સાહેબ, તમે વાવેલો છોડ આજે તો ખૂબ મોટો અને સુગંધીદાર બની ગયો છે...!
રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
- તમે તો કાટ ખાધેલા નકામા લોખંડને સુવર્ણમાં પલટી નાખ્યું છે, ગુરુજી !
(ગતાંકથી ચાલુ)
'સાહેબ, તમારા ગયા પછી તો સ્કૂલની દશા બેઠી છે !'
'એટલે ?'
'માસ્તરો... તમારા જેવા ન મળે, હાં સાહેબ ! સહુને માત્ર પગારમાં રસ છે સાવ એદી ! તમારા શિક્ષણ અને આજના શિક્ષણમાં લાખ ગાળાંનો ફેર, હોં સાહેબ ! તમે કડક ખરા, પણ ભણાવવામાં ય તમારો જોટો ન જડે !!'
'કડક તો હું હતો આજે મને લાગે છે કે હું જરા વધારે પડતો કડક હતો... મારે એટલા બધા કડક બનવાની જરૂર નહોતી ! છોકરાં છે, ભૂલ પણ થાય ! પણ તેની સજા હું જરા વધારે પડતી કરતો હતો ! અફસોસ થાય છે મને !'
'હોય એ તો સાહેબ !'
'મારે પ્રાયશ્ચિત કરવું જોઇએ !'
'શાનું ?'
'મારા કડક સ્વભાવનું'
'હવે એવું તે હોતું હશે..'
'એમ જ હોય ! છોકરાની ભૂલ હોય તો સજા, ને મારી ભૂલ હોય તો...'
'સાહેબ, જવા દો એ વાત પણ એ કહો કે ચા પીશો કે કોફી ?'
'પીશ તો કોફી, જો મળતી હોય માફી !'
'એ વાત છોડો ! તમે ખૂબ દૂરથી આવો છો... ભૂખ પણ લાગી હશે ! શું બનાવીએ ? લાપસી ભાવે ! મેથીના ગોટા ભાવે ? તુરિયાનું શાક ભાવે ? દાળ ગળી ભાવે કે તીખી ? પૂરી બનાવીએ કે રોટલી ?'
'જે હશે તે ખાઈ લઈશ. બાજરીનો રોટલો ને શાક તોય ચાલશે !'
'ના સાહેબ ! એમ તે હોતું હશે ? તમે આવો ને અમે તમને રોટલો ખવડાવીએ ? તમે આ ગામમાં નોકરી કરી છે, એ ય એક આદર્શ શિક્ષક તરીકેની ! નિવૃત્ત થયા પછી દોઢ દશકે આવ્યા છો... એમાં ય તમે તો અમારા ચંદ્રકને ભણાવ્યો છે ! પાછા તમે તો ભૂદેવ ! તમારાં પગલાં અમારે આંગણે ક્યાંથી ? તમારા જેવા પવિત્ર ભૂદેવનાં ઘેર પગલાં પડે એટલે ધન્ય બની જવાય !'
જનકરાય પોરસાયા !
ગામ હજી એમને ભૂલ્યું નથી !
કડક હતા પોતે!
વાત સાચી !
ગુના કરતાં ય વધારે સજા કરતા હતા પોતે !
વાત સાચી !
નાદાન છોકરાં ને આકરામાં આકરી સજા કરતા હતા પોતે !
વાત સાચી !
પણ ભણતરની બાબતમાં !
ભણાવવામાં જરાય કસર નહિ રાખવાની ! વિષયના ઊંડાણમાં જવાનું ! વિશદ્ છણાવટ કરવાની ! વિષય કવિતાનો હોય, નાટકનો હોય, નિબંધનો હોય કે પછી કોઈ વાર્તા હોય - ભણાવવામાં કોઈ કસર નહિ છોડવાની ! ઉપર છલ્લાં છબછબિયાં નહિ કરવાનાં, એટલે નહિ જ કરવાનાં ! જ્ઞાાન બાળકોના કોઠે ઊતારવાનું છે ! સપાટીનું શિક્ષણ નકામું ! ગહન જળમાં ડૂબકી લગાવવી પડે ! જનક માસ્તર કહેતા : 'શિક્ષક સાચો એ કહેવાય કે જે કાયમ વિદ્યાર્થી બની રહે ! જ્ઞાાનની પ્યાસ સતત લાગેલી રહેવી જોઇએ ! સતત વાંચન, સતત ચિંતન અને સતત ચર્ચા...આ તો છે જ્ઞાાન પ્રાપ્તિ સંસાધનો ! જે વાંચતો નથી, ચિંતન નથી કરતો કે ચર્ચામાં ઊતરતો નથી, એને શિક્ષક કહેવાય જ નહિ ! લાગવી જોઇએ જ્ઞાાનની તરસ ! લાયબ્રેરીના એકે એક પુસ્તક સાથે ગહન નાતો જોડે, તેજ સાચો જ્ઞાાની અને તે જ સાચો શિક્ષક ! ડિગ્રીનાં ફરફરિયામાંથી નોકરી મળે પણ જ્ઞાાની ના બનાય !' જ્ઞાાનવર્ધનનું કાર્ય સતત કરે, એનું નામ શિક્ષક ! ટીચર માત્ર 'ટી' અટલે કે દિવસમાં દસવાર ચા પીવે એ નહિ, 'ટી'નો ચરનારો નહિ, પણ ટીચીંગના 'ટી'ને ટોપ પર લઇ જનારો !
