લિજ્જતભરી ચાનો ઘૂંટ લો!
ક્ષણ ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
જીવનમાં ઘણું બધું કરવાનું છે. પણ જે કંઈ કરીએ છીએ, તેમાંથી મોટાભાગનું તો અવળી કે ઊંધી દિશાનું જ હોય છે
કવિતાનો શબ્દ આમ તો શબ્દ જ છે. છતાં તે શબ્દથી કંઈક આગળ પણ છે. ક્યારેક તો કશું નહીં કહીને પણ ઘણું કહી દેતો હોય છે. પ્રશ્ન આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ કે સંવેદી શકીએ છીએ એ છે. એકદમ સામાન્ય જણાતી વાતને પણ તે અર્થપૂર્ણ બનાવી દે. એક નવો જ મહિમા તે વિશે તે પ્રકટ કરે. ચાનો ઘૂંટ તો રોજ ભરીએ છીએ પણ ઘૂંટ સાથે કશુંક બીજું પણ ખેંચાઈ આવવું જોઈએ તે ખેંચાઈ આવતું નથી. ચા અને ઘૂંટ તેથી સામાન્ય બાબત બની રહે. પણ કોઈ સર્જક એ સાદી વાતને ભલે સાદી ભાષામાં મૂકીને લખતો હોય છતાં તેમાંથી ભાષાના અને જીવનના એ નવા ખૂણા કાઢી આપતો જણાય. પેલી ચા અને ઘૂંટ કશાકનું પ્રતીક બની રહે. આપણો વિશ્રામ, આપણી નિરાંત, જીવનને માણવાની, પોતાને મળવાની વાત કદાચ તેમાંથી પ્રતિફલિત થતી જણાય. સર્જનનો એ જાદુ છે.
જીવન જીવી લો. જીવવું એ એક અવસર છે. બધું આવે છે એમ જ ચાલી જતું હોય છે. તમારે તમારા ચાહકોને, સંભાળ રાખનારાઓને ઓળખી લેવાના છે, તેમને પામવાના છે, તેમને પ્રશંસો, તેમના સમર્પણને સમજો. હું અહીં આ અને એવું કશુંક તમારી સાથે શેર કરી રહ્યો છું ત્યારે મારી સામે લી ત્ઝૂ ફેન્ગની સિંગાપુરના સાંસ્કૃતિક ઉત્સવમાં ચંદ્રક પ્રાપ્ત કરી ચૂકેલી એક સુંદર કવિતા રહી છે. સહજ, સરળ કાવ્ય રમત રમતમાં હળવેકથી ઘણું બધું સૂચવી જાય છે. તે કહે છે કે તમારી ચામાંથી સરસ રીતે, ધીમેથી ઘૂંટ ભરો. કારણ કે કોઈ કહેતાં કોઈ અહીં જાણતું નથી કે આ સમય ક્યારે ચાલી જવાનો છે. અને એમ જ છે તો પછી આ જિંદગીનો આનંદ-લ્હાવો-ઉષ્મા એ બધું ક્યારે લેશો-માણશો? તેથી જ ભલાદમી! ચાના કપમાંથી ધીમેથી, લિજ્જતભર્યો ઘૂંટ લો, આસ્વાદો.
હા, એ તો સો ટકાનું સત્ય છે કે જીવન ઘણું ટૂંકું છે. જોતજોતામાં તો તે પસાર થઈ જાય છે. માણસ ધાર્યું હોય તેમાંથી ભાગ્યે જ કશું કરી શકે છે. તેથી તો કહું છું કે આ આકર્ષક, રૂપાળા જીવનને શક્ય તેટલું વધુને વધુ અનુભવો, ફીલ કરો, તેની સુંદરતાને મન ભરીને અંકે કરી લો. હા, એ સાચું છે કે જીવનમાં ઘણું બધું કરવાનું છે. પણ જે કંઈ કરીએ છીએ, તેમાંથી મોટાભાગનું તો અવળી કે ઊંધી દિશાનું જ હોય છે. સમયને એમ વેડફી નાખીએ છીએ અને તેમ કરતાં કરતાં વધેલા સમયને જીવન સામે ઝીંક લેવા ખોટી રીતે ખર્ચી નાખીએ છીએ. અને જ્યારે જવાનો સમય આવે ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે. આથી પ્રિય મિત્ર! કહું છું કે તમે હળવેથી ચાનો મજેદાર ઘૂંટ ભરો, ઉતાવળ વિના, પ્રસન્ન મને.
આવી આ જીવનયાત્રામાં થોડાક મિત્રો આપણી સાથે જીવતા હશે તો બીજા કેટલાક ચાલી પણ ગયા હોય. મિત્રોને તેથી ચાહી લો, પ્રેમ કરી લો, તેમની પર હેત વરસાવો, જે છે તેને દિલથી વળગી રહો. કોઈ સંભવ છે કે ચાલી પણ જાવ. કંઈ બધા મિત્રો તો જીવંત રહેનાર નથી જ.
