નવપરિણીત યુગલોમાં વધતું જતું ડીપ્રેશન (1)

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- નવપરિણિત યુગલોનું લગ્નજીવન હવે પહેલા જેટલું આનંદદાયક નથી રહ્યું. લગ્નના શરૂઆતના સમયમાંજ પતિ અથવા પત્નીને ડીપ્રેશન થવાનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધતું જાય છે
સ પનાના લગ્નને માત્ર આઠ મહિના થયા હતા તેની ફરિયાદ એ હતી કે છેલ્લા ૨ મહિનાથી તે સતત ઉદાસ રહેતી હતી. તેને વારંવાર રડવું આવતું હતું. ઊંઘ અને ભૂખ ઘટી ગઈ હતી. લોકો સાથે વાતચીત કરવામાં તેને ખાસ રસ નહતો પડતો અને ભવિષ્ય તેને અંધકારમય લાગતું હતું.
આઠ મહિના પહેલા સપના ખૂબજ પ્રેમાળ, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને હસમુખી છોકરી તરીકે જાણીતી હતી. લગ્ન પહેલા તેને ભાવિ લગ્નજીવનનાં ખૂબજ રોમેન્ટિક સ્વપ્નાઓ સેવ્યા હતા. આઈ.આઈ.ટી. પોસ્ટ ગ્રેજ્યુએટ પતિ સમીર પાસેથી તેણે સુખી અને આદર્શ દામ્પત્ય જીવનના સ્વપ્નાઓ સેવ્યા હતા. લગ્ન પછી પતિને એક ખાનગી કંપનીની નોકરીમાં લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હતું. તે સવારે ૮ વાગ્યે ઘેરથી નીકળી જતા અને રાત્રે ૧૦ વાગ્યે માંડ ઘેર આવતા. આના લીધે સમીરને પત્ની સપના માટે ખાસ સમય મળતો નહતો.
શરૂઆતમાં સપનાએ વિચાર્યું કે નવી નવી નોકરીમાં થોડો સમય આવું ચાલશે પણ પછી બધું ઠીકઠાક થઇ જશે. પરંતુ પતિ સમીરનું કામકાજનું રૂટીન તો યથાવતજ રહ્યું. રાત્રે કામ પરથી આવીને પતિ એટલોબધો થાકી જતો કે જેથી આખો દિવસ ભાવનાત્મક દૂરીથી પીડાતી પત્નીની શારીરિક સામીપ્યની ઈચ્છાઓ પણ અધુરી રહી જતી. ધીરે ધીરે તે એકલતા અને નિરાશા અનુભવવા લાગી. પતિની નોકરી એવી જગ્યાએ હતી કે કોઈનું પણ તેમની સાથે રહેવું શક્ય નહતું અને આખો દિવસ સપના માટે કોઈજ કામ નહતું. ધીરે ધીરે તે સતત ઉદાસ રહેવા લાગી અને દિવસમાં અનેક વખત રડવા લાગી. તેને એવું લાગવા માંડયું કે તેનો પતિ તેને પ્રેમ કરતો નથી. તેની ઊંઘ અને ભૂખ પણ ઓછી થઇ ગઈ. સપના ભયાનક ડીપ્રેશનનો શિકાર બની ચુકી હતી. તે વારંવાર તેના સગાઓને ફોન પર કહેતી 'મને ખબર નથી કે લગ્ન પછી પણ હું ખુશ કેમ નથી.?'
સપનાની હિસ્ટ્રી લઇ તેની માનસિક સ્થિતિનું પરીક્ષણ કરી તે છગલેજાસીહા “Adjustment Disorder with depressed mood” એટલે કે પોસ્ટ ન્યુપ્ટીયલ ડીપ્રેશન (Postnuptial Depression) પી.એન.ડી. નો શિકાર હતી.
