Get The App

તમારો વિકાસ ઇચ્છતા હો તો... કોઈની ભૂલ બદલ ટીકા ન કરશો

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
તમારો વિકાસ ઇચ્છતા હો તો... કોઈની ભૂલ બદલ ટીકા ન કરશો 1 - image


વ્યક્તિત્વ વિકાસ અને મનની શાંતિ મેળવવી હોય તો કોઈનીયે ટીકા કરવાનો કોઈ મતલબ નથી કારણ આનાથી એ પ્રતિકારક સ્વરૂપ ધારણ કરી પોતાના કાર્યને યોગ્ય ઠરાવવા પ્રયત્ન કરે છે એ ક્યારેય સુધરતો નથી

માનવ સ્વભાવના મૂળમાં એક વાત પડી છે કે કોઈપણ માણસ પોતે ભૂલ કરી છે એ વાત સ્વીકારવા તૈયાર નથી થતો

હા ...તમે કોઈપણ ગુનેગારને એમ કહેશો કે આવું કૃત્ય કર્યું. એ એની જ ભૂલ છે. એમાં એનો જ વાંક છે તો એ ક્યારેય તમારી વાત નહિ સ્વીકારે એટલું જ નહિ પણ પોતાને સાચી ઠેરવતી અસંખ્ય દલીલો એ કરશે.રોંગસાઈડ પરથી તમને ખોટી રીતે ઓવરટેઈક કરી ઝડપભેર ધસમસતું વાહન ચલાવનાર અકસ્માત કરીને તમને નુકસાન પહોંચાડયા પછી પણ વાંક તમારો કાઢશે. એટલું જ નહિ પણ તમને વાહન ચલાવતા આવડતું નથી, તમે ટ્રાફીકના નિયમો જાણતા જ નથી એવી અસંખ્ય દલીલો કરશે.

અરે, આ સામાન્ય વાત જવા દો. સાબરમતી જેલમાં જઈને અઠંગ ગુનેગારને તમે કહેશો કે આમાં તારો જ વાંક છે તો એ પણ તમારી વાતનો સ્વીકાર નહિ કરે. ઊલટાનો એ તમને સમજાવવા મથશે કે એ કેટલો નિર્દોષ છે !!

સાબરમતી જેલમાં લાંબો સમય સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા એક અધિકારીએ મને કહ્યું હતું કે, સામાન્ય ઘરફોડ ચોરી, ખૂન, હત્યા કે સામૂહિક હત્યા, રાયોટીંગ કે જીવતા સળગાવવાની ઘટનાઓમાં પકડાયેલા લોકો પણ પોતાની જાતને નિર્દોષ સમજતા હતા, એટલું જ નહિ પણ આવું કૃત્ય કરવા પાછળ તેમની પાસે સબળ કારણ હતું અને બીજાની દ્રુષ્ટતાને કારણે જ તેમને આવું કૃત્ય કરવું પડયું હતું તેવું તેઓ ભારપૂર્વક કહેતા હતા.

તેઓ પોતાને સંજોગોના શિકાર સમજતા હતા. પોતાના ચોરી, લૂંટફાટના કાર્યો વિશે તર્ક સંગીન દલીલો કરીને પોતાની તે લાચારી હતી કે સંજોગોએ ચીંધેલો એકમાત્ર રસ્તો હતો એવું કહેતા હતા. કેટલાંક તો પોતાના કૃત્યને સામાજિક ન્યાય માટેનું કૃત્ય ગણાવતા અને તેમને ખોટી રીતે જેલમાં પૂર્યા છે તેમ કહેતા.

પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગેંગસ્ટરે કહેલા શબ્દો ધ્યાનથી વાંચવા જેવા છે.

મેં મારી સમગ્ર જિંદગી ગરીબ અને ભૂખ્યા લોકોની સેવા કરવામાં ગાળી છે. કોઈ શ્રીમંતના પેટમાં ભલે ગોળી ઘૂસાડી દેવી પડે. પણ ગરીબનું પેટ ખાલી ન રહી જાય તે જ મારો જીવનમંત્ર હતો. બદલામાં મને શું મળ્યું છે જાણો છો ? ગાળો, અપશબ્દો અને એક બદનામ માણસની ભાગેડું જેવી જિંદગી, મારું અસ્તિત્ત્વ પણ કેવું જેને કોઈને કોઈ શોધતું જ હોય.

હકીકતમાં મેં સમાજના ઉદ્ધારકનું કામ કર્યું છે, લોકોએ મને તથા મારા કાર્યોને ખોટી રીતે વગોવ્યા છે.

