માફિયા: સંગઠિત ગુનાખોરીનું સમાંતર તંત્ર
શબ્દસંહિતા - પરેશ વ્યાસ
'માફિયા' મૂળ તો ધંધાદારીઓને પ્રોટેક્શન પૂરું પાડતું સંગઠન હતું.માફિયાથી બધા ડરે એટલે ધંધામાં કોઈ વિઘ્ન નાંખતા અચકાય
'કોઈને પણ મિત્ર તરીકે સ્થાપિત કરવામાં કાળજી રાખો. એક પૈસાનાં સો સિક્કા કરતાં ચાર પાવલી સારી.'
-અમેરિકન ગેંગસ્ટર અલ કેપોન (૧૮૯૯ -૧૯૪૭ )
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે કહયું હતું કે ભાજપનાં પંદર વર્ષોનાં શાસનમાં દરેક ક્ષેત્રમાં માફિયાની સમાંતર સરકાર હતી. કોંગ્રેસની સરકાર આવી. મુખ્યમંત્રી તરીકે મેં આવીને માફિયા સામે ઝુંબેશ આદરી એટલે મારી સરકારને અસ્થિર કરવાની આ સાજિશ રચાઇ રહી છે. ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસનાં સન્માનીય નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કાલ સુધી મહારાજા હતા, આજે ભાજપમાં આવ્યા તો માફિયા થઈ ગયા?
અમે ગુજરાતી લેક્સિકોન ખોલીને જોયું. માફિયા (સ્ચકૈચ) એટલે 'ગુનેગારોનું સંગઠિત આંતરરાષ્ટ્રીય જૂથ.' અર્થ તો સાચો પણ અધૂરો. માફિયા શબ્દ હવે એટલો બધો લોકપ્રિય છે કે ગુનેગારોનું સંગઠિત જૂથ આંતરરાષ્ટ્રીય જ હોય એવું જરૂરી નથી. આંતરરાજકીય કે રાજ્યનું આંતરિક ગુનેગારોનું સંગઠન પણ માફિયા કહેવાય છે. પણ એટલું ચોક્કસ કે માફિયા એટલે સંગઠિત ગુનેગારોનું એક સમાંતર તંત્ર. કાયદો અને વ્યવસ્થા એમણે લાગુ ન પડે. અથવા એમ કહી કે એનાં પોતીકાં નિયમો, એનાં પોતીકાં કાયદા હોય. તેઓ ખંડણી ઉઘરાવે, ચોરી કરે, બ્લેકમેલ કરે.
નશીલા પદાર્થો કે વેશ્યા વ્યવસાય પણ કરાવે. જુગાર રમાડે અને લોન વ્યાજનું વિષચક્ર પણ બિછાવે. અને એમનાં આદેશનો અમલ ન થાય તો મૌત પણ મળે. ગુનેગારો વચ્ચેનાં આપસી મતભેદોનું નિવારણ પણ માફિયા કરે. માફિયા શબ્દ અખબારમાં નિયમિતપણે આવતો રહે છે. જમીન હડપ કરતા ગુનેગારો માટે ભૂમાફિયા અને રેતી કે અન્ય ખનિજ પદાર્થ ગેરકાયદેસર રીતે ખોદી ચોરી કરતાં ગુનેગારો માટે ખનનમાફિયા એવો શબ્દ વપરાતો હોય છે. માફિયા એવો શબ્દ છે, જે હવે સંગઠિત ગુનાખોરી માટે વપરાઇ રહ્યો છે પણ મૂળ અર્થ એવો નહોતો.
માફિયા શબ્દ ઇટલીનાં સિસિલી પ્રાંતમાં જન્મ્યો છે. ઈટલીનાં સંગઠિત ગુનેગારો માટે. જ્યારે આ શબ્દ એકલો જ વપરાય ત્યારે એ કાં તો ઇટલી અથવા તો ઇટાલિયન -અમેરિકન ગુનેગારો માટે છે, એવું તારણ કાઢી શકાય. અન્યથા રશિયન માફિયા (બ્રાટવા) અથવા તો જાપાનીઝ માફિયા (યઝુકા ) એવાં શબ્દો વપરાય છે. માફિયા શબ્દ મૂળ સિસિલિયન વિશેષણ 'માફિયુસુ' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ડોળ કરે એ અથવા તો ગર્વ અને ઘમંડથી ચાલે એ. ડંફાસ મારે, બડાઈ પણ હાંકે. પણ માફિયુસુ એટલે બહાદૂરી અથવા જુસ્સો એવો અર્થ પણ થાય. ભાષાનાં પ્રખર અભ્યાસુ ડેએગો ગેમ્બીટા અનુસાર ૧૯ મી સદીનાં સિસિલીમાં 'માફિયુસુ' એટલે નીડર, સાહસિક અને સ્વાભિમાની. જો કે આ અર્થ કોઈ પુરુષનાં સંદર્ભમાં છે. માફિયુસુ શબ્દ એક વિશેષણ તરીકે સ્ત્રી માટે વપરાય તો એનો અર્થ 'સુંદર' અને 'આકર્ષક' એવો થાય.
