Magazines

ટ્રુ કલર્સ: અસલી રંગ .

By GS TEAM
3 Mar 20265 mins read
ટ્રુ કલર્સ: અસલી રંગ                                 .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ખોટો દેખાડો કરવો નહીં. આપણી અસલિયત ઝાઝો સમય છૂપી રહેતી નથી.

હરિ તમે તો તદ્દન કાળા 

હું તો ગોરી ગોરી                                                                                                                                                                  

કાગડો દહીંથરું લઈ જાય એવી બનશે આપણી સ્ટોરી                                                                                            

આવડા મોટા જાદુગર પણ રંગ બાબત બહુ કાચા                                                                                                                                                                  

અસલી રંગ બતાવવા આપો યમુનાજીને વાચા     

- યામિની વ્યાસ   

ગી તનો ગોપી ભાવ તો સ્પષ્ટ છે. કૃષ્ણનો અસલ રંગ તો ધેનુ જાણે, કદંબ જાણે અને જાણે યમુનાજી. કાળો અને ગોરો એ સૌથી જૂના રંગ છે. મુહાવરા તરીકે 'બ્લેક એન્ડ વ્હાઇટ' એટલે સ્પષ્ટ વાત. મેં તો -બ્લેક એન્ડ વ્હાઇટ-માં સૂચના આપી હતી, તો ય એણે અર્થઘટનમાં ગોટાળો કર્યો. 'ટ્રુ કલર્સ' (્િેી ર્ભર્નેજિ) એટલે અસલી રંગ. કોઈ વ્યક્તિનો સ્વભાવ, એની માન્યતા, એની લાગણી કે એનો ઉદ્દેશ્ય ઘણી વાર શરૂઆતમાં ખ્યાલ આવતો નથી. પણ અનુભવે સમજાય. સમજાઈ જાય. અને જે સમજાય, બસ એ જ એનો અસલી રંગ. ધૂળેટી તો આજે છે પણ માણસ પોતાના ચહેરા પર રોજ રંગ ચોપડીને ફરે છે. રંગારંગ. ઝટ ઓળખાતો નથી. આખો મુહાવરો 'શોઇંગ ટ્રુ કલર્સ' છે. અસલ રંગ દેખાડવો તે. ગુજરાતીમાં 'રંગ દેખાડવો' એટલે અદ્ભૂત કામ કરી દેખાડવું. પણ અસલ રંગ દેખાડવો એટલે?  

મૂળ રંગ લાલ, પીળો'ને વાદળી પણ મૂળ રંગોને ઓછા વત્તા પ્રમાણમાં મિક્સ કરીએ તો તરેહ તરેહનાં અનેક રંગ થાય. અને પછી ભૂલાઈ જવાય કે અસલ રંગ કયો હતો? ગુજરાતી લેક્સિકન અનુસાર 'ટ્રુ' એટલે ખરું, વાસ્તવિક, સાચું, યથાર્થ, વફાદાર, સંનિષ્ઠ, વિશ્વાસપાત્ર, બરાબર મૂકેલું કે બરાબર બેસાડેલું, યોગ્ય આકારનું. અરબી શબ્દ 'અસ્લ' એટલે મૂળ, ખરું, સાચું. અને 'કલર્સ' તો આપણે જાણીએ છીએ. 'સાર્થ' અનુસાર 'કલર' હવે અસલ ગુજરાતી શબ્દ છે. એક મુહાવરા તરીકે 'ટ્રુ કલર્સ' તટસ્થ અર્થમાં છે. માણસનો અસલ રંગ સારો ય હોય અને ખરાબ પણ હોય. માણસ દેખાતો હોય એ કરતા સારો ય હોઈ શકે. હેં ને? સમાચાર છે કે ફ્રેન્ચ આલ્પ્સમાં બર્ફીલા પર્વત ઉપર સ્કીઇંગ કરતાં એક અજાણી મહિલા નીચે પડી ગઈ અને એનું માથું ભટકાયું. તે સમયે ઇંગ્લેન્ડ ફૂટબોલના નિવૃત્ત સુપર સ્ટાર સર ડેવિડ બેકહેમ ત્યાં સ્કીઈંગ કરી રહ્યા હતા. તેઓ ઘટનાસ્થળે મદદ માટે દોડયા, મહિલાના પગનાં સ્કીબોર્ડને ખોલ્યા અને ખાતરી કરી કે કોઈ ગંભીર ઇજા તો નથી થઈને? સમાચારની હેડલાઇન હતી : ડેવિડ બેકહમ શોસ હિઝ ટ્રુ કલર્સ આફ્ટર રશિંગ ટૂ હેલ્પ ઇન્જર્ડ સ્કીઅર. પણ આ મુહાવરો મોટે ભાગે નકારાત્મક અર્થમાં વપરાતો હોય છે. દા. ત. મારો બોસ આમ તો સારો પણ મારે બીમાર પત્નીની સારવાર કરાવવાની હતી ત્યારે એણે અસલી રંગ દેખાડયો. મને રજા આપવાની સ્પષ્ટ ના પાડી અને પાછો પોતે રજા પર જતો રહ્યો. બોસનો છૂપો સ્વભાવ છતો થઈ ગયો. રાજકારણીઓને તો આ મુહાવરો આસાનીથી લાગુ પડી જાય. જેમ કે ફલાણો રાજકારણી ચૂંટણી સુધી અનેક વાયદાની વાતો કરતો હતો પણ એ ચૂંટાયો પછી એના પોતાના ફાયદાની જ વાતો કરવા લાગ્યો. ભ્રષ્ટ આચાર અને ત્રસ્ત પ્રજા. એણે એનો અસલી રંગ દેખાડયો. ટ્રુ કલર્સ...  