જેના પર સંખ્યાબંધ લૂંટ, ચોરી અને મર્ડરના આરોપો હતા એવા નામચીન બૂટલેગરને મરણ પથારીએ પાડયા પછી પણ તેના કુકર્મો બદલ પશ્ચાતાપ નહોતો થતો કે આટલાં ગુનાઈત કૃત્યો કરીને તેણે કોઈ પ્રકારની ભૂલ કરી હોય તેમ તે માનતો ન હતો.

આ કિસ્સાઓ આપણને ચોંકાવનારો ઉપદેશ આપી જાય છે કે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા, સાવ હતાશ અને કાચા કામના કેદીની કે મૃત્યુદંડ તરીકેની સજાઓ મેળવી ચૂકેલા લોકો પણ જો પોતાની જાતને નિર્દોષ ગણાવતા હોય, પોતે કોઇપણ ભૂલ કરી છે એમ સ્વીકારવા તૈયાર ન હોય તો આપણને રોજ-બરોજ મળતા આપણી આજુબાજુના માણસો ક્યારેય એવું સ્વીકારશે ખરા કે એમણે કોઈ ભૂલ કરી છે ?

માણસ સાથેના સંબંધો અંગે વિચાર કરતા એક વાત સ્પષ્ટ જણાય છે. કોઇપણ વ્યક્તિને તેની 'ભૂલ' પ્રત્યે સભાન કરવી, ઠપકો આપવો કે ટીકા કરવી એટલે મધપૂડાને છંછેડવા જેવું છે.

કારણ માનવ સ્વભાવના મૂળમાં એક વાત પડેલી છે કે કોઇપણ માણસ પોતે ભૂલ કરી છે એ વાત સ્વીકારવા તૈયાર નથી, સોમાથી નવાણું વાર કોઇપણ માણસ પોતાની ભૂલ કબૂલવા તૈયાર હોતો નથી અને દરેકવાર પોતે કંઈ ખોટું કર્યું જ નથી એમ કહ્યા કરે છે, પછી ભલે ને એણે પહાડ જેવડી મોટી ભૂલ કરી હોય !!

વ્યક્તિત્વ વિકાસ માટે પોતાના મનની સુખ શાંતિ મહત્ત્વની છે અને મનની શાંતિ મેળવવાનો અને ટકાવી રાખવાનો ઉત્તમ રસ્તો એ છે કે વહેલા કે મોડા આપણે એક સત્ય સમજી લઈએ કે કોઈનેય ટીકા કરવાનો કોઈ મતલબ નથી. કારણ આનાથી એ વ્યક્તિ ક્યારેય સુધરતી નથી. એટલું જ નહિ પણ પોતાની ટીકા સાંભળી માણસ પ્રતિકારક સ્વરૂપ ધારણ કરી લે છે અને મોટે ભાગે એના કાર્યને યોગ્ય અને જરૂરી સમજાવવા બને તેટલો પ્રયત્ન કરે છે.

ટીકા સાંભળવાથી માણસના કિંમતી સ્વાભિમાનને ઠેસ પહોંચે છે. આથી એનું મહત્ત્વ ખંડિત થાય છે. જેને પરિણામે તે ટીકાનો તથા ટીકા કરનાર કે સલાહ આપનાર બંનેનો પ્રતિકાર કરે છે.

ન્યૂયોર્કના ઈતિહાસમાં થઈ ગયેલા તમામ ઘાતકી અને ક્રૂર ખૂનીઓને ટપી જાય એવો ભયંકર કાતિલ ક્રાઉલી પવન તણખલાંને ઉડાડે એટલી સહેલાઈથી માણસને ગોળીએ ઉડાડી દેતો હતો.

ક્રાઉલીને પકડવો એ ન્યૂયોર્ક પોલીસ માટે પડકાર બની ગયો હતો. એકવાર જાહેર રસ્તા પર પોતાની પ્રિયતમાને ચુંબન આપતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું લાયસન્સ જોવા માગ્યું તો તેણે પોલીસને રીવોલ્વર કાઢી લઈને વધારાની બે ગોળી પણ તેને ઝીંકી દીધી હતી. સંખ્યાબંધ ખૂનો કરનાર ક્રાઉલી એક એપાર્ટમેન્ટમાં પોતાની માશુકાને મળવા આવવાનો હતો તેવી બાતમી મળતાં એ એપાર્ટમેન્ટને સેંકડો ડીટેક્ટીવો અને પોલીસોથી ઘેરો ઘાલી ટીયરગેસ છોડી ક્રાઉલીને પકડવાનો તખ્તો ગોઠવ્યો હતો.

હજ્જારો માણસોની વચ્ચે લગભગ એક કલાક જેટલી ગોળીઓની રમઝટ ચાલ્યા પછી ક્રાઉલી પકડાયો હતો.

