પ્રેમ સિવાય કયો રાજપથ ?
ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
ઇશ્વરે બધી જ જટિલ સમસ્યાઓને ઊઘાડી આપવા પ્રેમ નામની ચાવી આપી છે. પણ એ ચાવી એમ શોધાશોધથી કંઇ ઓછી મળે ? એમાં ટપકી ટપકીને ભીતરને ખાલી કરવા જવું પડે છે.
હા, પ્રેમની વાત તો મેં અનેકવાર કરી છે અને હજી અનેક અનેકવાર કરતો રહેવાનો છું. કારણ કે બીજા શબ્દો ભૂલી જવા જેવા છે. એવા શબ્દોના વિસ્મરણથી જીવનમાં ઝાઝો ફેર પડતો નથી પણ પ્રેમ શબ્દને તો સતત રટતા રહેવાનો છે. જીવનકોશનો એજ તો એક સદા સ્મરણીય શબ્દ છે. માત્ર સ્મરણીય નહીં, કરણીય અને જીવનીય પણ. પ્રેમમાં ખોવાઈ ગયેલા માણસને કશુંક એવું પ્રાપ્ત થઇ રહે છે કે પછી તેનું વર્ણન જ ન થઇ શકે.
હું આ પ્રેમ શબ્દની કોઈ વકીલાત કરવા બેઠો નથી પણ ભલા, પ્રેમ વિના જીવનમાં અન્ય છે પણ શું ? ચાહવું એટલે જાતને ઓગાળતા જવાનું, ખરી જવાનું, લોપાઈ જવાનું શાશ્વત લયનો હિસ્સો બની જવાનું. ચાહનાને સીમા નથી. પ્રેમને ઓળખ્યો એટલે જગત આખું ઓળખાઈ જાય. જે કંઇ છે, જેવું પણ કંઇ છે તેને ચાહો, ચાહના સાથે ગણિત જોડવાનાં નથી.
ઉપલબ્ધિઓનાં આવરણો તેની પર ચઢાવવાનાં નથી, વિશેષણોથી તેને શણગારવાનો નથી કે આગળ પાછળ બીજા કોઈ શબ્દોને જોડવાના નથી. એ અઢી અક્ષર સ્વયં એક સત્તા છે, સ્વનિર્ભર, સ્વનિયંત્રિત તેવો શબ્દ દેખીતું તો કદાચ વ્યવહાર ડાહ્યાઓને કશું આપતો હોય તેવું જણાશે નહીં. પણ જે લોકો તેને સેવે છે તે ભીતરથી માલામાલ થઇ જાય છે.
આંખ, કાન, હાથ, પગ, મગજ, હૃદય બધું કહેતાં બધું તેના સ્પર્શથી બદલાઈ જાય છે. તેમાં આપણી ભાષા પણ નવું રૂપ ધારણ કરી રહે છે. કાનમાં પ્રવેશતા શબ્દોનું રૂપ જ નોખું થઇ જાય છે. માણસ ખુદ પ્રેમનો હિસ્સો બની જાય પછી ચિતિચક્ષુઓ બધાં ટૂંપણાને અતિક્રમી જાય છે. નાઝ ખિયાલવીની એક કવ્વાલી એના મર્મને બરાબર ઉદ્ધાટિત કરી આપે છે. ઉલ્ફતમાં ખોવાઈ જાવ, પછી કશુંક મળી રહેશે. આ 'કશુંક' નર્યું અવર્ણનીય હોય છે, અનિર્વચનીય હોય છે.
આ ચાહનાને ગમા-અણગમામાં નહીં, માત્ર ચાહનામાં જ રસ હોય છે. વસ્તુ જેવી છે તેવી, જે છે તે, એને નિહાળો, પામો, ચાહનાનો અભિષેક કરી રહો. પ્રેમ સ્વીકાર કરવાનું શીખવે છે, સ્વાગત કરવાનું કહે છે. અસ્વીકાર જેવો શબ્દ ત્યાં ટકતો નથી. મનસૂરના અનઅલ-હકમાં પ્રેમ જ, પ્રચંડ પ્રેમ જ, ચાલક બળ હતો. દુનિયાદારીઓને વધુ દ્રષ્ટાંત જોઇતાં હોય તો ત્યાં રાધા અને મીરાં પણ ઊભાં છે. એમને મળી લો. પ્રેમનો આખો વિશ્વકોશ તેઓએ રચ્યો છે.
પ્રેમ સમજણથી આગળની વાત છે, પ્રેમ કાંટી-કાટલાં નથી, પ્રેમ કારિકા કેકોષ્ટક પણ નથી. પ્રેમ શાણપણથી ઘણે દૂર છે તો પાગલપનથી પણ એટલો જ વિદૂર છે. હા, પ્રેમમાં વિસ્મરણલીલા જોઇએ, બધું બાદ કર્યા પછી તેનું નીતરાં નીર જેવું સ્વરૂપ સામે આવી રહે છે. ત્યાં કશા પણ પ્રકારની દુકાનદારી ક્યારેય નભી નથી, કે ચાલી પણ નથી.
