મેરે મનકા કમરા કર લો 'સિમ્પ્લિફાય્'...
શબ્દસંહિતા - પરેશ વ્યાસ
'સંઘર્યો સાપ પણ કામનો' એનાં જેવી જૂઠી કહેવત બીજી કોઈ નથી. એ ક્યારેય કામ લાગતો નથી. સંઘર્યો સાપ શ્રાપ છે
માણસને શું જોઈએ ?
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ.
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.
અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર
રડવા જોઈએ.
અને પછી એક બે માણસ જોઈએ -
પોતાના
કહેવાય એવા.
વખતોવખત
રીસાવા, મનાવવા, છેડવા,
કારણ વગર હસવા,
આખી રાત જાગવા, ઉશ્કેરાવા,
વરસી પડવા.
આવતી કાલ માટે પાંચ - સાત
આશા જોઈએ.
બસ. આટલું જ ?
ને બસ આટલા ખાતર આટલી બધી જંજાળ ?
- શ્વેતલ શરાફ
વિવિધ 'વર્ડ ઓફ ધ યર' વિષે અમે ઘણું લખ્યું. કોઈ કોઈ રનર્સ અપ શબ્દ વિષે પણ અમને સમજાયું એટલું સમજાવ્યું. વર્ષ ૨૦૧૯ ગયું અને વર્ષ ૨૦૨૦નો એક મહિનો ય ગયો. સીએનએનએ આ વખતે નવતર પ્રયોગ કર્યો. એમણે ઇન્સ્ટાગ્રામમાં વસતા અને શ્વસતા કેટલાંક અઠંગ ઓનલાઇન ગ્રામીણો(!)ને પૂછયું કે તમે નવાં વર્ષમાં કયા એક શબ્દને અપનાવવા માંગો છો? એવો એક શબ્દ કહો જે વર્ષ ૨૦૨૦માં તમારી કુંચવાયેલી જિંદગીની કૂંચી બની જાય. એમાંથી અમને શબ્દ મળ્યો : સિમ્પ્લિફાય (Simplify)..
ગુજરાતી લેક્સિકોન અનુસાર 'સિમ્પ્લિફાય્' એટલે સાદું બનાવવું, સહેલાઈથી સમજાય અથવા કરાય એવું બનાવવું. શા માટે સિમ્પિલફાય્ ? તો એ ઇન્સ્ટાગ્રામીસ્ટે કહ્યું કે મારે ઓણ સાલ ઓછું ઓછું જોઈએ છે. ઓછું હોય તો અવ્યવસ્થા ઓછી થાય. રગડો, ગંદવાડ, એંઠવાડ પણ ઓછો. સફાઈ પણ ઓછી કરવી પડે. વધારે પડતું વિચારવું ય નથી. વધારે પડતું કાંઈ કોમ્પ્લિકેટ કરવું નથી.
જે મને લગતું નથી, એની પાછળ સમય, પૈસો અને શક્તિ મારે વેડફવી નથી. હા, પણ મને ઓણ સાલ વધારે વધારે પણ જોઈએ છે. શું? તો કહે કે મારે વધારે ને વધારે સમય વ્યતીત કરવો છે મારા કુંટુંબ સાથે. મારે મી-ટાઈમ પણ વધારે જોઈએ છે. મારે વધારે સમય જોઈએ છે નવું શીખવા, જાણવા માટે. મિત્રો સાથેનો સમય પણ મને વધારે જોઈએ છે. મનગમતી પ્રવૃત્તિ મારી વૃત્તિ બની રહે, એ માટે મારે સમય જોઈએ છે. મારે ઓણ સાલ જિંદગીને સિમ્પ્લિફાય્ કરવી છે. સરળ બનાવવી છે.
સિમ્પ્લિફાય્ એટલે? મશહૂર ચિંતક હેન્રી ડેવિડ થોરોએ કહ્યું હતું કે આપણી જિંદગી ડીટેઈલમાં ફ્રિટર થઇને રહી ગઈ છે. 'ડીટેઈલ' તો આપણે જાણીએ છીએ. 'ડીટેઈલ' એટલે વિસ્તૃત, વિગતવાર. અને 'ફ્રિટર' એટલે નકામું ગણીને ફેંકી દેવું, કટકે કટકે કરીને સમય કે નાણું વગેરે વેડફવાં તે. થોરો જો કે એનો ઉકેલ પણ આપે છે. તેઓ આગળ કહે છે કે... સિમ્પ્લિફાય્, સિમ્પિલફાય્. થોરો થોડાં શબ્દોમાં જ્ઞાાન આપે છે પણ સિમ્પ્લિફાય્ શબ્દ બે વાર કહે છે. સરળ બનવું (કે બનાવવું) ભારે જટિલ છે, નહીં?
સિમ્પલ શબ્દ મૂળ લેટિન શબ્દ 'સિમ્પલસ' (સિમ્પ+પ્લિકાર) પરથી આવ્યો છે. 'સિમ્પ' એટલે સેઈમ (એ જ કે એવું જ) અને 'પ્લિકાર' એટલે જેની ગડી વાળી નથી એવું. જેની બે ગડી વાળી હોય, એ ડુપ્લેકસ કહેવાય. સોળમી સદીનાં ફ્રાન્સમાં 'સિમ્પલસ' એટલે એવી દવા જે એક જ જાતની વનસ્પતિમાંથી બની હોય. સિમ્પ્લિફાય્ શબ્દનાં મૂળમાં સિમ્પલ શબ્દ છે. 'સિમ્પલ' શબ્દનો એક અર્થ ક્ષુલ્લક અથવા તો મૂરખ પણ થાય છે. શું મારે ઓણ સાલ મૂરખ બનવું છે ? હા, સાહેબ હા. સરળ બનવું જો મૂર્ખામી હોય તો મારે મૂરખ બનવું છે.
