવ - એમ એવાં અનેક ક્રિયાપદો તેનાં માટે અહીં યાદ કરી શકાય. સર્જનની સાથે વિસર્જન પણ અહીં કશેક તો જોડાયેલું છે જ. પ્રશ્ન પર્વત ઓળંગનારી ચેતના પંગુ ન થઇ રહે એ હવે છે. માર્ક ઝુકરબર્ગે ૨૦૧૬માં વર્ચ્યુઅલ વિશ્વ જ ભાવિના સમાજનું સત્ય હશે, એવું વર્ચ્યુઅલ વિશ્વ પરસ્પરને જોડી રહેશે, મનોરંજન કરી રહેશે અને સ્વપ્ન પણ પૂરાં કરી રહેશે - એવું કહેલું તે અત્યારે ભિન્ન રીતે સ્મરણમાં આવે છે. વર્ચ્યુઅલની સામે એકચ્યુઅલનું શું ? આભાસી વિશ્વ સામે ધીંગા વાસ્તવનું શું ? એ માણસને જોડી રહેશે તો કેવા રૂપે જોડી રહેશે ? મનોરંજન પૂરું પાડશે તો તેવા રંજનની કક્ષા કેવી હશે ? તેવા ભોગ-ઉપભોગ માટે માણસની ત્યારે ક્ષમતા રહી હશે ખરી ? અલ્લાઉદ્દીનના ચિરાગની કે સીમ સીમ ખૂલજાના દ્વારની વાતો સાંભળી છે. પણ તે ઘડીભર આનંદ આપી રહે, વાસ્તવમાં તેની સાભિપ્રાયતા કેવી અને કેટલી ? આપણી આંખો, કાન, હાથ-પગ બધું એવા વિશ્વથી ટેવાઈ જતાં, અરે, મન પણ તો પછી જેને Being કહીએ છીએ, તે Being બચ્ચું હશે ? શું માનવક્રિયાઓ, સંવેદનાઓ પણ, મંદતેજ નહીં બની રહે ? જે લોકો સર્જનાત્મકતા સાથે જોડાયેલા છે, કલ્પનાસૃષ્ટ છે, તેઓની એ શક્તિ એના એજ રૂપે રહેશે ખરી ? જો એઆઈ વડે બધું તૈયાર કે રેડીમેડ મળી જતું હોય તો માનવીની અદમ્ય ક્રિયાશીલતામાં ઓટ નહીં આવી રહે ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખો ને આખો માણસ ભલે હડપ ન કરી જાય, પણ અવશેષ રહેલા માણસના અસ્તિત્વની પણ ધાર તેજ રહેશે ખરી કે એય બુઠ્ઠી થઇ જશે ? એઆઈથી બધું હાથવગું બનશે, ઓનલાઈન ઝટપટ ઘેર પણ આવી જશે, જે અધૂરું હશે તેય ત્યાં એઆઈ જ પૂરૃં કરશે પણ ત્યારે માણસ પેલા થોકબંધ બચેલા સમયમાં કરશે તો શું કરશે ? એવા અક્રિય માણસોની ભાવિ પેઢી જન્મશે તે પણ કેવી હશે - શારિરીક માનસિક ઉભય રીતે એ પણ થઇ રહેલા આજના પરિવર્તનમાં ચિંતાનો વિષય બનવો જોઇએ. પરાક્રમો, શૌર્ય, સાહસો કે કર્તવ્યનો ઇતિહાસ પણ જુદો હશે, સત્તાપરક લોકો, સરમુખત્યારો કે એવાતેવા બીજા થોડાક જણ વિશ્વના આખા મેળાને શું પૂતળીના ખેલની જેમ નચવી નહીં રહે ? તેઓ ઇચ્છે ત્યારે નવા નવા વાઇરસ પણ ઝડપથી ફેલાવી શકે છે, આખો જૈવિક આતંકવાદ પણ સર્જી શકે. એઆઈથી ડીપફેક વીડિયો બનાવીને બેંકના ખાતેદારનાં નાણાં પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ચાંઉ કરી શકાય છે. આપણે એ કે એવાં બીજાં અનેક જોખમોનો અત્યારે સામનો કરી જ રહ્યા છીએ. શિક્ષિત વૃદ્ધો કે શિક્ષિતો પણ તેના ભોગ બને છે. એઆઈનો આવો બહુરૂપિયો ચહેરો તેની શોધ કરનારને જ હવે પશ્ચાત્તાપ કરવા પ્રેરે છે. તમે એઆઈને કશું પૂછો એટલે તરત માહિતી મળી જાય છે, કશી શોધ કરવી પડતી નથી - વાર્તા - નવલકથા કે કાવ્યનો ડ્રાફ્ટ પણ તૈયાર આવી જાય છે ! કલાકારોને પછી શું કરવાનું રહેશે ? રોજ મોબાઈલના સ્ક્રીન પર એવાં હજારો દ્રશ્યો જોવા મળે છે જે વર્ચ્યુઅલ છે, છતાં જોનારાઓ રિયલ સમજીને તેની ક્ષણિક મોજ લૂંટે છે. ચહેરા નકલી, ભાષા નકલી!
