નૃત્યમય કરી જતો તડકો .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'તડકો' ત્યારે સત્યપાઠ બની જતો, સાથી બની જતો. સમજની કોઈક ક્ષણ જન્માવી રહેતો...
હું એમ કહું કે વાત મારા 'તડકા'ની છે, એટલે લાગલા જ તમે કહેશો 'તડકો એટલે તડકો એમાં મારા-તારાની વાત ક્યાંથી આવી ?' તમારી વાત તદ્દન સાચી છે. પણ તમેય થોડું ક્યારેક વિચારજો, તમે તડકાને ક્યારેક મળ્યા છો ? મળ્યા છો તો ક્યાં ક્યારે કેટલીવાર, કેવી રીતે ? વગેરેનું સ્મરણ કરજો. તરત તમે ઊછળીને કહેશો, 'અરે, હા. મારેય મારો 'તડકો' તો છે જ, બસ, તો સમજ્યાને ? મારે મારો ખાસ તડકો છે, માત્ર મારો જ, લાભશંકર ઠાકરનો કે કવીન્દ્ર રવીન્દ્ર અને કાકાસાહેબવાળો તડકોય જુદો, તે તેમનો, આ તો મારો, મારા ખીસાં તર કરી મૂક્યાં છે એ તડકો, મારી પાંપણો વચ્ચે ઝગઝગ્યા કરતો તડકો, મારા મસ્તકના વાળમાં પ્રવેશી સંતાકૂકડી રમ્યા કરતો તડકો, મારા દેહનું તાપમાન વધારી દેતો ક્યારેક આકુલ કે ક્યારેક અનાકુલ કરી મૂકતો તડકો, મારા ચરણની ગતિમાં દાહકતા ઉમેરી દઈ મને વધુ ઝડપથી ચાલવાનું શીખવી ગયેલો તડકો, ક્યારેક મારા મૌનને સંતપણું-સાધુતાથી ભરી દેતો તડકો, મારી હથેળીઓને, હાથના પંજાને સખત કરી મૂકતો તડકો... વાત તો આગળ અને આગળ વધતી જાય તેવી છે. કારણ કે એ મારો તડકો છે, બહુરૂપિયો તડકો, ભડભડિયો તડકો, મોંએ તાળું ક્યારેક મારી રહેતો તડકો, ક્યારેક મને કહ્યા વિના જ, કશું શીખવ્યા વિના જ, મારા પગને ચરણને અચાનક નૃત્યમય, અણસરખી રીતે નૃત્યમય, બનાવી રહેતો તડકો...'
એમ રખે માનતા કે એપ્રિલ-મે-જૂન કે એવા કેટલાક દિવસોમાં જ હું એનું સ્મરણ કરું છું. મારા એ તડકાને કોઈ સમયભેદ, અવસ્થાભેદ નથી. કોઈ રીતે તે, ગમે ત્યારે અતીત-વર્તમાન અને ક્યારેક અન્અનુભૂત અનાગતને પણ ખેંચી લાગે છે. તેનાં અપરંપાર રૂપોની તેમને સ્મૃતિ કરાવી રહેછે. તેના ચહેરાની ભિન્ન ભિન્ન લકીરોને પ્રત્યક્ષ કરી રહેછે. એ રીતે મારું પણ વિવિધ સમય-અવસ્થામાં તે 'પરિભ્રમણ કરાવી રહે છે. બાકી કોઈક તો એમેય કહેવાના - તડકો એટલે તડકો, દુર્ભાગ્યપૂર્ણ, આકરો, દાહક, જિદ્દી, જોહુકમી ભરેલો, વ્યથાજનિત, પીડાકારક, હા, દોસ્ત ! તારી વાતમાં જરૂર હા પૂરાવી પડે પણ તારી મન:સ્થિતિ એ બધી વખતે એકસરખી હોય છે ? દરેક મન:સ્થિતિને, સમય સ્થળને યાદ કરીને 'તડકા'નો વિચાર કરજે. તને દાહક લાગતો, અકળાવી મૂકતો 'તડકો' ક્યારેક સંભવ છે કે અનેક વણકલ્પ્યાં દ્રસ્યો સમક્ષ, કે કોઈ એવી ઘટના સમક્ષ મૂકી આપશે કે તડકાની ઉપસ્થિતિ વચ્ચે પણ તને તડકાની હાજરી જ નહીં લાગે ! તડકો પ્રેરક બની રહેશે. એક બળબળતી, મેની બપોરે, હલદી ઘાટીને નીરખી રહ્યો હતો ત્યારે ઘાટી નહીં, યુદ્ધ મારો-કાપોની બૂમો-ચીસો જ સાંભળી રહ્યો હતો. તડકાએ ઘટેલા ઇતિહાસનાં રક્તરંજિત પૃષ્ઠો મારી સામે ધરી મને શૂન્ય કરી મૂકેલો... તડકો એવા રૂપે ક્યારેક મળે...
