એકલું ભણતર શું કામનું ? ડિગ્રીના કાગળિયા તો પસ્તીના ભાવેય કોઈ ન લે !
રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ
સાંભળી લે મારો હુકમ, જમાઇ તરીકે વિશાલને સ્વીકારી લે ! પ્રેમની ગાંઠ તોડવાનું પાપ ન કરીશ, બેટા !
- દાદીમા
'એ કદી શક્ય નથી...'
'પપ્પા..!'
'મેં કહ્યુંને, એમ થવું શક્ય નથી... પૂછી જો એને, રહેવા ઘર છે ? ફરવા વાહન છે ? અરે, સાયકલ લાવવાની ય હેસિયત છે ? બી.કોમ. થયો છે, એજ છે એની લાયકાત, પણ નોકરી ક્યાં છે ? અત્યારે તો ગ્રેજ્યુએટો કિલોના ભાવે મળે છે ! તું જ કહે, હું માત્ર ચાર જ ધોરણ લગી ભણ્યો છું, પણ મહીને દહાડે બે પાંચ લાખ કમાઇ લઉં છું ! ભણતરને શું કરવાનું ? ડિગ્રીના કાગળિયાને તો પસ્તીના ભાવે ય કોઇ ન લે, સમજી ? માટે સાંભળી લે સારંગી ! મારી આજે ય ના છે, ને આવતીકાલે પણ ના હશે ! બંધ કરી દે એને મળવાનું ! ક્યાં આપણે કે ને ક્યાં એ ?'
પપ્પાનો હુકમ સાંભળી સારંગી ઠરી જ ગઈ ! પપ્પા શું માણસને પૈસાના ત્રાજવે જ તોલે છે ? પૈસો જ જીવન જીવવા માટે સર્વસ્વ છે ? હું વિશાલને પ્રેમ કરું છું, સાચા દિલથી પ્રેમ કરું છું, અને એય મને છાતી ફાડીને પ્રેમ કરે છે ! પ્રેમને પૈસાથી તોળાય ? પ્રેમ પૈસાનો મોહતા જ હોઇ શકે ખરો ? વિશાલ કહે છે : 'આપણો પ્રેમ અખંડ અને અતૂટ છે અને રહેશે, સારંગી ! ને જો તું નહિ હોય તો હું જીવી પણ નહીં શકું !'
'ને હુંય...'
'તો ?'
'પણ-'
'જો સારંગી, પ્રેમની સુગંધ છલકાતી હોય ત્યારે એમાં 'પણ' શબ્દ ન હોય ! જાણું છું, હું ગરીબ છું, તારા પપ્પા ધનવાનછે, બંગલામાં રહે છે ને ગાડીમાં ફરે છે... પણ એતો થઇ સ્થૂળ વાત ! પ્રેમમાં આવી ગણતરીઓ ન હોય ! આપણે વેપાર નથી કરતાં, પ્રેમ કરીએ છીએ, સમજી ?'
'સમજી ગઈ.'
'શું સમજી ?'
'પ્રેમ ક્યારેય ઝુકતો નથી ને આપણે ય ઝુકવાનું નથી, ભલે ઘરવાળાંનો વિરોધ વાવાઝોડાની જેમ ત્રાટકતો હોય !'
પણ સારંગીની વાત સાચી હતી. શેઠ મનોહરલાલ એટલે કે પપ્પાનો ભયાનક વિરોધ હતો. તોય એણે મમ્મીને વાત કરી... 'મમ્મી, પપ્પાને તું સમજાવને ! વિશાલ ખૂબ સારો છોકરો છે ! એના થકી જ હું સુખી થઇશ !'
'પણ એ બહુ જિદ્દી છે, બેટી ! લીધી વાત છોડતા નથી !' મમતાબહેને લાગણીથી કહ્યું : 'નહિ માને, પછી હું ય શું કરું ?'