અંકિત અને મેઘા બંને ITમાં પોસ્ટ ગ્રેજયુએટ થઇ ગયા. કોલેજના અભ્યાસ દરમ્યાન જ તેઓ પ્રેમમાં પડયા અને બંનેની જ્ઞાતિ એકજ હોવાથી કૌટુંબિક સંમતિ મેળવી બંને રાજીખુશીથી પરણી ગયા. આમતો આ Made For Each other લાગતા યુગલનું દામ્પત્યજીવન કોઈ પરીકથા જેવું સુખમય હોવું જોઈએ એવું બધાને લાગતું હતું. પરંતુ લગ્નના એકજ વર્ષ બાદ અંકિતને એકાએક છાતીમાં ગભરામણ થવા લાગી. શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા અને તેને એવું લાગ્યું કે તેનું હૃદય બંધ પડી જશે. મેઘા પતિને લઈને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં પહોંચી ગઈ. ત્યાં એના એક્સ રે, લેબોરેટરી પરીક્ષણો, કાર્ડિયાક ટેસ્ટ, એમ.આર.આઈ. બધુજ કરાવ્યું પણ નિષ્ણાત તબીબોએ સ્પષ્ટ કહી દીધું કે અંકિતને કોઈ પ્રકારની શારીરિક બિમારી નથી. તેને મનોચિકિત્સા માટે લઇ જવાયો. મનોચિકિત્સકે તેના સંપૂર્ણ પરીક્ષણ પછી તેને પોસ્ટ ન્યુપ્ટીયલ ડીપ્રેશન એટલેકે દામ્પત્ય જીવનની હતાશા હોવાનું નિદાન કર્યું.
અંકિત અને મેઘા બંને ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રોફેશનલ્સ હતા અને તેમને અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબજ સારા પગારે નોકરી પણ મળી ગઈ હતી. બંનેની નોકરી ખૂબજ ડિમાન્ડિંગ અને હાઈ પ્રેશર જોબ હતી. એટલે બંને જણા ઘરની જવાબદારી એકબીજા પર ઢોળવા લાગ્યા. લગ્નનાં ૮ મહિના પછી મેઘાને તેની ઓફિસમાં ખૂબજ મહત્વનો પ્રોજેક્ટ મળ્યો. આ માટે તેને પોતાના કામમાં વધારે સમય આપવો જરૂરી હતો. એટલે મેઘાએ અંકિતને કહી દીધું કે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ઘરની અને સામાજિક એમ બધીજ જવાબદારી તારી. અંકિત સવારે વહેલો ઉઠી જતો. ઘરનું કામ પતાવી પોતાની નોકરીએ જતો અને બધી જ સામાજિક જવાબદારી પણ નિભાવતો. આમ બધુંજ કામ પોતાના પર આવી પડવાથી તેને સંબંધોમાં છેતરાયાની લાગણી ઉભી થઇ અને તેનામાં દામ્પત્ય જીવનની હતાશાનાં બીજ રોપાયા. આ ડીપ્રેશનમાંથી મુક્ત થવા માટે અંકિતે લગભગ ૧ વર્ષ સુધી સારવાર કરાવવી પડી.
૨૪ વર્ષની પશ્મિના ન્યુક્લીઅર પરિવારમાં ઉછરી હતી. અને તેના લગ્ન સંયુક્ત પરિવારમાં રહેતા પરીન સાથે થયા. તેના ઘરમાં સાસુ, સસરા, બે દિયર અને એક નણંદ તેની સાથે રહેતા હતા. લગ્ન પછી એને ઘરકામ ઉપરાંત બધાજ સભ્યોની કાળજી લેવાનું કામ સોંપવામાં આવ્યું. તેના કામની સાસુ દ્વારા વારંવાર ટીકાઓ થવા લાગી. તેને રસોઈ, ઘરકામ કરવામાં અને સામાજિક સંબંધો જાળવવામાં કોઈ સમજ પડતી નથી એવું સાસુમા વારંવાર કહેવા લાગ્યા. પતિ પરીનનો પશ્મિનાને સહકાર પુરેપુરો હતો પણ પરિવારની સામે પતિ બિન અસરકારક પુરવાર થયાં. લગ્નના ત્રણજ મહિના પછી પશ્મિના મૌન રહેવા લાગી. તે પોતાની જાતને નકામી અને અસમર્થ માનવા લાગી. તેની ઊંઘ ઘટી અને થાક વધ્યો. તેને વારંવાર પિયર જવાની ઈચ્છા થવા લાગી. તે પતિને રોજ કહેવા લાગી 'આ ઘરમાં હું બોજ સમાન છું એટલે રહેવાનો મને કોઈ અધિકાર નથી.' પશ્મિનાને લગ્ન પૂર્વે કોઈજ માનસિક રોગ નહતો. પરંતુ એકાએક સંયુક્ત પરિવારની આવી પડેલી જવાબદારી અને જુદા જુદા રિવાજો તથા પતિના ઔપચારિક ઈમોશનલ સપોર્ટને કારણે તે હતાશા અનુભવવા લાગી. તે પોતાની જાતને નકામી માનવા લાગી. પશ્મિના પણ પોસ્ટ ન્યુપ્ટીયલ ડીપ્રેશન - પી.એન.ડી. એટલે દામ્પત્ય જીવનની હતાશાથી પીડાતી હતી.
(ક્રમશ:)