હા, એઆઈ જરૂર આપણા સમયનું એક મોટું પરિવર્તન છે. પણ તેની ગતિ જોતાં તેનો વિધાયક ઉપયોગ થવાની સાથે તેનો વધુ તો નકારાત્મકતાની દ્રષ્ટિએ ઉપયોગ થઇ રહ્યો છે. માણસને એની લત પડી જતાં પછી એનો ચસકો છૂટે તેમ નથી. આજે જ્યાં ને ત્યાં દ્રશ્યો નજરે પડે છે જ. ા, મેડિસિન ક્ષેત્રે અન્ય ઉદ્યોગોમાં કે રાજકારણમાં કે કેટલીક શોધોમાં એઆઈ મહત્ત્વનું યોગદાન આપી શકે અને રહ્યું પણ છે. લશ્કરી સંરક્ષણ ક્ષેત્રે પણ તે ઘણું પ્રદાન કરી શકે.
પણ તેનો અતિરેક માણસની ચેતનાનો કે માણસનો જ છેદ ઉરાડી દે એ દિવસો હવે દૂર નથી. સંપૂર્ણ એઆઈથી પ્રભાવિત સમાજની કલ્પના કરો - કેવો હશે એ સમાજ ? માણસ નવરો ધૂપ થઇ જશે. પેલો એઆઈનો ઘૂઘરો આમતેમ રમાડયા કરશે. તે સિવાય તે બીજું થઇ શકે તેવું વિચારી પણ નહી શકે. તે સ્વતંત્ર નહીં પણ એઆઈ તંત્ર બની રહ્યો હશે. જ્યાં પરસ્પરનું જોડાણ પણ એટલું જ યાંત્રિક હશે. જીવનનાં બધાં ક્ષેત્રોમાં જો એઆઈ પ્રવેશ્યું (અને એવા પ્રવેશ માટેની તેની તૈયારી પણ થઇ ગઇ છે) તો પછી વર્ગમાં શિક્ષકોની જરૂર નહીં પડે, ઑફિસોમાં કર્મચારીની જરૂર નહીં હોય. મજૂરીના કામમાં પણ નહીંવત્ માણસોની જરૂર પડે તો પડે. કળાકારો પણ એક ચોક્કસ રેખામાં બંધાઈ ગયેલા લાગશે. ધાર્મિક વિધિ-વિધાનોમાં પણ રોબોટ્સ હાજર હશે. સિઓલમાં હમણાં જોગયેસા મંદિરમાં એક હ્યુમનોઇડ રોબોટ ગાબીએ બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા લીધી ! હવે તે બૌદ્ધ સાધુ તરીકે સેવા આપશે ! માર્કેટ અને માનવમાર્કેટ બંને આમ અત્યારે એઆઈના ભરડામાં છે. જ્યારે માણસ જ માણસની બાદબાકી કરવાની હોડ બકી રહ્યો હોય ત્યારે માનવ સભ્યતા પર વધુને વધુ ખતરો તોળાતો હોય છે.