ક્યારેક હરદ્વારમાં એવા જ એક મધ્યાહ્ને એકીટશે ગંગાના કિનારે બેસીને તેનાં વહેતાં, નાચતાં, સૂર્યને, તડકાને પણ નચવી રહેલાં જ મને જોયાં નહીં, માણ્યાં કરતો હતો. તડકો ખરો પણ બધું લાગણીઓ જન્માવી રહે, પુરાકલ્પનોની સૃષ્ટિમાં ઓળઘોળ કરાવી રહે. થાય કે અરે તડકો જ ક્યાં છે ? અહીં તો ગંગાની સન્નિધિમાં વધુ આંતર શુદ્ધિકરણ જ છે. ઉપર તડકો, ચરણ ગંગાના જળમાં - બંને જાણે આશિષ આપી રહ્યાનું અનુભવી રહેવાય. અને હા, હજી એ દિવસોને આ તડકાએ મારા સ્મૃતિપટારામાં યથાતથા જાળવી રાખ્યા છે. મે-જૂનના તડકિલા, તપ્ત દિવસોમાં નળિયાવાળા માટીના ઘર પર પતરાં જડાઈ રહ્યાં હતાં. ખુલ્લા પગે, એ પતરાં પર ઊભા રહેવાનું, મિસ્ત્રીને ગરમ ગરમ ચા વાળી લોટીમાંથી રકાબીમાં ચા કાઢી આપવાની, હાથની આંગળીઓ, અને પગનાં તળિયાં બધે તડકો તો ખરો જ, રોમેરોમ, પાછી પેલી ચા-લોટીની ય દાહકતા ! પણ ત્યારે એક નવી આશા, સુખ, એક વધુ સારી પરિસ્થિતિ આવી રહી છે એવું ય એક આશાકિરણ તડકામાંથી જ પ્રકટી આવતું હતું. કહો એ 'તડકા'નું વિસ્મરણ કરી શકું ?
આવા કેટલાય દાહક દિવસોમાં, તડકાના આધિપત્યવાળા દિવસોમાં આઠ વત્તા આઠ એમ સોળ સોળ માઈલ સુધી ચાલવાનું ય સદ્ભાગ્ય સાંપડયું છે. ક્યારેક પગરખાં વિના તો ક્યારેક પગરખાં સાથે. ત્યારે માથે છત્રી-ટોપી પણ નહીં ! તડકો વીંટીને જ ચાલ્યા છીએ. તડકો ઓઢતા, પીતા, તડકાની આંગળીએ ચાલતા-એવું કશું કહું તો રખે વાક્છટા સમજતા. ત્યારે લાગતું કે આ ધૂળિયો રસ્તો જ, આ ચાલના જ, આ તડકો જ, આ રસ્તાની બંને બાજુ ક્યારેક મૌન ધારીને તો ક્યારેક ગીત ગાતાં ગરમાળો, ગુલમોર સમેતનાં વૃક્ષો જ ભવિષ્ય માટે મારી પર કૃપા વરસાવી રહ્યા છે, કશીક અનામ શક્તિ સાથે મને જોડી રહ્યાં છે. 'તડકો' ત્યારે સત્યપાઠ બની જતો, સાથી બની જતો. સમજની કોઈક ક્ષણ જન્માવી રહેતો...
હમણાં 'તડકા'નાં એવાં અનેક રૂપો, મારા અંગત જીવનનો જે એક ભાગ બની રહ્યાં છે એવા સ્થળે, મારા ગામની નદી મેશરી અર્થાત્ માહેશ્વરી પાસે, મને ખેંચી ગયા હતા ! એપ્રિલ એની ટોચે, તડતડી રહેલો તડકો, ભડભડી રહેલો તડકો, તડકિલો, ભડકિલો, તડકો, બધું સૂમસામ, કોઈક રડયું-ખળ્યુંં માણસ નજરે પડે તો પડે. હવે અહીં મેશરીનો જલપ્રવાહ નહોતો, ઝરણા જેવું થોડું થોડું જળ નહોતું, પણ બંધને કારણે ભરપૂર જળસંચય જોવાય. હું નદીના પુલ પર ઊભા રહીને, એ જ નદી વિશેનાં બે કાવ્યોનું પઠન કરું છું. ચોમેર તડકો પહેરો ભરી રહ્યો હતો, સ્થિર જળ હતાં, લીલોછમ કોઠો હતો. બધું ત્યાં ભૂલાઈ ગયું. માત્ર શબ્દ, જળ, સંવેદના અને શ્વાસની ત્યાં એકરાગિતા ભરી બંસીનું ગાન બજી રહ્યું હતું. લાગ્યા કરતું હતું કે સૂરજ ખરેખર ઊગ્યો છે અને રિક્તતાભરી સભરતાથી છલકાઈ રહ્યો છું ! શૈશવના, કિશોરાવસ્થાનાં કેટકેટલાં રૂપો એ 'તડકા' એ અચરજ પામું એ હદે મારી સમક્ષ ત્યારે ધરી દીધાં હતાં !
આ તડકો તો ક્યારેક તાજમહેલના આગળના ભાગે પણ સાથી રહ્યો છે, ફત્તેહપુર સિક્રીના કિલા સુધી મધ્યાહ્ને દોરી ગયો છે, ક્યારેક એવા તડકાએ કલાકો સુધી પ્રતીક્ષા કરાવી છે, તો ક્યારેક તડકા વચ્ચે જ ઉષ્માના ઝૂલા પર ઝૂલવાનું ય મળ્યું છે. અને દોસ્ત, ક્યારેક એફ.સ્કોટ ફિટ્ઝિરાલ્ડની '્રી ય્િીચા ય્ચાજમઅદ નવલકથામાં બને છે તેમ આવા તડકાએ આયરનીનું કામ પણ કર્યુંછે ! પણ ત્યારેય તડકાએ પક્ષ તો મારો જ લીધો છે ! કહો, આ 'તડકા'ને હવે મારો ન કહું તો તે ગુસ્સે થાય કે નહીં ?