- હા, એ જ રીતે જીવ્યા હતા અને આજે તોંતેર વરસે પણ એજ આદર્શોના સહારે જીવે છે જનકરાય દવે ! ક્યાંય બાંધછોડ નહિ ! જ્ઞાાનની બાબતમાં નો કોમ્પ્રોમાઇઝ !
જમ્યા પછી જનકરાય હીંચકે બેઠા. તેમણે મતાદારને પૂછ્યું : 'ભાનુભાઈ, ચંદ્રક કેમ દેખાતો નથી ?'
'ચંદ્રક ?'
'હા, હું ચંદ્રકની વાત કરું છું. આપના પુત્રની !'
'ઓહ ! તમે આપેલા સંસ્કાર અને શિક્ષણના પ્રતાપે તો આજે એ કમિશનર બની ગયો છે, એય એજ્યુકેશનનો ! એ આગળ વધી શક્યો છે, પ્રતાપ છે આપનો ! એ સર્વોચ્ચ પદ પર બેઠો છે, પ્રતાપ છે આપનો ! એનો માન-મરતબો ખૂબ મોટો છે, પ્રતાપ છે આપનો !'
'વાહ !'
'આપની 'વાહ, વાહ' માટે તો યોગ્ય બની શક્યો છે, આનુ કારણ આપ છો, સાહેબ ! ત્યાં જ અચાનક ફોનની ઘંટડી વાગી. મતાદારે ફોન ઊઠાવ્યો. વાતચીત કરી... પછી બોલ્યો : 'લો સાહેબ, ચંદ્રક ઘેર આવી રહ્યો છે... ગામની નજીક જ આવી ગયો છે...દસ મિનિટમાં તો કમિશનર શ્રી ચંદ્રકકુમાર ભાનુભાઈ પટેલ આંગણે આવીને ઊભા રહેશે...' ને એ હસી પડયો : 'તમે વાવેલો છોડ ખૂબ મોટો, ને સુગંધીદાર બની ગયો છે !'
'વાહ ! વાહ !!'
જનકરાયની આંખો વારંવાર આંગણા તરફ લંબાવા લાગી... એમનું મન કારના આવવાના અવાજની પ્રતીક્ષા કરી રહ્યા ! હીંચકા પર એમના દેહની સાથે, હૈયું પણ હીંચવા લાગ્યું,
કોની પ્રતીક્ષા હતી એમને ?
મોભાદાર ચંદ્રકકુમારની ?
એજ્યુકેશનના કમિશનરની ?
માનવાચક મોભાદાર મોટા માણસની ?
ના.
ના ?
હા, એમને પ્રતીક્ષા હતી પોતાના શિષ્યની, જેમને નાનકડી ભૂલ માટે
દશકાઓ પહેલાં મોટી સજા કરી હતી ! એને કહેવું છે : 'બેટા, માફ કરી દે મને !'
- અને બરાબર દસમી મિનિટે તો મતાદારના મકાન આ વિશાળ આંગણામાં એક અફલાતુન કાર પ્રવેશી ! પટાવાળાએ દોડીને કારનું બારણું ખોલ્યું...ને કમિશનર મિ. ચંદ્રકકુમાર બહાર આવ્યા.
જનકરાય અને મતાદારનો આખો પરિવાર પણ દોડી ગયો ! જનકરાય એની નજીક જઇને કંઇ પણ કહે એ પહેલાં તો કમિશનર મિ. ચંદ્રકકુમાર દોડીને એમના પગમાં પડી ગયા : 'સાહેબ, હું જે કંઇ છું, એ તમારા લીધે છુ. તમે તો મારા જીવનના ઘડવૈયા છો ! મારા વંદન સ્વીકારો, ગુરુજી ! હું ભલે આજે કમિશનર હોઉં, પણ હું તો આજેય તમારો વિદ્યાર્થી ચંદરકિયો જ છું !'
'ના બેટા, ચંદ્રક, ના ! તું ચંદરકિયો નથી, મને ગૌરવ અપાવનાર મારો શિષ્ય છે ! તને જોઇને મારી છાતી ગજગજ ફૂલે છે.. મેં તે દિવસે તને ભારે સજા કરી હતી... મને માફ કરી દે, બેટા !'
'ના, ગુરુજી, ના ! તમે કોઇ જ સજા કરી નથી. મને તો તે દિવસે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી ! પપ્પા નો ફોન આવ્યો કે ગુરુજી આપણને મળવા આવ્યા છે, એટલે તરત જ આપનાં દર્શન માટે મારતી મોટરે ભાગ્યો છું ! માફી માટે મને હાથ જોડીને ગુરુજી, મને પાપમાં ન પાડશો ! તમે તો કાટ ખાધેલા લોખંડને સુવર્ણમાં પલટી નાખ્યું છે ! તમે તો પારસમણિ છો, ગુરૂજી, પારસમણિ!! ને ત્યારે જનકરાયનો કંઠ ભરાઈ ગયો હતો, ને આંખોમાં ચોમાસું બેસી ગયું હતું...!! (સંપૂર્ણ)