આપણે શી રીતે જિંદગીને સિમ્પ્લિફાય્ કરી શકીએ? પહેલાં તો આપણે આપણાં ઘરનું માળિયું સાફ કરીએ. સ્ટોર રૂમ સાફ કરીએ. એવી વસ્તુઓ જે છેલ્લાં એક વર્ષમાં ક્યારેય વાપરી નથી એને ફેંકી દઈએ. 'સંઘર્યો સાપ પણ કામનો' એનાં જેવી જૂઠી કહેવત બીજી કોઈ નથી. એ ક્યારેય કામ લાગતો નથી. સંઘર્યો સાપ શ્રાપ છે. અને હા, મગજનું માળિયું ય સાફ કરવું હિતાવહ છે. જૂનાં વેરઝેર, જૂનાં અણગમા, જૂનાં રિસામણાં પણ સાફ કરો. એને મગજમાંથી ડીલીટ કરો, નહીંતર વાઇરસ આવી જશે.
લાઈફનું અવારનવાર ફોર્મેટિંગ કરતા રહેવું જોઈએ. અને હસતા રહો. ખરાબ સ્થિતિમાં પણ. હસવાથી તાણ ઘટે. ઊંડા ઊંડા શ્વાસ લેવા. કૂટેવ છોડો. વ્યસનમુક્ત થાઓ. સવારને સુધારો. કાંઈક જુદું કરો. સવારે જો નાસ્તો બનાવવાનો હોય કે ઠામવાસણ કરવાનાં હોય તો રાતે જ કરી નાંખો જેથી શિયાળાની ઠંડી સવારે શાંતિથી હિંચકે બેસી ચાની ચૂસકી લઇ શકાય. જરૂરી હોય એ ખરીદ કરવું એટલે એમ કે બિનજરૂરી હોય એ નહીં ખરીદવું.
વધારાનું ખરીદો તો ખુશી ન મળે ઊલટું એનાં નિભાવ મરામતની કેવી ઝંઝટ? દેખાદેખીથી દૂર રહેવું સારું. અને ચડસાચડસી તો ચૂર ચૂર કરી નાંખે. પાડોશીએ લીધું એટલે આપણે ય લેવું, એવું શા માટે? ખરીદ કરવાની યાદી બનાવો. કુંટુંબનાં સભ્યો ભેગા મળીને બનાવે અને પછી યાદી બહારનું કાંઈ નહીં ખરીદવું એવો દૃઢ નિર્ધાર કરી લેવો. કામ તો કરવાનું જ હોય પણ વચ્ચે વચ્ચે નાની રીસેસ હોય તો સારું. પ્રેમાળ લોકોનો સંગ સેવવો. સદા સર્વદા દુ:ખી હોય, સર્વની કુથલી કરવામાં જે રચ્યા પચ્યા હોય એનાથી દૂર રહેવું સારું. જન્ક ફૂડ બીમારીનો જનક છે. એનો ત્યાગ કરો.
દિવસની શરૂઆત અને અંત પ્રાર્થનાથી થાય તો જિંદગી આપોઆપ સિમ્પ્લિફાય્ થઇ જાય. અને એ પણ સમજી લો કે આ મોબાઈલ અને આ ઓનલાઇન હોવું, એ તો જબરો ગૂગલી ગોટાળો છે. એ તમને ક્લીન બોલ્ડ કરી નાંખે તે પહેલાં ગેજેટ્સને અનપ્લગ કરો અને તો જ જિંદગી સિમ્પ્લિફાય્ થશે. અને હા, ફરિયાદ કરવાનું ટાળો.
તમે વાહન ચલાવતા હોય અને કોઈક પાછળ સતત હોર્ન વગાડતો હોય તો એને પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. રસ્તામાં કચરો પડયો હોય તો મ્યુનિસિપાલિટીને ગાળ દેવી ટાળો. હા, ફરિયાદ કરી શકો. પણ કોઈને કાંઈ પડી છે જ ક્યાં?- એવો બળાપો કાઢવાનું ટાળો. ફૂટપાથ પર વેચતા ફેરીયા જોડે ભાવતાલ ન કરો તો ચાલે. અને હા, પારકી પંચાત કરવી નહીં અને વણમાંગી સલાહ તો દેવી જ નહીં. બસ, એટલે જ હવે સલાહ આપવી હું બંધ કરું છું. ઇતિ.
શબ્દ શેષ: 'સ્વૈચ્છિક સરળતા એટલે એમ કે એક દિવસમાં ઓછી જગ્યાઓએ જવું, ઓછું જોવું જેથી હું વધારે જોઈ શકું, ઓછું કરવું જેથી હું વધારે કરી શકું, ઓછું ભેગું કરવું જેથી વધારે પ્રાપ્ત કરી શકું.'
- માઈન્ડફુલનેસ બેઇઝ્ડ સ્ટ્રેસ રીડક્શનનાં સ્થાપક પ્રોફેસર જોન કેબેટ ઝિન