ઑસમસૉસ: સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, અફલાતૂન...
શબ્દસંહિતા - પરેશ વ્યાસ
ઈન્ટરનેટ પર પ્રચલિત થતા શબ્દોની જિંદગી ટૂંકી હોય છે. વાણી વ્યવહારમાંથી ક્યારે ગાયબ થઇ જાય કે'વાય નહીં
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
- નરસિંહ મહેતા
આદિ કવિ નરસિંહ મહેતા આ પ્રભાતિયામાં પ્રસ્થાપિત કરે છે કે.. શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે!... ઇટ્સ ઓબ્વિયસ કે મારા કૃષ્ણની તોલે કોઈ નથી. ટૂંકમાં કૃષ્ણ સર્વમાં શ્રેષ્ઠ છે, કૃષ્ણ સર્વમાં ઉત્તમ છે. પણ ઉત્તમ એટલે?
ઇંગ્લિશ મીડિયમમાં ભણેલાં જુવાનિયાઓ આજકાલ 'ઑસમ' શબ્દ વારંવાર વદે છે. કાંઈક સારું લાગે, કશુંક મસ્ત હોય, આમ બસ મઝા પડી જાય કે પછી જલસો થઇ જાય તો એવી સ્થિતિ ઑસમ કહેવાય. અથવા તો એમ કે કોઈ વ્યક્તિ ખૂબ રૂપાળી હોય કે દિલથી ભારે મળતાવડી હોય તો એને નવાજવા માટે પણ 'ઑસમ' શબ્દ ઇસ્તેમાલ થાય છે. આપણે ગુજરાતીમાં વાત કરતી વેળાએ ઇંગ્લિશ શબ્દો 'એક્સ્ટ્રા-ઓર્ડીનરી' (Extraordinary) કે પછી 'એક્સેલન્ટ' (Excellent)નો પ્રયોગ પણ કરીએ છીએ.
ઑસમ શબ્દ એનો જ સમાનાર્થી શબ્દ છે. જેને જોતાં કે અનુભવતા સાનંદાશ્ચર્ય ઑ.. ઑ થઇ જાય એ આસમ! ગુજરાતી લેક્સિકોન અનુસાર જો કે આ શબ્દનો અર્થ થાય છે : 'ધાક ઉપજાવનારું, ભયાનક, દારુણ, ભીષણ.' આ અર્થ ખોટો તો નથી પણ.. હવે એ જૂનો થઇ ગયો છે. અમને લાગે છે કે ગુજરાતી લેક્સિકોનનો આંશિક જીર્ણોદ્ધાર કરવાની હવે તાતી જરૂરિયાત છે. 'ઑસમ'નો નવો અર્થ પણ સામેલ કરે તો ગુજરાતી લેક્સિકોન અમને નવાં અર્થમાં ઑસમ લાગશે, નહીં તો જૂના અર્થમાં ઑસમ લાગશે!
અમે આજે આ વાત એટલે કરી કે દુનિયા ક્યાંય આગળ નીકળી ગઈ છે. હવે તો ઑસમ શબ્દ પણ આગળ વધીને 'ઑસમસૉસ' થઇ ગયો છે. સમાચાર છે કે ઓક્સફોર્ડ ડિક્સનરીએ ગયા અઠવાડિયે જે નવાં શબ્દો અધિકૃત રીતે ઉમેર્યા, એ પૈકી એક શબ્દ છે : 'ઑસમસૉસ' (Awesomesauce). ઑસમ તો ઑસમ છે પણ સૉસ? ફરીથી ગુજરાતી લેક્સિકોન રીફર કરો તો એનો અર્થ થાય છે ચટણી, રાયતું, ઇ. ડાબા હાથનું ખાણું, ઝાટકો લાવનાર વસ્તુ, સ્વાદ માટે ખોરાકની વાની પર છાંટવાનો ખાસ બનાવેલો મસાલાદાર રસ, ઝાટકો, ઉદ્ધતાઈ, -ની સાથે ઉદ્ધત વર્તન કરવું, ઉચ્છૃંખલપણું કે વાયડાઈ. આ ય જૂનો અર્થ છે. નવો અર્થ કાંઈ જુદો જ થાય છે. સૉસ એટલે એવી વ્યક્તિ જે સ્ટાઈલીશ હોય, આત્મવિશ્વાસથી ભરપૂર હોય.