સિસિલી આમ તો ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત સૌથી મોટો ટાપુ છે. ઇટલીનાં ૨૦ પ્રદેશો પૈકીનો એક અને પોતે સ્વાયત્ત પણ ખરો. નવમીથી અગિયારમી સદી દરમ્યાન અહીં ઈસ્લામિક શાસન હતું એટલે માફિયા શબ્દનું મૂળ અરેબિક હોવાનું મનાય છે. એક શબ્દ છે 'માફી'. મુસ્લિમ શાસનમાં રહેતા બિન-મુસ્લિમો પાસે જજીયાં વેરો વસૂલાતો. જેમણે એ ભરી દીધો હોય એમની ઉપર વસૂલાતની કાયદાકીય કાર્યવાહીમાંથી માફી. માફિયા શબ્દ એની પરથી આવ્યો હોવાનું મનાય છે. અન્ય એક અરેબિક શબ્દ 'મારફૂડ' પણ છે. અર્થ થાય છે અનિચ્છનીય અથવા અસ્વીકાર્ય.
મારફૂડ શબ્દ એક અન્ય શબ્દ 'મારપિયુની' પરથી આવ્યો હોવાનું મનાય છે, જેનો અર્થ થાય છે ઠગ અથવા ધૂતારો. માફિયુસુ શબ્દનું અન્ય મૂળ અરેબિક શબ્દ 'માફયા' પણ છે. એનો અર્થ થાય છે છાયો એ છત્રછાયા, જેમાં શરણ લઈ શકાય. અગિયારમી સદીનાં સિસિલીમાં મુસ્લિમ શાસનનો અંત આવ્યો, જ્યારે ક્રિશ્ચિયન નૉર્મન્સે અહીં જીત મેળવી. મૂળ અરેબિક સ્થાનિકો ત્યાં ખેતમજૂર તરીકે કામ કરવા મજબૂર થાય. તે પૈકી કેટલાંક માફિયાની શરણે આવ્યા. તેઓ માફિયાની ગુપ્ત છત્રછાયામાં આવી ગયા. જો કે માફિયા શબ્દ પ્રચલિત બન્યો ઈ. સ. ૧૮૬૩ માં ઈટાલીમાં ભજવાયેલાં એક નાટક ' આઈ માફીયુસી ડી લા વિકારિયા' પછી. નાટકમાં ગુનેગારોનું એક સંગઠન જે જેલમાંથી કામ કરતું હતું.
જેમાં એક 'બોસ' હતો. એની સૂચના મળતી. એમાં ય 'ઓમેરેટા' (માફિયાની કાર્યવાહી અંગે કોઈ પણ સંજોગોમાં ચૂપ રહેવું) અને 'પીઝુ' (ખંડણી) વગેરે શબ્દો પણ હતા. આમ માફિયા શબ્દ હવે જાણીતો બની ચૂક્યો હતો. બાકીનું કામ મારલોન બ્રાન્ડો અભિનીત ફિલ્મ 'ગોડફાધર' દ્વારા થયું, જેણે માફિયા શબ્દનો આપણી સાથે સુપેરે પરિચય કરાવી દીધો. 'ગોડફાધર' એટલે આમ તો ધર્મપિતા. બાળકનાં ધર્મ શિક્ષણ માટે જે જવાબદારી લેય એ. પણ માફિયાની ભાષામાં ગોડ ફાધર એટલે સર્વે બોસનાં બોસ. 'માફિયા' મૂળ તો ધંધાદારીઓને પ્રોટેક્શન પૂરું પાડતું સંગઠન હતું. હું ધંધો કરું પણ મને કોઈ છેતરી ન જાય, કોઈ મને લૂંટી ન લેય, કોઈ મને મારી ન નાંખે એ માટે પોલિસ તો હોય પણ એની પર મને વિશ્વાસ નથી. તો હું પૈસા આપીને માફિયાને મારા રક્ષણ માટે રોકું. માફિયાથી બધા ડરે એટલે મારા ધંધામાં કોઈ વિઘ્ન નાંખતા અચકાય .
હવે મૂળ વાત. 'માફિયા' શબ્દ કમલનાથ વાપરે છે ત્યારે એ એવું કહે છે કે સરકારી તંત્રને સમાંતર એક ગેરકાયદેસર તંત્ર ચાલે છે. ઘણું ખોટું થાય છે. ઘણાં લોકો ઘણું ખોટું કરે છે. રાજકારણી આવું કહે ત્યારે એવો તો આક્ષેપ જ હોઈ શકે. જાણકારો કહે છે કે રાજકારણીનાં આક્ષેપને ગંભીરતાથી
લેવાં નહીં. તેઓ ભાગ્યે જ સાચું બોલતા હોય છે. (ઈઝ ઈટ ?!) અને એ સાચું હોય તો પણ પૂરવાર કરવું મુશ્કિલ હી નહીં, નામૂમકિન હોય છે. હેં ને?
આપણું આ મન સાલું માફિયા જ છે. કાયદાની એને સાડાબારી નથી. ઘમંડી પણ ખરું. ગુનો કરવો એને ગમે. ડર તો જાણે છે જ નહીં. પણ...વૂડી એલન કહે છે કે બુદ્ધિશાળી લોકો માફિયા જેવાં જ હોય છે. એ પોતીકાં લોકોને જ મારી નાંખે છે. માફિયા એટલે પૈસો, સત્તા અને સન્માન. મારું મન માફિયા છે.
શબ્દ શેષ:
''મેં ભગવાન પાસે બાઇક માંગી. પણ મને ખબર હતી કે ભગવાન એ રીતે કામ કરતાં નથી. એટલે મેં બાઇક ચોરી લીધી અને ભગવાન પાસે માફી માંગી લીધી.' -'ગોડફાધર' એક્ટર અલ પેસીનો