સંતાનોને ‘‘SIMPLE PLEASURS'' - ''નિર્દોષ આનંદ'' આપો ‘‘Foolish Pleasures'' - મુર્ખામી ભર્યો આનંદ નહીં
વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
સંતાનોની સાથે રમવું, સમય આપવો, બહાર ફરવા લઇ જવાં તે સરળ અને સાદગીભર્યો આનંદ છે. પણ આ બધું ન આપી અપરાધભાવ અનુભવનાર માતા-પિતા તેમને પી.એસ.પી., વીડીયો ગેઇમ્સ, મોબાઇલ, મોટર બાઇક વગેરે ખરીદી આપે છે જે મુર્ખામીભર્યો આનંદ- Foolish pleasures છે
બાળ ઉછેરનો તનાવ પ્રત્યેક માતા-પિતાને સવિશેષ સતાવે છે. ઘણાં માતા પિતા એવું કહેતા સંભળાયા છે કે આજ-કાલના છોકરાંઓનું શું કરવું ? તેમને કેવી રીતે હેન્ડલ કરવા ? કારણ તેઓ,
કહ્યું માનતા નથી.
વાંચવા બેસતા નથી.
કોમ્પ્યુટર, ટી.વી., મોબાઇલમાં માથું નાંખી આખો દિવસ પડયા રહે છે.
આળસુ અને કામચોર બની ગયાં છે.
કંઇક કહીએ તો સામે બોલે છે.
આજકાલની પેઢી સાથે કામ કઇ રીતે લેવું ?
મારી પાસે સંતાનોની વિવિધ સમસ્યાને લઇને આવતાં માતા-પિતાની વાત સાંભળી મને ક્યારેક લાગે છે કે વાત શું આટલી બધી વણસી છે ? તો તેને માટે જવાબદાર પરિબળો કયાં હોઇ શકે ?
આધુનિક ઇલેકટ્રોનિક યુગની ઝડપી ક્રાંતિ તથા સુખ-સગવડના સાધનો ?
બાળકો પર સોબત જૂથ-PEER PRESSURE દબાણ ?
બાળકોમાં વધતો જતો એકાગ્રતાનો અભાવ અને અતિક્રિયાશીલતા ?
કે પછી પરિપકવ અને સમતોલ વાલીપણાનો અભાવ ?
જવાબદાર પરિબળોના લીસ્ટમાં ઘણાં બીજાં કારણો ઉમેરી શકાય.
યુગનો દાખલો લઇએ. યુગ પાસે બાળપણથી જ હજ્જારોની કિંમતનાં રમકડાં છે. તેના મોટાભાઈની બેટરી ઓપરેટેડ કાર, બાબાગાડી વગેરે રમકડાં ઘરમાં હાજર હોવા છતાં તેને માટે હજ્જારોની કિંમતના નવાં રમકડાં લેવાયાં છે. યુગ તે રમકડાંથી રમે છે અને દર અઠવાડીયે કીડસ ટોપશોપમાંથી તેની ઇચ્છા મુજબ નવાં મોંઘાદાટ રમકડાં લેવાય છે.
યુગનું બાળપણ સુખમય હોય છે. છતાં પણ ધીરે ધીરે તે ચીડીયો, ગુસ્સેબાજ અને માતા-પિતાની સામે થતો થઈ જાય છે. ધાર્યું ન થાય તો તે આકાશ પાતાળ એક કરી નાંખે છે. નાની નાની વાતમાં તોડફોડ કરવા માંડે છે. અપશબ્દો બોલવા માંડે છે. તેને ઘરનું ખાવાનું પણ પસંદ નથી. તેને માટે સ્વીગી દ્વારા મનપસંદ ફાસ્ટફૂડ તાત્કાલિક મંગાવવો પડે છે. ભણવામાં યુગને લેશમાત્ર પણ રસ નથી.
