Magazines

રેવતીની આ સત્ય કથા સમજવા જેવી છે

By GS TEAM
24 Jun 20258 mins read
રેવતીની આ સત્ય કથા સમજવા જેવી છે

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

 - તેને લાગ્યુ કે આ દુનિયામાં તે એકલી અને નોધારી જ છે. તેને ન્યાય અપાવી શકે તેવું કોઈ નથી

૩૫ વર્ષની રેવતી દેખાવે સુંદર છે, મોહક વ્યક્તિત્વ ધરાવે છે, શૈક્ષણિક કારકિર્દી પણ ઉજ્જવળ રહી છે અને નોકરી વ્યવસાયમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ તે તેની જિંદગીથી સંતુષ્ટ નથી. તેને એવું લાગે છે કે બધુ જ હોવા છતાં પણ જિંદગીમાં તે સ્થિરતા મેળવી શકી નથી. તે હંમેશાં ડરેલી અને ગભરાયેલી હોય એવું તેને લાગ્યાં કરે છે. રેવતી અત્યારે જિંદગીનાં એ પડાવ પર આવી છે જ્યાં તે જિંદગીથી હારી અને થાકી ગઈ છે.

રેવતીની કહાનીની શરૂઆત તે સાત વર્ષની હતી ત્યારથી થઇ છે. એ સાત વર્ષની હતી ત્યારે એના સગા મામા તેના ઘરે ૧૨માં ધોરણનો અભ્યાસ કરવા અને ૈંૈં્-વઈઈનાં કોચિંગ કલાસીસ ભરવા આવ્યાં હતાં. મામા-ભાણી વચ્ચે ઘણો સારો લગાવ હતો. મામા તેને ઘણું બધું શિખવાડતા હતાં અને અભ્યાસમાં ઘણી મદદ કરતાં હતાં. મામા પોતાના કોર્સનું મોડી રાત સુધી વાંચન કરતાં અને ભાણી પણ મામા સાથે બેસી કંઇક અવનવું શીખ્યા કરતી. આમ મામા ભાણી વચ્ચે એક તંદુરસ્ત ગુરુ શિષ્યાના સંબંધો સ્થાપાઈ ગયા હતા. રેવતીને વિશ્વાસ બેસી ગયો હતો કે મામા તેને ઘણું બધું અવનવું શીખવાડશે. 

એક સાંજે રેવતીના મમ્મી-પપ્પા પાંચ છ કલાક માટે બહાર ગયા હતાં. મામાએ રેવતીને તેમના ખોળામાં બેસી અને ભણવા માટે સમજાવી. રેવતી હોંશે હોંશે પ્રેમાળ મામાનાં સાનિધ્યમાં કંઇક અવનવું શીખવા માટે તૈયાર થઇ ગઈ. મામાએ એને માનવ શરીરની રચના અને કાર્યપદ્ધતિ શીખવાડવાનું શરુ કર્યું. આંખ, કાન અને મોં પછી નીચેનાં ભાગના અવયવોની ચર્ચા ચાલી. આ દરમ્યાન સ્ત્રી અને પુરુષ વચ્ચેના મુખ્ય તફાવતોની સમજ આપતાં આપતાં મામાએ જાતીય જ્ઞાનનાં કોઠા હેઠળ કેટલીક હરકતો શરુ કરી જેનો રેવતીને અણસાર સુદ્ધા ન આવ્યો. 

થોડા સમય પછી રેવતીને લાગ્યું કે તેની સાથે કંઇક અઘટિત કે અજુગતું થઇ રહ્યું છે. તેણે મામા દ્વારા થતી શારીરિક છેડખાનીનો અવરોધ કરવાનું શરુ કર્યું. ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી મામાએ રેવતી પર બળજબરી કરી અને પોતે કહે તેમ કરવા દબાણ કર્યું. તે સમયે રેવતી ખૂબ રડી એટલે મામા એ તેને વધારે હરકત કરવાને બદલે છોડી દીધી.  

પછી ધમકાવતા એવું કહ્યું કે આ વાત કોઈને પણ કહીશ તો કોઈ માનશે નહીં. મારી બહેન એટલે કે તારી મમ્મીનો હું લાડકો છું એટલે મને ઉની આંચ પણ નહીં આવે. આટલું પુરતું ન હોય તેમ મામાએ એવી કાકલુદી પણ કરી કે હું અહીંયાં કોચિંગ ક્લાસ માટે આવ્યો છું અને તું કઈ પણ કરીશ તો મારું ભવિષ્ય બગડશે. સાથે સાથે એવી ધમકી પણ આપી કે મારું ભવિષ્ય બગડશે તો તારું ભવિષ્ય પણ હું બગાડી નાખીશ.