ક્રાઉલી પર કેસ ચાલ્યો અને ઇલેકટ્રીક ચેરમાં એને ફાંસીની સજા મળી ત્યારે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે....'મારો બચાવ કરવાની મને આ સજા મળે છે, આ ક્યાં નો ન્યાય છે ? તમે નહિ માનો પણ મારા દિલમાં મમતાનો ભાવ છે. હું અત્યંત સંવેદનશીલ માણસ છું. હું ક્યારેય કોઈને પણ ઈજા પહોંચાડવામાં માનતો નથી. હા,..મને કોઈ કંઈ કહી જાય કે પડકારે તો મારો બચાવ કરવા હું એને ગોળી મારું તો એમાં ખોટું શું છે ? શું સ્વબચાવ એ વ્યક્તિનો બંધારણીય અધિકાર નથી ?'

મારે અહિં એ જ વાત સમજાવવી છે કે ગમે તેવું ખોટું કામ કરનાર પણ એ કામ માટે પોતાના સિવાય બીજા બધાને દોષી ગણાવે છે એટલે જ્યારે જ્યારે તમને કોઈની ટીકા કરવાનું કે કોઈને સલાહ આપવાનું મન થાય ત્યારે આ સત્ય બરાબર સમજી લેશો. કારણ ટીકા કરવાની વૃત્તિ હંમેશાં બૂમરેંગ થાય છે. તમારા ઉચ્ચારાયેલા શબ્દો વહેલાં કે મોડા તમારી તરફ જ પાછા ફેંકાય છે.

ઇતિહાસના પાના ઉથલાવશો તો આ સત્યને સાર્થક કરતા સંખ્યાબંધ દાખલાઓ તમને જોવા મળશે. જેનાથી એ સ્પષ્ટ થશે કે કોઈનીયે ટીકા કરવાનો કોઈ અર્થ નથી અને ટીકા કરવાથી કોઈ કામ સુધારી શકાતું નથી.

જર્મન લશ્કરમાં એવો નિયમ હતો કે કોઈ સૈનિક કોઈ અઘિટત બીના બન્યા પછી તરત જ એના વિશે ફરિયાદ ન કરી શકે, કે એના વિષે કોઈ ટીકા પણ ન કરી શકે. એને માટે એણે એક રાતનો સમય પસાર થવા દેવો પડે અને એના મગજને શાંત પાડવું પડે. જો એ ઘટના પછી તરત જ ફરિયાદ કરે તો એને શિક્ષા થાય.

આવો કાયદો વ્યક્તિના કૌટુંબિક અને સામાજિક જીવનને લગતી દરેક બાબતમાં હોવો જોઈએ. સંતાનોની સતત ટીકા કરતા મા-બાપોને, સતત કચકચ કરતા પતિદેવોને, પત્નીઓની...તથા જેમને લોકોની ભૂલો શોધવા સિવાય કોઈ ધંધો જ નથી એ સહુ કોઈને લાગુ પડવો જોઈએ !

તમે જો તંદુરસ્ત સંબંધો વિકસાવવા માંગતા હોવ અને તમારા મનને શાંત અને સ્વસ્થ રાખી વ્યક્તિત્વ વિકાસ ચાહતા હો તો એટલું યાદ રાખો કે તમે જેની ભૂલો શોધીને તેની ટીકા કરવા કે ઉપદેશ આપવા માંગો છો એ પોતે ભૂલ કરી છે એમ માનવા તૈયાર જ નથી. એ પોતાના કામને યોગ્ય ઠરાવવાની કોશિષ કરશે જ. જેમ તમે તેની ટીકા કરશો એમ તે તમારી ટીકા કરશે અને ટીકાયું તમારી માનસિક શાંતિ હણી લેશે.

વહેલાં કે મોડા આપણે એક સત્ય સમજી લઈએ કે કોઈનેય ટીકા કરવાનો કોઈ મતલબ નથી. કારણ આનાથી એ વ્યક્તિ ક્યારેય સુધરતી નથી. એટલું જ નહિ પણ પોતાની ટીકા સાંભળી માણસ પ્રતિકાત્મક સ્વરૂપ ધારણ કરી લે છે અને મોટે ભાગે એના કાર્યને યોગ્ય અને જરૂરી સમજાવવા બને તેટલા પ્રયત્ન કરે છે.

*૯૯% લોકો પોતે કોઈ ભૂલ કરી છે એ સ્વીકારવા તૈયાર નથી.

*સાબરમતીથી તિહાલ જેલમાં સજા ભોગવતા તમામ ગુનેગારો પોતાની જાતને નિર્દોષ સમજતા હશે એટલું જ નહિ પણ બીજાની દુષ્ટતાને કારણે જ તેમણે આવું કૃત્ય કરવું પડયું એમ ભારપૂર્વક જણાવશે.

*ગેંગસ્ટરો પણ પોતાની જાતને સમાજના ઉદ્ધારકો ગણાવે છે.

Tags :