Get The App

દીકરા સહર્ષ, તારી આ દાદીની આંખો તને 'મોટો માણસ' બનેલો જોવા તલસી રહી છે ! - પ્રતીક્ષાબહેન

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

- કૌવત ડ્રાઈવીંગમાં નંબર વન છે, હાઈવે પર વાહનને એવું ભગાવે કે લાગે કે કાર દોડતી નથી, કાર ઊડે છે ! છતાં નો એક્સીડેન્ટ !!

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
દીકરા સહર્ષ, તારી આ દાદીની આંખો તને 'મોટો માણસ' બનેલો જોવા તલસી રહી છે ! - પ્રતીક્ષાબહેન 1 - image


'હું છું, ને, બેટા ! તું શું કામ ચિંતા કરે છે ? સહર્ષ ભલે નાનો છે, માંડ એકાદ વરસનો, પણ હું એને ઉછેરીશ ! ભલે એની સગી જનેતા એને છોડી ગઈ, પણ હું એને મા ના ઓરતા નહીં આવવા દઉં ! હું તારી મા છું, તો એનેય મા બનીને ઉછેરીશ !'

પ્રતીક્ષા બહેન બોલી રહ્યાં છે, પ્રતીક્ષા બહેન ભલે પાંચ દાયકા વટાવી ગયાં છે, પણ મન અને મિજાજ એના એ છે ! કોઈ થનગનાટ કરતી જોબનના ઝુલે ઝુલતી યૌવના જેવો જ તરવરાટ છે એમનો ! અંગ અંગમાંથી છલકાય છે ઉત્સાહનું ધીંગું સરોવર ! એમના મનમાં ને તનમાં જાણે શ્રાવણિયો વરસાદ ધોધમાર વરસે છે ! કોઈ 'ડોસી' કહે, તો એમને ન ગમે ! કોઈ 'માજી' કહેતો એમને ન ગમે ! બસ, કામ, કામને કામ !

એકનો એક દીકરો કૌવત તે દિવસે ભાગી પડયો હતો, એનું હૈયું ખંડિત થઈ ગયું હતું. કારણ ? પત્ની ! સારસી ! બબ્બે દીકરાઓની મા હોવા છતાં મોટા દીકરાને લઈને ચાલી ગઈ હતી ! શું થાય ! મન બહુ ચંચળ છે... એમાંય કોઈની 'માયા' લાગી ગઈ હતી એને ! અને 'માયા' જ એવી છે કે માણસ ગમે તેટલું ડાહ્યું અને સમજણવાળું હોય તોય સંધાય ને વેગળું કરી નાખે ! બુદ્ધિને 'બારદાન' બનાવી દે, લાગણીને બાળીને ભસ્મીભૂત કરી નાખે, ઈજ્જતનો કચ્ચરઘાણ કાઢી નાખે અને સમજણના તમામ દરવાજા બંધ કરી દે ! પતિ હોવા છતાં, બબ્બે બાળકો હોવા છતાં સારસી મોહના વમળમાં તણાઈ ગઈ... ને મોટા દીકરા, એટલે કે, ચારેક વર્ષના દક્ષને લઈને હાલતી થઈ ગઈ  ! મોહનાં જળનો પ્યાલો પી લીધો એણે ! માયાને એના મન મર્કટ નચાવી નાંખ્યું... ને એ ચાલી ગઈ -

તેને છોડીને !

સાવ નાનકા દીકરા સહર્ષને છોડીને !

કૌવત તો આવી કલ્પના પણ કરી શકે તેમ નહોતો. એને તો એ ભલો, ને પોતાની ડ્રાઈવીંગની નોકરી ભલી ! વાહન ચલાવવામાં નંબર વન છે કૌવત ! ડ્રાઈવીંગમાં એકદમ એકસ્પર્ટ ! હાઈવે પર વાહનને ઊડાડે ! અંદર બેઠેલો વાહન માલિક : 'જલદી.. જલદી..' બોલને ચપટી વગાડે ને કૌવત વાહનને એવું તો ભગાવે કે એમ જ લાગે, કાર દોડતીનથી કાર ઊડે છે ! ને તેમ છતાંય ક્યારેય પણ:  'નો અકસીડેન્ટ !!' લગ્ન થયાં , ચાલો ઘરની શાંતિ તો મળશે ! કોઈઘરમાં બેસીને એની રાહ તો જોનારું હશે ! થોડાંક વર્ષ ગાડું બરાબરનું ચાલ્યું : કૌવતને થયું : હાશ, હવે જિંદગીનો જંગ જીતી ગયા  ! બે પુત્રોનો જન્મ થયો !

મોટો દક્ષ !

ને નાનો- સાવ નાનો એકાદ વરસનો સહર્ષ !

રમકડા જેવા બબ્બે દીકરા

સંબંધોના તાણાવાણા ગુંથાઈ ગયા! લાગણીનાં જાળાં રચાઈ ગયાં સારસીની આસપાસ! સાસુ પ્રતીક્ષાબહેનને પણ થતું :'હાશ, મારા કૌવતની જિંદગીની  વાડી લીલછમ્મ તો થઈ ગઈ ! એની પ્રસન્નતા જોઈને મારી આંખને અંતર બેઉં ઠરે છે !'

બબ્બે બાળકો !

રમકડા જેવા દીકરા !

કાલી કાલી ભાષા સાંભળી પ્રતીક્ષાબહેનના મનમાં રાજીપો રેલાવા લાગી જતો : 'ભગવાન એમને સો વર્ષના કરે !' રમકડાં - જીવતાં જાગતાં બબ્બે રમકડાં સાથે પ્રતીક્ષાબહેન... એમની કાલી કાલી વાણી સાંભળી ઝુમી ઉઠે છે પ્રતીક્ષાબહેન ! એમના બાળમુખેથી  'ડા..ડી' શબ્દ સાંભળીને ડોલવા લાગી જાય છે પ્રતીક્ષાબહેન !

