Magazines

નવપરિણીત યુગલોમાં વધતું જતું ડીપ્રેશન (2)

By GS TEAM
16 Jun 20264 mins read
નવપરિણીત યુગલોમાં વધતું જતું ડીપ્રેશન (2)

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- કુટુંબમાં નાની નાની બાબતોની ફરિયાદો કે રોકટોક કરતા શાંતિથી ચર્ચા થાય એ જરૂરી છે

(ગતાંકથી ચાલુ)

૨૯ વર્ષના મનન કંપની સેક્રેટરી હતા અને તેના મૌલી સાથે અરેન્જડ મેરેજ થયા હતા. મનનને લગ્ન પહેલા જાતીય જીવન અંગેની ખૂબજ ઉત્સુકતા હતી અને ઘણા સ્વપ્ના હતા. પરંતુ લગ્નની પ્રથમ રાત્રીએજ પરફોર્મન્સ એન્ઝાઈટીને કારણે તેમને લિંગના ઉત્થાનની સમસ્યાઓ થઇ. એક-બે વખતના નિષ્ફળ પ્રયાસ પછી તે ખૂબજ ગભરાઈ ગયો અને તેને લાગવા માંડયું કે તે પુરુષ તરીકે નિષ્ફળ ગયો છે. પત્ની સમજદાર હતી અને તેને ઘણી હિંમત આપતી હતી પણ મનન સતત ચિંતા, શરમ, અપરાધભાવ અને ભય અનુભવતો હતો. તેથી તે પત્નીથી દૂર રહેવા લાગ્યો. તેની ઉદાસી વધી, આત્મવિશ્વાસ ઘટયો, ઊંઘમાં ઘટાડો થયો અને ઓફીસના કામકાજ પર પણ અસર થવા લાગી. તે વારંવાર પત્નીને કહેતો કે ''હું તને ખુશ રાખી શકતો નથી અને સંતોષ આપી શકતો નથી. આપણા દામ્પત્ય જીવનનો કોઈ મતલબ નથી.' મનનને લગ્ન પહેલા કોઈ માનસિક કે જાતીય રોગ નહતો પણ સ્વભાવે તે પરફેક્શનિસ્ટ હતો અને કોઈપણ કામમાં શ્રેષ્ઠ દેખાવનો આગ્રહી હતો. મનનનું નિદાન પણ જાતીય સમસ્યાને કારણે થયેલા ડીપ્રેશનનું કરાયું. આને પણ પી.એન.ડી. કહી શકાય. આપણા દેશમાં નવપરિણિત યુગલોનું લગ્નજીવન હવે પહેલા જેટલું આનંદદાયક નથી રહ્યું. લગ્નના શરૂઆતના સમયમાંજ પતિ અથવા પત્નીને ડીપ્રેશન થવાનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધતું જાય છે. આ ડીપ્રેશનને પોસ્ટ ન્યુપ્ટીયલ ડીપ્રેશન કહેવાય છે. જોકે પી.એન.ડી. એ અધીકૃત નિદાન નથી પણ આ દામ્પત્યજીવનમાં અનુકુલન સાધવામાં થતી સમસ્યાને કારણે જોવા મળતું મેજર ડીપ્રેશન કહી શકાય. પી.એન.ડી. થવાના કારણો સામાન્ય રીતે નીચે મુજબ હોય છે.

૧. નવા સંબંધો અને નવી ભૂમિકાઓ ભજવવામાં અનુકુલન સાધવાની અશક્તિ. ૨. દામ્પત્ય જીવનમાં અવાસ્તવિક અપેક્ષાઓ 

૩. કૌટુંબિક અને સ્વસૃપક્ષ સાથે ઉભા થતા મતભેદો. ૪. આર્થિક તનાવ 

૫. પતિ પત્ની બંનેની હાઈપ્રેશર નોકરી

૬. જિંદગીની જવાબદારીઓ અને લાઈફસ્ટાઈલમાં બદલાવ

૭. જાતીય અને ધારણાત્મક મુશ્કેલીઓ

પી.એન.ડી.માં સામાન્ય રીતે નીચેના લક્ષણો જોવા મળે છે.

સતત ઉદાસીનતાનો અનુભવ, કામકાજમાં રસ ન પડવો અને કોઈપણ વાતમાં આનંદ ન આવવો, સ્વભાવ ચીડિયો થઇ જવો, ઊંઘની તકલીફ થવી, સતત થાક અને કંટાળો અનુભવવું અને પોતે નકામા છે અને પોતાના જીવનનો કોઈ હેતુ નથી એવું માની સતત વિચારોમાં સરી પડવું.

