'માર ખાઇ લેવો, પણ કોઇને મરવા ન દેવો! કોકનાં આંસું લૂંછવાનો રૂમાલ બનો..!'
રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
ચિન્ટુએ કરેલા કાર્યમાંથી પ્રેરણા લઇ, માનવતાના મશાલચી બની, શાળાનું નામ સૌ રોશન કરજો!
'અરે અંકલ..' 'કોણ ?' 'એ તો હું ચિન્ટુ..' ડગલાં ભરતાં ભરતાં ચિન્ટુએ કહ્યું. થોડીવાર.. માત્ર એકાદ-બે ક્ષણ, ને જરાક મોડું થયું હોત તો આ ભિખારી અંકલ ધસમસતા ટ્રક નીચે કચડાઇ જાત ! ચિન્ટુએ આ જોયું.. એક તો સ્કૂલમાં જવાની ઉતાવળ.. ને એમાં પાછો બેફામ ટ્રાફિક..! ખભે દફતર અને મનમાં ચિંતા ! ઉતાવળાં ઉતાવળાં એ ડગલાં ભરતો હતો : 'સર જરૂર આજે વઢશે.. ને સજાય કરશે !' એક તો વિંછણના ટચકા જેવી ચિંતા, એમાં પાછો બેફામ ટ્રાફિક.. છતાં એ આગળ વધતો હતો. ત્યાં ઓચિંતી જ એની નજર રસ્તો ક્રોસ કરવા જતા ભિખારી પર પડી.
ભિખારી અંધ હતો !
લાકડી ખખડાવતાં ખખડાવતાં રસ્તો ક્રોસ કરી રહ્યો હતો !
વાહનોના અવાજો આવી રહ્યા હતા !
'ખસો ! ખસો ! હટી જાવ !'ના પોકારો પડતા હતા. હકડે ઠઠ વાહનો..! ત્યાં જ ચિન્ટુથી ચીસ પડાઇ ગઇ : 'ઓ.. અંકલ ?' એણે જોયું : સામેથી કાળના દૂત જેવો તોતીંગ ટ્રક ધસમસતો આવી રહ્યો હતો.. ક્ષણ-બે ક્ષણ ! ચિન્ટુને થયું: હમણાં અંકલનો દેહ કચડાઇને છુંદો બની જશે ! હમણાં ટ્રકનાં તોતીંગ વ્હીલ ભિખારી અંકલની કાયાને કચડી નાખશે ! અરેરે..! ને એનાથી ચીસ પડાઇ ગઇ: 'ઓ અંકલ..' કહીને એણે દોટ લગાવી : બસ, એક જ વાત.. અંકલને બચાવવા છે ! મારે એમના મોતનો સાક્ષી નથી બનવું ! સ્કૂલ ? જે થવાનું હોય તે થાય ! સર મારશે તો ? ભલે મારે, ભલે સોટી લગાવે ! માર ખાઇ લઇશ, પણ કોઇને મરવા તો નહીં દઉં !'
એ દોડયો.
ટ્રક તેમને કચડે, અંકલની કાયાને કચડી નાખે, એ પહેલાં તો એણે પેલા ભિખારીનો હાથ પકડી લીધો - ને જોરથી ધક્કો માર્યો.. બેય જણા સાઇડ પર જઇને નીચે પડયા..
હાશ..
અંકલ બચી ગયા હતા !
એમનો વાળ પણ વાંકો થયો નહોતો !
એણે કહ્યું : 'અંકલ, તમે જોઇ શકતા નથી.. તો ટ્રાફિકમાં ચાલવાનું જોખમ ન લો !' પેલો અંધ ભિખારી કંઇક બોલવા જતો હતો.. કદાચ ચિન્ટુનો આભાર માનવા જતો હતો ! ત્યાં જ ચિન્ટુ બોલ્યો : 'કશું ન બોલશો, અંકલ ! મેં મારી ફરજ બજાવી છે..'
'પણ બેટા, હું રસ્તો ક્રોસ કરવા માગતો હતો... એટલા માટે કે સામેની હોટલવાળા ભિખારીઓને પુરી શાક મફત ખવડાવે છે ! શું થાય, બેટા ? મનને કકડીને ભૂખ લાગી છે !'
'એમ ?'
'એટલે રસ્તો ક્રોસ કરવાની ઉતાવળ હતી !'
'પણ અંકલ, ટ્રક નીચે આવીને કચડાઇ ગયા હોત તો ?'
'એવું ન થાત !'
'કેમ ?'
'કારણ કે ઉપર વાળાને સઘળાની સઘળી ચિંતા હોય છે ! એ ભૂખ્યાને ખાવાનું મોકલી આપે છે, તો અકસ્માત થતાં પહેલાં બચાવનારને પણ મોકલી આપે છે. મને મારા હજાર હાથવાળા શામળિયા પર ઘણી શ્રદ્ધા છે.. જો, હું બચી જાઉં એ માટે તને ન મોકલી આપ્યો ? બેટા, શું કરું ? બે દિવસથી અનાજનો એક દાણો ય પેટમાં પડયો નથી !'
'એ માટે ય ઈશ્વરે કોકને મોકલ્યો જ હશે !'
'કોને ?'
'મને !'
'તને ?'
'હા, અંકલ ! ઉપરવાળાએ એ માટે મને મોકલ્યો છે..' હાથ ઝાલીને ભિખારી અંકલને ઝાડના છાંયા તરફ લઇ જતા ચિન્ટુએ કહ્યું : 'ચાલો પેલા ઝાડના ઓટલા પર બેસીએ.'