સંસારનો તો એ નિયમ છે. પરણશો, સંતાનો થશે, તેઓ ભણશે, મોટાં થશે. પછી તેઓને પણ ઊડી જવાની ક્ષણ આવી રહેશે. તે પણ તમારાથી દૂર જનાર છે. તેઓનો પણ પછી એક નિશ્ચિત માળો બંધાઈ ચૂક્યો હશે. આપણામાંથી કોઈ જાણતું નથી કે કહી શકે તેમ પણ નથી કે ક્યારે કઈ વસ્તુ કેવો આકાર લેશે અથવા આપણી સામેથી ચાલી જશે. તેથી જ દોસ્ત! કહું છું કે જરા ધીમેથી, કેફભર્યો ચાનો એક ઘૂંટ ભરી લો, મસ્તીભર્યો ઘૂંટ.
વાત તો છેવટે આવી કંઈક છે. બધા વળને અંતે છેલ્લો વળ તો પ્રેમનો સમજવાનો છે. ત્યાં આવીને જ વિશ્વ અટકે છે. જગતને ચાહો, વિશ્વ ચાહવા જેવું છે. આકાશના તારકો અને તેનું એક વિશ્વ, સાથે આ દુનિયા, આ ધરતી એનું વિશ્વ એ સૌની પ્રશસ્તિ કરી રહો. ઈશ્વરની મનુષ્ય માટેની તે અણમોલ ભેટ છે. અને સાથે એ પણ ટકોટક નોંધી રાખો કે તમોને જે ખરેખર ચાહે છે કે ઈચ્છે છે, તમારી પ્રતિક્ષણ જેઓને ખેવના રહી છે, જે તમારી સાર-સંભાળ માટે હંમેશાં ઉત્સુક છે તેનું મૂલ્ય આંકો, તેની મહત્તા સમજો.
તમે પ્રતિપળ હસતા રહો. તમારા ચહેરાને સ્મિતથી ઝગમગતો રાખો, તમારા શ્વાસે શ્વાસને શણગારો, તેમની કિંમત સમજો. પ્રાણથી અધિકું કશું નથી. તેને વિસ્તરવા દો, ભરપૂર ચાહના માટે તેને તૈયાર કરો. તમારી ચિંતાનું પોટકું બાજુ પર મૂકી દો, અથવા તો એને એમ જ ચાલી જવા દો. તમારું સ્મિત અને શ્વાસ-એ ચિંતાઓને કોરાણે ધકેલી દેશે.
તેથી જ સહૃદય મિત્ર! તું આ તારી ચાનો ઘૂંટ લે, હળવે હળવે એના સ્વાદને માણ.
મિત્રો, કવિતાનું રહેઠાણ જો સૌંદર્ય છે તો જીવનનું ખરું રહેઠાણ અન્યોને ચાહી લેવામાં છે. ચાનો કપ તો અહીં એક પ્રતીક છે. કવિએ એ પ્રતીક વડે જ ધાર્યું નિશાન તાક્યું છે. આપણો સમય ચિંતાઓનો છે, મૂંઝવણોનો છે, આગળ નીકળી જવાની દોડનો છે. માણસ આગળ, આજુબાજુ કે ભીતર કશે જોવા નવરો નથી. નાકની દાંડીએ એ આગળ નીકળી જવાની મિથ્યા સ્પર્ધામાં છે. તે કશુંક અર્જિત કરે ન કરે તે પહેલાં તો જીવનની રમત પૂરી થવાનો ઘંટ વાગે છે. તેવે વખતે માણસના હાથમાં કશું રહેતું નથી. પેલો આનંદ, પેલું સૌંદર્ય બધું એ ચૂકી ગયો હોય છે. આપણા શાંતિપાઠો પણ શુકપાઠ બની જતા જણાય. આપણી મથામણો પણ ત્યાં અવકાશને બાથ ભીડવા જેવી પુરવાર થાય. ટેકનોલોજી ભાષા અને વ્યાકરણને બદલે ત્યાં સુધી તો નિર્વાહ્ય છે પણ એ ટેકનોલોજી મનુષ્યને બદલી નાખે એ કેવી રીતે નિર્વાહ્ય બને? કાફકાની જેમ આ કવિને પણ પ્રવર્તમાન સમયમાં સૌંદર્યને નીરખો અને પ્રેમથી હૃદયને છલોછલ ભરી દો - એવું જ કંઈક કહેવું છે. ચાનો ઘૂંટ જીવનની મસ્તીનો, હળવાફૂલ રહેવાની વૃત્તિનો અને ચાહનાના પ્રતિસાદનો દ્યોતક છે.