એ વ્યક્તિ કે જેની પોતાની એક સુવાસ હોય, એને કહેવાય સૉસ. લો બોલો! મૂળ લેટિન શબ્દ 'સાલ્સા' એટલે સોલ્ટેડ (મીઠાંયુક્ત). હવે વાનગી સાથે ચટણી હોય તો સ્વાદ અફલાતૂન થઇ જાય. સૉસ ઘટ્ટ કે અર્ધ-પ્રવાહી હોય છે. એ સ્વાદિષ્ટ તો હોય જ. એમાં ભેજ પણ હોય. સૉસ હોય તો વાનગી સરળતાથી ગળે ઉતરી જાય. સૉસ જીભને ઉપર રસાસ્વાદ પણ કરાવતો જાય. આજનો શબ્દ ઑસમસૉસનો અર્થ પણ એ જ છે. એવી વ્યક્તિ કે જે અત્યંત સરસ હોય, એકદમ રસિક હોય, મજેદાર રીતે ઉત્તમ હોય, એને કહેવાય ઑસમસૉસ. જેમ કે આમ તો તમે કાયમ જ સારા દેખાઓ છો પણ આજે તમારો કોન્ફિડન્સ ઑસમૉસ છે.
કોઈ સમય સંજોગ પણ ઉત્તમ હોય તો એને પણ ઑસમસૉસ કહી શકાય. જેમ કે આજનો દિવસ અત્યાર સુધી તો ઑસમસૉસ જ રહ્યો છે, (આગળ રામ જાણે!). કશુંક જોઇ કે જાણીને ખુશ અને તાજુબ થઇ જાઓ તો ઑસમસૉસ શબ્દનો ઉપયોગ કરી શકાય. જેમ કે તમને પ્રમોશન મળ્યું? ઑસમસૉસ! આમ તો ઑસમ જેવું જ પણ એનાથી એક ડગલું આગળ. ઑસમનું ઉત્કટતાસૂચક અને અર્થસભર રૂપાંતરકારી સ્વરૂપ એટલે ઑસમસૉસ. કોઈ પોતીકું હોય, દિલથી આપણી નજીક હોય તો આપણે એને 'ખાસ' કહીએ પણ એમાં ય ખાસ હોય તો આપણે કહીએ 'ખાસંખાસ'. બસ,એનાં જેવું જ, 'આૉસમ' અને એનાથી આગળ 'ઑસમસૉસ'. (આપડું સંશોધન!)
બોલચાલની ભાષામાં આ શબ્દપ્રયોગ સને ૨૦૧૦થી ચાલુ છે. એક નકારાત્મક શબ્દ 'વીકસૉસ' (Weaksauce) તો બોલચાલમાં પહેલેથી જ હતો. વીક એટલે નબળું. વીકસૉસ એટલે ઘણું નબળું. ધાર્યું હોય એનાથી ઘણો નબળો સંગીત કાર્યક્રમ હોય કે પછી ટીવી ઉપર કોઈ નબળી ન્યૂઝ સ્ટોરી હોય તો તેને વીકસૉસ કહેવાય. ઑસમસૉસ એ વીકસૉસનો વિરુદ્ધાર્થી શબ્દ તરીકે બોલચાલની ભાષામાં પ્રચલિત થયો અને એટલે ઓક્સફોર્ડ ડિક્સનરીએ એને ગયા અઠવાડિયે આમેજ કર્યો છે.
આમ પણ બોલચાલ તો આજકાલ ઓનલાઇન જ થાય છે. લોકો હવે વાત+ચીત નહીં પણ ટેક્સ્ટ+ચેટ કરે છે. અને એટલે... શું ચાલે છે? અથવા તો શું પ્રચલિત છે?-એ ઓનલાઇન ડેટાબેઇઝ ઉપરથી શોધી કાઢવું અઘરું નથી. ભાષા તો સતત વહેતો પ્રવાહ છે. એમાં શબ્દોનાં સરવાળાને (અને બાદબાકીને પણ) સતત અવકાશ છે.
જો કે ઈન્ટરનેટ પર પ્રચલિત થતા શબ્દોની જિંદગી ટૂંકી હોય છે. વાણી વ્યવહારમાંથી ક્યારે ગાયબ થઇ જાય કે'વાય નહીં. આ શબ્દ જો કે ટકી એટલે રહ્યો કારણ કે 'જસ્ટ ફૂડ્સ' અને 'વેન્ડીઝ' જેવી ફાસ્ટ ફૂડની કંપનીઓએ પોતાની કોમશયલ જાહેરખબરોમાં એનો ઉપયોગ કર્યો છે. ફાસ્ટ ફૂડની સાથે સાસ તો હોય જ. અને ફૂડ અમારું ઑસમસૉસ! ડિક્સનરીમાં હવે ભલે ઉમેરાયો પણ એનાં વધારે પડતા ઉપયોગનાં કારણે ઑસમસૉસ શબ્દ ક્યારેક અપરિપક્વ કે છીછરો લાગે છે. એના કરતા તો ઓરિજિનલ ઑસમ શબ્દ જ શું ખોટો? હેં ને?
શબ્દ શેષ: ''જિંદગી જો બટાકાની કાતરી હોય તો તમે એની ઉપર છાંટવા માટે ભાતીગળ ઑસમસૉસનાં હકદાર છો!''
-અજ્ઞાત