થોડી વારમાં મામાનાં આદેશનું પાલન કરી રેવતી સ્વસ્થ થઇ અને મામા પાસે ઈંગ્લીશની વોકેબ્યુલરી વધારવા નવાં નવાં સ્પેલીંગો શીખવા માંડી. તેના મમ્મી-પપ્પા રાત્રે ઘેર આવ્યાં ત્યારે રેવતીએ મમ્મીને કહ્યું તેની તબિયત સારી નથી અને તે જમવા માંગતી નથી અને કાલે સવારે સ્કૂલે પણ નહીં જાય અને આરામ કરશે. મમ્મીએ તેને પંપાળી અને સુવડાવી દીધી.

રાત આખી તો રેવતીને ઊંઘ ન આવી. સવારે પપ્પા ઓફિસે ગયાં પછી રેવતીએ તેની મમ્મીને આગલા દિવસની ઘટનાની વિગતવાર વાત કરી. મમ્મીને પણ વાત સાંભળીને આઘાત લાગ્યો કે જે વ્યક્તિ તેની આટલી નજીકની હતી એણે આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું એ કેવી રીતે ચલાવી લેવાય? પરંતુ પછી એમણે વિચાર કર્યો કે ભાઈની કારકિર્દીનું આ મહત્વનું વર્ષ છે. તેના પપ્પા આ દુનિયામાં  નથી. મમ્મીની તબિયત પણ સારી નથી અને એનામાં લાંબી વિચાર શક્તિ પણ નથી. એટલે આ સંજોગોમાં ભાઈને ટેકો ન આપવો એ પણ વ્યાજબી નથી. એટલે આ વાત રેવતીના પપ્પાથી છુપાવવી. દીકરીને સમજાવી લેવી અને એકલી ના મુકવી. ભાઈને પણ જો આ બધી ખબર પડી જાય તો એનું ભણવામાં ધ્યાન ન રહે. એટલે બધું ભીનું જ સંકેલી લેવું.

મમ્મીએ દિકરીને ફોસલાવતા અને સમજાવતા કહ્યું કે આ સંજોગોમાં ભાઈને હું ઘેરથી બહાર તો નહીં કાઢી શકું, તું પણ તારા પપ્પા સાથે આ વાતની કોઈ ચર્ચા ન કરીશ. એમને આમાંથી કોઈ વાતની ખબર ન પડવી જોઈએ. આ આખીએ ઘટનાને તું ભૂલી જા એ જ તારા હિતમાં છે. જો કોઈ વાતની બહાર ખબર પડશે તો મોટી થઈશ ત્યારે બદનામી તારી જ થશે.  હવે પછી હું હંમેશાં તારી સાથે રહીશ અને તારા મામાને તારી સાથે કોઈ પણ પ્રકારની હરકતો કરવાનો મોકો હું નહીં આપું. મારી વહાલકી બચ્ચી મારું કહ્યું માનીજા. 

રેવતીએ મમ્મીની વાત સ્વીકારી લીધી. પરંતુ તેને અફસોસ એ વાતનો રહ્યો કે મમ્મીએ પોતાના ભાઈને માસુમ પુત્રીની સામે બોલાવીને ન તો ધમકાવ્યો કે પછી ઘર બહાર કાઢી મુકવા માટે ન તો ડરાવ્યો. આ હિચકારા કૃત્યની તેને જાણ થઇ છે તેવું ભાઈને કળાવવા પણ ન દીધું અને આ આખીયે ઘટનાને દબાવી દીધી.આ ઘટનાનાં બહુ જ ઊંડા ઘસરકા નાની બાળકીનાં મન પર પડયાં. તેની સાથે થયેલો બાળ દુર્વ્યવહાર અને મમ્મીની બેફિકરાઈથી તેના બાળમાનસને ઘણા સવાલો થયા. તેને લાગ્યુ કે આ દુનિયામાં તે એકલી અને નોધારી જ છે. તેને ન્યાય અપાવી શકે તેવું કોઈ નથી. સમય પસાર થતો ગયો ધીરે ધીરે તે બધું ભૂલી ગઈ, ભણવામાં તો તે ઘણી હોંશિયાર હતી જ અને પૂરી લગનથી તેણે ભણવાનું શરુ કર્યું અને અભ્યાસમાં સફળતાના ઊંચા શિખરો સર કરતી ગઈ.

