કેન્સલ કલ્ચર: છપાક...
શબ્દસંહિતા - પરેશ વ્યાસ
સામાન્ય લોકોને પોતાનાં મોબાઈલ ફોન કે લેપટોપથી ખ્યાતનામ હસ્તીઓને ઓનલાઇન ખતમ કરી દેવામાં અપાર આનંદ મળતો હોય છે. ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે-વાળી ઈર્ષ્યા તો આપણી અંદર હોય જ છે
હવે ખુલાસો.
આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો.
નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.
- ઉદયન ઠક્કર
'એક પ્રશ્નપત્ર' શીર્ષક ધરાવતા આ પ્રેમકાવ્યમાં ઉપર ટાંક્યો છે એ આઠમો અને આખરી પ્રશ્ન છે. એમાં જે કાગળમાં પ્રેમીએ પોતાનું નામ લખ્યું હોય એ કાગળને ચૂમવાનું પ્રેમિકાને ઇજન છે. પણ કોઇ દબાણ નથી. ન ગમે, ઠીક ન લાગે તો ચૂમવાનું કેન્સલ. 'કેન્સલ' આમ તો હવે ગુજરાતી શબ્દ છે. ભગવદ્ગોમંડલ અનુસાર કેન્સલ એટલે કાઢી નાંખવું કે રદ કરવું. જો લાગુ ન પડે, જો લગાવ ન હોય તો પ્રેમનો પ્રસ્તાવ રદ. તંઇ શું? પણ એનું આજે શું?
આજનાં શબ્દસંહિતા માટે અમે અમેરિકન ડાયલેક્ટ સોસાયટી દ્વારા 'વર્ડ ઓફ ધ ડીકૈડ' (દસકનો શ્રેષ્ઠ શબ્દ) ડીકલેર થાય એની રાહ જોતા હતા. એ જાહેર થયો પણ ખરો પણ એ હતો લિંગ નિરપેક્ષ એકવચન શબ્દ 'ધે' કે જેના વિષે તો અમે ગયા મહિને જ લખી ગયા છીએ. ઇન ફેક્ટ,અમે આ સ્પર્ધામાં રહેલાં અન્ય શબ્દો જેમ કે 'ઓકે બૂમર', 'બ્લેક લાઇવ્સ મેટર', 'મી-ટૂ મૂવમેન્ટ' વિષે પણ લખી ગયા છીએ. પણ આ સ્પર્ધામાં રહેલો એક શબ્દ વાંચ્યો ત્યારે અમને એ શબ્દ આપણા દેશમાં અત્યારે જે થઇ રહ્યું છે એ સમાચારો સાથે તાલમેલ ધરાવતો હોય એવો લાગ્યો. એ શબ્દ હતો કેન્સલ કલ્ચર (Cancel Culture).. કાંઇ રદ કરવાની ય સંસ્કૃતિ હોય ?!!!!
હા, આજકાલ ભારત દેશમાં કેન્સલ કલ્ચર જોરમાં છે. દીપિકા જેએનયુનાં વિદ્યાર્થીઓને મળી એટલે હવે છપાક.. એની ફિલ્મનો બહિષ્કાર. કોઈ પણ માણસ જેની પાસે વોટ્સએપ, ટ્વીટર , ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ હોય એ એલાન કરી શકે. દીપિકા ૨૩ બીઝનેસ બ્રાન્ડ્સની જાહેરાતો કરે છે. કેટલીક જાહેરાતો તો ટીવી પરથી કામચલાઉ ધોરણે અદ્રશ્ય પણ થઇ ગઈ છે.
જે ધંધો કરે છે એ તમામ બીઝનેસ લોકોની લાગણીનાં ખેલ ઉપર નિર્ભર છે. ક્યાંક ટીવી ઉપરની જાહેરાતમાં દીપિકાને જુએ અને પછી કોક ભડવીર ઓનલાઇન એલાન કરી દેય કે ચાલો, આ બ્રાન્ડનો આજથી બહિષ્કાર. કોને ખબર, લોકો તનિષ્ક, લોરીઅલ કે વિસ્તારાનો વિસ્તારથી બહિષ્કાર કરી ય નાંખે? લોકોનો કોઈ ભરોસો નથી.
ભવિષ્યમાં હવે એડવર્ટાઈઝમેન્ટ માટે કોન્ટ્રાક્ટ થશે ત્યારે એમાં શરત હશે કે જે તે સેલેબ્રીટીએ જેએનયુમાં જવું નહીં. જો જેએનયુ સાથે સીધો કે આડકતરો નાતો રાખશે તો એમનાં સિક્યુરીટી ડીપોઝીટનાં રૂપિયા જપ્ત થઇ જશે અને કોન્ટ્રાક્ટ કેન્સલ થઇ જશે. આ તો ઓલ્યા એસિડ એટેક જેવું જ છે. છપાક...