ત્યાં કશા મૂલ્યાંકનના પણ પેચીદા પ્રશ્નો નથી. પ્રેમ જ મહામૂલ્ય છે. આ પ્રેમ જ ગમથી અગમ તરફ દોરે છે, જ્ઞાાન તરફ લઇ જાય છે. આ પ્રેમ જ કોઈ એક તબક્કે આનંદરસ બની જાય છે. શાસ્ત્ર રસેનાયં લબ્ધા આનંદ ભવતિ - એવું છડેચોક કહે છે જ. કોઈ ભાષાશાસ્ત્રી - રસશાસ્ત્રી જો છૂટ આપે તો પ્રેમ રસને જ હું તો મહારસ તરીકે પ્રતિષ્ઠિત કરું. ઇશ્વરે બધી જ જટિલ સમસ્યાઓને ઊઘાડી આપવા પ્રેમ નામની ચાવી આપી છે.
પણ એ ચાવી એમ શોધાશોધથી કંઇ ઓછી મળે ? એમાં ટપકી ટપકીને ભીતરને ખાલી કરવા જવું પડે છે. કહો કે બધું સાચવી રાખવાનું ગડમથલમાં રચ્યા પચ્યા રહેવાનું ને પછી પ્રેમને પામવાની વાત કરીએ - એ કંઇ બને ખરું ? ખરો ખેલ તો ત્યાં શ્રીકૃષ્ણ પોતે જ રાધા અને રાધા સ્વયં કૃષ્ણ-એવો હોય છે. ઉધ્ધવ જેવો ઉધ્ધવ પણ જ્ઞાાન-તર્કનાં બધાં કાટલાં કૂવામાં નાખીને ભાવવિભોર થઇને પ્રેમનું ગાન ગાવા બેસી જાય છે ! શું કહેશો તમે એને ? તર્ક છોડ મનવા ! તર્કસાસ્ત્ર છોડ મનવા ! વિદ્વત્તાનો ડૉળ છોડ મનવા ! પ્રપંચ છોડ મનવા ! ગ્રહણ કરી શકે તો કર પેલી ભાવલીલાને. ભાવલીલા લાધી તો પછી લવલીલા સ્વયં પ્રત્યક્ષ થઇ રહેશે.
પ્રેમનું બળ જ પછી એવું બની જાય કે 'રા' બોલતાં બોલતાં 'ધા' સુધી પહોંચવાની અનિવાર્યતા જ ન રહે. આખો સમુદ્ર ભીતરથી ઉછળી રહે. પ્રેમને વેદવ્યાસના પેલા સૂચનનું સ્મરણ કરીને 'આધારિકા' કહીશું ? પ્રેમ પણ ત્યાં, રાધા પણ ત્યાં, આરાધના પણ ત્યાં, ઉપાસના પણ ત્યાં અને તપ પણ ત્યાં.
મને પાબ્લો નેરુદા જેવા કવિનું આ લખતાં લખતાં ખાસ સ્મરણ થઇ આવે છે. તેણે તો ખુલ્લેઆમ સ્વીકાર્યું કે હું તને ચાહું છું. આ ચાહના જ તેનું સર્વ છે. એ ચાહનામાં તેણે જ્ઞાાનનું ઉમેરણ નથી કર્યું. ક્યાંથી, ક્યારે, શાના માટે, કેવી રીતે... વગેરેના તર્કની પણ સાવ બાદબાકી કરી નાખી હતી. માત્ર પ્રેમ કરું છું - એ જ ક્રિયા, એ જ ઘટના, એ જ પ્રાપ્તવ્ય, અને તે પણ નરી સહજતા રૂપે, કશી કુંડળી માંડયા વિના જ બધું વિસ્તરતું જણાય. એ પ્રેમમાં સમસ્યાઓનું અવતરણ ન હોય, કશો ગર્વ કે હું પણ ન ભળેલાં હોય.
માત્ર પ્રેમનું નિર્વ્યાજ અને સહજરૂપ. પ્રેમની આજ રીતભાત હશે. નેરુદા પણ પ્રેમનો આ સિવાયનો બીજો કોઈ માર્ગ જાણતો નોતો. માત્ર પ્રેમ-ચાહના જ આવા સહજરસ્તે મળે, બીજું પ્રેમ સિવાય આ રસ્તે ન મળે. તે કદાચ સમજી ચૂક્યો હતો કે ત્યાં હું નથી તો તું પણ નથી. ત્યાં તો વક્ષસ્થળ પર મૂકાયેલો હાથ કોનો છે તે જ નક્કી કરી શકાતું નથી ! આવું અન્તિક-નજીક હોવું તે જ રાધા અને કૃષ્ણની અદલબદલ ! એક ઊંઘે ત્યારે બીજાની આંખ મીંચાઈ ગઇ હોય. વિશ્વને એના સાચા રૂપે અંકે કરવા માટે પ્રેમ સિવાયનો બીજો કોઈ રાજપથ ખરો ?