યુગની બાલ્યાવસ્થાની તથા પેરેન્ટીંગની હિસ્ટ્રી તપાસતાં જણાય છે કે તેના માતા પિતાએ તેના ઉછેરમાં જે ભૂલ કરી તે લગભગ બધાં જ માતા-પિતા કરે છે.
એ સર્વ સામાન્ય ભૂલ છે. માતા-પિતા તેમના સંતાનોને મોટેભાગે ‘‘SIMPLE PLEASURS” - અર્થાત્ સાદગીભર્યો આનંદ આપવાને બદલે ‘‘Foolish Pleasures’ - અર્થાત્ મુર્ખામીભર્યો આનંદ આપે છે.
એટલે કે માતા-પિતા સંતાનોને એવી એવી વસ્તુઓ લાવી આપે છે જેનાથી તેઓ સુખી થવાને બદલે u ‘‘Foolishly happy ’’ અર્થાત્ મૂર્ખાઈભર્યા સુખનો આનંદ મેળવે છે. સરળ સુખનું મહત્વ અને આનંદની સમજ તેમનામાં ક્યારેય આવતી જ નથી.
આ ‘Smile Pleasures’ એટલે કે સરળ અને સાદગી ભર્યો આનંદ એટલે સાથે રમવું, સમય આપવો, બહાર ફરવા લઇ જવાં વગેરે પ્રવૃત્તિ સમયના અભાવે કરી શકતા નથી. એટલું જ નહીં આ નિર્દોષ આનંદ ન આપવા બદલ માતા-પિતા અપરાધભાવ અનુભવે છે એટલે એમને મોંઘા દાટ રમકડાં, ડ્રેસ, પી.એસ.પી., વીડીયો ગેઇમ્સ, મોબાઇલ ફોન મોંઘીદાટ મોટરબાઇક વગેરે ખરીદી આપે છે.
આ ઉંમરે આટલું કમાઇને ખરીદવાની તેમનામાં ક્ષમતા હોતી નથી. એટલું જ નહીં આ કીંમતી વસ્તુઓ તેમના મગજમાં ખોટી હવા ઉભી કરે છે. થોડા સમયમાં તેમની પાસે જે છે તેમનો નશો તેમને ઉતરી જાય છે. એટલે વધારે કિંમતી વસ્તુ મેળવવાની તેમને તલપ ઉપડે છે. જો માતા-પિતા એ ન લાવી આપે તો કહે છે 'બધાના માતા-પિતા તેમને માટે ઘણું કરે છે, તમે જે કંઇ કર્યું તે કંઇ નવાઇ નથી કહી' બસ આ પ્રકારના એવાં એવાં વાક્યો બોલી, જીદ કરી, ધમાલ કરી ધારી મોંઘીદાટ વસ્તુ મેળવે છે. જેનો નશો થોડા સમયમાં ઉતરી જાય છે અને તેમને વધારે કિંમતી વસ્તુ મેળવવાની ઇચ્છા થાય છે. જેને કારણે માતા-પિતાનો આ લાડલો બેટો કે બેટી તેમના માટે આનંદ કે ગર્વને બદલે તનાવ અને માથાના દુ:ખાવાનું કારણ બની જાય છે.
હૈદ્રાબાદના નિઝામનો ઐતિહાસિક દાખલો સર્વ વિદીત છે. ૧૯૭૬માં નિઝામે એનું વીલ એ રીતે બનાવ્યું કે એના વંશ વારસો પેઢીઓ સુધી બેઠે બેઠે એશો આરામથી જીવન ગુજારી શકે. પણ નિઝામના મૃત્યુ પછી માત્ર દસ વર્ષમાં તો બધાં ફૂટપાથ પર આવી ગયાં.
મોગલ સલ્તનતના છેલ્લા શહેનશાહ - બહાદૂરશાહ જફરના સગાઓ તો કલકત્તાની શેરીઓમાં ભીખ માંગતા જોવા મળ્યાં હતાં.
આનું શું કારણ ? તેની ચર્ચા અત્રે કરૂં છું.