તેની ઉંમર જ્યારે ૧૨-૧૩ વર્ષની થઇ એટલે કે  તે ૭માં ધોરણમાં આવી ત્યારે પ્રથમ વાર તેને માસિક સ્ત્રાવ શરુ થયો. તરુણાવસ્થા સાથે સંકળાયેલા હોર્મોન્સના ફેરફારની સાથે તેના મનમાં ધરબાયેલા ઉઝરડાઓ લોહી નીંગળવા લાગ્યાં. જેમ જેમ આ ઘાવો તાજા થતાં ગયાં તેમ તેમ રેવતીના મનમાં સેક્સ વિષયક ઊંધાચત્તા વિચારો આવવા લાગ્યાં. 

સેક્સ વિશેના સકારાત્મક તેમજ નકારાત્મક વિચારો વચ્ચે ગૂંચવાયેલી રેવતી એક તરુણનાં પરિચયમાં આવી. પરિચય, આકર્ષણ અને પછી  મોહમાં ફેરવાવા લાગ્યો. રેવતીના શરીરમાં થતા હોર્મોન્સના ફેરફારોને કારણે તેની કામેચ્છા તીવ્ર બની. આમ પણ જે બાળકો સાથે બાળપણમાં જાતીય દુર્વ્યવહાર થાય છે તે તરુણાવસ્થામાં સેક્સમાં વધારે અને કસમયનો રસ ધરાવવા માંડે છે. 

જેમ જેમ બન્નેનો સંબંધ વધતો ગયો તેમ તેમ રેવતી પેલા તરુણ ઉપર માલિકીહક્ક જતાવવા માંડી. જો પેલો છોકરો તેના ફોનનો જવાબ ન આપે તો તેને ખૂબ ગુસ્સો આવતો અને તેને એવું લાગતું કે તે છોકરો એને છોડીને જતો રહેશે. આ વિચાર માત્રથી તે ધ્રુજી જતી અને પેલા છોકરાની સાથેનાં સંબંધો જાળવી રાખવા માટે નીતનવા નુસ્ખાઓ કરતી. 

તે મનમાં સતત ખાલીપણાનો અનુભવ કરતી. એટલે પેલા છોકરાનો સંપર્ક કરવા અધીરી બની જતી. છોકરો બીજી કોઈ છોકરી  સાથે વાત કરતો હોય તો રેવતી એના પર ગુસ્સે થઇ જતી. બહુ મોટો ઝઘડો કરતી અને બે-ત્રણ દિવસ માટે બોલવાનું બંધ કરતી હતી. રેવતી એ છોકરા પર એટલું બધું આધિપત્ય જમાવવા લાગી કે છોકરો આ સંબંધોમાં ગૂંગળામણ અનુભવવા લાગ્યો. તેણે રેવતીને સમજાવ્યું કે પોતે તેને  કેટલો વફાદાર છે. પરંતુ રેવતીનું વર્તન વધારે ને વધારે વિચિત્ર થવા લાગ્યું. ક્યારેક તે છોકરા માટે ગમે તે કરવા તૈયાર જતી, તેના પગ ધોઈને પીવાની કે તેની પૂજા કરવાની વાતો કરતી. આ દુનિયામાં તેને સમજી શકે અને સ્વીકારી શકે તેવો મત્ર એ એકજ છે એવું કહેતી. તો ક્યારે એનો ખુબ ઉધડો લેતી એની સાથે ખુબ ઝગડા કરી ઉતારી પડતી અને અપશબ્દો પણ બોલતી. તે છોકરાને સમજાતું ન હતું કે રેવતીનું કયું સ્વરૂપ સાચું છે? તે નોર્મલ છે કે અબ્નોર્મલ?

રેવતીનાં દિન પ્રતિદિન વધતા જતા ત્રાસથી બચવા આખરે તે છોકરાએ તેની સાથેનાં સંબંધો કાપી નાખ્યાં. રેવતીનું ખાલીપણું વધી ગયું. તે એ છોકરાને સોશિયલ મીડિયા પર ચેઈઝ કરવા લાગી. એ કોની સાથે વાત કરી રહ્યો છે, કોની સાથે મિત્રતા વધારી રહ્યો છે તે બધી જ વાતનું બારીકીથી ધ્યાન રાખવા લાગી. તેના વર્તનનો આ ફેરફાર મમ્મીને સમજાઈ ગયો અને મમ્મીએ દિકરીને અભ્યાસમાં ધ્યાન પરોવવા માટે કડક સૂચનાઓ આપી.