કેન્સલ શબ્દ વર્ષોથી છે. વરસાદ પડે તો કાર્યક્રમ કેન્સલ થાય. પરીક્ષાનું પેપર ફૂટી જાય તો પરીક્ષા રદ થાય. દિલ્હીથી મીટીંગમાં આવનારા સભ્યો ફ્લાઈટ ચૂકી જાય તો મીટીંગ કેન્સલ થાય. કોઈ ઓર્ડર દઈએ અને પછી મન બદલાય તો રેસ્ટોરાંમાં ડીશનો ઓર્ડર કેન્સલ થાય. અરે, પ્રેમમાં પણ ભંગાણ પડે અને સાથ જીએંગે, સાથ મરેંગે-વાળા લાગણીનાં દસ્તાવેજ કેન્સલ થાય. પણ આ કેન્સલ કલ્ચર નહોતું. જ્યારથી આ સોશિયલ મીડિયાએ આપણાં જીવની ફરતે ભરડો લીધો છે ત્યારથી કેન્સલ હવે કલ્ચર બની ગયું છે.
અલબત્ત આ શબ્દની અસર ફક્ત સેલેબ્રીટી પૂરતી મર્યાદિત છે. સેલેબ્રીટી એટલે ખ્યાતિ, કીત, નામના, ઇજ્જત, આબરૂ, સુપ્રસિદ્ધ માણસ, પ્રતિષ્ઠા, પંકાયેલી વ્યક્તિ. એ તો એમ કે જેનું નામ હોય એને જ તમે બદનામ કરી શકો. કોઈ જાણીતી જાહેર જીવનની વ્યક્તિ કોઈ વિવાદાસ્પદ અભિપ્રાય આપે કે કોઈ પ્રવૃત્તિ કરે, જે ભક્તોને ન ગમે તો.. ચણભણ શરૂ થઇ જાય. વગોવણી કરવાની લોકોને મઝા પડતી હોય છે. આ તો પેલાં ફિલ્મી હીરો જેવું છે.
આપણે વિલનને ન મારી શકીએ પણ પેલો હીરો ઢિસૂમ ઢિસૂમ કરે એટલે આપણે રાજી રાજી. લોકોને પછી સેલેબ્રીટીને ઓનલાઇન કેન્સલ કરવાની ચળ ઉપડે, એ ચળ જે પછી ચળવળમાં તબદીલ થઇ જાય. સેલેબ્રીટીની તરફેણમાં પણ કેટલાંક લોકો અલબત્ત ઊભા રહે પણ જ્યારે બહિષ્કારનો પ્રવાહ શરૂ થાય ત્યારે ખબર નથી કે ક્યાં જઈને એ અટકે? આમ પણ સામાન્ય લોકોને પોતાનાં મોબાઈલ ફોન કે લેપટોપથી ખ્યાતનામ હસ્તીઓને ઓનલાઇન ખતમ કરી દેવામાં અપાર આનંદ મળતો હોય છે. ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે-વાળી ઈર્ષ્યા તો આપણી અંદર હોય જ છે.
કેન્સલ કલ્ચર જો કે બધું જ ખરાબ નથી. સ્ત્રી શોષણ સામે અવાજ ઉઠાવાયો, એ ઈં મી-ટૂ મૂવમેન્ટ પણ કેન્સલ કલ્ચરની દ્યોતક છે. એક રીઆલીટી મ્યુઝિક શો-માંથી જાણીતા સંગીતકાર અનુ મલિકની બાદબાકી થવી, એને તમે કેન્સલ કલ્ચરની પોઝિટીવ ઈફેક્ટ ગણી શકો. અલબત્ત સેલેબ્રીટી માટે સાચું ખોટું પુરવાર કરવાની અહીં ગુંજાઈશ નથી. પણ એમ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ ક્યાંક કેન્સલ થઇ જવાની બીકે કોઈ સ્ત્રીનું શારીરિક શોષણ કરતા બે વખત વિચાર કરશે.
સેલેબ્રીટીનો ધંધો શેની ઉપર ચાલે છે? તેઓ લોકોની નજરમાં રહેવા જોઈએ. લોકોનું ધ્યાન એમની ઉપર છે તો એમનો ધંધો ચાલે છે. લોકોનું ધ્યાન હઠયું કે એમનું પત્યું. લોકોને ભૂલવાની ભારી બીમારી છે. સેલેબ્રીટી માટે લોકો ગ્રાહક છે. એ જો કેન્સલ કરી નાંખે તો.. ડરના જરૂરી હૈ.. હેં ને?
શબ્દ શેષ: 'આખરે તો ગ્રાહક શું માને છે એ જ સત્ય છે.' - અમેરિકન લેખિકા અને બીઝનેસ ટ્રેનીંગ વર્કસ પ્રેસિડેન્ટ કેઈટ ઝેબ્રેસ્કી