આમ પણ ડીપ્રેશનનું પ્રમાણ દર આઠે ૧ સ્ત્રીમાં અને દર પંદરે ૧ પુરુષમાં જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ ૨૦૩૦ સુધીમાં ડીપ્રેશન વિશ્વની બીજા ક્રમની સૌથી વધુ વ્યાપક બિમારી તરીકે હૃદયના રોગોથી પણ અગાળ નીકળી જશે. ડીપ્રેશન થવા માટે અનુવાન્શીય જૈવરાસાયણિક અને બાહ્યવાતાવરણના વિવિધ પરિબળો જવાબદાર હોય છે. યુવાન દંપત્તિઓને થતા ડીપ્રેશન માટે ઘણીવાર તેમનો ઈગો જવાબદાર હોય છે. આ ઈગો તેમને દામ્પત્યજીવનમાં નાના નાના સમાધાનો કરતા રોકે છે અને કેટલીકવાર નાની વાત બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તદ્દઉપરાંત શહેરી સમાજમાં સહનશીલતા અને સહિષ્ણુતા ઝડપથી ઓછી થતી જાય છે. એટલા માટેજ આજના યુવાન દંપત્તિઓ ભિન્ન કારણસર હતાશામાં ગરકાવ થઇ જાય છે.

યુવાન દંપત્તિઓને એક વાત ચોક્કસ કહેવાની કે ડીપ્રેશનની સમયસર સારવાર કરાવે. સાથે સાથે અપેક્ષાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચે સંતુલન રાખી અને એક સત્ય સ્વીકારવું પડે કે લગ્ન એ કોઈ ફિલ્મની કથા નથી. દરેક દંપત્તિએ પોતાના સંબંધોને વિકસાવવા માટે પુરતો સમય આપવો પડે. પતિ-પત્ની બંનેએ પોતાની લાગણીઓ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવી જોઈએ.  'તું મને સમય આપતો નથી' ને બદલે 'મને તારી સાથે હજુ વધુ સમય કાઢવાની ઈચ્છા થાય છે' એવું કહેવું વધુ અસરકારક પૂરવાર થઇ શકે.

દરરોજ ઓછામાં ઓછી ૨૦ થી ૩૦ મિનીટ મોબાઈલ અને ટીવી વગર સાંજે સમય વિતાવવો જરૂરી છે એ સિવાય પોતાના મિત્રો, સગાઓ, શોખ, વાંચન, સંગીત વગેરે પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા રહેવું હિતાવહ છે. જો ઉદાસીનતા બે-ત્રણ મહિનાથી વધારે રહે તો દવાઓ ઉપરાંત  મેરાઈટલ કાઉન્સેલિંગ અનિવાર્ય બની જાય છે. નવપરિણીત સ્ત્રીને નવા વાતાવરણમાં અનુકુળ થવા માટે થોડો સમય મળી રહે એ પણ જરૂરી છે. કુટુંબમાં નાની નાની બાબતોની ફરિયાદો કે રોકટોક કરતા શાંતિથી ચર્ચા થાય એ જરૂરી છે. પતિએ પત્ની અને તેના કુટુંબી વચ્ચે સેતુરૂપ સંબંધ વિકસાવવો જરૂરી છે. લગ્નપૂર્વે યોગ્ય જાતીય શિક્ષણ આપવું પણ અત્યંત જરૂરી છે. સેક્સના સંબંધોને કોઈ પરીક્ષા ન સમજી પ્રેમ, ભૂખ અને સામીપ્યથી સુલઝાવવા જરૂરી છે.

દામ્પત્ય જીવનની હતાશાથી બહાર આવવાના ૧૦ નિયમો નીચે મુજબ છે.

૧. લગ્ન જીવનને 'પ્રોજેક્ટ' નહીં પણ 'પ્રવાસ' માનો. ૨. સંપૂર્ણ જીવનસાથી બનવાને બદલે સમજદાર જીવનસાથી બનવાનો પ્રયત્ન કરો. ૩. અપેક્ષાઓ કરતા સ્વીકાર વધુ મહત્વ ધરાવે છે.  ૪. સમસ્યાઓને મનમાં દબાવો નહીં પણ એની ચર્ચા કરો. ૫. પોતાના શોખ અને મિત્રોને છોડશો નહીં.

૬. 'અમુકના પતિ તો આવું કરે છે' એવી સરખામણી ટાળો

૭. જાતીય જીવન અંગેની ખોટી માન્યતાઓ દૂર કરો

૮. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નિયમિત ઊંઘ, કસરત અને સંતુલિત આહારની જરૂરીયાત સમજો

૯. મદદ માંગવામાં સંકોચ ન રાખો

૧૦. યાદ રાખો લગ્ન જીવનમાં સુખ તૈયાર મળતું નથી. તે પતિ-પત્ની બંનેએ સાથે મળીને બનાવવું પડે છે.

ન્યુરોગ્રાફ 

લગ્ન પછીની ઉદાસી તમારી નબળાઈ નથી. તે નવાજીવનમાં સમાયોજનની એક માનવીય પ્રતિક્રિયા હોઈ શકે છે. યોગ્ય સમજણ, સહકાર, સમય અને સારવારથી તમે ફરીથી આનંદ અને આત્મવિશ્વાસ મેળવી શકો છો.