અંગ્રેજી ભાષામાં એક સરસ કહેવત છે - Give Fish to your son he eats for a day, Teach him to fish he eats every day. જેનું ગુજરાતી થાય છે તમારા બાળકને એક ખૈજર આપશો તો એ એક દિવસમાં ખાઇ જશે અને જો ફીશીંગ કરતાં શીખવાડશો તો, તે રોજ ફીશ ખાઇ શકશે.
સંતાનને લાડ લડાવી બધું તૈયાર ભાણે પીરસી ન દેવાય પણ કેટલી વીસી સો થાય છે તેમ શીખવાડાય.
આનો અર્થ એવો પણ નથી થતો કે માતા પિતાએ સંતાનને કોઇ જાતની સગવડો આપવી નહીં પણ જે કંઇ સગવડો કે મોજ શોખના પ્રસાધનો આપે તે સમજી વિચારીને આપે તે અત્યંત જરૂરી છે.
એટલું હંમેશાં યાદ રાખો કે તમારા પુત્રમાં તમે આવડત વિકસવા દીધી હશે તો તે રાખમાંથી સોનું બનાવી શકશે અને આપબળે કરોડો કમાઇ શકશે. એથી તદ્દન વિપરિત 'મારૂં વહાલું બચ્ચું' કરીને પંપાળીને રાખ્યો હશે તો કરોડો રૂપીયા ફૂંકી મારી રાખમાં પલટાવશે.
યુરોપિયન કોમ્યુનીટી ડ્રગ પ્રીવેન્શન કમીશને તેની એક થોડાં વર્ષે પહેલા પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં નીચે મુજબ લખાણ લખ્યું છે.
'પાપા... તમે આજે રાત્રે મારી સાથે ડીનર લેશો ?'
- જય ઉ. વ. પાંચ.
જય સાથે દાલ-ચાવલ ખાવા એ સાદગીભરી ખુશી છે - (Simple pleasure) જ્યારે મોડા આવવું અને ઘેર આઇસક્રીમ, ચોકલેટ, ઇમ્પોર્ટેડ રમકડાં લાવવા એ મૂર્ખામી ભર્યો આનંદ છે. (Foolish pleasure) સૌ માતા પિતા એ વાત પર શાંતિથી વિચાર કરે એ મારી નમ્ર વિનંતી છે. આ જાહેરાતમાં આગળ લખ્યું છે, 'જય એકલું એવું બાળક નથી જે આવી અધૂરી ઇચ્છા સાથે સૂઈ જાય છે.'
વિશ્વભરના તજજ્ઞાોનું દ્રઢપણે એવું માનવું છે કે તમારા ઘરમાં ડ્રગ્સને પ્રવેશતી અટકાવવી હોય તો તમારા સંતાનના ખાસ દોસ્ત બનો. દરરોજ તેની સાથે એકવાર જમો. તમારા ઘરમાં પણ કોઇ નાનો જય હોય તો તેની લાગણીભરી વિનંતિને માન આપો... આજથી જ શાણપણભર્યો નિર્ણય કરો.
સંતાનો માતા-પિતાને ઘણો તનાવ પહોંચાડી શકે છે. બાળ ઉછેર એ એક મુશ્કેલ કાર્ય છે. પરંતુ આ મુશ્કેલ કામ આનંદ અને સંતોષથી કરી શકાય છે.
કુદરતી ખામીને લીધે બાળકો માતા પિતાને તનાવ પહોંચાડતા હોય તો તે માતા-પિતાના હાથમાં નથી. એ એક કડવી વાસ્તવિક છે અને જીવનનો એક ભાગ છે. સંતાનમાં સર્જનાત્મક શક્તિ અને કલ્પનાશક્તિ વિકસાવી તનાવને હળવો કરી શકાય છે.(ક્રમશ:)
ન્યુરોગ્રાફ
માતા-પિતાનો ૬૦% તનાવ તેમના સંતાનોને કારણે હોય છે. જ્યારે ૪૦% તનાવ તેમની અંગત સમસ્યાઓને કારણે હોય છે.