સંસાર ચાલે છે.

કૌવત કહ્યાગરો છે. ' મમ્મી, મમ્મી' કહેતાં એનું મોંઢું સૂકાતું નથી ! 'મમ્મી' શબ્દ બોલતાં બોલતાં લાગણીવશ બની જાય છે કૌવત ! વાહન ચલાવે છે, સંસાર ચલાવે છે ને મા પ્રત્યેની લાગણીનો ફુવારો પણ ઉડાડે છે કૌવત !

પણ કાળના ગર્ભમાં શું છુંપાયું છે એ તો કોણ કહી શકે ! આજની 'ક્ષણ'ને જીવીલો, 'કાલ'ની વાત છોડો ! 'કાલ' કાળ બની જશે કે વહાલની વખાર બની જશે એ તો કોણ કહી શકે ?

ને બનવાનું બની ગયું ! કલ્પના બહારનું બની ગયું ! 'કાલ' અચાનક 'કાળ ચોખડિયું' બની ગઈ ! 'માયા'એ માયાનો જાદુ કર્યો  !સારસીએ મોહની પછેડી ઓઢી લીધી ! કોઈની હાર્ય એ માયા બાંધી બેઠી ! કદાચ જુની વાત હશે ! પણ મનના ભોંયરામાં ધરબાયેલી 'માયા' એ સાપની ફેણની જેમ ફુત્કાર કર્યો ! માયા જાગી, જે મમતા ભાગી ! મોહ જાગ્યો, ને લાગણી છોડ મુરજાયો ! ને એક દિવસે એ બધું જ ભૂલી ગઈ!

પતિને ભૂલી ગઈ!

પોતાના જણતરને ભૂલી ગઈ !

લાગણીથી ભર્યા ભર્યા, ને હૈયાના હેતજળથી છકલાતાં 'સાસુ' એટલે કે પ્રતીક્ષાબહેને પણ ભૂલી ગઈ ! ઘરને ભૂલી ગઈ  ! ઘર વાળાને ભૂલી ગઈ ! પેટના જણ્યાને ભૂલી ગઈ !

ને એ ચાલી ગઈ !

કોઈને કહ્યા વિના ચાલી ગઈ.

કેડમાં મોટા દીકરા દક્ષને લઈને !

કૌવત ભાંગી પડયો !

ટુકડે ટુકડે તૂટી ગયો !

દિલ ખંડ ખંડ થઈ ગયો :

'ઓ મમ્મી, સારસી આમ કરશે, 

એવું તો મેં ધાર્યું જ નહોતું ! હું શું કરું ? નાના સહર્ષને કોણ પાળશે ! જવાબ આપ, જનેતા !'

ને જનેતા છઠ્ઠા દાયકાના અંતની નજીક હોવા છતાં મનથી અને તનથી કડેધડે એવાં, ઉત્સાહના છલકાતા સરોવર સમાં પ્રતીક્ષાબહેન બોલી ઊઠે છે :'થવાનું હતું તે થઈ ગયું ! તું હતાશ ન થા ! હું બેઠી છું ને ! તારી  મા છું, એમ નાના સહર્ષનો પણ માની જેમ ઉછેર કરીશ !' એવો કેડમાં બેસાડીને ફરીશ ! હું જ્યાં જઈશ, ત્યાં એને લઈ જઈશ ! એની સગી જનેતાથી અદકેરાં લાડ લડાવીશ એને ! એના ઉપર મારા હેતના છાંયડા કરીશ ! તું જરાય ચિંતા ન કરતો, બેટા કૌવત ! સહર્ષની ચિંતા મને સોંપી દે ! જે  બન્યું, એનાથી ભાંગી ન પડીશ ! હું બેઠી છું, ને બાર વરસની, ! વાઘણ જેવી ! આજથી સહર્ષની ચિંતા મારા માથે ! એને ઉછેરીશ હું, પાળીશ હું, પાણી માગે ત્યાં દૂધના પ્યાલા પીવડાવીશ હું. એની આંગળી પકડીને ચાલતાં શીખવાડીશ હું ! એને ભણાવી-ગણાવીને 'મોટો માણસ', બનાવીશ હું ! ભૂલી જા બધું, દીકરાં ! જે બન્યું એમાંય કુદરતનો કશોક સંકેત હશે ! મારો હજાર હાથવાળો શામળિયો આપણા માથે બેઠો છે.. એ આપણું કલ્યાણ જ કરશે ! સારસીને આપી દે છૂટાછેડા !

- ને આજે વરસો પછીય, આ સાવ આખી ઘટનાનો મહાનાયિકા એવા પ્રતીક્ષાબહેન આખાય ઘર પર હેતનો વરસાદ વરસાવે છે, કૌવતને માટે સુશીલ કન્યાની શોધ ચલાવે છે, સહર્ષને લાડ લડાવે છે... ને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા સહર્ષની પીઠ થાબડીને કહે છે :'ભણ બેટા, જેટલું ભણવું હોય એટલું ભણ ! હું છું ને તારા માટે મબલક સપનાં રચનારી ! આગળ વધ, બેટા !  હું તને 'મોટોમાણસ' બનેલો જોવા તલસી રહી છું ! દીકરા, મારી આંખો તારા ભવ્ય ભવિષ્યને જોવા માટે તડપી રહી છે ...!! ને પ્રતીક્ષાબહેનની આંખોના ખૂણામાં બે ખારાં દવ ઝાકળ બિંદુઓ ઝુલો ઝુલવા લાગી જાય છે ! 

Tags :