'કંઇ કરવાની જરૂર નથી, મમતા વહુ. તારા સસરાય ક્યાં માનતા હતા ? પણ મેં એમને સમજાવી દીધા. નહીંતર તમે અત્યારે આ ઘરમાં ન હોત...' અચાનક બારણામાં આવીને ઊભા રહેલાં દાદી બોલ્યાં : 'ત્યારે મનોહર પણ ક્યાં કમાતો હતો ? તોય તું એને પ્રેમ કરતી હતી ! તું ધનવાન બાપની દીકરી, ને અમારું તો હતું ભાડાનું ઘર ! એટલે મનોહરના પપ્પાનો વાંધો હતો : 'એ છોકરીનો બાપ શ્રીમંત છે. મોટો વેપારી છે. ના, હોં ! એ ઘમંડી માણસની દીકરી આપણા ઘરમાં નથી લાવવી ! એને ધનનું ઘમંડ છે... એનામાં પૈસાનો પાવર છે, એ ધનવાન અને આપણે ? સાવ ગરીબ ! ના, મારે એની છોકરી ન જોઇએ, વાત વાતમાં આપણને અપમાનિત કરે, એ તો કેમ સહેવાય ? એ ધનવાન હોય તો એનું ધન એને મુબારક, આપણે તો આપણું ભાડાનું મકાન જ આપણો મહેલ ! એ આપણને ભિખારાં જેવાં ગણે, એ તો શેં ચાલે ? મેં બહુ સાંભળ્યું છે, એ બોલે છે તે ! માટે એની દીકરીના નામ પર કાયમી ચોકડી !'
- ને ચોકડી વાગી જ જાત ! પણ જાદૂ થઇ ગયો દાદીનો ! એમણે પોતાના ઘરવાળા ને એવા તો સમજાવી દીધા કે એમની 'ના', અચાનક 'હા'માં પલટાઇ ગઇ ! ભાગીને મનોહરે મમતા હાર્યે લગ્ન કરી લીધાં ! મમતાના પપ્પા પણ લાચાર બની ગયા ! મનોહરને જમાઇ તરીકે સ્વીકારી લીધો ! મમતા કંકુ પગલી હતી ! મનોહરે નાનકડી દુકાન કરી, દુકાન ચાલી, દુકાન દોડી - ને રૂપિયાનો વરસાદ વરસવા લાગ્યો ! પછી મોટી દુકાન લીધી ! ને પછી તો વેપારનો વાયરો એવો તો ફૂંકાયો કે મનોહર અચાનક 'શેઠ મનોહરલાલ' બની ગયો ! ભાડાનું મકાન છુટી ગયું, ને બંગલો બની ગયો ! બંગલાની બહાર વૈભવી કાર પાર્ક થઇ ગઈ !
ને આજે વરસો પછી -
એ જ વાત પુનરાવર્તન થઇ રહ્યું હતું, અલબત્ત, કારણોનો પક્ષ બદલાઇ ગયો હતો ! ત્યારે પ્રિયતમા ગરીબ હતી, આજે પ્રેમી ગરીબ છે - પણ વાત તો એકની એક છે ! બંને પક્ષોની નબળી-સબળી હેસિયત !
'મનોહર !'
'શું છે, બા ?'
'મારો હુકમ માનીશ કે નહીં
માને ?'
'કયા દિવસે મેં તમારો હુકમ ન માન્યો, બા ? તમારી ઇચ્છા જ મારા માટે હુકમ છે !'
'તને બધું જ યાદ છે ?'
'હા, બા !'
'તારા પપ્પા ના પાડતા હતા મમતા સાથે લગ્ન કરવાની... વાત સાચી ?'
'સાવ સાચી,
બા !'
'ને મેં એમને સમજાવી લીધા હતા... વાત સાચી?'
'હા, બા ! સાવ સાચી !'
'તો હવે બીજી પણ એક બિલકુલ સાચી વાત સાંભળી લે : સારંગી દીકરી વિશાલ સાથે જ લગ્ન કરશે ! બે પ્રેમાળ હૈયાંની ગાંઠ તોડવાનું કામ ન કરીશ, બેટા ! પ્રેમની ગાંઠ તોડવી એ તો મહાપાપ છે !'
'એટલે ?'
'બસ, સારંગી દીકરી કહે તેને સ્વીકારી લે. વિશાલને તારો જમાઇ બનાવી દે !'
ને માનશો ? એ જ અઠવાડિયે વિશાલ અને સારંગી લગ્નની ગાંઠે બંધાઇ ગયાં ! દાદીએ બેયને આશીર્વાદ આપતાં કહ્યું : 'જાવ, બે ય જણાં જલસા કરો અને વિકાસના માર્ગે આગળ વધો...!'