સત્તરમી સદીના સમુદ્રી યુદ્ધ અને ચાંચિયાગીરી સાથે જોડાયેલા આ મુહાવરાનો ઉપયોગ નકારાત્મક અર્થમાં શરૂ થયો હતો. જહાજનો કલર એટલે જહાજ જે દેશનું છે એનો રાષ્ટ્રીય ધ્વજ. જહાજ ઉપર એ ધ્વજ ફરકતો હોય. પણ એ જહાજ જ્યારે કોઈ દુશ્મન સમુદ્ર વિસ્તારમાંથી પસાર થતું હોય ત્યારે જહાજ ઉપર જાણી જોઈને કોઈ અન્ય મિત્ર દેશ કે કોઈ તટસ્થ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવે જેથી એ જહાજની સાચી ઓળખ ખબર ન પડે અને એ રીતે એ ત્યાંથી હેમખેમ પસાર થઇ શકે. સમુદ્રનો શિરસ્તો એવો પણ છે કે જ્યારે દુશ્મન જહાજ પર ગોળાબારી કરવાની નોબત આવે ત્યારે ખોટો ધ્વજ ઉતારીને સાચો ધ્વજ ચડાવી લેવો. શોઇંગ ટ્રુ કલર્સ, યૂ સી! દરિયાખેડૂઓનાં વાણી વ્યવહારમાં આ મુહાવરો પ્રચલિત થયો પણ ઇંગ્લિશ ભાષામાં આ મુહાવરો તે પહેલાથી પ્રયોજાતો રહ્યો છે. સને ૧૬૦૦માં વિલિયમ શેક્સપિયરે હેન્રી ૈંફ નાટકમાં એક પાત્ર -આજે રાતે એના અસલી રંગમાં દેખાશે-એવું લખ્યું હતું. 'ટ્રુ કલર્સ' શબ્દો હકારાત્મક અર્થમાં લોકપ્રિય થયા જ્યારે સને ૧૯૮૬માં પોપ ગાયિકા સિંડી લોપર્સનું ટાઇટલ ટ્રેક રિલીઝ થયું. એલજીબીટીક્યુ+ (સમલિંગી) કમ્યુનિટીએ તો એને વધાવી લીધું કારણ કે એમાં પોતાની જે અસલિયત હોય એને પોઝિટિવ સેન્સમાં છૂટથી પ્રદર્શિત કરવાની વાત કહી હતી.  

એક દિવસ જંગલમાં પક્ષીઓની બ્યુટી કોન્ટેસ્ટ યોજાઈ ગઈ. મોર, કાકાકૌઆ, લવ બર્ડ્સ, ફ્લેમિંગો, મકાઉ વગેરે અનેક રંગબેરંગી પક્ષીઓ મેદાનમાં હતા. આમાં બિચારા કાગડાનો ક્યાંથી ગજ વાગે? પણ કાગડો ધરાર જીતવાના મૂડમાં હતો. એણે અન્ય પક્ષીઓના ખરી પડેલા રંગબેરંગી પીંછી ચોંટાડીને રેમ્પ વોક તો કરી પણ અધવચ્ચે જ પીંછા નીકળી ગયા અને એનો ટ્રુ કલર દેખાઈ આવ્યો. કાગડાની અસલિયત સમસ્ત જંગલમાં ફેલાઈ ગઈ. એને દહીંથરુંનું ઇનામ ન મળ્યું. હું એટલે જ કહું છું કે ખોટો દેખાડો કરવો નહીં. આપણી અસલિયત ઝાઝો સમય છૂપી રહેતી નથી. અને ત્યારે છોભીલાં પડી જવા કરતા જેવા છીએ તેવા દેખાઈએ એ જ તો સાચું.. હેં ને? 

જ્યારે આપણાં લોકોને એમ લાગે કે હવે આપણે તેઓને કોઈ કામ લાગીએ તેમ નથી ત્યારે તેઓ પોતાનો ટ્રુ કલર દેખાડે. આપણી હાલત -ઉતર્યો અમલદાર કોડીનો- જેવી થઇ જાય. આપણને ખ્યાલ આવી જ જાય કે એ આવકારો, એ ઉમળકો હવે નથી. કોઈ આપણો ભાવ પણ ન પૂછે. દુ:ખી ના થવું. એ એનું કામ કરે અને આપણે આપણું. આપણે તેઓને માફ કરી દેવા. ફરગિવ એન્ડ..રીમેમ્બર! માફ કર દેનેકા પર ભૂલનેકા નઈં! 

શબ્દ શેષ:

''વહેલાં મોડાં લોકો પોતાનો ટ્રુ કલર(અસલ રંગ) દેખાડશે જ. આપણે કલર બ્લાઇન્ડ(રંગ અંધ) ન રહેવું.''  - અજ્ઞાત