'કેમ ?'
'ત્યાં જઇને અંકલ, તમે તમારી ભૂખ ભાંગી નાખો.'
'પણ બેટા, તું કરે છે શું ?'
'ભણું છું. સાતમા ધોરણમાં છું. સ્કૂલનો સમય થઇ ગયો છે.. ને અમારા ટીચર ખૂબ કડક સ્વભાવના છે..'
'તો ય તેં આવું કર્યું ? મને મરવા દેવો હતો ને ! શું કામ મોડું કર્યું ? શું કામ સમય બગાડયો ?'
'અંકલ, મારા દાદા કહેતા કે બેટા, માર ખાવો, પણ કોઇને મરવા ન દેવો ! જાતે દુ:ખ વેઠવું, પણ કોક અશ્રુ વહાવતા માણસના દુ:ખને દૂર કરવું, કોઇના અશ્રુ લૂંછવાનો રૂમાલ બનવું. એ જ માનવતાની સાર્થકતા છે ! મને એમના શબ્દો અક્ષરશ: યાદ છે !'
'વાહ, તારા દાદા તો માનવતાના સાચા ઉપાસક છે ! એ ક્યાં છે ?'
'ઉપરવાળાએ એમને પોતાના એડવાઇઝર તરીકે બોલાવી લીધા છે...'
'હેં.. એ નથી ?'
'ના !'
ભિખારી વૃધ્ધ દુ:ખી દુ:ખી થઇ ગયો.. એની આંખમાં આંસુ તગ તગી રહ્યાં ! તો ચિન્ટુએ આંગળી વડે એનાં આંસું લૂંછી નાખતાં કહ્યું : 'અંકલ, એ બધી વાત જવા દો ! લો, ઝાડનો ઓટલો ય આવી ગયો.. આવો, તમને બેસાડું !'
- ને પછી તો ચિન્ટુ અને પેલો ભિખારી - બે ય જણા ઓટલા પર બેસી ગયા ! ચિન્ટુએ મમ્મીએ ભરી આપેલું લંચબોક્સ ખોલ્યું.. ને બોલ્યો : 'અંકલ, લો, ખાવ ! ના, ના, હું જ તમને કોળિયા ભરાવું છું.. શાંતિથી ખાવ.'
'ને બેટા, તું ?'
'હું તો ઘેરથી બરાબરનો નાસ્તો કરીને આવ્યો છું. તમતમારે ખાવ.. આજે મમ્મીએ પણ રોજ કરતાં વધારે નાસ્તો લંચબોક્સમાં ભર્યો છે.. તમે ખાવ.. લો, ખવડાવું...!''
- ભિખારી વૃધ્ધે ખાઇ લીધું. હવે તેનાથી વધારે ખવાય એવું નહોતું. ચિન્ટુએ પાસેના નળથી પાણી લાવીને ભિખારી વૃધ્ધને પાયું.. ને પછી બોલ્યો : 'અંકલ, હવે હું સ્કૂલે જાઉં ! તમે અહીં જ બેસી રહેજો... આજે ખૂબ ટ્રાફિક છે !'
- ને ચિન્ટુ પૂરો દોઢ કલાક મોડો પડીને સ્કૂલે ગયો, ત્યારે ટીચરે ઘાંટો પાડયો : 'ચિન્ટુ, કેમ આટલો બધો લેઇટ ? ક્યાં ગયો હતો ?' ચિન્ટુ થર થર ધૂ્રજવા લાગ્યો. ને ટીચર અચાનક જાણે બદલાઇ ગયા. કહે : 'ચિન્ટુ, તું ગભરાઇશ નહિ, હું બધું ય જાણું છું...
આપણી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી તારી નજીકમાં જ હતા. તેમણે તેં ભિખારીનો જીવ બચાવ્યો ને તેને ખવડાવ્યું - એ બધી જ વાત આપણા આચાર્યને કરી છે.. ને એમના કહેવાથી આવા માનવતાવાદી કાર્ય માટે તને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ દસેક મિનિટમાં જ શરૂ થશે.. ચાલ, ઝટ પહોંચી જા સભાખંડમાં !'
સભાખંડ ચિક્કાર ભરાયો હતો. મેનેજીંગ ટ્રસ્ટી અધ્યક્ષ હતા ને ચિન્ટુને આશ્ચર્ય તો ત્યારે જ થયું કે જ્યારે પાછળની લાઇનમાં પેલો ભિક્ષુક વૃધ્ધ પણ બેઠો હતો ! મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શાહે ચિન્ટુના બે મોંઢે વખાણ કર્યાં ને સહુને ચિન્ટુ જેવા બનવા આગ્રહ કર્યો. આચાર્યશ્રીએ ચિન્ટુનું શાલ ઓઢાડી સન્માન કર્યું : 'હું ઈચ્છું છું કે માનવતાના મશાલચી એવા ચિન્ટુમાંથી સૌ કોઇ પ્રેરણા લઇ માનવતાના ઉપાસક બની આપણી શાળાનું નામ રોશન કરે !' ને તરત જ મેનેજીંગ ટ્રસ્ટીએ જાહેરાત કરી કે : 'ચિન્ટુને જ્યાં સુધી સ્ટડી કરવો હોય ત્યાં સુધી કરે.. એના ભણતરનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ ઊપાડી લેશે !'
તાળીઓ !
તાળીઓ !!
ને ચિન્ટુની આંખોમાં તગ તગ્યાં આંસું !
- ને પેલો ભિક્ષુક વૃધ્ધની આંખો પણ અશ્રુના રેલા રેલાવી રહી !!