રેવતી ભણવામાં હોંશિયાર હતી અને ખૂબ બુદ્ધિમાન હતી એટલે તેણે ભણવામાં ધ્યાન આપવા માંડયું અને તે ૧૨માં ધોરણમાં અને ગ્રેજ્યુએશનની પ્રવેશ પરીક્ષામાં સારા માર્ક્સ લાવી કોલેજમાં દાખલ થઇ. કોલેજમાં તેના ત્રણેક અફેર થયા પણ એનાં કંટ્રોલીંગ અને ગુસ્સેબાજ સ્વભાવ અને વિચારોની સ્થિરતાના અભાવને કારણે તેનો કોઈ સંબંધ લાંબો ન ચાલ્યો અને તેના ત્રણ બ્રેકઅપ થયાં. આ સમય દરમ્યાન ક્યારેક તે પોતાના હાથ પર કાપા મૂકતી અને એમાંથી નીકળતું લોહી જોઇને તેનો તનાવ હળવો થતો. એટલુ જ નહીં દરેક સંબંધમાં તે આત્મહત્યા કરવાની ધમકી આપતી. આથી છોકરાઓ તેને થોડી સાચવીને હળવેકથી છોડી દેવા લાગ્યાં. વારંવારનાં બ્રેકઅપ્સ અને સંબંધોનાં તનાવ છતાં પણ તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકી. તેણે ઉચ્ચ અભ્યાસ પણ કર્યો અને તેને સારી નોકરી પણ મળી ગઈ. 

ઉચ્ચ અભ્યાસ અને સારી નોકરી કરતી રેવતી ફરીથી એક યુવાનનાં પ્રેમમાં પડી. રેવતીને સમજાતું હતું કે ઉચ્ચ બુદ્ધિમત્તા હોવા છતાં તે સંબંધોનું મેનેજમેન્ટ કરવામાં કાચી પડતી હતી. એટલે તેને રીલેશનશીપ મેનેજમેન્ટના ઘણા કોર્સીસ કર્યા, પુસ્તકો પણ વાંચ્યા. હવે જીંદગીમાં સ્થિર થવા આ યુવાન સાથેનો પ્રેમસંબંધ કાયમી ટકાવવાનો એને નિર્ધાર કર્યો. તેને પોતાની બધી જ વાત તેના નવા મિત્રને કરી દીધી. બન્ને વચ્ચે એક વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો. અને પછી બંનેના કુટુંબની સંમતિથી લગ્ન પણ થયા. 

પરંતુ આ લગ્ન દોઢ વર્ષથી લાંબા ન ટક્યા. કારણ તેનો પતિ તેના પર ખુબ જ વધારે શંકાશીલ થઇ ગયો હતો અને તેને કંટ્રોલ કરવાની કોઈ પણ તક જવા ના દેતો. એટલુંજ નહિ ગુસ્સે થઈ અપશબ્દો પણ બોલતો અને ક્યારેક હાથ પણ ઉપાડી લેતો. રેવતીથી આ બધું સહન ના થયું.  અને તે પોતાના પિતૃગૃહે પાછી આવી ગઈ. તેના છૂટાછેડા થઇ ગયા. 

આ સમય દરમ્યાન તેને ત્રણ નોકરી બદલી. તે જ્યાં કામ કરતી હતી ત્યાં પણ તેના બોસ સાથે તેને ઘણી રકઝક થતી. સહકર્મીઓ સાથે પણ તેને ખૂબજ ઝઘડા થતાં હતાં. 

 મમ્મી પપ્પાના ઘરે તે પોતાના નાના ભાઈ અને ભાભીને સાથે જોઈને અકારણ છળી ઉઠતી. તેમના સંતાનોને જોઈને તે ઈર્ષ્યાની આગમાં બળતી એટલે નાના ભૂલકાઓને પણ ઘમકાવી નાંખતી. રેવતીથી બધા કંટાળી ગયા હતા. એની મમ્મીએ  પણ રેવતીનું આવું અકળ વર્તન જોઈને એને ત્યાં સુધી સંભળાવી દીધું કે તું હવે તારો અલગ ફ્લેટ ભાડે લઇ ત્યાં રહેવા જા અને નોકરી કરી તારી મેળે તારું ગુજરાન ચલાવ.

રેવતી હવે પોતાની જિંદગીથી થાકી ગઈ હતી, સંજોગોથી હારી ચુકી હતી. (ક્રમશ:)